GSTV

અકલ્પનિય / 21મી સદીનું યુદ્ધ મગજ પર કાબુ મેળવવા લડાઈ રહ્યું છે, James Bondની ફિલ્મ જેવી સત્યઘટના

James Bond

Last Updated on September 16, 2021 by Lalit Khambhayata

અમેરિકા અને ક્યુબા વચ્ચેના રાજદ્વારી સંબંધો દાયકાની દુશ્મનાવટ બાદ 2015માં પુનઃસ્થાપિત કરાયા હતા, પરંતુ માત્ર બે વર્ષની અંદર હવાના સિન્ડ્રોમના કારણે દૂતાવાસ લગભગ બંધ કરી નાખવામાં આવ્યું હતું. કેમ કે કર્મચારીઓની સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તેમને ત્યાંથી હટાવી લેવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાક્રમ James Bondની ફિલ્મ જેવો છે.
હવાના સિન્ડ્રોમ સૌથી પહેલા 2016માં દેખાયો હતો. સૌથી પહેલા કેસ CIA ઑફિસર્સના આવ્યા હતા. જોકે તેને ગુપ્ત રાખવામાં આવ્યા પરંતુ વાત છતી થઈ ગઈ અને ચિંતા વધી ગઈ. 26 લોકો તથા પરિવારે વિવિધ પ્રકારના લક્ષણોની રિપોર્ટ કરી. તે મોટાભાગે એક અવાજ સાથે શરૂ થાય છે જેને શરૂઆતમાં કળવું મુશ્કેલ રહે છે. ‘બઝ્ઝ’ જેવો અવાજ કે પછી ધાતુ અથડાવવાથી થતો અવાજ કે પછી ભૂંડને વીંધતી વખતે થતા અવાજ જેવો (!) અવાજ આવે છે. એક મહિલાને મગજ જકડાઈ જવા જેવું લાગતા તેણે વાત કરી હતી. તેને મગજમાં ગણગણાટ જેવો અવાજ પણ આવતો હતો. જેમને અવાજ નહોતો આવતો તેમને ગરમી અને દબાણ અનુભવાતું હતું. પરંતુ જેમને અવાજ આવતા હતા તેમણે પોતાના કાન ઢાંક્યા તો પણ ફરક ન અનુભવાયો. આ સિન્ડ્રોમનો અનુભવ કરનાર અમુક લોકોને મહિનાઓ સુધી ચક્કર અને થાક જણાયો.
શરૂઆતમાં એવી અટકળો હતી કે ક્યુબા સરકાર અથવા બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાનો વિરોધ કરતો કટ્ટરપંથી જૂથ આ માટે જવાબદાર હોઈ શકે. આ કટ્ટરપંથી જૂથોએ ધ્વનિ શસ્ત્રો-સાઉન્ડ વેપન્સ તૈયાર કર્યા છે. કેમ કે રાજધાનીમાં મોટી સંખ્યામાં અમેરિકન લોકો આવ્યા હતા અને તેનાથી ક્યુબા સરકાર ગભરાયેલી હતી. માટે ક્યુબાની સિક્યોરિટી સર્વિસ પોતાની પકડ મજબૂત રાખવા માગતી હતી.

દુનિયાભરમાં ચાલતા અન્ય મુદ્દાઓ વચ્ચે આ સિદ્ધાંત ક્યાંક ગૂમ થઈ ગયો, પણ તાજેતરમાં એક નવી શક્યતા સામે આવી છે. જેના મૂળ માત્ર શીત યુદ્ધ પૂરતા જ નહીં, બલ્કે એવી જગ્યાએ છે જ્યાં વિજ્ઞાન, ચિકિત્સા, જાસૂસી અને ભૂ-રાજનીતિ પરસ્પર ટકરાય છે. ઇલિનૉય યૂનિવર્સિટીના પ્રોફેસર જેમ્સ લિનએ હવાના સિન્ડ્રોમના રહસ્યમય અવાજ વિશે પહેલી વાર વાંચ્યુ ત્યારે તેમને શંકા ગઈ કે આના માટે માઇક્રોવેવ જવાબદાર છે. તેમની માન્યતા માત્ર સૈદ્ધાંતિક સંશોધન પર જ નહીં, પરંતુ તેમના પ્રત્યક્ષ અનુભવ પર પણ આધારિત હતો. તેમણે પોતે દાયકાઓ પહેલા આવા અવાજો સાંભળ્યા હતા.

જ્યારે બીજા વિશ્વયુદ્ધની આજુબાજુ આ પ્રકારના અવાજો સાંભળવાની પહેલી ઘટના બની હતી અને એ સમાચાર હતા કે લોકોને કંઈક સંભળાઈ રહ્યું છે એ દરમ્યાન નજીકના એક રડારને ચાલુ કરીને આકાશમાં માઈક્રોવેવ મોકલવામાં આવ્યા હતા. આવું ત્યારે પણ થયું હતું જ્યારે બહાર કોઈ શોરબકોર નહતો. ૧૯૬૧માં ડૉક્ટર એલન ફ્રેએ પોતાના એક રિસર્ચ પેપરમાં આ લોજીક રજૂ કર્યું કે આ અવાજો એટલે થાય છે કેમ કે માઈક્રોવેવ તમારી નર્વસ સિસ્ટમ સાથે વાત કરે છે. અહીંથી જ ફ્રે ઇફેક્ટ શબ્દનો જન્મ થયો પરંતુ તેના ચોક્કસ કારણો અને અર્થ અસ્પષ્ટ રહ્યા. ૧૯૭૮માં પ્રોફેસર લિને જાણ્યું કે તેઓ એકલા નથી જે આ વાતમાં રસ લે છે, તેમને વૈજ્ઞાનિકોના એક ગ્રુપથી પોતાના લેટેસ્ટ પેપર પર ચર્ચા કરવા માટે આમંત્રણ મળ્યું. આ ગ્રુપના વૈજ્ઞાનિકો પોતાનો ખુદનો પ્રયોગ કરી રહ્યા હતા. કોલ્ડ વોર દરમ્યાન વિજ્ઞાન મહાશક્તિઓની હરિફાઈમાં કેન્દ્રસ્થાને હતું. એટલે સુધી કે મગજને નિયંત્રિત કરવા જેવા વિષયો પર પણ સંશોધન થયું હતું, બીજી બાજુ કોઈ આગળ ન વધી જાય એવી આશંકાની વચ્ચે માઈક્રોવેવ પર પણ સંશોધન કરવામાં આવ્યું હતું.

મોસ્કોના દૂતાવાસ ખાતેની એ ઘટના

બીબીસીને મળેલી ૧૯૭૬ની યુએસ ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સીની રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તેમાં માઈક્રોવેવ હથિયારોના કોઈ સંકેત નથી મળ્યા. જોકે, એમાં એ કહેવામાં આવ્યું હતું કે માઈક્રોવેવ દેડકાંઓના ગળા પર ત્યાં સુધી કમ્પન કરે છે જ્યાં સુધી તેમનું હૃદય બંધ ન પડી જાય. આ રિપોર્ટમાં એ પણ ખબર પડે છે કે અમેરિકા એ વાતથી ચિંતિત હતું કે સોવિયેત યુનિયન ક્યાંક માઈક્રોવેવનો ઉપયોગ મગજને બગાડવા કે મનોવૈજ્ઞાનિક અસર માટે ન કરે. તેમને પોતાના સંશોધનથી ખબર પડી કે લશ્કરી કર્મચારીઓ અથવા રાજદ્વારીઓના વ્યવહારની પેટર્ન બદલવા અથવા વિક્ષેપિત કરવા માટે આના દ્વારા એક સિસ્ટમ બનાવી શકાય છે. લગભગ ૨૫ વર્ષ સુધી મોસ્કોમાં ૧૦ માળની યુએસ એમ્બેસીમાં નિમ્ન સ્તરની અદ્રશ્ય માઈક્રોવેવ બીમ હંમેશા જાળવી રાખવામાં આવી હતી. તે ‘મોસ્કો સિગ્નલ’ તરીકે ઓળખાવા લાગી,પરંતુ કેટલાય વર્ષો સુધી જે લોકો આ બિલ્ડીંગમાં કામ કરતા હતા એમાંથી મોટાભાગનાને આ અંગે કંઈ જ ખબર ન હતી.

