GSTV

9 પાસ ભાજપના ભીષ્મ પિતામહે 21મી સદીનું વિઝન જોયેલું: ગુજરાતનો વિકાસ કેશુબાપાની દૂરંદ્રષ્ટીનું પરિણામ, 2 વાર ખુરશી ગુમાવી

ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું કાર્ડિયાક અરેસ્ટના કારણે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન 92 વર્ષની વયે નિધન થયું છે. બાપા તરીકે જાણીતા કેશુભાઈનો જન્મ 24 જુલાઈ 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં થયો હતો. કેશુભાઈ પટેલને કોરોના થયાં બાદ કેટલાક દિવસથી ફેફસાં અને હૃદયની પણ તકલીફ થતાં તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં.

અંગત જીવનમાં પણ ઘણા આઘાત પચાવી ગયા

કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. બાપા અંગત જીવનમાં પણ ઘણા આઘાત પચાવી ગયા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે 2018માં બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. કેશુબાપા અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે. 1943માં નિર્માણ પામેલા મચ્છુ 1 ડેમના ચણતરકામ દરમિયાન માત્ર 15 વર્ષીય કેશુભાઇ પટેલ ત્યાં અનાજ દળવાની ઘંટી ચલાવતા હતા.

17 વર્ષની ઉંમરે જોડાયા હતા સંઘમાં

કેશુભાઈ પટેલ 1945માં 17ની વયે રાષ્ટ્રીય સ્વયસેવક સંઘમાં પ્રચારક તરીકે જોડાયા હતા. ત્યાર બાદ 1960માં તેઓ જનસંઘમાં કાર્યકર્તા તરીકે જોડાઈને રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તેમજ કટોકટી કાળ દરમિયાન જેલવાસ ભોગવ્યો હતો. 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. ગુજરાતમાં ભાજપે 1990માં ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી.

કેશુબાપા

1995માં એકલા હાથે ભાજપને અપાવી જંગી બહુમતી

ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મિશ્ર સરકારમાં મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

કેશુબાપા બાદ રૂપાણીને મળી ભાજપ અધ્યક્ષ બાદ સીએમ બનવાની તક

કેશુભાઇ પટેલ બાદ જે કોઈ પ્રદેશ પ્રમુખ આવ્યા તેમાં ફક્ત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. બંને સૌરાષ્ટ્રના જ નેતાઓ છે અને તેમને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાની તક મળી હતી.

ધોરણ 9 પાસ કેશુબાપાએ જોયું હતું 21મી સદીનું ગુજરાત

ગુજરાતના દસમાં મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળનાર વિસાવદર જેવા ગામના માત્ર 9 ધોરણ જેટલું જ ભણેલા કેશુભાઈ પટેલે ગુજરાતના વિકાસ માટે 21મી સદીનું વિઝન તે રીતે જ જોયેલું જે પ્રમાણે દેશમાં રાજીવ ગાંધીએ ક્મ્યુનિકેશન ક્રાંતિથી જોયું હતું. કેશુભાઈએ એક ગામડાના માનવી થઈને સીએમ બની બતાવ્યું હતું અને ત્યારબાદ પણ આધુનિક ઢબે વિકાસ કરવાનું વિઝન રજુ કર્યું હતું.

આજનું રિવરફ્રન્ટ કેશુબાપાનું વિઝન

આજે આપણે જે રિવરફ્રન્ટના નામે વિકાસની વાતો કરીએ છીએ તેના પાછળ કેશુભાઈ પટેલનું વિઝન છે, કેશુભાઈએ રિવરફ્રન્ટ માત્ર ટાઈમપાસ કે બાગ બગીચા પુરતો રાખવાનો નહીં પણ મલ્ટીનેશનલ કંપનીઓની ઓફીસ ત્યાં આવે તે પ્રકારે નદી કિનારાની જમીન કમર્શિયલી વેચીને આધુનિક ઢબે શહેરનો વિકાસ કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો. આ સિવાય પણ કેશુભાઈએ ગોકુળિયું ગામ જેવી યોજનાઓ ચાલુ કરીને તેનો સારી રીતે અમલ કરાવવાનું કામ કર્યું હતું, હાઈવેના કામ કર્યા હતા. જો કે સમય જતા ભૂકંપના બહાને ખુરશીની ખેંચમતાણનો ભોગ તેઓએ બનવું પડ્યું અને કુદરતી આપત્તિની જાણે જવાબદારી તેમના માથે આવી ગઈ હોય તેમ મુખ્યમંત્રી પદ છોડવું પડ્યું. આજે પણ ગુજરાતના વિકાસની વાત જયારે ભારતીય જનતા પક્ષ કરે છે ત્યારે ક્યાય કેશુભાઈ પટેલના નામનો કે તેમની સરકારનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.

પોપટીયાવાડમાં પડકાર્યો હતો ડોન લતિફને

લતિફના ગઢ એવી પોપટીયાવાડ પોલીસ પણ દરોડા પાડી શક્તી નહોતી અને બિનમુસ્લિમ તે વિસ્તારમાં પ્રવેશવાની હિંમત કરતા નહોતા. પરંતુ લોકોના મનમાંથી લતીફનો ડર દૂર કરવા ભાજપે પોપટિયાવાડમાં જ લોકદરબાર યોજવાનું નક્કી કર્યું હતું. કેટલાક ઉચ્ચ પોલીસ અધિકારીઓને વિશ્વાસમાં લઈને ભાજપે કેશુભાઈની હાજરીમાં પોપટિયાવાડમાં લોકદરબાર યોજ્યો અને તેને ખૂબ સફળતા મળી હતી. અહીંથી ભાજપને ચૂંટણીનો મુદ્દો મળ્યો અને 1995ની ચૂંટણીઓ લતિફને ગુંડાગીરી અને આતંકનો એક ચહેરો બનાવી ભાજપે કોંગ્રેસ સામે આક્રમક પ્રચાર કર્યો હતો.

બે વખત મુખ્યમંત્રીનું પદ ગુમાવ્યું

કેશુભાઈ 1995માં ગુજરાતનાં 10માં મુખ્યમંત્રી બન્યા. પરંતુ તે સમયના સાથી અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ બળવો કરતા કેશુભાઈએ 8 મહિનામાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. જોકે નસીબે સાથ આપતા ફરી 1998માં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની અને તેઓ મુખ્યમંત્રી બન્યા. જોકે, નસીબે તેમનો વધુ સાથ ન આપતા 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં ભૂકંપ આવ્યો અને ઓક્ટોબર 2001માં સત્તાના દુરુપયોગ, ભ્રષ્ટાચાર અને ભૂકંપમાં નબળી રાહત કામગીરીના આરોપ બદલ કેશુભાઈએ રાજીનામું આપી દીધું. કેશુભાઈના રાજીનામાને પગલે ભાજપ હાઈકમાન્ડે કેશુભાઈના સ્થાને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!