ગુજરાતનું 2019-20નું સામાન્ય અંદાજપત્ર રજૂ નહીં થાય, જાણો આ છે કારણ

લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારીઓ સમગ્ર દેશમાં શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગ રૂપે અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકારનું બજેટ લોકસભાની ચૂંટણી બાદ રજૂ થશે. ફેબ્રુઆરી મહિનામાં પરંપરાગત રીતે વિધાનસભાનું બજેટ સત્ર મળશે પરંતુ તેમાં નવા વર્ષનું બજેટ રજૂ નહીં થાય, તેના બદલે ચાર મહિના માટે લેખાનુદાન લેવામાં આવશે. આ માટે આજથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલે 12 વાગ્યાની આસપાસ નીતિનભાઈ પટેલ વચગાળાનું બજેટ રજૂ કરશે. જેમાં મોટાપાયે રાહતોનો ધોધ વરસે તેવી સંભાવના છે.

દર વખતે બજેટની જગ્યાએ લેખાનુદાન લેવામાં આવે છે

આ વચગાળાના બજેટ અંતર્ગત સરકાર ચાર મહિનાનો ખર્ચ મંજૂર કરાવી લેશે, ત્યારબાદ ચૂંટણી પછી સંપૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. રાજ્યના નાણા વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતનું બજેટ જૂન અથવા જુલાઇ મહિનામાં યોજાશે. રાજ્ય સરકાર ચાર મહિના માટેનું લેખાનુદાન લઇ શકે છે. ભારતમાં જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે બજેટ સત્રનો સમય હોય છે તેથી દર વખતે બજેટની જગ્યાએ લેખાનુદાન લેવામાં આવે છે.

ગત વર્ષે 1.83 લાખ કરોડનું રજૂ થયું હતું બજેટ

ગત વર્ષે ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મંગળવારે 20 ફેબ્રુઆરીએ ર૦૧૮-૧૯ના વર્ષનું બજેટ રજુ કર્યુ હતું. જેમાં કોઇ નવા કરવેરા નથી કે કોઈ કર રાહતો આપવામાં આવી ન હતી. દારૂ મોંઘો કરવામાં આવ્યો છે. વિદેશી દારૂ પરના દર વધારાના કારણે રાજય સરકારને વર્ષે રૂ.૧૦૬.૩ર કરોડની આવક થવાનો અંદાજ છે. ગુજરાતના નવા બજેટનું કુલ કદ રૂ.૧,૮૩,૬૬૬ કરોડ છે. અંદાજ અનુસારની પુરાંત રૂ. ૭,૮૩,૦ર રહી હતી. એકંદરે અંદાજીત પુરાંત રૂ. ૮૮૯.૩૪ કરોડ રૂપિયા હતી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter