GSTV

ગુજરાત માટે અત્યંત ચિંતાજનક સ્થિતિ: હજાર પુરુષે માત્ર 965 મહિલાઓ, અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં હજુ ‘જૈસે થે’ સ્થિતિ

Last Updated on November 26, 2021 by pratik shah

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ જાહેર કરવામાં આવ્યો ત્યારે તેમાં પ્રથમ વખત પ્રતિ ૧ હજાર પુરુષની સરખામણીએ ૧૦૨૦ દર્શાવાતાં સકારાત્મક સ્થિતિ જણાઇ હતી. જોકે, દેશમાં પુરુષની સરખામણીએ મહિલાનું પ્રમાણ ભલે વધ્યું હોય પણ ગુજરાતમાં હજુ ‘જૈસે થે’ સ્થિતિ છે. ગુજરાતમાં ૧ હજાર પુરુષે ૯૬૫ મહિલા છે. ઉત્તર પ્રદેશ-બિહાર સહિત દેશના ૨૩ રાજ્યોની સરખામણીએ ગુજરાત પ્રતિ પુરુષે મહિલા મામલે સૌથી નબળી સ્થિતિ ધરાવે છે. બિહારમાં ૧ હજાર પુરુષે ૧૦૯૦ મહિલા, ઉત્તર પ્રદેશમાં ૧૦૧૭ મહિલા છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૪ પ્રમાણે ગુજરાતમાં ૧ હજાર પુરુષે ૯૫૦ મહિલા હતી. આમ, ગુજરાતમાં બંને સર્વેના સમયગાળા દરમિયાન આ સ્થિતિમાં સાધારણ સુધારો થયો છે.

orphan children in india

આ સેમ્પલ સર્વે અનુસાર સમગ્ર દેશમાં પ્રથમ વખત પુરુષ કરતાં મહિલાના પ્રમાણમાં વધારો નોંધાયો છે. સમગ્ર દેશમાં ૧ હજાર પુરુષે મહિલાનું પ્રમાણ ૧૦૨૦ છે. બીજી તરફ ગુજરાતમાં ૧ હજાર પુરુષે માત્ર ૯૬૫ મહિલા છે. ૭થી ઓછી વયજૂથમાં પ્રતિ ૧ હજારે માત્ર ૯૩૭ છોકરી.આમ, ગુજરાતમાં પુરુષની સરખામણીએ મહિલાઓનું ઓછું પ્રમાણ ચિંતાનો વિષય છે. કેરળ પ્રતિ ૧ હજાર પુરુષે ૧૧૨૧ મહિલા સાથે સૌથી સારી સ્થિતિ ધરાવે છે. બીજી તરફ દિલ્હીમાં પ્રતિ ૧ હજાર પુરુષે માત્ર ૯૧૩ મહિલા ,સાથે સૌથી નબળી સ્થિતિ છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે : એક નજર..

  • ૭૭% પરિવારો પાસે પાકા ઘરની સુવિધા.
  • ૬૫%ને નળથી જળની સુવિધા. જેમાં ૭૯% શહેરી, ૬૫% ગ્રામ્ય વિસ્તારના ઘરનો સમાવેશ.
  • ગ્રામ્ય વિસ્તારમાં ૩૧% પરિવાર ખૂલ્લામાં શૌચ કરે છે.
  •  ૮૨% ઘરમાં શૌચાલયની સુવિધા. જોકે, પ્રત્યેક ઘરમાં શૌચાલય  હોય તેવો એક પણ જિલ્લો નહીં. અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ
  • ૧૦૦% ઘરમાં શૌચાલયની સુવિધા. દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના માત્ર ૩૮% ઘરમાં શૌચાલય.
  • શહેરી વિસ્તારમાં ૮૭% જ્યારે ૭૯% ગ્રામ્ય વિસ્તારમાં ૬-૧૭ વયજૂથના બાળકો શાળાએ ગયા છે.
  • શાળાએ જનારામાં ૧૫-૧૭ વયજૂથમાં ૪૪% છોકરી જ્યારે ૫૭% છોકરાઓ છે.
  • ગુજરાતમાં સરેરાશ ૧ હજારમાંથી ૩૧ બાળકો જન્મના ૧ વર્ષ બાદ અવસાન પામે છે. ૨૦ વર્ષથી ઓછી ઉંમરે માતા બનનારના સંતાનના મૃત્યુનું પ્રમાણ વધારે હોય છે.
  • ૯૪% બાળકો હોસ્પિટલમાં જ્યારે ૬% બાળકો ઘરમાં જન્મે છે. છેલ્લા પાંચ વર્ષમાં પોરબંદરમાંથી સૌથી વધુ ૧૦૦% અને ડાંગમાં સૌથી ઓછા ૭૪% બાળકનો જન્મ હોસ્પિટલમાં થયો છે.
  • વંધ્યીકરણના ઓપરેશનનું પ્રમાણ સ્ત્રીઓમાં ૯૬.૭% અને પુરુષોમાં ૭૬% છે.
  • માત્ર ૨૯% મહિલા અને ૩૬% પુરુષ એચઆઇવી-એઇડ્સ કઇ રીતે ફેલાય છે તેની સંપૂર્ણ જાણકારી ધરાવે છે.
  • ગુજરાતમાં ૪૦% બાળકો ઉંમરની સરખામણીએ ઓછું વજન ધરાવે છે.

