GSTV

19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ : 48 કલાક અાફતભર્યા, હવામાન વિભાગની ચેતવણી

Last Updated on June 30, 2018 by Karan

આગામી  બે દિવસ દરમિયાન દેશના ઘણાં રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના છે.  હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ.. તટવર્તી અને દક્ષિણ કર્ણાટક, મહારાષ્ટ્રના કોંકણ, ગોવા, કેરળ પૂર્વ અને પશ્ચિમી રાજસ્થાન, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, પશ્ચિમી મધ્યપ્રદેશ, ઉત્તર ગુજરાત, તેલંગાણામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.  દેશના મોટાભાગના વિસ્તારોમાં હવે મોનસૂનનો વરસાદ થઈ રહ્યો છે. ક્યાંક વરસાદ રાહત લઈને આવ્યો છે.. તો ક્યાંક આફત બનીને ત્રાટક્યો છે. હિમાચલના ચંબામાં રાવી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. અહીં તેને કારણે ભારે નુકસાન થયું છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં ઝેલમ નદીનું જળસ્તર ખતરના નિશાન પર પહોંચી ચુક્યું છે. રાજસ્થાનના બિકાનેરમાં વરસાદનું પાણી લોકોના મકાન અને સડકોમાં ભરાઈ ગયું છે. અહીં બે લોકોના મોત થઈ ચુક્યા છે. આખા દેશમાં મોનસૂન 15 જુલાઈ સુધી આવવાનું હતું.. પરંતુ મોનસૂન નિર્ધારીત સમય કરતા 17 દિવસ પહેલા જ આખા દેશમાં પહોંચી ચુક્યું છે. યુપી, પંજાબ, ઉત્તરાખંડ સહીત પૂર્વોત્તરમાં વરસાદનું અનુમાન છે. હિમાચલ પ્રદેશના ચંબા, શિમલા અને મનાલીમાં વરસાદને કારણે પર્યટનને મોટું નુકસાન પહોંચ્યું છે. જમ્મુ-કાશ્મીરના દક્ષિણી વિસ્તારો અનંતનાગ અને કુલગામમાં પણ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

અલકનંદા નદીમાં પાણી છોડાતાં મજૂરો ફસાયા

ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારમાં આવેલા શ્રીનગરમાં અલકનંદા નદીમાં પાણીની આવકને કારણે જળસ્તરમાં અચાનક વધારો થયો છે. અહીં કામ કરી રહેલા મજૂરોને ઘણી મહેનતે બચાવવામાં આવ્યા છે. અલકનંદા નદી પર બનેલી જળવિદ્યુત યોજનામાંથી અચાનક પાણી છોડવાને કારણે ટાપુ પર ખનન કામ કરી રહેલા મજૂરો ફસાયા હતા. લગભગ ત્રીસથી ચાલીસ મજૂરો અને વીસ જેટલી ટ્રકો ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ હતી.

સાઉથ કાશ્મિરમાં પૂરની સ્થિતિ

કાશ્મીર ખીણમાં ભારે વરસાદને કારણે દક્ષિણ કાશ્મીરમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ છે. શુક્રવારે સાંજ સુધીમાં ઝેલમ નદીમાં પાણીનું સ્તર 21.34 ફૂટ હતું.. જે પૂરના નિશાનથી ઉપર છે. જ્યારે શ્રીનગરમાં ઝેલમનું જળસ્તર 13.34 ફૂટ છે. આ જળસ્તર ખતરના નિશાન 16 ફૂટથી થોડું નીચે છે. ઝેલમનું જળસ્તર 16 ફૂટ પર પહોંચતા પૂર ઘોષિત કરી દેવામાં આવે છે. વરસાદને કારણે અહીં નદીઓના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. અનંતનાગ, રાજૌરી, કુલગામના દરેક સ્થાને પાણીને કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે.

ચંબામાં રાવી નદીઅે મચાવી તબાહી

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રાવી નદી ભારે તબાહી મચાવી રહી છે. રાવી નદીમાં પાણીની મોટી આવકને કારણે સૌથી વધારે ખરાબ હાલ નીચલા વિસ્તારોનો છે. હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં 96 મિલીમીટર વરસાદ નોંધાઈ ચુક્યો છે. ગત બે દિવસોમાં જ 16 ટકાથી વધારે વરસાદ થઈ ચુક્યો છે. જેને કારણે તેના પરનો બંધ પાણીથી છલોછલ થઈ ચુક્યો છે. રાવી અને બિયાસ નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ પાણી લોકો માટે આફત બની રહ્યું છે. મનાલી-લેહ નેશનલ હાઈવે પર મઢી નજીક પહાડો પરથી શિલાઓ પડી છે. તેને કારણે સાત કલાક સુધી હાઈવે ઠપ્પ રહ્યો છે. સેંકડો પર્યટકો પણ ફસાયા હતા. મનાલીમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે. જ્યારે લાહૌલ-સ્પીતિ જિલ્લામાં પણ ઘણાં સ્થાનો પર સડક પર કાટમાળ આવ્યા બાદ સડકો બંધ થઈ ચુકી છે. હિમાચલ પ્રદેશના સૌથી ગરમ વિસ્તાર ઉનામાં તો ત્રણ દિવસમાં 91.2 મિલીમીટર વરસાદ થઈ ચુક્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 30 જૂન સુધી હિમાચલ પ્રદેશને કોઈ રાહત મળવાની નથી.

રાજસ્થાનમાં બેનાં મોત

દેશના ઘણાં વિસ્તારમાં હાલ જોરદાર વરસાદી માહોલ જામ્યો છે. વરસાદના કારણે રાજસ્થાનના બિકાનેરમાં એક મકાન ધ્વસ્ત થયું છે. તેમાં માતા અને પુત્રીના મોત નીપજ્યા છે. બિકાનેરના નોખા વિસ્તારમાં વરસાદને કારણે આખું મકાન જમીનદોસ્ત થઈ ચુક્યું છે. મકાનના કાટમાળમાં દબાઈને એક મહિલા અને તેની બાળકીનું મોત નીપજ્યું છે. દુર્ઘટનાની જાણકારી બાદ એસડીએમ, નગરપાલિકા અધ્યક્ષ સહીતના તમામ વહીવટીય અધિકારીઓ અહીં પહોંચ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવીને જેસીબીની મદદથી કાટમાળ હટાવીને એક બાળકીને સકુશળ બહાર કાઢવામાં આવી હતી.

રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં સતત વરસાદને કારણે ઘણાં ગામડાં જળબંબાકાર થઈ ચુક્યા છે. તો ઘણાં ગામ પર જળભરાવનું જોખમ તોળાઈ રહ્યું છે. પાંચલી, રોજડ, શિવના અને જાખમ સહીતની દરેક નદીઓમાં જળસ્તર વધી રહ્યું છે. જેના કારણે ઘણાં રસ્તા બંધ થઈ ચુક્યા છે. પુલ પણ પાણીમાં સમાઈ ગયો છે. પ્રતાપગઢ શહેરની કોલોનીઓમાં ભરાયેલા પાણીને કારણે લોકો પોતાના ઘરોની અંદર બંધકની સ્થિતિમાં મૂકાઈ ચુક્યા છે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં ગત ચાર દિવસોથી ભારે વરસાદ થઈ રહ્યો છે. જિલ્લાના લગભગ ત્રીસ ગામડા ખરાબ રીતે અસરગ્રસ્ત હોવાનું જણાઈ રહ્યું છે. પ્રતાપગઢ રાજસ્થાનનો દક્ષિણી જિલ્લો છે. આ જિલ્લો મધ્યપ્રદેશના મંદસૌર, રતલામ અને નીમચ જિલ્લાઓને સ્પર્શે છે. રાજસ્થાનના બાકીના ભાગ રતા અહીં દર વર્ષે વધારે વરસાદ થાય છે.

Related posts

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana

ખુશખબર/ બાળકો માટે કોરોના વેક્સિન પર સૌથી મોટા સમાચાર, આ મહિનામાં આવી જશે વેક્સિન

Damini Patel

પૂર પ્રકોપ/ બિહારના 11 જિલ્લાઓમાં પૂરથી 15 લાખ લોકો થયા પ્રભાવિત, મહારાષ્ટ્ર- ગોવામાં એરફોર્સ નેવીએ સંભાળ્યો મોરચો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!