GSTV

કેરળમાં પૂરને કારણે ભારે તબાહી, 58 બંધોમાંથી 24 જળાશયો ભયજનક સપાટીને પાર

કેરળમાં ભારે વરસાદ બાદ પૂરને કારણે ભારે તબાહી મચી છે. વરસાદને કારણે ઘણાં વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને ઠેકઠેકાણે ભૂસ્ખલન થયું છે. કેરળમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે 29 જેટલા લોકોના મોત નીપજ્યા છે. કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને જણાવ્યું છે કે અચાનક થયેલા વરસાદને કારણે ઘણાં વિસ્તારો ખરાબ રીતે અસરગ્રસ્ત થયા છે. તેમણે કહ્યુ છે કે  કેરળના ઈતિહાસમાં પહેલીવાર 22 ડેમ ભરાઈ ચુક્યા છે અને તમામ બંધના ગેટને ખોલવામાં આવ્યા છે. કેરળમાં અડધોઅડધ વિસ્તારોમાં ભીષણ પૂરને કારણે બંધ, જળાશયો અને નદીઓ ભરાઈ ગયા છે. ઘણાં સ્થાનો પર સડકો ધ્વસ્ત થઈ ગઈ છે.

કેરળમાં ભારે વરસાદને કારણે 54 હજાર લોકો વિસ્થાપિત થયા છે અને પૂરથી કેરળના કુલ 14 જિલ્લાઓમાંથી સાત જિલ્લાઓમાં સેનાની પાંચ ટુકડીઓની તેનાતી કરવામાં આવી છે. લોકોને સુરક્ષિત સ્થોન પર ખસેડવા માટે કામચલાઉ પુલોના નિર્માણમાં સેનાની ટુકડી મદદ કરી રહી છે. પેરિયાર નદીમાં જળસ્તર વધ્યા બાદ ભારતીય નૌસેનાની દક્ષિણી કમાનને એલર્ટ પર રાખવામાં આવી છે. કેરળના અધિકારીઓ પ્રમાણે રાજ્યની 439 રાહત શિબિરોમાં 53 હજાર 501 લોકોને રાખવામાં આવ્યા છે.

શુક્રવારે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહ સાથે કેરળના સાંસદોએ મુલાકાત કરી હતી. રાજનાથ સિંહે કેન્દ્ર સરકાર તરફથી તમામ શક્ય મદદ આપવાનો ભરોસો પણ આપ્યો હતો. કેરળના કેટલાક સાંસદોએ વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી હતી. કેરળ સરકારે પર્યટકોને પહાડી વિસ્તારો અને ડેમ સાઈટ્સ પર નહીં જવાની સલાહ આપી છે. આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કોચ્ચિ ખાતેના વેલિંગ્ડન ટાપુનો કેટલોક ભાગ સંપૂર્ણપણે જળમગ્ન થવાની શક્યતા છે. અધિકારીઓ મુજબ કેરળની 40 નદીઓ પાણીથી છલોછલ થઈ ચુકી છે. આઠમી ઓગસ્ટથી થઈ રહેલા વરસાદને કારણે ઉત્તર અને મધ્ય કેરળના વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

ઘણાં સ્થાનો પર સડકો ધસવાને કારણે પર્યટકોને પહાડી જિલ્લા ઈડુક્કીમાં દાખલ થવાથી રોકવામાં આવ્યા છે. કોઝિકોડ અને વાયનાડમાં વિભિન્ન સ્થાનો પર ફસાયેલા લોકોને સુરક્ષિત કાઢવા માટે સેનાના જવાનો નાના-નાના કામચલાઉ પુલ બનાવી રહ્યા છે. ઈડુક્કી જળાશયમાંથી પાણીની વધુ આવક ચાલુ રહેતા ઈડુક્કી અને આસપાસના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળના પ્રવાસન પ્રધાન કે. સુરેન્દ્રને જણાવ્યુ છે કે 24 વિદેશીઓ સહીત ઓછામાં ઓછા 50 પર્યટકો બુધવારથી મન્નારના રિસોર્ટમાં ફસાયેલા હતા. તેમને ત્યાંથી સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા છે.

કોચ્ચિમાં પેરિયાર નદી અને ઈડુક્કીમાં ચેરુથોની નદીના નીચેના પ્રવાહ તરફના સ્થાનો પર રહેતા લોકોને તટવર્તી વિસ્તારોના જળમગ્ન થવાની ચેતવણી આપવામાં આવી છે. કેરળના કુલ 58 બંધોમાંથી 24 જળાશયો તેની ભયજનક સપાટીને પાર કરી ગયા છે. તેને કારણે સ્લુઈસ ગેટ ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. લગભગ 26 વર્ષ બાદ ગુરુવારે એક શટર ખોલવાની ફરજ પડી હતી.

શુક્રવારે સવારે કેરળના મુખ્યપ્રધાન પી. વિજયને ભૂમિસેના, નૌસેના, વાયુસેના અને કોસ્ટગાર્ડ તથા એનડીઆરએફ તરફથી ચલાવાઈ રહેલા રાહત અને બચાવ કાર્યોની સમીક્ષા કરી હતી. વિજયને કહ્યુ હતુ કે ઈડુક્કી બંધમાં જળસ્તરના વધારાને કારણે છોડાઈ રહેલા પાણી કરતા ત્રણ ગણું વધુ પાણી છોડવું જરૂરી છે. જેના કારણે પેરિયાર અને તેની સહાયક નદીઓમાં જળસ્તર વધશે. તેથી લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.

મુખ્યપ્રધાન પી. વિજયને બારમી ઓગસ્ટ સુધી પોતાના તમામ જાહેર કાર્યક્રમોને રદ્દ કર્યા છે. કેરળની રાજધાની તિરુવનંતપુરમથી તેઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન કે. જે. અલ્ફોસે કહ્યુ છે કે તેમણે સવારે ગૃહ પ્રધાન રાજનાથ સિંહ સાથે કેરળમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી છે. રાજનાથસિંહે વિજયન સાથે પણ વાતચીત કરી છે અને તેઓ રવિવારે પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કરશે. અલ્ફેસ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે ભારત સરકાર, સશસ્ત્ર દળો, આફત પ્રબંધન ટીમની સેવાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. અન્ય જરૂરી મદદ પણ અપાઈ રહી છે.

કેરળના મહસૂલ પ્રધાન ઈ. ચંદ્રશેખરને પૂરની સ્થિતિની સમીક્ષા કરી છે અને કહ્યુ છે કે કોચ્ચિ એરપોર્ટ પાસે સાવચેતીના પગલા ઉઠાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મુખ્યપ્રધાન પી. વિજયન સાથે વાતચીત કરી હતી અને અસરગ્રસ્તોને તમામ શક્ય મદદ આપવાનું આશ્વાસન પણ આપ્યું હતું.

Related posts

લાહોરની ગલીઓમાં લાગ્યા અભિનંદન અને મોદીના પોસ્ટર, પાક.ગૃહમંત્રીએ આ નેતાને ભારત મોકલી આપવાની શિખામણ આપી

Pravin Makwana

VIDEO/ ઓ બાપ રે આ શું, અહીં 50 ફૂટ લાંબો એનાકોંડા જોવા મળ્યો !

Pravin Makwana

પ્લેટફોર્મ ટિકિટનો રેટ ડબલ કરીને રેવન્યૂ વધારવાની તૈયારી રેલવે વિભાગ, 121 સ્ટેશનો પર નવેમ્બરમાં લાગુ થઈ શકે છે નિયમ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!