GSTV

રાજકોટ-સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું / મોટાભાગના વિસ્તારો જળમગ્ન, દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કરી બચાવાઈ રહ્યા છે લોકોના જીવ

Last Updated on September 13, 2021 by Pritesh Mehta

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આભ ફાટતા અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં મોટા પાયે પાણી ભરાયા છે. પરંતુ ઘુંટણસમા પાણી અને ચાલુ વરસાદે પણ પોલીસની દિલધડક કામગીરી સામે આવી છે. ચાલુ વરસાદમાં રસ્તા પર ટ્રાફિક કંટ્રોલ કરતા પોલીસ કર્મચારીઓનો વીડિયો સામે આવ્યો છે. ધોધમાર વરસાદ અને વિકટ પરિસ્થિતિમાં પણ ટ્રાફિક પોલીસ અડીખમ રહીને તેમની ફરજ બજાવી રહી છે. રાજકોટના લોકો સલામત રહે તે માટે પોલીસે અભિયાન છેડ્યું છે. પોલીસે શહેરમાં ફરતા લોકોને ઘરમાં તેમજ સલામત સ્થળે રહેવાની અપીલ કરી છે.

રાજકોટ

તો રાજકોટમા પણ ઠેર ઠેર પાણી ભરાયા છે. અહીના વોર્ડ નંબર ૧૪ પાસે આવેલા હાથીખાના વોકડામાં અનેક લોકો ફસાયા હતા. જ્યાં અધિકારીઓ કે તંત્ર ન પહોંચતા કોંગી આગેવાનોએ રેસ્કયૂ ઓપરેશન હાથ ધરીને લોકોને બચાવ્યા હતા. પચાસથી વધુ લોકોને કોંગી નેતા રણજીત મુંધવા. રમેશ તલાટીયા. એન ડી ગોહેલએ પાણીમાંથી બહાર કાઢયા હતા. તેમની સાથે સ્થાનિક પોલીસ અધિકારીઓ પીઆઇ જોશી અને પીએસઆલ ભટ્ટ પણ રેસ્કયૂ કામગીરીમાં જોડાયા હતા.

રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢડા ગામે ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેથી મોજ નદી ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો હતો. જેના લીધે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા સપ્તાહથી વરસાદી મેઘમહેર યથાવત્ જોવા મળી રહી છે.

રાજકોટ જિલ્લામાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી બાદ તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. જેના પગલે જિલ્લાના 19 ગામડાઓને સાબદાં કરાયા છે. આજી-2 ડેમ વિસ્તારમાં વસતા લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ આજી-૩ ડેમના હેઠવાસના ગામોના લોકોને નદીનાં પટમાં અવર-જવર ન કરવા તંત્ર તરફથી સૂચના આપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના લોધિકા અને પડધરી તાલુકામાં વહેલી સવારથી અનરાધાર વરસાદનું આગમન થયું છે. જેના લીધે મોટાવડા ગામ પાસે ડોંડી નદી બે કાંઠે વહેતી થઈ. ફ્લડ કંટ્રોલ વિભાગે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા હતા.

રાજકોટ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી સતત મેઘમહેર જોવા મળી હતી. ગોંડલમાં મોડી રાતથી જ સતત વરસાદ ચાલુ રહ્યો હતો. વરસાદી માહોલને લીધે બફારામાંથી લોકોને રાહત મળી હતી. સિઝનમાં પ્રથમવાર અવિરત વરસાદ જોવા મળ્યો હતો. ખેતરમાં સુકાઈ જતા મોલને વરસાદને લીધે નવજીવન મળ્યું હતું.

