GSTV
Home » News » પોરબંદરનાં દરિયામાં 131 વર્ષ પૂર્વે ડૂબ્યું હતું વિરાટ ‘વિજળી’ જહાજ

પોરબંદરનાં દરિયામાં 131 વર્ષ પૂર્વે ડૂબ્યું હતું વિરાટ ‘વિજળી’ જહાજ

Desi Titanic Porbandar

‘ટાઈટેનીક’ ફિલ્મને કારણે ટાઈટેનીક જહાજ ડૂબ્યુ તેની વિશ્વભરના લોકોને ખબર પડી, પરંતુ પોરબંદરના દરિયામાં પણ દેશી ટાઈટેનીક કહી શકાય તેવું ‘વિજળી’ નામનું જહાજ આજથી ૧૩૧ વર્ષ પહેલા ડૂબ્યું હતું. તે બહુ ઓછા લોકો જાણે છે. પોરબંદર અને માધવપુર વચ્ચેના દરિયામાં ૧૮૮૮ની સાલમાં ‘વિજળી’ નામનું વહાણ વાવાઝોડાને લીધે ગરક થઈ જતાં તેમાં બેસીને પરણવા જતા કોડ ભરેલા વરરાજાઓ સહિત કુલ ૭૪૩ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. તેથી દરિયાઈ દુર્ઘટનાના ઈતિહાસ તરીકે પોરબંદરમાં ‘હાજી કાસમની વિજળી’નું કાયમી સ્મારક રચવું જોઈએ તેવી લાગણી વર્ષોથી થતી આવી છે.

પોરબંદરના ઈતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે ‘પોરબંદરનો ઈતિહાસ’ પુસ્તકમાં તેનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, દરિયાઈ ઈતિહાસની અનેક સુખદ ઘટનાઓ ઈતિહાસના પાને નોંધાયેલી છે, પણ દુઃખદ ઘટનામાં ‘વિજળી’ અને ‘ટાઈટેનીક’ આ બે મુખ્ય તથા વિશેષ છે. ‘વિજળી’ પોરબંદરના દરિયામાં બનેલી દુર્ઘટના છે, જ્યારે ‘ટાઈટેનિક’ એટલાન્ટિક મહાસાગરમાં સર્જાઈ હતી.


‘વિજળી’નો કિસ્સો ૧૮૮૭-૮૮માં પોરબંદરના દરિયામાં બનેલો છે. ‘વિજળી’ ૧૩૦૦ મુસાફરોને લઈને કરાંચી-માંડવીથી મુંબઈ જતી હતી. ‘વિજળી’નું મૂળ નામ ‘વૈતરણી’ હતું, જેનું અંગ્રેજી ‘વેટરના’ થયું હતું. આ ‘વેટરના’ નામની સ્ટીમરમાં ઈલેકટ્રીક લાઈટ પહેલી વાર આવી હતી, એટલે કચ્છ અને સૌરાષ્ટ્રના લોકસમાજમાં તેને ‘વિજળી’ એવા હુલામણા નામથી પ્રસિદ્ધિ મળેલી હતી. માન્યતા મુજબ ‘વિજળી’ કરાંચીથી ઉપડી હતી અને નજરમાં આવેલી નવી હકીકત મુજબ માંડવીથી ઊપડી હતી. 

‘વિજળી’માં અમુક જાનો હતી, જે મુંબઈ પરણવા જતી હતી. ‘વિજળી’ કરાંચીથી માંડવી, દ્વારકા, પોરબંદર, માંગરોળ અને મુંબઈ એમ આવ-જા કરતી હતી. માંડવીથી પણ અમુક જાનો ‘વિજળી’માં ચડી હતી તેમજ મુંબઈ પરીક્ષા દેવા જતાં અમુક વિદ્યાર્થીઓ પણ ‘વિજળી’માં બેઠા હતા. ‘વિજળી’ ‘ગ્લાસગો’ કંપનીની માલિકીની પેસેન્જર બોટ હતી અને તેનો એજન્ટ હાજી કાસમ હતો. આ કારણે ‘હાજી કાસમની વિજળી’ તરીકે તે ખ્યાતનામ થઈ હતી.

