GSTV
Home » News » ગરમીના પ્રકોપથી ગુજરાતીઓ પરસેવે રેબઝેબ, 44.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુુ ગરમ

ગરમીના પ્રકોપથી ગુજરાતીઓ પરસેવે રેબઝેબ, 44.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી વધુુ ગરમ

ગુજરાતભરમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો છે. રાજ્યમાં આજે સૌથી વધુ ઊંચુ તાપમાન ૪૪.૮ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં નોંધાયું હતું તો જ્યાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું તેવું અમદાવાદ રાજ્યનું બીજા ક્રમનું સૌથી વધુ ગરમીવાળું શહેર બની રહ્યું હતું. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના વાતાવરણીય પરિબળના કારણે આગામી બે-ત્રણ દિવસમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દરમિયાનમાં ભાવનગર શહેર જિલ્લામાં ભારે ગરમીના કારણે ત્રણનાં મોત થયાના અહેવાલ મળ્યા છે.

અમદાવાદમાં આજેય દિવસ બળબળતો જ રહ્યો હતો. અંગ દઝાડતા ગરમ પવન વચ્ચે પારો ૪૪.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. આવી જ પરિસ્થિતિ સોમવારે પણ રહેશે એવો વર્તારો હવામાન વિભાગે કર્યો છે. અમદાવાદમાં આજે રેડ એલર્ટ જાહેર કરાયું હતું. અને તેના ભાગરૂપે અર્બન હેલ્થ સેન્ટરો રવિવાર હોવા છતાંય સાંજ સુધી ખુલ્લાં રખાયા હતા. ગ્રીનસિટી કહેવાતા ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં તાપમાન ૪૪.૨ ડિગ્રી તથા ઉત્તર ગુજરાતના જાણીતા ડીસામાં ૪૪.૧ ડિગ્રી નોંધાયું હતું.

ભાવનગર શહેર અને જિલ્લામાં આજે રવિવારે બપોરના સમયે ગરમીના કારણે ત્રણ વ્યકિતના મોત નિપજયા હતા, જેમાં ભાવનગર શહેરના માઢીયા રોડ વીઆઈપી ડેલા પાસે એક વ્યકિતનુ મોત નિપજયુ હતુ, જયારે એક વ્યકિતનુ કુંભારવાડા સર્કલ પાસે મોત નિપજયુુ હતું. આ ઉપરાંત સિહોરના બુઢણા ગામની સીમમાં એક વ્યકિતનુ લુ લાગવાથી મોત થયુ હોવાનુ પોલીસ સુત્રોએ જણાવેલ છે. 

દરમિયાન, આજે અમદાવાદમાં ભારે ગરમીવાળો દિવસ હતો. જોકે રજાનો દિવસ હોવાથી ધંધા-રોજગાર માટે જનારાઓની ચહેલપહેલ ઓછી હતી. જેમને માટે અનિવાર્ય હતું તે લોકો જ બહાર નીકળ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીએ ભરડો લીધો છે અને જનજીવનને અસર પણ થઈ છે. હવામાન વિભાગની આગામી સમય માટેની આગાહીની વાત કરીએ તો ગરમીનું મોજું હજી ચાલુ રહેવાની શક્યતા છે.

વિભાગે એવો સંકેત પણ આપ્યો છે કે સુરત, વલસાડ, નવસારી જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં પણ પ્રિ-મોન્સૂન એકિટીવિટીના કારણે હળવો-ભારે વરસાદ આગામી બેથી ચાર દિવસમાં પડી શકે છે. તો એવી ચેતવણી પણ અપાઈ છે કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના ખાસ કરીને પોરબંદર, દ્વારકા, અને કચ્છમાં છૂટાછવાયા સ્થળે ધોધમાર વરસાદ થઈ શકે છે. દરમિયાનમાં સૌરાષ્ટ્ર જાણે કે ભઠ્ઠીમાં ફેરવાઈ ગયું છે. સવારે તથા સાંજે બહાર નીકળો તો પણ ગરમી લાગે છે અને બપોરે તો રીતસર અગ્નિપરીક્ષા આપવા જેવું થાય છે. રાજકોટમાં આજે સરેરાશ ૪૩.૯ ડિગ્રી ગરમી પડી હતી, પરંતુ ત્રિકોણ બાગ ખાતે વિક્રમી ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

સ્થળડિગ્રી સેલ્સીયસ
સુરેન્દ્રનગર૪૪.૮
અમદાવાદ૪૪.૩
ડીસા૪૪.૧
ગાંધીનગર૪૪.૨
વલ્લભવિદ્યાનગર૪૧.૬
વડોદરા૪૧.૮
અમરેલી૪૩.૪
ભાવનગર૪૦.૬
રાજકોટ૪૩.૯
ભૂજ૪૧.૨
કંડલાપોર્ટ૪૩.૨

READ ALSO

Related posts

ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધબધબાટી, કડાકા ભડાકા સાથે નદીઓમાં આવ્યા નવા નીર

Mayur

એક લાઈટ અને પંખાનો ઉપયોગ કરતા વ્યક્તિના ઘરનું બિલ એક અરબ ૨૮ કરોડ ૪૫ લાખ ૯૫ હજાર ૪૪૪ રૂપિયા આવ્યું

Mayur

ગુજરાતના આ વિસ્તારોમાં પહોંચી મેઘ સવારી, ગરમીથી મળ્યો છૂટકારો

Mayur
Do NOT follow this link or you will be banned from the site!