GSTV

ગુજરાત યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી પૂર્ણ : 75 ટકા મતદાન, આજે પરિણામ

Last Updated on March 9, 2020 by Mayur

ગુજરાત યુનિવર્સિટીની સ્ટુડન્ટ સેનેટ અને સ્ટુડન્ટ વેલ્ફેર બોર્ડની ચૂંટણી અંતે આજે પૂર્ણ થઈ ગઈ છે અને સરેરાશ 75 ટકા જેટલુ મતદાન થયુ છે. કેટલાક સેન્ટરો પર આઈકાર્ડ મુદ્દે હોબાળો થયો હતો અને કેટલાક સેન્ટર પર એબીવીપી-એનએસયુઆઈએ સામસામે આવી સૂત્રોચ્ચાર કર્યા હતા. સઘન પોલીસ બંદોબસ્તને લીધે મારામારીની ઘટના ટળી હતી અને પ્રથમવાર શાંતિપૂર્ણ રીતે ચૂંટણી થઈ હતી.આવતીકાલે 9મીએ સવારે યુનિ.કેમ્પસમાં જ મતગણતરી થશે અને પરિણામ જાહેર કરાશે.

2016 બાદ ચૂંટણી નહોતી થઈ

ગુજરાત યુનિવર્સિટીના સ્ટેચ્યુટ મુજબ ગ્રેજ્યુએટ સેનેટ કોર્ટની યુજી-પીજી કોમર્સ,યુજી-પીજી આર્ટસ, યુજી-પીજી સાયન્સ અને લૉ,એજ્યુકેશન,મેડિકલ તથા ડેન્ટલ સહિતની 10 બેઠકોની દર વર્ષે ચૂંટણી યોજવાની હોય છે અને સ્ટુડન્ટ વેલ્ફેર બોર્ડની 14 બેઠકો માટેની ચૂંટણી દર ત્રણ વર્ષે યોજવાની હોય છે ત્યારે 2016 બાદ ચૂંટણી થઈ ન હોઈ અંતે ચાર વર્ષે ચૂંટણી થઈ છે અને હવે આ વર્ષે વિદ્યાર્થીઓને પ્રતિનિધિત્વ મળશે. આ વર્ષે યુનિ.એ ચૂંટણી જાહેર કર્યા બાદ મતદાર યાદીના વાંધા, છબરડા સહિતના મુદ્દે ભારે હોબાળો અને મારામારી સુધીની ઘટનાઓ તેમજ કોર્ટ કેસ બાદ અંતે ચૂંટણી આજે શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગઈ છે.

પોલીસે સંભાળી બાજી

અમદાવાદ શહેરમાં પાંચ સેન્ટર અને ગ્રામ્યમાં સેલવાસ સહિતના સ્થળે 20 સેન્ટર વોટિંગ માટે રખાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં આર.એચ.પટેલ તેમજ રાષ્ટ્રભાષા અને એચ.કે.આર્ટસ સહિતની કોલેજમાં એબીવીપી-એનએસયુઆઈ વચ્ચે મતદાનની છેલ્લી ક્ષણોમાં સામસામે ભારે સૂત્રોચ્ચાર થયા હતા અને કેટલાક મુદ્દે બંને પક્ષો વચ્ચે મારામારીની ઘટના પણ બને તેવો સંજોગો થયા હતા.પરંતુ પોલીસે બાજી સંભાળી લીધી હતી. જ્યારે આઈકાર્ડને લઈને પણ કેટલાક સેન્ટરમાં ભારે હોબાળો થયો હતો.

ચૂંટણી મધ્યે જ આઈકાર્ડ-આઈકાર્ડ

યુનિ.નિયમ મુજબ વિદ્યાર્થી મતદારે કોલેજનું આઈકાર્ડ ફરજીયાત લાવવાનું હોય છે પરંતુ કેટલાક મતદાર આઈકાર્ડ ન લાવતા એનએસયુઆઈએ આધારકાર્ડથી વોટિંગ કરવા દેવા માંગ કરી હતી અને વેલ્ફેરમાં આધારકાર્ડથી વોટિંગ કરવા દેવાયું હતુ જ્યારે એબીવીપી કે જેણે અગાઉ મતદાર યાદીમાં આધારકાર્ડનો જ આગ્રહ રાખ્યો હોઈ આજે વોટિંગમાં આધારકાર્ડથી નહી પરંતુ કોલેજ આઈકાર્ડથી જ વોટિંગની ઉગ્ર માંગણી કરી હતી.

શાંતિપૂર્ણ રીતે પૂર્ણ

કેટલાક સેન્ટરો પર હોબાળાની મારામારીની શક્યતા હોઈ અને અગાઉ બનેલી ઘટનાઓને ધ્યાનમાં રાખતા બે ઝોનના બે ડીસીપી તેમજ એસપી અને 8 પોલીસ સ્ટેશનના પીઆઈ,પીએસઈઆઈ તથા મહિલા પોલીસ સ્ટાફ સાથે 500થી વધુ પોલીસ કર્મચારીઓનો સઘન બંદોબસ્ત ગોઠવાયો હતો.જેને પગલે કોઈ મોટી ઘટના બની ન હતી અને પ્રથમવાર સેનેટ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. જ્યારે સેનેટમાં મેડિકલ-ડેન્ટલ સહીતની બે બેઠક બિનહરિફ થયા બાદ બાકીની 8 બેઠકોમાં 39 ઉમેદવારોમાં એબીવીપી-એનએસયુઆઈ ઉપરાંત ઘણા અપક્ષ ઉમેદવારે પણ ઝંપલાવ્યુ હતુ તેમજ પ્રથમવાર ડાબેરી વિદ્યાર્થી સંગઠન એવા સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (એસએફઆઈ)નો ઉમેદવાર પણ સેનેટ ચૂંટણીમા ઉભો રહ્યો છે અને જે લૉ ફેકલ્ટીમાં છે.

સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં માંડ 56 ટકા મતદાન : એક બુથને લીધે મુશ્કેલી

વિદ્યાર્થી સેનેટની 8 ફેકલ્ટીમાં થયેલી ચૂંટણીમાં સૌથી વધુ વિદ્યાર્થી મતદારો યુજી કોમર્સ ફેકલ્ટી છે.જેમાં 1200થી વધુ મતદારો છે ત્યારે આજે યુજી કોમર્સમાં 693 મત પડયા હતા અને અંદાજે સરેરાશ માંડ 56 ટકા જેટલુ મતદાન થયુ હતુ.ઉમેદવારોની ફરિયાદ હતી કે એક જ કોલેજમાં એક સેન્ટર રખાતા મુશ્કેલી પડી હતી અને લાંબી લાઈનો લાગતા ઘણા વોટર્સ જતા રહ્યા હતા તો ઘણા ત્રણ રજાને લીધે આવ્યા ન હતા. પીજી કોમર્સમાં 143 મત સામે 85 ટકા અને લૉમાં 72.58 ટકા તથા એજ્યુકેશનમાં 56.81 ટકા તથા યુજી સાયન્સમાં 86.49 ટકા અને યુજી આર્ટસમાં 65 ટકા જેટલુ વોટિંગ થયુ હતુ.જ્યારે વેલ્ફેરમાં કુલ 1408 મતો સામે 80 ટકા જેટલુ વોટિંગ થયુ હતું.

ચૂંટણીમાં પ્રથમવાર બ્રેઈલલિપીમાં બેલેટ છપાતા અંધ મતદારોનું વોટિંગ

ગુજરાત યુનિ.ની વિદ્યાર્થી પ્રતિનિધિત્વ ચૂંટણીના ઈતિહાસમા પ્રથમવાર બ્રેઈલલીપીમાં બેલેટ પેપર છપાયા હતા. 10 બેલેટ પેપર બ્રેઈલ લીપીમાં છાપવામા આવ્યા હતા.અંધ મતદારો પણ પોતાની રીતે વોટિંગ કરી શકે તે માટે યુનિ.દ્વારા બ્રેઈલલીપીમાં બેલેટ તૈયાર થયા હતા અને આજની સ્ટુડન્ટ વેલ્ફેર બોર્ડની ચૂંટણીમાં બે પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોએ વોટિંગ પણ કર્યુ હતુ.

એબીવીપીના સમર્થનમાં ભાજપના અનેક નેતાઓ સેન્ટરો પર ફર્યા

એબીવીપી દ્વારા ભલે જાહેરમાં ભાજપથી અલગ હોવાનીવાતો કરાય પરંતુ આજે સેનેટ ચૂંટણીમાં તમામ સેન્ટરો પર એબીવીપીના સમર્થનમાં ભાજપના નેતાઓ ફરતા જોવા મળ્યા હતા. ભાજપ યુવા મોરચાના મોટા ભાગના નેતાઓ તેમજ ભાજપના સીન્ડીકેટ મેમ્બરો એબીવીની જીત માટે સમર્થનમાં આવી ગયા હતા અને વોટિંગ કરાવવા માટે વોટર્સ લાવવાથી માંડી સેન્ટરો પર વ્યવસ્થામાં બેઠેલા જોવા મળ્યા હતા.એબીવીપી માટે આ વખતની ચૂંટણીમા હાજર થાય તો ભાજપ માટે આબરૂનો સવાલ હોવાથી ઉપરથી પણ ઘણું મેનેજ થતુ હોવાનું જોવા મળ્યુ હતું. જ્યારે એનએસયુઆઈના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ નજરે પડયા ન હતા.

લાલચો આપી મતદારોને બુથ સુધી ખેંચી લાવવા છેલ્લી ઘડી સુધી દોડાદોડી

વિદ્યાર્થી મતદારો વોટિંગ બુથ સુધી ન આવતા હોઈ અને મોટા ભાગના મતદારોને તો ચૂંટણીમાં રસ ન હોવાથી મતદાન નથી કરતા અને તેમાં પણ ત્રણ રજાઓને લીધે વોટર્સ પકડવા માટે એબીવીપી-એનએસયુઆઈએ છેલ્લી ઘડી સુધી દોડાદોડી કરી હતી.મતદારોને લાવવા અને મુકી જવા માડી ગાડીઓની વ્યવસ્થા કરવાથી માંડી જમાડવા સુધીની વ્યવસ્થા કરવામા આવી હતી આ ઉપરાંત એક બે ફેકલ્ટીમાં તો કેટલાક મતદારોને 5થી20 હજાર સુધીના રૂપિયાની પણ ઓફરો થઈ હતી.બંને પક્ષો દ્વારા એક-એક ઉમેદવાર પાછળ દોઢથી બે લાખ રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

READ ALSO

Related posts

ગૌરવ / ગુજરાતમાં બન્યા જગતના સૌથી મોટા કોક ડ્રમ્સ : કામ કરશે દુનિયાના સામા છેડે આવેલા દેશમાં

pratik shah

મોટા સમાચાર / જમ્મુ-કાશ્મીરમાં કોરોના કેસનો રેકોર્ડબ્રેક, 5992 નવા કેસ સાથે કોવિડનો કોપ યથાવત

GSTV Web Desk

રાજ્યભરમાં તોલમાપ તંત્રના દરોડા, 40 જેટલા મેડીકલ એકમોમાં ગેરરીતી ઝડપાઈ! તંત્રે ફટકાર્યો આકરો દંડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!