‘વિજળી’ ૮મી નવેમ્બરે વહેલી સવારે કરાંચીથી ઊપડી હતી ત્યારે દરિયામાં તોફાન નહોતું, પણ તે માંડવી થઈને બપોરે દ્વારકા પહોંચી ત્યારે ‘હુહુ’ નામનો તોફાની પવન ફૂંકાવો શરૂ થયો હતો. આ કારણે ‘વિજળી’ને દ્વારકામાં રૂપેણ બંદરે રોકી રાખવામાં આવી હતી. કોઈ નવા મુસાફરોને ચડવા દેવામાં આવ્યા નહોતા. 

બાદમાં ‘વિજળી’ સાંજના સમયે પોરબંદર આવી ત્યારે તોફાન વધી ગયુ હતું અને પોરબંદરના બારામાં લંગર નાખ્યા વિના જ તેણે આગળ મુસાફરી કરી હતી. ‘વિજળી’ પોરબંદર આવી ત્યારે ૮મી નવેમ્બરની સાંજ થઈ હતી અને ૯મી નવેમ્બરે વહેલી સવારે તે ડૂબી હતી. તે માન્યતા મુજબ તે પોરબંદર અને માંગરોળ વચ્ચે ડૂબી હતી તથા બીજી માન્યતા મુજબ તે માંગરોળથી આગળ મુંબઈ તરફ જતાં ડૂબી હતી.

‘વીજળી’ ડૂબી તે હકીકત છે પણ ક્યાં ડૂબી, કેમ ડૂબી તેની કશી જ જાણકારી હજુ સુધી મળી શકી નથી. દુઃખદાશ્ચર્ય તો એ છે કે સેંકડો ઉતારુઓના મૃતદેહો કે ‘વિજળી’નો કોઈ કાટમાળ હજુ સુધી હાથ લાગ્યો નથી. ‘વિજળી’ ડૂબી તેની સાથે કોડભરેલા વરજાજાઓ, મોજમસ્તીમાં મગ્ન જાનૈયાઓ અને મંગળ ગીતો ગાતી જાનડીઓ ડૂબી! ચાંદલો-ચુડી કરીને રાહ જોતી કન્યાઓ કાંઠે રહી ગઈ અને પાછળથી રચાયા રાસડા ‘હાજી કાસમ તારી વિજળી રે મધદરિયે વેરણ થઈ’. હજારો બહેનો અને માતાઓનાં આંસુ આજે પણ પુછતાં રહ્યા છે કે ‘હાજી કાસમ, તારી વિજળી ક્યાં વેરણ થી?’

ગુજરાતના જ નહીં, સમગ્ર ભારતના દરિયાકિનારે બનેલી એકમાત્ર એવી દુર્ઘટના છે, જેમાં પરણવા જતાં કોડભરેલા યુવાનો હતા અને છેલ્લા સંશોધન મુજબ કુલ ૭૪૩ મુસાફરો હતો. દરિયાઈ દુર્ઘટનાના એક ઈતિહાસ તરીકે પોરબંદરમાં ‘વિજળી’નું કાયમી સ્મારક રચાવું જોઈએ, તેવી પણ લાગણી વ્યક્ત થતી આવી છે.

READ ALSO

Related posts

આ શહેરના વકીલ મંડળના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈને પહોચ્યાં ઓફિસે

Nilesh Jethva

ટ્રાફિકના નવા કાયદાનો આ પાર્ટીએ કર્યો વિરોધ, આપી જલદ આંદોલનની ચીમકી

Nilesh Jethva

એએમસીની ઘોર બેદરકારી, પકડેલા ઢોરને દયનીય સ્થિતિમાં રાખવામાં આવે છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!