દૂતાવાસના મોટાભાગના લોકો અજાણ હતા

આ બીમ નજીકના સોવિયેત અપાર્ટમેન્ટની બાલ્કની પર એક એન્ટેનાથી આવીને દૂતાવાસના ઉપરના માળથી અથડાઈને જ્યાં અમેરિકી રાજદૂતની ઓફિસ હતી ત્યાં સુધી જાતું હતું. તે પહેલી વખત ૧૯૫૦ના દાયકામાં જોવા મળ્યું હતું અને એ પછી ૧૦મા માળના એક રૂમમાંથી તેના પર નજર રાખવામાં આવી હતી, પરંતુ આ રહસ્યને અંદર કામ કરવાવાળા મોટાભાગના લોકોથી સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવ્યું હતું, ફક્ત અમુક લોકોને જ તેની જાણકારી હતી. પણ જ્યારે ૧૯૭૪માં નવા રાજદૂત વોલ્ટર સ્ટોસેલ અહીં આવ્યા તો તેમણે કહ્યું કે આ અંગે બધાને જાણ કરવી જોઈએ. આવું ન કરવા પર તેમણે રાજીનામાની ધમકી પણ આપી હતી.

દૂતાવાસના એ કર્મચારી જેમના બાળકો બેસમેન્ટની નર્સરીમાં હતા તેઓ આનાથી ખાસ ચિંતિત થયા, પણ વિદેશી વિભાગે આનાથી કોઈપણ ખતરાની સંભાવનાને ફગાવી દીધી. અમેરિકી રાજદૂત પોતે બીમાર પડી ગયા. તેમને આના લક્ષણ રૂપે આંખોમાંથી લોહી પણ નીકળવા લાગ્યું હતું. ૧૯૭૫માં વોશિંગ્ટનમાં સોવિયેત યુનિયનના રાજદૂતને અમેરિકી વિદેશ મંત્રી હેન્રી કિસિન્જરે ફોન કોલ પર કહ્યું કે, કેસ્ટોલેસની બીમારી માઈક્રોવેવથી જોડાયેલી છે, ‘આમ માનીને અમે મામલાને શાંત કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ.’ સ્ટોસેલ ૬૬ વર્ષની વયે બ્લડ કેન્સરથી મૃત્યુ પામ્યા.

મોસ્કોના સિગ્નલ કોના માટે હતા?

૧૯૭૬થી દૂતાવાસમાં લોકોની સુરક્ષા માટે સ્ક્રીન લગાવવામાં આવી, પણ કેટલાંય રાજદ્વારીઓ આનાથી નારાજ હતા કેમકે વિદેશ વિભાગ પહેલાં આ અંગે ચૂપ રહ્યો અને જણાવ્યું કે એનાથી સ્વાસ્થ્ય પર કોઈ અસર નહીં થાય. કેટલાંક દાયકાઓ બાદ હવાના સિન્ડ્રોમમાં પણ આવો દાવો કરવામાં આવ્યો. ૭૦ના દાયકામાં અમેરિકી દૂતાવાસમાં ફરજ બજાવતા જેક મેટ્લોકે કહ્યું કે, ‘મને વિશ્વાસ છે કે સોવિયેત સંઘ અમને નુકસાન પહોંચાડવા ઉપરાંત પણ બીજું કંઈક કરવા માગતા હતા. તેઓ સર્વેલન્સની ટેક્નિકમાં અમારાથી આગળ છે અને તેમણે બિલ્ડીંગમાં અંદરની વાતચીત સાંભળવા માટે ડિવાઈસ છૂપાવીને રાખ્યા હતા અને અમેરિકી ઇલેક્ટ્રિક ઉપકરણોને જામ કરીને માઈક્રોવેવના માધ્યમથી જાણકારી કેપ્ચર કરતા હતા. અન્યો એવું અનુમાન લગાડે છે કે કોઈ એક ઉપકરણ ખરાબ થઈ ગયું હતું અને તેનાથી લોકોના શરીરમાં પ્રતિક્રિયા થઈ રહી છે, તો અમેરિકી અધિકારીઓએ કહ્યું કે આવું કોઈ પણ સાધન પ્રાપ્ત નથી થયું. એ પછી ક્યુબાની બહાર પણ આવા કેસ મળવા લાગ્યા. ચીનમાં ૨૦૧૮ની શરૂઆતમાં ગ્વાંગઝોના દૂતાવાસમાં આ પ્રકારની ઘટના ઘટી.

અમેરિકા આ વાતને ગુપ્ત રાખવા માગે છે?

એક રિપોર્ટ મુજબ, અમેરિકી સરકાર આ વાતનો સ્વીકાર કરવા બાબતે આનાકાની કરી રહી છે કેમ કે અમેરિકા પોતે પણ કદાચ આવા સાધનો ધરાવતું હોય અને એથી તે આ વાતને ગુપ્ત રાખવા માગે છે. એક રિપોર્ટ મુજબ ૯૦ના દાયકાથી અમેરિકી વાયુ સેના પાસે હેલો નામનો એક પ્રોજેક્ટ હતો, એ જોવા માટે કે માઈક્રોવેવ ખરેખર લોકોના મગજમાં પરેશાની પેદા કરતા અવાજો પેદા કરે છે કે નહીં. જોકે, એ પ્રયોગ સફળ ન થયા. પેન્ટાગોનના સલાહકાર અને પ્રોફેસર જેમ્સ જીયોર્ડાનો કહે છે, ‘દુનિયા ૨૧મી સદીમાં વ્યક્તિના દિમાગ પર યુદ્ધ કરવામાં લાગી છે. મસ્તિષ્ક વિજ્ઞાન વૈશ્વિક છે. તે કેવળ પશ્ચિમ સુધી સીમિત નથી.’

બાઈડન વહીવટીતંત્રે એવા સંકેતો આપ્યા છે કે તેઓ આ મુદ્દાને ગંભીરતાથી લઈ રહ્યા છે. CIA અને વિદેશ વિભાગના અધિકારીઓને સલાહ આપવામાં આવે છે કે કોઈ ઘટના પર કેવી રીતે પ્રતિક્રિયા આપવી. વિદેશ વિભાગે કર્મચારીઓની સહાયતા માટે એક ટાસ્ક ફોર્સ બનાવી છે જેને હવે ‘અસ્પષ્ટ આરોગ્ય સમસ્યા’ કહેવામાં આવે છે. CIAએ ઓસામા બિન લાદેનની શોધ કરવાવાળા એક અનુભવી અધિકારીને આ મામલા સુધી પહોંચવાની જવાબદારી સોંપી છે.

Related posts

શું ભારતની રસી ઇમરજન્સીના ઉપયોગ માટે મંજૂર કરવામાં આવશે? WHO આગામી 24 કલાકમાં લેશે મહત્વનો નિર્ણય

Vishvesh Dave

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari

કોરોનામાંથી સાજા થયેલા લોકોમાં વાળ ખરવાની સમસ્યા, આ પદ્ધતિની સારવાર લઈ રહ્યા છે લોકો

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!