અમેરિકાથી ભારત માટે આવ્યા સારા સમાચાર, એચ-1બી વિઝા માટે આવ્યા નવા નિયમો

એપ્રિલ, ૨૦1૯થી અમલમાં આવે તે રીતે અમેરિકાએ એચ-1બી વિઝા માટેના નવો નિયમો ઘડયા છે. આ નવા નિયમો મુજબ અમેરિકન યુનિવર્સિટીઓમાંથી એડવાન્સ ડિગ્રી ધરાવતા વિદેશી લોકોને એચ-1બી વિઝા આપવામાં પ્રાથમિકતા આપવામાં આવશે.  એચ-1બી વિઝા ભારતીય આઇટી પ્રોફેશનલોમાં સૌથી લોકપ્રિય છે. અમેરિકન કંપનીઓ એચ-1બી વિઝા હેઠળ વિદેશી કર્મચારીઓને અમેરિકામાં નોકરી આપે છે. 

ઇલેક્ટ્રોનિક્સ રજિસ્ટ્રેશનને સામેલ કરવામાં આવશે

અમેરિકન યુનિવર્સિટીમાંથી ભણેલા લોકોને પ્રાથમિકતા આપવાના નવા નિયમથી ભારત અને ચીનની યુનિવર્સિટીઓમાંથી ઉચ્ચ ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને એચ-1બી વિઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.  ટ્રમ્પ વહીવટી તંત્રની તરફથી જણાવવામાં આવ્યું છે કે નવી નીતિ વધુ સક્ષમ અને અસરકાકરક છે. નવા નિયમ હેઠળ ઇલેક્ટ્રોનિક્સ રજિસ્ટ્રેશનને સામેલ કરવામાં આવશે. ફેડરલ રજિસ્ટરમાં નવા નિયમો પ્રકાશિત કરવામાં આવ્યા છે. જે મુજબ નવા નિયમો એક એપ્રિલથી અમલમાં આવશે. 

એચ-1બી વિઝાના નિયમોમાં ફેરફાર કરશે

યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ(યુએસસીઆઇએસ)ના નિર્દેશક મુજબ આ ફેરફારની સકારાત્મક અસર પડશે. આનાથી અન્ય દેશના પ્રોફેશનલ્સને અમેરિકામાં નોકરી આપવાનું સરળ બનશે. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીની શરૂઆતમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તે એચ-1બી વિઝાના નિયમોમાં ફેરફાર કરશે. તેમનો ઉદ્દેશ નિષ્ણાત પ્રોફેશનલ્સને અમેરિકામાં વધુ સમય ટકાવી રાખવાનો છે. એચ-1બી વિઝા ત્રણ વર્ષ માટે આપવામાં આવે છે અને પછી ત્રણ વર્ષ માટે ફરીથી રિન્યુ કરવામાં આવે છે. હાલમાં દર વર્ષે ૬૫,૦૦૦ એચ-1બી વિઝા આપવામાં આવે છે. આ ઉપરાંત અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓ માટે અલગથી ૨૦,૦૦૦નો કવોટા રાખવામાં આવ્યો છે. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter