GSTV
Home » News » VIDEO : આજે મેઘરાજાએ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓને ધમરોળ્યાં, જુઓ ક્યાં કેવી હાલત?

VIDEO : આજે મેઘરાજાએ ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓને ધમરોળ્યાં, જુઓ ક્યાં કેવી હાલત?

રાજ્યમાં આજે ઘણા સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આજે ઘણા સ્થળોએ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વરસાદી માહોલ વચ્ચે રાજકોટમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્ચો છે. આ ઉપરાંત અમદાવાદ, વાપી, છોટાઉદેપુર સહિત રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે.

વાપી

દક્ષિણ ગુજરાતના વાપીમાં બારે મેઘ ખાંગા થયા છે. વાપીમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.અંદાજે 4 કલાકમાં 11 ઈંચ થઈ વધુ વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈને રાતભરે ટ્રેન વ્યવહાર અને વાહન વ્યવહારને અસર થઈ હતી. વરસાદના કારણે ગીતાનગર, વાપી-દમણ રોડ, વાપી-સેલવાર રોડ, ચણોદ અને છિરી ગામ રોડ પર પાણી ભરાયા હતાં.

નીચાણાવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો પરેશાન થયા હતા. સોમવારે અંદાજે 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પારડીમાં 1.5 ઇંચ, કપરાડામાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે. જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદના પગલે દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે. જેથી વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ગામડાઓને એલર્ટ રહેવાના આદેશ આપ્યાં છે.

અમદાવાદ

અમદાવાદમાં પણ સોમવારથી વરસાદી માહોલ છવાયેલો છે. શહેરના તમામ વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શહેરના એસ જી રોડ, સેટેલાઇટ, શ્યામલ, વેજલપુર, ઘાટલોડિયા સહિતના વિસ્તારમાં સવારે ધોધમાર વરસાદી ઝાપટુ પડ્યું હતું. પૂર્વ વિસ્તારમાં પણ વરસાદ પડ્યો હતો.

છોટાઉદેપુર

રાજ્યમાં મેઘ મહેર વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. વહેલી સવારથી શરૂ થયેલાં વરસાદના કારણે નસવાડીના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. સંખેડામાં 4 કલાકમાં 1 ઈંચ અને જેતપુર પાવીમાં 20 મી.મી વરસાદ નોંધાયો છે. આ સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડ્યો છે.

રાજકોટ

રાજકોટમાં વરસાદી માહોલ સર્જાયો છે ત્યારે વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. રાજકોટમાં ચાલુ વર્ષે સિઝનનો 47 ઇંચ વરસાદ નોંધાયો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે જનજીવન પ્રભાવિત બન્યું હતું.

અમરેલી

રાજ્યના અમરેલી જીલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. સાવરકુંડલાના ધોબા ગામમાં 3 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભમોદરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.  આ તરફ ખાંભામાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ખાંભા તાલુકામાં 1થી 1.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

સાવરકુંડલાના ઘોબા ગામમાં ફુલકું નદીના પાણી ઘુસ્યા છે. ઘોબાની પ્રાથમિક શાળામાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે. જેથી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે. સાવરકુંડલાના મેંકડામાં ગામમાં 1 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે.

સાવરકુંડલાના ખડસલીમાં ધોધમાર વરસાદ પડ્યો. ખડસલીમાં 2.5 ઇંચ વરસાદ વરસાદ વરસતા બજારોમાં વરસાદી પાણ ઘુસ્યા છે. ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલી વધી છે. સાવરકુંડલાના વિજપડી અને મઢડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે.

વડોદરા

વડોદરા પાદરામાં પણ વરસાદને પગલે શાળામાં પાણી ભરાયા છે. પાદરાના હરણમાળ ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી. આ ઘટનાની જાણ થતા જિલ્લા પંચાયતના કારોબારી અઘ્યક્ષ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. શાળામાં પાણી ભરાતા વાલીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. વડોદરા શહેરમાં સિઝનનો 775 મી.મી વરસાદ નોંધાયો છે. વડોદરામાં ચોંકાવનારા દ્રશ્યો ત્યારે જોવા મળ્યાં જ્યારે શહેરના નવનિર્મિત વડોદરા ઍરપોર્ટની છતમાંથી વરસાદી પાણી ટપકતું જોવા મળ્યું.

પાટણ

હવામાન વિભાગે રાજ્યમાં કરેલ આગાહી મુજબ પાટણમાં પણ વરસાદનું આગમન થયું છે. પાટણમાં કાળા ડિબાંગ વાદળા વચ્ચે વરસાદ તૂટી પડ્યો હતો. મેઘરાજા મન મૂકીને વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

મહેસાણા

મહેસાણા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. જીલ્લામા પડેલા વરસાદના આકંડા પર નજર કરીએ તો મહેસાણા 22 મીમી, ખેરાલુ-10 મીમી, બહુચરાજી 8 મીમી, વડનગર 15 મીમી, સતલાસણા 5 મીમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વિજાપુરમાં 28 મીમી વરસાદ વરસી ચુક્યો છે.

હિંમતનગર

અસહ્ય ઉકળાટ બાદ હિંમતનગરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા. ત્યારે વરસાદ પડતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી છે.

મહિસાગાર

મહિસાગરના બાકોર ગામમાં આવેલુ તળાવ વરસાદના કારણે ઓવર ફ્લો થયું છે. તળાવનું પાણી ગામ સહિત રસ્તાઓ પર ફરી વળ્યું હતું. તળાવ ઓવર ફ્લો થવાનો પ્રશ્ન કાયમી ધોરણે હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. લુણાવાડા તથા સંતરામપુર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જેના કારણે લોકોની હાલાકી વધી છે.

ડાંગ

ડાંગના સાપુતારામાં ભારે વરસાદ પડ્યો છે. વરસાદના પગલે અનેક નદીઓમાં પાણીની આવક થઈ છે. જેથી ડાંગના અનેક ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. મહુપાડા અને સીનબંધને જોડતા કોઝવે પર પાણી ફરી વળતા માર્ગ વ્યવહાર ખોરવાયો છે.

મોરબી

મોરબીમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાની સાથે પંથકમાં વીજળી ગુલ થઈ ગઈ હતી. વરસાદના પગલે મોરબીના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. વરસાદથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી હતી.

માંગરોળ

માંગરોળમાં વહેલી સવારથી અવિરત વરસાદ પડતા ચાર કલાકમાં આઠ ઇંચ જેટલો વરસાદ પડવાના કારણે નોળી નદી તેમજ લંબોરા ડેમ છલકાયા છે. વરસાદની જરૂરિયાત સમયે જ વરસાદ આવતા ખેડૂતોમાં હરખની લાગણી જોવા મળી રહી છે.

મહત્વપૂર્ણ છે કે રાજ્યના હવામાન વિભાગ દ્વારા 4 દિવસની આગાહી આપવામાં આવી છે. જે અંર્તગત અપર એર સર્કુલેશનને પગલે રાજ્યમાં આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

Related posts

ડુબતા માણસને બચાવવા ભાગ્યો હાથી અને પાણીમાં કુદી ગયો, વીડિયો થયો વાયરલ

Kaushik Bavishi

પાકિસ્તાનથી પાંચ મહિનાના બાળકનું કર્યું કિડનેપ, બેગમાં આવી રીતે રાખીને પહોંચ્યું દુબઈ

GSTV Desk

અમદાવાદના અનેક સીસીટીવી કેમેરા શોભાના ગાઠીયા જેવા, તંત્રના આંખ આડા કાન

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!