સ્ટાર સ્પિનર હરભજન સિંહનું માનવુ છે કે રોહિત શર્માની ક્રિકેટ પ્રતિભા વિરાટ કોહલીથી પણ વધારે છે, પરંતુ સખત પરીશ્રમના કારણે કેપ્ટન વિરાટ કોહલીએ વિશ્વમાં પોતાનો ડંકો વગાડ્યો છે. ગુવાહાટી વન-ડે મેચ બાદ એક ચેનલ સાથે વાતચીત કરતાં હરભજનસિંહે આ વાત કહી હતી. હરભજન સિંહે કહ્યું કે જ્યારે આ બંને ધુરંધરો બેટિંગ કરી રહ્યા હોય ત્યારે એ કહેવુ મુશ્કેલ બને છે કે આ બંનેમાંથી સર્વશ્રેષ્ઠ કોણ છે.
વર્તમાન સમયમાં વન-ડે રેન્કિંગમાં અનુક્રમે નંબર એક અને બે પર વિરાટ કોહલી અને રોહિત શર્મા વિશે હરભજન સિંહે કહ્યું કે આ રેન્કિંગ આ બંનેની પ્રતિભાને શાનદાર પદ્ધતિથી દર્શાવે છે. અલબત્ત, વન-ડે ક્રિકેટમાં આ બંને મહાનુભાવોથી બીજુ કોઈ શ્રેષ્ઠ નથી. આ બંને પિચ પર હોય છે તો એવું લાગે છે કે આ બંને રાજ કરી રહ્યાં છે. વિરાટ કોહલી વિશે હરભજન સિંહે કહ્યું કે તેઓ જ્યારે બેટિંગ કરી રહ્યા હોય ત્યારે લાગે છે કે તેઓ કોઈ બીજા ગ્રહ પરથી આવ્યા છે.
હરભજન સિંહે ભવિષ્યવાણી કરી છે કે વિરાટ કોહલી જે સ્ટાઈલથી બેટિંગ કરી નવા-નવા રેકોર્ડ પોતાના નામે કરી રહ્યાં છે તે જોઈને એવુ લાગે છે કે આવનારી પેઢીના બેટ્સમેનોને આ રેકોર્ડ તોડવામાં ઘણી મુશ્કેલી પડશે. તો રોહિત શર્મા અંગે હરભજને કહ્યું કે તેઓ એક સ્પેશ્યલ પ્રતિભા છે અને તેઓ સખત પરીશ્રમ કરી રહ્યાં છે. તો વન-ડે ક્રિકેટમાં તેઓ કોહલીને હંફાવીને આગળ જઈ શકે છે.