GSTV
Home » News » ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

ST બસના કર્મચારીઓએ સરકાર સામે ચડાવી બાંયો, જ્યારે 8,209 બસના પૈંડા થંભી જાય ત્યારે શું થાય જુઓ

સરકાર સામે લડત ચલાવી રહેલા એસટી નિગમના કર્મચારીઓ લડી લેવાના મૂડમાં છે. સીએમે ખોટના ખાડામાં કામ કરતા એસટી નિગમના કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાનો ઈનકાર કરતા એસટીના કર્મચારીઓનો રોષ બેવડાયો છે. તેમણે આગળની રણનીતિ ઘડવા સંકલન સમિતિની બેઠક યોજી છે. આ બેઠકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત એમ તમામ પ્રતિનિધિ મંડળના પ્રતિનિધિઓ હાજર રહ્યા છે. તો બીજી તરફ એસટી નિગમનું કહેવું છે કે સમાધાનના પ્રયાસ ચાલુ છે. એસટીની હડતાળથી ગુજરાતની દસ હજાર ટ્રીપો કેન્સલ થઈ છે. કુલ 8 હજાર 209 બસોના પૈંડા થંભી ગયા છે. સવારના 10 વાગ્યા સુધીમાં જ એસટીને એક કરોડ 40 લાખનું નુકસાન થયું છે.

ઉપલેટા

ઉપલેટા શહેરમાં એસ.ટી ડેપો ના કર્મચારીઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા હડતાલની રાહ પકડી છે. એસ.ટી.ના ત્રણે યુનિયનો દ્વારા હડતાળ જાહેર કરાતા હજારો એસ.ટી.ના પૈડાઓ થંભી ગયા છે. લગ્ન માટે થયેલા એસટી બસના બુકિંગ રદ કરવામાં આવતા તેઓને સો ટકા રિફંડ આપવાની જાહેરાત કરાઇ છે. આ હડતાળથી હજારો મુસાફરો રઝળી પડ્યા છે અને યાત્રિકોમાં અફરાતફરી મચી ગઇ છે.

અરવલ્લીમાં જાનૈયા મુસીબતમાં

અરવલ્લી જીલ્લામાં પણ એસટીના પૈડા થંભી ગયા છે. ત્યારે હાલમાં લગ્નના દિવસો હોવાથી અનેક જાનૈયાઓને પણ મુશ્કેલીમાં મુકાવાનો વખત આવ્યો હતો. લગ્નની જાન લઇને જનારા જાનૈયાઓએ ખાનગી વાહનો શોધવા મજબુર બનવુ પડ્યુ હતુ. જેના કારણે ઘણી જાન લગ્ન સ્થળે સમયસર પહોંચી શકી ન હતી. કેટલેક સ્થળે લગ્ન સંપન્ન થયા બાદ કન્યા સાથે પરત ફરી શકી ન હતી.

સુરત

એસટી નિગમની રાજ્યવ્યાપી હડતાલનો સુરત જિલ્લામાં પણ પ્રતિસાદ જોવા મળ્યો હતો. જિલ્લા ના 3100 જેટલા કર્મચારીઓ તમામ રૂટો બંધ કરી બારડોલી ડેપો ખાતે પડતર માંગો માટે સરકાર સામે સુત્રોચ્ચારો કર્યા હતા. હડતાળના કારણે વિદ્યાર્થીઓ સહિત અનેક લોકોને ભારે સમસ્યાનો સામનો કરવા સાથે ખાનગી વાહનોમા વધારે ભાડા ચુકવીને મુસાફરી કરવાની નોબત આવી હતી.

હિંમતનગરમાં દિવ્યાંગો રઝળ્યા

સાતમા પગાર પંચના મામલે હવે એસટીના કર્મચારીઓ પણ લડાયક મૂડમાં આવી ગયા છે. હિંમતનગર એસટી ડીવીજનના કર્મચારીઓ બે દિવસ હડતાળ પર ઉતર્યા હતા. આજે રાજ્યભરના 45 હજાર જેટલા કર્મચારીઓએ હડતાલમાં જોડાઇને હિંમતનગર બસ સ્ટેન્ડ ખાતે એકત્રિત થઈ સુત્રોચાર કર્યા હતા. એસટી કર્મચારીઓની એક દિવસની હડતાળને કારણે મુસાફરોની સાથે દિવ્યાંગ ખેલાડીઓ પણ રઝળ્યા છે. દિવ્યાંગ ખેલાડીઓને નેશનલ કક્ષાએ રમવા માટેનું કાર્ડ લેવા જવાનું હતુ. પરંતુ બસની હડતાળને કારણે 10 જેટલા દિવ્યાંગ ખેલાડીઓ અટવાયા છે. બેરોજગાર દિવ્યાંગ ખેલાડીઓ બે હજાર રૂપિયા ખર્ચી અમદાવાદ ગયા હતા.

કચ્છમાં લાખો લોકો અટવાયા

એસટી ડિવિઝનના કર્મચારીઓની હડતાલથી કચ્છમાં પરિવહન વ્યવહાર ખોરવાયો. એસટી કર્મચારીઓની માંગ ન સંતોષાતા આજથી માસ સીએલ પર ઉતરી ગયા છે. હડતાલના કારણે શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ સહિત નોકરી ધંધા પર જતા લાખો લોકો અટવાયા છે. એસટી કર્મચારીઓની હડતાલથી ખાનગી પેસેન્જર વાહન ચાલકોને ભાડામા લૂંટની તક મળી છે.

વડોદરામાં 1,627 બસો ઠપ્પ

વડોદરામાં પણ એસટી બસોના પૈડાં થંભી જતા મુસાફરોની મુસિબતમાં વધારો થયો. વડોદરાના સાત ડેપોની 1 હજાર 627 બસોના પૈડાં થંભી ગયા હતા. વડોદરા એસટી ડિવિઝનના અંદાજે 1 હજાર 836 કર્મચારીઓ આંદોલનને સફળ બનાવવા માસ સીએલમાં જોડાયા. હડતાળને કારણે 355 શિડયુલ અને 2 હજાર 400 ટ્રીપો રદ્દ થઈ છે. હડતાળને કારણે વડોદરા એસટી ડેપો સુમસાન ભાસતુ હતુ. એક દિવસની હડતાળને કારણે વડોદરા એસટી ડિવીઝનને અંદાજિત 70 લાખનું નુકશાન થશે.

અમદાવાદ

અમદાવાદ સહિત બાવળા ધોળકા સાંણદ ધંધુકા ડેપોના એસ ટી બસના કંડકટરો ડ્રાઇવરો પડતર માંગણી સરકાર દ્વારા ન સંતોષાતા હડતાળ પર ઉતર્યા છે. હડતાલના કારણે હજારો મુસાફરો અટવાઇ પડયા છે અને ખાનગી વાહનોમા વધુ ભાડુ ચૂકવીને પોતાના સ્થાન પર જવા માટે મજબૂર બન્યા છે. ધંધુકા ડેપોના કર્મચારીઓએ ભાજપ વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. કૉંગેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે વિધાનસભા ગૃહમાં એસટીનો મુદો ઉઠાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે એસટી તંત્ર ખરાબ સ્થિતિમાં છે. જેથી સરકાર બદલી અંગેના પરિપત્ર નંબર 2077 રદ કરી વર્ગ 3 વર્ગ 4 ના કર્મચારીઓની બદલીના આદેશ રદ કરે. સાથે જ ગેજ્યુઈટીની મર્યાદા 20 લાખ કરવામાં આવે.

જેતપુર

જેતપુર એસ.ટી કર્મચારીઓએ લોલીપોપ વહેચીને તંત્ર સામે વિરોધ નોંધાવ્યો છે. એસ.ટી બસ હડતાલને કારણે વિદ્યાર્થીઓ અને મુસાફરો રઝળી પડ્યા છે. ખાનગી વાહન ચાલકોની મુસાફરો પાસેથી ભાડા પેટે ઉઘાડી લૂંટ કરાઇ રહી છે.

અમરેલી

અમરેલી જીલ્લાની તમામ એસ ટી બસો હડતાલના કારણે બંઘ રહી છે. એસ ટી બસો બંઘ થતા પેસેન્જરને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જયા સુઘી માગણી નહીં સંતોષાય ત્યા સુધી એસ ટી વિભાગ ના કર્મચારીઓએ પોતાની હડતાળ ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

સુરત

સુરત જિલ્લાના એસ ટી કર્મચારીઓ હડતાલમા જોડાયા. બારડોલી,માંડવી,ઓલપાડ,સોનગઢ અને સુરત સહિત કુલ 3100 જેટલા કર્મચારીઓ હડતાલમા જોડાયા છે. બારડોલી વિભાગના મોટાભાગના રૂટ બંધ રાખી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો. હડતાળના પગલે સુરત એસ.ટી.ડેપોમાં કુલ 527 બસોના પૈડાં થંભી ગયા છે.એસ.ટી.ડેપોના છ અલગ અલગ ડિવિઝન પરથી દોડતી કુલ 527 બસોનો લંબા હનુમાન સ્થિત ડેપોમાં ખડકલો કરાયો હતો. આ ડેપો પાંચસોથી વધુ બસોથી ભરાઇ ગયો હતો. એસટી કર્મચારીઓની માસ સીએલની અસર દક્ષિણ ગુજરાતમાં પણ ઘેરી જોવા મળી રહી છે. સુરતથી રોજ અપડાઉન કરતા અંદાજે દોઢ લાખથી વધુ મુસાફરો અટવાયા છે. સુરત એસટી ડેપો પરથી પ્રતિદિવસ થતી ત્રણ હજાર બસો ટ્રીપ આજે રદ્દ કરી દેવાલ છે. નોકરી માટે રોજ અપડાઉન કરતા મુસાફરોને ઘણી તકલીફ પડી રહી છે. માંગણી નહીં સંતોષાય તો એસ.ટી નિગમના કર્મચારીઓએ અચોક્કસ મુદતની હડતાળની પણ ચીમકી આપી છે. વહેલી સવારથી સુરત એસટી ડેપો પર કોલેજ જતા યુવાનો અને નોકરીયાતો અટવાયા હતા.

બનાસકાંઠા

બનાસકાંઠામાં પણ 3200 જેટલા એસટીના કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા મુસાફરો અટવાયા હતા. અહીંની 600 જેટલી એસટીના પૈડાં થંભી ગયા હતા. મધરાતથી એસટી પૈંડા થંભી જતા પાલનપુર સહિતના સ્થળોએ વહેલી સવારથી વિદ્યાર્થીઓ અને મુસાફરો અટવાયા હતા. તેમણે ડબલ ભાડું ચૂકવીને મુસાફરી કરવી પડી હતી.

વિરમગામ

વિરમગામ ડેપોમાં પણ 61 બસોના પૈડા થંભી ગયા છે. એસટી કર્મીઓની છેલ્લા ત્રણ વર્ષથી માંગણીનો સ્વીકાર ન થતા તેઓ હડતાળ પર ઉતર્યા છે. વીરમગામથી અમદાવાદ અને ધોળકા. સાણંદ જીઆઇડીસી આવતા હજારો લોકો અટવાયા હતા. અહી પણ ખાનગી વાહનોએ બમણા ભાડા વસૂલ્યા હતા.

જૂનાગઢ

તો સોરઠ પંથકમાં પણ એસટીની હડતાળથી લોકો પરેશાન થયા છે. જૂનાગઢ એસટી વિભાગની 700 બસો ના તમામ રુટ બંધ છે. જેના કારણે સેંકડો મુસાફરો હેરાન પરેશાન થયા છે. તો કેટલાક લોકો ડબલ પૈસા ખરચીને મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. જુનાગઢ ડેપોમાં કર્મચારીઓએ નારેબાજી સાથે દેખાવો પણ કર્યા હતા.

મહેસાણા

મહેસાણા જિલ્લાના વિવિધ ૧૧ ડેપોના એસટી કર્મચારીઓ પણ માસ સીએલમાં જોડાતા સમગ્ર જિલ્લામાં બસ વ્યવહાર ઠપ થયો છે. મહેસાણા જિલ્લાના 11 ડેપોની 700 બસના પૈડા મધરાતથી થંભી ગયા છે. બસો બંધ રહેતા ખાનગી વાહનોને તડાકો પડ્યો હતો. નોકરીયાતો અને વિદ્યાર્થીઓ પાસેથી ખાનગી વાહન ચાલકોએ દોઢાથી બમણુ ભાડુ વસૂલ્યુ હતુ.

નર્મદા

નર્મદા જિલ્લાના રાજપીપળામાં પચાસ જેટલી બસોના પૈડા થંભી ગયા છે. માસ સીએલ પર ઉતરેલા એસટીના કર્મચારીઓએ પડતર માંગણીઓ પૂરી કરવા નારેબાજી કરી હતી. બસ હડતાળને કારણે રાજપીપળાથી અન્ય શહેરોમાં જતા અને ગામડેથી અહી ભણવા આવતા વિદ્યાર્થીઓને પારાવાર તકલીફ પડી હતી.

દેવભૂમિ દ્રારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ એસ.ટી.બસોના પૈડાં થંભી જતા દ્વારકા આવતા અને જતા શ્રદ્ધાળુઓ અટવાયા હતા. જિલ્લાના ૨૧૦ જેટલા કર્મચારીઓ હડતાળમાં જોડાયા હતા. યાત્રાધામ દ્વારકા ડેપોની ૯૪ ટ્રીપના ૪૭ જેટલા રૂટ પર આજે બસ સેવા બંધ રહી હતી. તો ખંભાળિયા ડેપોનાં ૪૫ રૂટ પરની 92 જેટલી ટ્રીપ બંધ રહી હતી.જિલ્લાના બંને ડેપો પર બસોના ખડકલા જોવા મળ્યા હતા.

રાજકોટ

એસટી કર્મચારીઓની માસ સીએલના કારણે રાજકોટ જિલ્લાના 512 લોકલ અને 198 એક્સપ્રેસ રૂટ રદ થયા છે. હડતાલને કારણે રાજકોટમાં અંદાજે બાવન હજાર વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તો વીસ હજાર મંથલી પાસ ધારકો પણ પરેશાન થયા છે. રાજકોટ 6 બસો લગ્ન માટે બુક કરાઈ હતી તેમને રીફન્ડ અપાયા છે.

જામનગર

તો હાલાર પંથકમાં પણ એસટી કર્મચારીઓની હડતાળની ઘેરી અસર વર્તાઇ રહી છે. જામનગર એસટીના 284 બસોના પૈડા થંભી ગયા છે. જામનગરમાં 1300 જેટલા કર્મચારીઓ મધરાતથી હડતાળમાં જોડાયા છે. આસપાસમાં નોકરી જતા શિશકો અને જામનગર ભણવા આવતા હજારો વિદ્યાર્થીઓ અટવાયા હતા.

સાબરકાંઠા

સાબરકાંઠાના પણ બે હજાર 900 એસટી કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા છે. જિલ્લાના મુખ્ય ડેપો એવુ હિંમતનગર બસ સ્ટેશન સવારથી સૂમસામ ભાસ્યુ હતુ. બસ સ્ટેશન આગળ જ ખાનગી વાહન ચાલકોએ ધામા નાખ્યા હતા. લોકો પાસે અવર જવર માટે માત્ર ખાનગી વાહનોનો સહારો રહ્યો હતો. જેના કારણે ખાનગી વાહનોએ રીતસરની લૂંટ ચલાવી હતી.

આણંદ

આણંદ જિલ્લામાં પણ એસટી હડતાળની અસર જોવાઇ રહી છે. વલ્લભ વિદ્યાનગર આવતા હજારો વિદ્યાર્થીઓ બસના અભાવે અટવાયા હતા. આણંદ ડેપોની 80થી વધુ બસ ડેપોમાં ખડકી દેવાઇ હતી. એસટીની હડતાળને પગલે ખાનગી વાહનોએ ભાડામાં લૂંટ ચલાવી હતી.

READ ALSO

Related posts

5થી 10 હજારના ભાડાપટ્ટે આ 10 દેશોમાં મળે છે જમીન, 5 લાખ હેક્ટરમાં ખેતી કરશે ગુજરાતીઓ

Mayur

પાકિસ્તાનમાં પણ દાદાની ધૂમ, શોએબે કહ્યું- ભારતીય ક્રિકેટને આ માણસે બદલી

NIsha Patel

સેલેરી જોઇને નહી બેન્કો આના આધારે પાસ કરે છે લોન, જાણી લો ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!