રાજકોટ શહેર સહિત ગ્રામ્યમાં અવિરત મેઘમહેર જોવા મળી હતી. જેના લીધે ફોફળ ડેમમાં માત્ર એક જ રાતમાં નવ ફૂટ જેટલા નવા નીરની આવક થતા ધોરાજી તેમજ જામકંડોરણાનું પીવાના પાણીનું સંકટ દૂર થયું છે. ફોફળ ડેમની હાલ 15 ફૂટની સપાટીએ પહોંચી છે. કુદરતે એક જ રાતમાં દુષ્કાળમાં જનતાને બહાર કાઢી હતી. સિંચાઈના પાણીના પ્રશ્નો સંકટ દૂર થયું છે અને સમગ્ર વિસ્તારમાં ખેડૂતો તેમજ આમ જનતામાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને કારણે રાજકોટ જામનગર હાઇવે બંધ કરવાની નોબત પડી છે. રાજકોટ જામનગર નેશનલ હાઇવે પર ઠેર ઠેર પાણી ભરાયા છે. હાઇવે પર અનેક ઠેકાણે વાહનો ફસાયા છે.

રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદને કારણે અનેક ડેમોમાં નવા નીર આવ્યા. પડધરી તાલુકાના ખજુરડી ગામ પાસેના આજી-3 ડેમમાં પાણીની સતત આવક થઇ. જેના કારણે આજી-3 ડેમના 12 દરવાજા 5 ફૂટ ખોલવામાં આવ્યા છે. જેના કારણે ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા પડધરીના ખજુરડી ઉપરાંત થોરીયાડી. ખીજડીયા મોટા. મોરબીનું ખાખરા ગામ. જોડિયાના બોડકા. જશાપર. જીરાગઢ. મેઘપર. ટીંબળી. ધ્રોળના મોડપર. ધરમપુર અને સગાડીયા ગામોના નાગરિકોએ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે. હાલ ડેમમાં 67 હજાર 528 ક્યુસેક પાણીની આવક છે.

 રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે જિલ્લાના નાના-મોટા જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે. વીરપુના જેપુર ગામ પાસેનો છાપરવાડી ડેમ-2માં નવા પાણીની આવક થઈ હતી. ઉપરવાસમાં વરસાદને લીધે ડેમમાં 15 ફૂટ નવા નીર આવ્યા હતા. સિંચાઈ માટે ઉપયોગમાં લેવાતો છાપરવડી ડેમમાં સારા પાણીની આવકને લીધે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

રાજકોટ જીલ્લાના ધોરાજીમાં પણ ધોધમાર વરસાદે મુશ્કેલી સર્જી છે. ધોધમાર વરસાદને પગલે ઘરોમા પાણી ભરાયા છે. ધોરાજીના રામપરા વિસ્તારમા ઘરોમાં પાણી ભરાયા છે. સ્થાનિક લોકો પોતાના ઘરોમા ભરેલ પાણી ઉલચીને બહાર કાઢવા લાગ્યા હતા.

રાજકોટ જિલ્લાના ઉપલેટાના મોટી પાનેલી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. સાતવડી ગામ સંપર્ક વિહોણું બન્યું છે. સાતવડી ગામના કોઝવે ઉપરથી ત્રણ ફૂટ પાણી વહી રહ્યું છે. ભારે વરસાદને કારણે ફુલઝર ડેમમાં નવા નીરની આવક થતાં ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. ઉપરવાસના બુટાવદર. બગધરા. મેથાણમા ભારે મેઘતાંડવ થયુ છે. ઉપરવાસમાં છ થી સાત ઇંચ વરસાદ ખાબકતા નદીઓ ગાંડીતુર બની છે.

રાજકોટમાં ધોધમાર વરસાદને કારણે પોપટપરાનું નાલું ફરી એક વખત બંધ થતાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. પોપટપરાનું નાલું બંધ થતાં નાલાની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. પોલીસ દ્વારા રસ્તો બંધ કરી પ્રજાને અવરજવર કરવાની મનાઇ ફરમાવવામાં આવી છે. મહત્વનું છે કે દર ચોમાસે પાણી ભરાવાને કારણે પોપટપરાનું આ નાલું બંધ થવાને કારણે અવરજવર કરવામાં નાગરિકોને ભારે મુશ્કેલી પડે છે.

રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના છાપરા ગામ પાસે કાર તણાઈ. કારમાં ત્રણ લોકો સવાર હતા. જે પૈકી એક વ્યક્તિ કારમાંથી બહાર નિકળ્યો હતો. જ્યારે બે લોકો કારમાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી. રાજકોટ ફાયર વિભાગના જવાનો ફસાયેલા લોકોને બચાવવા માટે પહોંચ્યા હતા.

ધોરાજીમાં ભારે વરસાદને કારણે 100થી વધુ દુકાનોમાં પાણી ઘુસી ગયા. ધોરાજીના જેતપુર રોડ તેમજ શાકમાર્કેટ નદી બજાર વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા.

ધોરાજીમાં ૭થી ૮ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જેથી શહેરના નિચાણવાળા વિસ્તાર બેટમાં ફેરવાયા. તો બીજી તરફ તંત્રના પાપે લોકોને હેરાન થવાનો વારો આવ્યો હતો.

ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગોંડલનું વેરી તળાવ એક ફૂટ ઉપરથી ઓવરફ્લો થયું છે. સતત વરસાદના કારણે નદી-તળાવમાં નવા નીરની આવક થઈ છે. ત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે.

રાજકોટમાં ભારે વરસાદને પગલે રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો. મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તા પર પાણી ફરી વળ્યા. મવડી ગામની નદીમાં ઘોડાપુર આવતા રાજકોટ અને કણકોટ ગામને જોડતો રસ્તો બંધ થયો.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને લીધે ઉપલેટાનો વેણુ-2 ડેમ સિઝનમાં બીજીવાર છલકાયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી વેણુ-2 ડેમમાં પાણીની વિપુલ આવક થતા ડેમના 15 ગેટ પાંચ ફૂટ ખોલવા પડયા હતા. હાલ વેણુ-2 ડેમમાં 4,1840 ક્યુસેક પાણીની આવક ચાલુ રહી છે. જેના લીધે ડેમના નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી.

રાજકોટની ખોખળદળ નદીમાં ઘોડાપૂર આવ્યુ છે. નદીમાં પાણીની આવક વધતા વેલનાથપરા વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતા. આશરે ઘરમાં ચાર ફૂટ સુધી પાણી ભરાતા લોકોની હાલાકીમાં વધારો થયો હતો.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદે રીતસરનું ઘમરોળ્યું હતું. જિલ્લાના પાળ ગામે ધોધમાર વરસાદને લીધે જખરાપીર મંદિરમાં પાણી ભરાયા હતા. વરસાદી પાણીને લીધે ગામ આખું સંપર્કવિહોણું થયું હતું.

રાજકોટની આજી નદી ગાંડીતૂર બની છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે થોરાળાનો જૂનો પુલ પાણીમાં ગરકાવ થયો. હાલ નવો પુલ ચાલુ છે. તો વળી જુના થોરાળા વિસ્તારના પુલ પર પાણી ફરી વળ્યા છે. જેથી પુલની ગ્રિલ પણ તૂટી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે અમારી Android App ડાઉનલોડ કરો…

ALSO READ:

Related posts

BIG BREAKING: અમદાવાદમાં કાંકરિયા કાર્નિવલ નહીં યોજાય, AMCની રિક્રિએશન કમિટીએ લીધો નિર્ણય

pratik shah

ખેડૂત આંદોલન/ કોંગ્રેસે સાધ્યું મોદી સરકાર પર નિશાન, સરકાર પાસે આઈબીથી લઈને દિલ્હી પોલીસ સુધીના દરેક પ્રકારના ડેટા

pratik shah

સાંતેજ દુષ્કર્મ કેસ / ગાંધીનગર કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવી જલદી પૂર્ણ કરી ટ્રાયલ, જાણો આરોપીના વકીલે શું કરી દલીલ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!