જાણકારોના મતે દેશભરમાંથી સેમ્પલ સર્વેના આધારે આ ફેમિલી હેલ્થ સર્વે જાહેર કરવામાં આવતો હોય છે. આ મામલે ગુજરાતની વાસ્તવિક સ્થિતિ આગામી વસતિ ગણતરી બાદ જ સામે આવી શકે છે. પરંતુ આ પ્રમાણનો જ આધાર લેવામાં આવે તો ગુજરાતમાં પુરુષો કરતાં મહિલાનું ઓછું પ્રમાણ ચિંતાના વિષય સમાન છે. ગુજરાતમાં  પ્રત્યેક મહિલાએ શહેરમાં ફર્ટિલિટી રેટ ૧.૬ બાળક અને ગ્રામ્ય વિસ્તારમાં બે બાળકનો છે. છેલ્લા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ગુજરાતમાં ફર્ટિલિટી રેટ ૨ ટકા હતો અને તે હવે ૧.૯ ટકા છે.

પુરુષોમાં હાયપર ટેન્શનનું વધુ પ્રમાણ

ગુજરાતમાં ૧૫-૪૯ વયજૂથમાં ૧૪% પુરુષ જ્યારે ૧૧% મહિલા હાયપર ટેન્શનની સમસ્યા ધરાવે છે. આ પૈકી ૧૦% પુરુષ, ૭% મહિલા હાયપર ટેન્શનના સ્ટેજ-૧માં છે. ૩૯% પુરુષને સામાન્ય બ્લડ પ્રેશર હોય છે. ઉંમર વધે તેમ પુરુષ અને મહિલા બંનેમાં હાયપર ટેન્શનનું પ્રમાણ વધતું રહે છે. રાજ્યમાં ૧૫-૪૯ વયજૂથમાં ૬% મહિલા, ૭% પુરુષને ડાયાબિટિસની સમસ્યા છે.

ગુજરાતના ૪૬% પુરુષ તમાકુનું સેવન કરે છે

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે-૫ અનુસાર ગુજરાતમાં ૧૫-૪૯ વયજૂથમાં ૪૬% પુરુષ અને ૬% મહિલા તમાકુનું સેવન કરે છે. જેમાં ૩૪% પુરુષ ગુટખા કે પાન મસાલા, ૫% બીડી, ૪% સિગારેટ-તમાકુવાળું પાનનું સેવન કરતા હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં ૭% મહિલા-૫૩% પુરુષ જ્યારે શહેરી વિસ્તારમાં ૪% મહિલા-૩૭% પુરુષ કોઇ પણ પ્રકારના તમાકુનું સેવન કરતા હોય છે. મોટાભાગના પુરુષ એક દિવસમાં પાંચથી ઓછી સિગારેટ પીવે છે.

ગ્રામ્ય વિસ્તારની મહિલામાં દારૃ પીવાનું વધુ પ્રમાણ

ડ્રાય સ્ટેટ ગુજરાતમાં ૧૫થી ૪૯ વયજૂથમાં સરેરાશ ૧૯% પુરુષ -૨% મહિલા દારૃનું સેવન કરે છે. ગ્રામ્ય વિસ્તારમાં ૩% મહિલા-૨૨% પુરુષ, શહેરી વિસ્તારમાં ૧% મહિલા-૧૫%  પુરુષ શરાબ પીતા હોય છે. આ પૈકી ૩૫% પુરુષ સપ્તાહમાં એકવાર અને ૩૧% લોકો દરરોજ દારૃ પીવે છે.

પ્રતિ ૧ હજાર પુરુષે મહિલાનું પ્રમાણ 
ક્યાં સૌથી વધુ? 
રાજ્ય       પ્રમાણ
લક્ષદ્વિપ     1187
કેરળ         1121
પુડુચેરી     1112
બિહાર       1090
તામિલનાડુ   1088
ક્યાં સૌથી ઓછું? 
રાજ્ય          પ્રમાણ
દમણ-દીવ   827
દિલ્હી        913
ચંદીગઢ       917
હરિયાણા      926
પંજાબ         938

૫૮% મહિલા માસિક ધર્મ વખતે વસ્ત્રોનો ઉપયોગ કરે છે

ગુજરાતમાં શહેરી વિસ્તારમાં ૪૦.૮% જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ૫૭.૫% મહિલા માસિક ધર્મ વખતે સેનિટરી નેપકિનને સ્થાને વસ્ત્રનો ઉપયોગ કરે છે. સેનિટરી નેપકિનનો ઉપયોગ કરવાનું પ્રમાણ શહેરી વિસ્તારની મહિલામાં ૫૯.૨% અને ગ્રામ્ય વિસ્તારમાં ૩૦.૧% છે. ૫ હજારથી વધુ મહિલાના સર્વેક્ષણ બાદ આ પ્રમાણ સામે આવ્યું છે.

READ ALSO

Related posts

મેવાણી માટે વડગામની સીટ ખાલી કરી આપનારા મણીભાઈ વાઘેલાનું કોંગ્રેસમાંથી રાજીનામુ, કોંગ્રેસ પાર્ટી પર લગાવ્યા ગંભીર આક્ષેપ

Pravin Makwana

Big News/ આ દેશોમાંથી ગુજરાત આવી રહેલા લોકો માટે RTPCR ફરજિયાત, કોરોનાના વધતા કેસો વચ્ચે સરકારનો મોટો નિર્ણય

Bansari

NEET PG કાઉન્સેલિંગ મોકૂફ રાખવા બદલ અમદાવાદના તબીબોમાં નારાજગી, રાજ્યભરમાં કરશે જોરદાર વિરોધ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!