ગુજરાતના કચ્છનો એક વ્યક્તિ વર્ષ 2008માં અજાણતા જ પાકિસ્તાનની સરહદ પાર કરી જતો રહ્યો હતો અને તેની જાસૂસીના આરોપ હેઠળ ધરપકડ કરવામા આવી હતી. પાડોશી દેશની જેલોમાં લાંબા સમય સુધી બંધ રહ્યાં બાદ અંતે તે ભારત પરત ફર્યો છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપી. પાકિસ્તાની સીમાથી 60 કિ.મી. દૂર કચ્છના નાના દિનારા ગામનો 60 વર્ષીય ઈસ્માઈલ સમા પોતાના પશુઓ સાથે પાકિસ્તાનમાં ઘુસી ગયો હતો. ત્યારે તેની ધરપકડ કરી તેને જેલમાં બંધ કરી દેવાયો હતો.
ભારતીય હાઈકમિશનની એક અરજી પર ઈસ્લામાબાદ હાઈકોર્ટના આદેશ બાદ 2 દિવસ અગાઉ તેને જેલમાંથી મુક્ત કરવામા આવ્યો હતો. અટારીમાં અધિકારીઓએ જણાવ્યું કે, સમા શુક્રવારે વાઘા-અટારી ઈન્ટરનેશનલ બોર્ડર થઈ અમૃતસર પહોંચ્યો. તેના પરિવારના અમુક સભ્યો પણ સમાને લેવા અમૃતસર ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે, હાલ અમુક ઔપચારિકતા પૂર્ણ કરવાની છે. જેમાં સમાનું મેડિકલ ચેકઅપ પણ સામેલ છે, જે પછી તેઓ પરિવારજનો સાથે પરત જઈ શકશે. તેના ગામમાં એક એનજીઓ ચલાવનાર ફઝલ સમા અને સંબંધી યુનુસ સમાએ અમૃતસરમાં ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીમાં ઈસ્માઈલની મુલાકાત કરી હતી.
ઈસ્માઈલે જણાવ્યું કે, ‘હું પશુઓને ચરાવવાના સમયે પાકિસ્તાન તરફ ભૂલથી જતો રહ્યો. પાકિસ્તાની સેનાએ મને જાસૂસ અને રૉ એજન્ટ માની લીધો. આઈએસઆઈએ 6 મહિના મને જેલમાં રાખ્યો અને પછી પાકિસ્તાની સૈન્યને હવાલે કરી દીધો. 5 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી તેના 3 વર્ષ અગાઉ સુધી હું તેમની કસ્ટડીમાં હતો. ઓક્ટોબર 2016માં મારી સજા પૂર્ણ થઈ પણ મને મુક્ત કરવામાં આવ્યો નહીં. હું 2018 સુધી 7 વર્ષ હૈદરાબાદ સેન્ટ્રલ જેલમાં રહ્યો. જે પછી મને 2 અન્ય ભારતીયો સાથે કરાચી સેન્ટ્રલ જેલમાં મોકલી દેવામાં આવ્યો.’
પત્રકાર અને શાંતિ કાર્યકર્તા જતિન દેસાઈએ જણાવ્યું કે, સમા વિશે જાણ થયા બાદ પાકિસ્તાન-ઈન્ડિયા પીપુલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી (પીઆઈપીએફપીડી) અને એક સ્થાનિક એનજીઓએ બંને સરકારોનો સંપર્ક કરવાની શરૂઆત કરી અને પાકિસ્તાની હાઈકમિશ્નરને પત્ર લખી સમાની મુક્તિ અંગે અપીલ કરી. સમાને મુક્ત કરવાની માંગ 4 ભારતીયને મુક્ત કરવા માટે ભારતીય હાઈકમિશને કરેલી અરજી બાદ શક્ય બની છે. આ તમામે પોતાની સજા ઘણી પહેલા જ પૂર્ણ કરી લીધી હતી.
READ ALSO
- મહાત્મા ગાંધીના હત્યારા નાથૂરામ ગોડસેના પૂજારી કોંગ્રેસમાં જોડાયા, ખુદ કમલનાથે પાથરી લાલજાજમ
- મોદી સરકાર માટે રાહત/ મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા પર મૂક્યો ભરોસો, હવે આવો રહેશે નવો વિકાસદર
- સલાહો છૂટી/ સુરતમાં પ્રવેશવાના 72 કલાક પહેલાં લોકો કોરોના ટેસ્ટિંગ કરાવે, કોરોનાનો ફફડાટ વધ્યો
- ધબડકો/ ઈંગ્લેન્ડ 81 રનમાં ઓલઆઉટ : અશ્વિને 400 વિકેટ ઝડપી બનાવ્યો રેકોર્ડ, ભારતને મળ્યો આટલા રનનો ટાર્ગેટ
- અમદાવાદ/ એવું તે પોલીસે શું કર્યું કે સિવિલ વર્ગ 4ના કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, કઇ ઘટનામાં મામલો બિચક્યો