GSTV
Home » News » ગુજરાતમાં મેઘરાજાનો બારેમાસ અનરાધારા પ્રવાસ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોને ધમરોળ્યા, ખેડૂતોનો શિયાળુ પાક પાણીમાં

ગુજરાતમાં મેઘરાજાનો બારેમાસ અનરાધારા પ્રવાસ, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોને ધમરોળ્યા, ખેડૂતોનો શિયાળુ પાક પાણીમાં

અતિવૃષ્ટિ અને માવઠાંનો માર સહન કરી રહેલા ગુજરાતના ખેડૂતો માટે ફરી એક વખત માઠા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં મધરાત્રે કમોસમી વરસાદ વરસતા જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. કચ્છના પશ્ચિમ વિસ્તારમાં મોડીરાત્રે 2 વાગ્યા આસપાસ વરસાદ વરસ્યો. નખત્રાણા તેમજ નલિયા પંથકમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો. જ્યારે કે ભુજ, ગાંધીધામ, આદિપુર તેમજ અંજારમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા. બીજી તરફ દેવભૂમિ દ્વારકા પંથકમાં પણ વરસાદ વરસ્યો. દ્રારકા તેમજ ખંભાળિયા પંથકમાં વરસાદી ઝાપટાં પડ્યા. તો રાજકોટ, જામનગર અને મોરબીના અનેક ગામડાઓમાં પણ માવઠાએ કહેર વરસાવ્યો છે.

જામનગરમાં મેઘરાજાની જમાવટ

બીજી તરફ જામનગરમાં પણ વરસાદે કહેર વરસાવ્યો. જામનગરમાં મોડી રાત્રે વાતાવરણમાં ઓચિંતો પલટો આવ્યો. જે બાદ વહેલી સવારે જામનગર તેમજ આસપાસના પંથકમાં વરસાદી છાંટા વરસ્યા. કમોસમી વરસાદને કારણે જીરૂના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરાઇ રહી છે. તો ઓચિંતા વરસાદને કારણે ઠંડીમાં પણ વધારો થયો છે.

કચ્છના વાતાવરણમાં પલટો

હવામાન ખાતાની આગાહીના પગલે કચ્છના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ભુજ, માધાપર સહીતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ શરૂ થયો છે. સમગ્ર જિલ્લામાં ઠાર સાથેના વેગીલા પવનથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠામાં ખેડૂતો ચિંતાતુર

બનાસકાંઠામાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો. વહેલી સવારથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે. કેટલાક વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળ પણ જોવા મળ્યા છે.

માંગરોળમાં કાળા ડીબાંગ વાદળો છવાયા

જુનાગઢના માંગરોળ પંથકમાં કાળા ડીંબાંગ વાદળો સાથે કમોસમી વરસાદ પડ્યો. જેથી ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. ત્યારે કમોસમી વરસાદથી ખેડુતોના ઘંઉ, ધાણા, ચણા સહીતના પાકને ભારે નુકશાનની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રના મોટાભાગના પાકને નુકસાન

રાજકોટ, જામનગર અને મોરબી જિલ્લામાં પોષ મહિનામાં માવઠું થયું છે. ફરી એક વખત કમોસમી વરસાદના મારથી ખેડૂતો ચિંતિત બન્યા છે. સવારે ૭ વાગ્યા બાદ રાજકોટના પડધરી અને જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ગામોમાં અને મોરબીના ઘણા વિસ્તારમાં વરસાદ થયો છે. કમોસમી વરસાદને કારણે જીરું,ચણા,ઘઉં, ડુંગળી સહિતના ઉભા પાકને નુકશાન જવાની ભીંતી ખેડૂતોમાં વર્તાઈ રહી છે.

સાંબરકાંઠામાં ઠંડીમાં ઘટાડો

સાંબરકાઠા જીલ્લામાં ફરી વાર વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે. જિલ્લામાં અચાનકથી વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું છે. ઠંડીમાં ઘટાડો થયેલો જોવા મળી રહ્યો છે. વાતાવરણમાં એકાએક ઓછી માત્રામાં ધુમ્મસ છવાયેલું પણ જોવા મળી રહ્યું છે. અને વાતાવારણમાં ફેરબદલી થવાને કારણે જિલ્લાનાં ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

જૂનાગઢમાં ઝરમર

જૂનાગઢમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાદળછાયા વાતાવરણ બાદ ઝરમર વરસાદ શરૂ થતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના કારણે શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે.

અમરેલીમાં ગાઢ ધુમ્મસ

અમરેલીના રાજુલા પંથકમાં આજે વહેલી સવારે વાતાવારણમાં પલટો જોવા મળ્યો. વાતાવારણમાં એકાએક ગાઢ ધુમ્મસ ફેલાયું જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. રાજુલા-સાવરકુંડલા અને પીપવાવ હાઈવે પર ધુમ્મ્સને કારણે વાહનચાલકોની વિઝીબલીટી ઘટી. જેથી અકસ્માત ન સર્જાય તે માટે વાહન ચાલકોમાં સાવચેતી જોવા મળી હતી.

કેશોદના ખેડૂતોની રવિ પાકની આશા પર પાણી ફરી વળ્યું

કેશોદ શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય વરસાદ શરૂ થયો છે. જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કમોસમી વરસાદની અનેક થપાટો સહન કર્યા બાદ ખેડૂતોને રવિપાકથી સારા પાકની આશા બંધાઈ હતી. જો કે હવામાનમાં આવેલા પલટાને લીધે વરસાદ શરૂ થતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા છે. ઘઉં અને જીરા સહિત અનેક પાકોને માવઠાથી વ્યાપક નુકસાનની ભીંતી ખેડૂતોમાં સેવાઈ રહી છે

સરહદી વિસ્તારોમાં ખેડૂતોને મોટી થપાટ

સરહદી વિસ્તાર વાવ અને સુઈગામના વાતાવરણમાં આજે એકાએક પલટો જોવા મળ્યો છે. વાતાવરણમાં પવનો સાથે વાદળો ઘેરાયા જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. કારણકે જો વરસાદ પડ્યોતો જીરૂ અને દિવેલાના પાકને નુકશાન થઈ શકે છે. મહત્વનું છે કે સરહદી વિસ્તારમાં અગાઉ તીડના આતંકના કારણે ખેડૂતોએ ભારે નુકશાન વેઠ્યું છે. જેથી વાતાવરણમાં પલટો આવવાને કારણે આ વિસ્તારના ખેડૂતોના જીવ હાલ તાળવે ચોટી ગયા છે.

દ્રારકામાં રોડ-રસ્તા પર પાણી પાણી

દ્વારકામાં મોડી રાતે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને ત્યારબાદ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબકતા રોડ રસ્તાઓ પાણી ફરી વળ્યું હતું. કમોસમી વરસાદથી જીરું તેમજ ઘઉં સહિતના પાકને વ્યાપક નુકસાન થવાની ભીંતી સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે.

READ ALSO

Related posts

સુરત મહાનગરપાલિકાએ મહિલા કર્મચારીઓને નિર્વસ્ત્ર કરવાની ઘટનાને નવો વળાંક આપવાનો કર્યો પ્રયાસ

Nilesh Jethva

મોટેરા ખાતે બંદોબસ્તથી બગોદરા પરત ફરતી પોલીસની વાન પલટી, બે જવાનની હાલત ગંભીર

Nilesh Jethva

જે સમયે અમદાવાદમાં થઈ રહ્યું હતું ટ્રમ્પનું સ્વાગત તે જ સમયે આ ખેડૂતો ટ્રમ્પના મોહરા પહેરીને કરી રહ્યા હતા વિરોધ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!