GSTV
Home » News » દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર મેધમહેર વચ્ચે હજુ પણ અતિભારે વરસાદની અાગાહી

દક્ષિણ ગુજરાતમાં સાંબેલાધાર મેધમહેર વચ્ચે હજુ પણ અતિભારે વરસાદની અાગાહી

ગુજરાતમાં ચોમાસુ આગળ વધી રહ્યું છે ત્યારે આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થશે. ગુજરાતની આસપાસ બે સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી રાજ્યભરમાં સારો વરસાદ વરસી શકે છે. જ્યારે કે સૌરાષ્ટ્રમાં ભાવનગર, ગીર, જૂનાગઢ, સોમનાથ, અમરેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો અમદાવાદમાં આગામી 24 કલાકમાં સામાન્ય વરસાદની આગાહી.. ભારે વરસાદની આગાહીને પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થતાં વલસાડ, નવસારી, વડોદરા અને ભરૂચમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. જેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવાની સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઠેરઠેર ટ્રાફિક જામના પ્રશ્નોની સાથે રેલ વાહનવ્યવહારને પણ અસર થઈ છે. લોકો ઘૂંટણસમા ભરાયેલા પાણીમાંથી નીકળી રહ્યાં છે. અાજે દક્ષિણ ગુજરાતમાં વરસાદે  મહેરને બદલે કહેર વરસાવ્યો છે અે પણ વાસ્તવિકતા છે.

સમગ્ર ગુજરાતમાં આજે વરસાદનો માહલો જામ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ મોડી રાત્રેથી જ વરસાદ અવિરત પણે વરસી રહ્યો છે.  નવસારી અને વલસાડની પરિસ્થિતિ ધીરે ધીરે વકરી રહી છે. આ બંને જિલ્લાઓમાં વરસાદ સતત વધી રહ્યો છે. જેને કારણે જનજીવન ખોરવાયું છે. તો બીજી તરફ, સમગ્ર રાજ્યમાં વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.નવસારી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. નવસારીમાં સારો વરસાદ થતા ગ્રામ્ય વિસ્તારો જળમગ્ન થઈ ગયા હતા. નવસારીમાં જિલ્લામાં ચીખલીમાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ વરસતા બધે પાણી-પાણી થઈ ગયું હતુ.  જ્યારે કે ખેરગામ તાલુકામાં 6 ઈંચથી વધુ,  વાંસદા અને ગણદેવી તાલુકામાં પાંચ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.. તો નવસારી અને જલાલપોરમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો..

નવસારીમાં સાંજે ૪ વાગ્યે પુરા થયેલા ૨૪ કલાકમાં જિલ્લાનો વરસાદ

  • નવસારી તાલુકો –      ૫૭ મિમી (૨.૨૮ ઇંચ)
  • જલાલપોર તાલુકો –   ૫૮ મિમી, (૨.૩૨ ઇંચ)
  • ગણદેવી તાલુકો –       ૧૨૭  મિમી (૫.૦૮ ઇંચ)
  • ચીખલી તાલુકો –        ૧૯૦  મિમી (૭.૬ ઇંચ)
  • વાંસદા તાલુકો –         ૧૩૦ મિમી, (૫.૨ ઇંચ)
  • ખેરગામ તાલુકો –       ૧૫૪ મિમી (૬.16 ઇંચ)

રાહત બચાવના લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરાઈ

દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિસ્તારોમાં ખાબકેલા વરસાદને પગલે ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ દ્વારા તાકીદની બેઠક બોલાવાઈ હતી. રાહત કમિશ્નર મનોજ કોઠારીના અધ્યક્ષ સ્થાને આ બેઠક યોજાઈ હતી. જેમાં રાહત બચાવના લેવાયેલા પગલાં અંગે ચર્ચા કરાઈ છે. ઉમરગામ સહિતના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી વિકટ સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. આ બેઠકમાં NDRF, નેવી, કોસ્ટગાર્ડ, આર્મી અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડમાં ગરનાળાં ભરાયાં, ઠેરઠેર ટ્રાફિક જામ

વલસાડમા ગતરાતથી વરસાદ મનમુકીને વરસી રહ્યો છે. ત્યારે વલસાડ, વાપીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. વાપીમાં વાપી જીઆઇડીસી, વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી ભરાઈ જવાને કારણે લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. વાપીમાં નવા અને જૂના બન્ને ગરનાળામાં કેડ સમા પાણી ભરા઼ઇ જતા બન્ને નાળા બંધ  કરી દેવાયા છે. લોકોએ એકમાત્ર ઓવરબ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડતા ટ્રાફિક જામ સર્જાયો હતો. જીઆઈડીસીના મોટાભાગની કંપનીઓમાં અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતાં.  મધુબન ડેમની જળસપાટી ૬૭. ૫૦ રહી હતી. પાણીની આવક ૪૯૭૯ ક્યુસેક અને જાવક ૩૭૭ ક્યુસેક રહી છે. વરસાદથી પાણી ભરાવાના અને ઝાડ પડવાના, વાહનો બગડવાના બનાવો બન્યા છે.

ઓરસંગ નદીમાં નવા નીર આવ્યાં

 

છોટાઉદેપુરમાં પણ ધોધમાર વરસાદ થયો છે. પવન અને વવાઝોડા સાથે ભારે વરસાદ થયો છે. તો દિવસ દરમિયાન કાળા ડિબાંગ વાદળો છવાયેલા રહ્યાં. વરસાદની સારી શરૂઆતને પગલે ખેડૂતોમાં ખુશી ફેલાઈ છે. અહીંથી પસાર થતી ઓરસંગ નદીમાં નવા નીર આવ્યાં છે. વાવણી લાયક વરસાદથી ખેડૂતોને સારા પાકની આશા બંધાઈ છે. સંખેડા, ક્વાંટ, નસવાડી સહિત સમગ્ર જિલ્લામાં મેઘમહેર છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે કવાંટમાં કરા નદીમાં નવા નીર આવ્યાં છે. કરા નદી કવાંટ તાલુકાની જીવાદોરી સમાન છે. છોટાઉદેપુરમાં 24 મિલીમિટર, બોડેલીમાં8 મિલીમિટર, જેતપુર પાવીમાં 25, સંખેડામાં 30, નસવાડીમાં 8 અને કવાંટમાં 34 મિલીમિટર વરસાદ નોંધાયો છે.

નેત્રંગમાં સૌથી વધુ ૧૮૧ મી.મી વરસાદ વરસ્યો

ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. ભરૂચ જીલ્લામાં અંકલેશ્વર,ઝઘડિયા,વાલીયા,નેત્રંગ પંથકમાં ભારે વરસાદના પગલે જનજીવન ને અસર થઇ છે. ભરૂચમાં સમગ્ર દિવસ દરમ્યાન ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો.જો કે આમ છતાં કેટલાયે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા તો જ્યાં રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી ત્યાં કાદવ કીચડ થતા લોકોમાં રોષ જોવા મળતો હતો.

ભરૂચ જીલ્લામાં વાગરા તાલુકા સિવાય તમામ તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સવારના ૬ વાગ્યા થી બપોર ના ૨ વાગ્યા સુધી નેત્રંગમાં સૌથી વધુ ૧૮૧ મી.મી વરસાદ વરસ્યો હતો. તો વાલીયામાં ૧૪૦ મી.મી, અંકલેશ્વર માં ૯૦ મી.મી, જંબુસર -ભરૂચ માં ૩૧ મી.મી, હાંસોટ માં ૨૩ અને ઝઘડિયામાં ૨૫ મી.મી વરસાદ નોંધાયો છે. તો અવિધા પાસે એસ.ટી બસ પુરના પાણીમાં ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. આ અંગેની જાણ થતા પોલીસ કર્મચારીઓએ દોડી જઈ બસમાં રહેલા ૧૭ જેટલા મુસાફરોને બચાવ્યા હતા.

Related posts

વર્ષ ૨૦૦૮થી ગુજરાતીઓ અમેરિકા પાસે કરી રહ્યા છે આ માગ, શું ડોનાલ્ડ ટ્રમ્પ આપશે ભેટ ?

Nilesh Jethva

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને મીડિયા માટે ખુલ્લુ મુકાયું, આવો છે અંદરનો ભવ્ય નજારો

Nilesh Jethva

સીએમ રૂપાણી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!