ઘણા પ્રશ્નો એવા હોય છે, જેમાં આંદોલન થાય કે મામલો કોર્ટમાં જાય તો જ સરકાર ધ્યાન આપે છે. આંદોલનની રીત પણ હવે બદલી ગઈ છે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે પોતાની વણઉકેલાયેલી ચાર ડિમાન્ડ પુરી કરવા સોશિયલ મીડિયા પર આંદોલન કરવાની જાહેરાત કરી છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર ગુજરાત સ્ટેટ એમ્પલોયીઝ કન્ફેડરેશન દ્વારા બહાર પડાયો હતો. એ પત્રમાં અપીલ કરવામાં આવી છે કે આગામી સમયમાં વિવિધ ચાર દિવસે 3થી 5 વાગ્યા દરમિયાન એક એક ડિમાન્ડની ટ્વિટ કરવી. બધા જ કર્મચારીઓ, વિવિધ કર્મચારી મંડળો, સંગઠનો, પેટા સંગઠનો જો એક સાથે એક જ વિષય પર અને નક્કી કરેલા હેશટેગનો ઉપયોગ કરી ટ્વિટ કરશે તો બેશક સોશિયલ મીડિયા પર એ મુદ્દો ચર્ચાશે. સોશિયલ મીડિયા થતી કદાચ આ ડિમાન્ડ સરકારના કાને પહોંચે પણ ખરા.

આ માટે 16, 21, 24 ફેબ્રુઆરી અને 1લી માર્ચ એમ ચાર દિવસ નિર્ધારિત કરાયા છે. દરેક દિવસની એક એક અલગ ડિમાન્ડ છે. જેમ કે ફિક્સ પગારની શોષણભરી ગુલામી પ્રથા દૂર કરવી, સાતમા પગાર પંચના બાકીના લાભો આપવા, મોંઘવારી ભથ્થું આપવું, નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેન્શન યોજના લાગુ કરવી વગેરે. આ માટેના હેશટેગ પણ પરિપત્રમાં આપવામાં આવ્યા છે.
ગુજરાત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કોન્ટ્રાક્ટ પર જ કામ ચલાવે છે. કર્મચારીઓની ભરતી પ્રથા પર બ્રેક છે. કેમ કે અત્યારે જે કર્મચારીઓ છે, તેનો નિભાવ પણ સરકારી તિજારીને બહુ મોટો પડી રહ્યો છે. વર્તમાન સરકારી કર્મચારીઓની ડિમાન્ડો ઘણી છે. વળી લોકોના મનમાં એ છાપ બહુ સ્પષ્ટ છે કે સરકારી કર્મચારીઓ એટલે કામ ઓછું અને આરામ વધુ. એ છાપ સાવ ખોટી પણ નથી, કેમ કે ઘણી સરકારી કચેરીઓમાં વારંવાર ધક્કા ખાધા પછી જ કામ થતું હોય છે.
સામે પક્ષે સરકાર દ્વારા ફિક્સ પગાર સહિતની નીતિઓ દ્વારા કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે એ હકીકત પણ નકારી શકાય એમ નથી. એટલે વિવિધ સરકારી કર્મચારીઓ, વિવિધ મંડળો અને સંગઠનોમાં સરકાર પ્રત્યેનો રોષ વધતો જાય છે.