જીજ્ઞેશ મેવાણીના કાર્યક્રમનો વિરોધ થતા એચ.કે કોલેજના આચાર્યએ રાજીનામું આપ્યું

યુવા નેતા અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજાનારા કાર્યક્રમનો વિરોધ થતા એચ. કે. આર્ટસ કોલેજના પ્રિન્સીપાલ હેમંત શાહે રાજીનામું આપ્યું છે. તેમણે જીજ્ઞેશ મેવાણીની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમ માટે ટ્રસ્ટ દ્વારા હોલ વાપરવાનો ઇનકાર કરવાના વિરોધમાં રાજીનામું આપ્યું છે. રાજીનામા પત્રમાં હેમંત શાહે લખ્યું છે કે હાલના બાહ્ય રાજકીય માહોલને જોતા ટ્રસ્ટ દ્વારા હોલ નહીં આપવાનો નિર્ણય લેવાયો છે. જે અયોગ્ય છે. જીજ્ઞેશ મેવાણી કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ધારાસભ્ય છે. તેથી હેમંત શાહે તેમને વાર્ષિકોત્સવમાં આમંત્રિત કર્યા હતા. પરંતુ તેનો વિરોધ થયો હતો. વિદ્યાર્થી નેતાઓએ આક્ષેપ કર્યો છે કે જીજ્ઞેશ મેવાણી વિવાદાસ્પદ, સમાજવાદી અને ભાગલાવાદી છે. એટલે તેમને કોલેજમાં બોલાવવામાં આવશે તો વિદ્યાર્થીઓ કાર્યક્રમનો વિરોધ કરી ધમાલ મચાવશે. જેને કારણે ભયભીત થયેલા ટ્રસ્ટીઓએ કાર્યક્રમ માટે સભાગૃહ ન આપવાનો નિર્ણય લીધો હોય તેમ હેમંત શાહનું માનવું છે. ભૂતકાળમાં આજ કોલેજમાં અનેક કાર્યક્રમોમાં ઘણા રાજકીય નેતાઓને બોલાવવામાં આવ્યા છે. તેથી જીજ્ઞેશ મેવાણીને કાર્યક્રમમાં બોલાવીને કોઈ ખોટો નિર્ણય નહોતો કર્યો. પરંતુ નિર્ણયનો વિરોધ થતા તેમના અંતર આત્માના અવાજને સાંભળી હેમંત શાહે રાજીનામું આપ્યાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે હેમંત શાહે 102 દિવસ કોલેજના આચાર્ય તરીકે ફરજ બજાવી છે.

વિદ્યાર્થી નેતાઓએ કર્યો વિરોધ

અમદાવાદ શહેરના આશ્રમ રોડ પર આવેલી એચ.કે. આર્ટ્સ કોલેજમાં આજે યોજાનાર વાર્ષિક ઉત્સવ રદ કરવાની ફરજ પડી હતી. કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહનો આક્ષેપ છે કે, કોલેજના વાર્ષિક ઉત્સવમાં મુખ્ય અતિથિ તરીકે વડગામના યુવા ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને આમંત્રણ અપાયું હોવાથી કેટલાક વિદ્યાર્થી નેતાઓએ તેનો વિરોધ કરી અને ધમકી આપી હતી.

કોલેજના પ્રિન્સિપલ હેમંત શાહે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, સોમવારે તા.11-02-2019ના રોજ સવારે એચ કે આર્ટ્સ કોલેજનો વાર્ષિકોત્સવ કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના મુખ્ય મહેમાનપદે યોજવામાં આવ્યો હતો. જોકે, કેટલાક વિદ્યાર્થી નેતાઓને જીગ્નેશ મેવાણીના નામ સામે વાંધો હોવાથી તેમણે આ કાર્યક્રમ થવા નહીં દઈએ અને ધમાલ થશે એમ ટ્રસ્ટને, આચાર્યને, ઉપાચાર્ય અને કેટલાક અઘ્યાપકોને જણાવ્યું હતું.

ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઇન્કાર કર્યો

આમ છતાં આચાર્ય અને ઉપાચાર્યની કાર્યક્રમ યોજવાની તેમ જ જીગ્નેશ મેવાણીની આ કાર્યક્રમમાં આવવાની સંપૂર્ણ તૈયારી હતી. તેમ છતાં વર્તમાન રાજકીય સંજોગોમાં ટ્રસ્ટે લેખિત રીતે કોલેજનો હોલ આ કાર્યક્રમ માટે ફાળવવાનો ઇન્કાર કર્યો છે અને તેથી વાર્ષિકોત્સવનો કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોલેજના પૂર્વ વિદ્યાર્થી ધીરજ રાઠોડે જણાવ્યું હતું, “ મેવાણીને દેશથી વાંધો છે, તે લોહિયાણ વિચારધારા ધરાવે છે, સર્વસમાજના ભાગલા પાડવાની વાત કરે છે, તેથી તેનો વિરોધ કરી રહ્યાં છે, જીગ્નેશ મેવાણી વડા પ્રધાનને નમક હરામ કહ્યા હતા, પરંતું તેઓ દલિત સમાજમાં આવે છે અને પોતાની જાતને દલિત તરીકે જ પ્રસ્થાપિત કરી નથી શકતા તેમનાથી મોટા નમક હરામ કોઈ ન હોઈ શકે. ”

મેવાણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે

એચ.કે.આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ હેમંત શાહે જણાવ્યું હતું, “ મેવાણી કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, વડગામના ધારાસભ્ય છે, ચૂંટાયેલા પ્રતિનિધી હોવાથી તેમને મુખ્ય અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું, કેટલાક વિદ્યાર્થી નેતાઓએ એવો માહોલ ઊભો કર્યો જેથી ટ્રસ્ટે અમને હોલ આપવાનો ઇન્કાર કરી દીધો. આ પ્રકારનું દબાણ ટ્રસ્ટ પર કરવામાં આવ્યું તે વાણી સ્વાતંત્રના કારણે હોલ આપવાનો ઇન્કાર કરી દીધો.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter