GSTV

લ્યો… આ ભાઈએ હાઈટેક ગૂગલ મેપ સર્વિસને જ મૂરખ બનાવી નાખી ! પણ કેવી રીતે ?

Last Updated on February 17, 2020 by Yugal Shrivastava

ગયા અઠવાડિયે એક સમાચાર તરફ કદાચ તમારું ધ્યાન ગયું હશે – બર્લિન, જર્મનીની એક વ્યક્તિએ ગૂગલ મેપ્સ સર્વિસને મુરખ બનાવી! મીડિયાએ આખી વાતમાં, ગૂગલ જેવી કંપનીની સર્વિસને પણ મૂરખ બનાવી શકાય છે એ વાતને મુદ્દો બનાવીને ચગાવ્યો, પરંતુ આ જ બનાવથી ડિજિટલ મેપ્સની ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે એ બહુ સહેલાઈથી સમજી શકાયું, એ વાત તરફ ખાસ ધ્યાન આપવામાં આવ્યું નહીં. આપણે તેના પર ફોકસ કરીએ.

થયું એવું કે સીમોન વેકર્ટ નામની એક વ્યક્તિએ યુટ્યૂબ પર એક વીડિયો શેર કર્યો. તેણે એક નાની ટ્રોલીમાં ૯૯ સેકન્ડ હેન્ડ સ્માર્ટફોન્સ મૂક્યા. એ દરેકમાં ગૂગલ મેપ્સ એપ હતી અને સીમોને એ ટ્રોલી સાથે શહેરના રસ્તાઓ પર લટાર મારવાનું શરૂ કર્યું. પરિણામે થયું એવું કે ગૂગલ મેપ્સની સર્વિસને લાગ્યું કે એ રસ્તાઓ પર ભારે ટ્રાફિક છે. પરિણામે એ રસ્તાઓ તરફ જઈ રહેલાં અન્ય વાહનોમાં જે જે વાહનોમાં ચાલકો ગૂગલ મેપ્સનો ઉપયોગ કરી રહ્યા હતા એમણે મેપ્સ પર જોયું કે આગળ ટ્રાફિક જામ છે અને પરિણામે તેઓ બીજા ઓછા ટ્રાફિકવાળા રસ્તાઓ તરફ ફંટાવા લાગ્યા! આમાં પેલી વ્યક્તિએ કોઈ પ્રકારની હેકિંગ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો નહોતો. તેણે માત્ર ગૂગલ મેપ્સ સર્વિસ આપણને જે રીતે લાઇવ ટ્રાફિક અપડેટ્સ આપે છે તેનો જ લાભ લીધો.

હવે સવાલ એ થાય કે મેપ્સ સર્વિસ આપણને લાઇવ ટ્રાફિક બતાવે છે કઈ રીતે?

જવાબ છે – આપણે પોતે આપેલી માહિતીના આધારે! જેમ એફએમ રેડિયો ચેનલ પર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકમાં ફસાયેલા લોકો રેડિયો સ્ટેશનની ઓફિસે ફોન કરીને ટ્રાફિક અપડેટ્સ આપે છે અને આરજે એ માહિતી બાકીના શ્રોતાઓ સુધી પહોંચાડે છે, કંઈક એ જ રીતે ગૂગલ મેપ્સ અને તેના જેવી મેપિંગ સર્વિસીઝ લાઇવ ટ્રાફિક અપડેટ્સ આપે છે.

અહીં ફેર ફક્ત એટલો છે કે આપણે અને આપણા જેવા બીજા અનેક લોકો જાણતાં અથવા અજાણતાં જે તે રસ્તા પરના ટ્રાફિકની માહિતી મેપિંગ સર્વિસને પહોંચાડતા રહે છે. ગૂગલની સર્વિસને જે તે રસ્તા પર કેટલાં વાહન જઈ રહ્યાં છે તેની ખબર હોતી નથી, તેને તો રસ્તા પર કેટલા સ્માર્ટફોન જઈ રહ્યા છે એ જ ખબર હોય છે! આપણે પોતાના સ્માર્ટફોન સાથે કોઈ પણ રસ્તે જતા હોઈએ અને ફોનમાં જીપીએસ સર્વિસ ઓન રાખી હોય તો ફોન આપોઆપ આપણું લોકેશન ગૂગલને પહોંચાડે છે. આપણી જેમ બીજા અનેક લોકોના લોકેશનની માહિતી ગૂગલને મળે છે. આપણે સૌ રસ્તા પર આગળ વધી રહ્યા હોઈએ એટલે બધાનું લોકેશન મેપ પર બદલાતું રહે છે. અહીંથી ગૂગલનાં કમ્પ્યુટર્સ પોતાની કરામત શરૂ કરે છે. મળેલા ડેટાના આધારે, કમ્પ્યુટર્સ આપણી મુસાફરીની ઝડપ નક્કી કરે છે. તેના પરથી, જે તે રસ્તા પરનો ટ્રાફિક ઝડપથી આગળ વધી રહ્યો છે કે ધીમો છે તે નક્કી થાય છે, જે નક્શા પર તદ્દન ધીમા ટ્રાફિક માટે લાલ, મધ્યમ માટે પીળા અને હળવા ટ્રાફિક માટે લીલા રંગની લાઇન સ્વરૂપે જોવા મળે છે. જે રસ્તા પરથી ગૂગલને પૂરતી માહિતી મળતી ન હોય તે રસ્તા પર આવી લાઇન્સ જોવા મળતી નથી. ગૂગલના દાવા મુજબ, તેને માહિતી મોકલનાર ફોનની પ્રાઇવસી જળવાઈ રહે એ માટે જે તે ફોનની મૂવમેન્ટ શરૂ થયા પછીના થોડા સમય અને સ્થિર થયા પહેલાના થોડા સમયનો ડેટા ડિલીટ તે કરે છે, જેથી કયો ફોન ક્યાંથી ક્યાં ગયો તે નક્કી ન થઈ શકે.

બીજી વાત, જે તે રસ્તા પર કોઈ ટપાલી કે ઓનલાઇન શોપિંગ કે ફૂડ એપ્સના ડિલિવરી પર્સન ખિસ્સામાં સ્માર્ટફોન સાથે જઈ રહ્યા હોય અને એ થોડે થોડે અંતરે અટકે તો એવા ખાસ કિસ્સાને ગૂગલનાં મશીન્સ ગણતરીમાં લેતાં નથી!

એ બતાવે છે કે વાત અહીં લખ્યું છે એટલી સિમ્પલ નથી. મેપ્સ એપની સર્વિસ તેને જુદા જુદા ફોન્સ તરફથી જે ડેટા મળે છે તેની જુદી જુદી અનેક અટપટી રીતે ગણતરી કરી છે. તેને માહિતી મોકલતા દરેક ફોનની સામાન્ય રીતે જુદા જુદા દિવસોએ મૂવમેન્ટ ક્યા પ્રકારની હોય છે તેની હિસ્ટ્રી ધ્યાનમાં લે છે. જે તે રૂટ પર સામાન્ય સંજોગોમાં એક ફોનને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચતાં કેટલો સમય લાગે છે, દિવસના જુદા જુદા સમયે આમાં કેટલો ફેરફાર થાય છે એ બધું પણ ધ્યાને લેવામાં આવે છે.

અગાઉ ગૂગલ મેપ્સમાં મોટા ભાગે સરકારી કે બિનસરકારી સંસ્થાઓ દ્વારા ટ્રાફિક ડેટા એકઠો કરવા માટે લગાવવામાં આવેલા ટ્રાફિક સેન્સર્સમાંથી મળતા ડેટાનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પ્રકારના સેન્સર્સ ઇન્ફ્રારેડ સિગ્નલો કે લેસર રડાર ટેકનોલોજીની મદદથી તેની સામેથી પસાર થઈ રહેલાં વાહનોના કદ અને ઝડપનો અંદાજ બાંધી શકતાં હતાં અને આ ડેટા મેપ્સ સર્વિસમાં પહોંચતો હતો. પરંતુ આવાં સેન્સર્સ મોટા ભાગે વિકસિત દેશોમાં અને તેમાં પણ મહત્ત્વના માર્ગો પર જ ઇન્સ્ટોલ કરાયેલા હોવાથી તેમાંથી મળતો ડેટા મર્યાદિત રહેતો હતો.

એટલે દસેક વર્ષ પહેલાં, ૨૦૦૯ની શરૂઆતમાં ગૂગલે મેપ્સ સર્વિસમાં પણ ‘ક્રાઉડસોર્સિંગ’નો ઉપયોગ શરૂ કર્યો. આખી દુનિયામાં એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ જબરદસ્ત વધી રહ્યો છે એટલે ગૂગલની મેપ્સ સર્વિસને આખી દુનિયામાં જુદા જુદા રસ્તે, જે તે ક્ષણે આગળ વધી રહેલા તેના ‘બાતમીદારો’ તરફથી સચોટ માહિતી મળતી રહે છે. વર્ષ ૨૦૧૩માં ગૂગલે વેઝ નામની તેની હરીફ મેપિંગ સર્વિસ હસ્તગત કરી લીધી તે પછી એફએમ રેડિયોની જેમ ટ્રાફિક અપડેટ્સમાં યૂઝર્સનું પોતાનું યોગદાન પણ ઉમેરાયું છે. હવે યૂઝર્સ તેઓ જે રસ્તે જઈ રહ્યા હોય તે રસ્તા પર અકસ્માત કે કોઈ વાહન અટકી પડવાને કારણે ટ્રાફિક ખોરવાયો હોય તો સ્માર્ટફોનથી આપોઆપ જતી માહિતી ઉપરાંત સામે ચાલીને પોતે પણ આ માહિતી મેપ્સમાં ઉમેરી શકે છે. રસ્તા પર ટ્રાફિક પોલીસનું ચેકિંગ ચાલી રહ્યું હોય કે ઓવરસ્પીડમાં જતાં વાહનોની સ્પીડ ચેક કરવામાં આવી રહી હોય તો પણ ઘણા યૂઝર્સ અન્ય વાહનોને આ માહિતી મોકલી શકે છે!

જો તમારી કારમાં એન્ડ્રોઇડ ઓટો સપોર્ટેડ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ હોય તો તેના સ્ક્રીન પર તમે નેવિગેશન ઓન કરીને તમે જે રસ્તા પર જઈ રહ્યા હો તેમાં આગળ ટ્રાફિકની લાઇવ સ્થિતિ જાણી શકો છો. કારમાં આવી સિસ્ટમ ન હોય તો પણ ડ્રાઇવરની બાજુમાં બેઠેલી વ્યક્તિ પોતાના સ્માર્ટફોનમાં ગૂગલ આસિસ્ટન્ટને કેટલાક સાદા સવાલો પૂછીને મેપ્સ પર ટ્રાફિક વિશે ઘણી જાણકારી મેળવી શકે છે. તમે ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવેટ કર્યા પછી આ પ્રકારના કમાન્ડ આપી શકો છો…

  • શો ટ્રાફિક
  • હાઉ ઇસ ટ્રાફિક અહેડ
  • હાઇડ ટ્રાફિક
  • શો એક્સિડન્ટ્સ નીયર મી
  • શો ઓલ્ટરનેટિવ રૂટ્સ
  • વોટ ઇઝ માય ઇટીએ (એક્સપેક્ટેડ ટાઇમ ઓફ એરાઇવલ-જે તે સ્થાને પહોંચવાનો અંદાજિત સમય)
  • હાઉ ઇસ ટ્રાફિક ટુ હોમ
  • હાઉ ઇસ ટ્રાફિક ટુ ઓફિસ

છેલ્લા બે સવાલોના ગૂગલ મેપ્સ ત્યારે સાચા જવાબ આપી શકે છે જ્યારે તમે આ સર્વિસમાં તમે ક્યાં રહો છો અને ક્યાં કામ કરો છો તે જણાવ્યું હોય. સામાન્ય રીતે ગૂગલને આપણે પૂછીએ એટલા જ જવાબ આપે છે પરંતુ ગૂગલ આસિસ્ટન્ટ હવે સહદેવની ભૂમિકામાંથી બહાર આવી ગયેલ છે. આપણા વિશે તેની પાસે ઉપલબ્ધ પાર વગરની માહિતીને આધારે આપણે જાણવી જરૂરી હોય તેવી માહિતી તે આપણને સામે ચાલીને પણ કહી શકે છે. ઉદાહરણ તરીકે તમે બહારગામ જવા માટે ફ્લાઇટનું બુકિંગ કર્યું હોય તો તમારા જીમેઇલ એકાઉન્ટમાં આવેલી ટિકિટની માહિતીને કારણે ગૂગલને ખબર છે કે તમારે કઈ તારીખે, કેટલા વાગ્યે એરપોર્ટ પહોંચવાનું છે. પરિણામે એ દિવસે, એ સમયે જો તમારા ઘર કે ઓફિસથી એરપોર્ટના રસ્તા પર સામાન્ય કરતાં વધુ ટ્રાફિક હશે તો ગૂગલ તમને સામે ચાલીને ચેતવશે કે આજે રસ્તામાં ટ્રાફિક નડવાનો છે, તમે વિચાર્યું હોય એ સમય કરતાં થોડા વહેલા નીકળજો! ગૂગલ મેપ્સમાં આવી તો અનેક ખૂબીઓ છે. જેનો લાભ આખરે તો આપણી પોતાની પાસેથી મેળવેલા ડેટાને આધારે જ આપણને આપવામાં આવે છે. આપણે તેના વિશે અવારનવાર વાત કરતા રહેશું.

૧૫ વર્ષમાં કેવી રીતે વિકસ્યા ગૂગલ મેપ્સ

ગૂગલ કંપનીની સ્થાપનાથી જ, તેનું લક્ષ્ય છે આખી દુનિયાની તમામ માહિતીને સુવ્યવસ્થિત રીતે સૌને ઉપલબ્ધ કરવી. ગૂગલે પોતાના સર્ચ એન્જિનથી ઇન્ટરનેટ પર એટલે કે ડિજિટલ વર્લ્ડમાં ઉપલબ્ધ માહિતી માટેનું આ લક્ષ્ય ઘણે અંશે પાર પડ્યું છે. વાસ્તવિક દુનિયાની બધી માહિતી સુવ્યવસ્થિત રીતે ઉપલબ્ધ કરવાનું કામ ગૂગલ મેપ્સની મદદથી થઈ રહ્યું છે! ખાસ કરીને મોબાઇલને કારણે, ઇન્ટરનેટ પર આપણે ‘શું’ સર્ચ કરી રહ્યા છીએ એ મુદ્દા ઉપરાંત, ‘ક્યાંથી’ સર્ચ કરી રહ્યા છીએ એ મુદ્દો પણ મહત્ત્વનો બની ગયો છે. આથી ગૂગલ મેપ્સની ભૂમિકા વધુ ને વધુ વ્યાપક અને નિર્ણાયક બનતી જાય છે. મેપ્સની શરૂઆત ગૂગલે પોતે કરી નહોતી. બે પ્રોગ્રામર્સે આ પ્રોગ્રામ બનાવ્યો હતો અને શરૂઆતમાં તેનો ઉપયોગ કરવા માટે તેને પીસીમાં ડાઉનલોડ કરવો પડતો હતો.પછી બંને પ્રોગ્રામર્સે તે ગૂગલના મેનેજમેન્ટને બતાવ્યો અને તેને વેબ-બેઝ્ડ બનાવવાનું સૂચવ્યું. એટલે કે તેને ડાઉનલોડ કર્યા વગર, સીધું બ્રાઉઝરમાં જોઈ શકાય. ઓક્ટોબર ૨૦૦૪માં ગૂગલે તે કંપની ખરીદી લીધી અને ફેબ્રુઆરી ૮, ૨૦૦૫માં તેને ગૂગલ મેપ્સ તરીકે લોન્ચ કરી. એ અર્થમાં ગૂગલ મેપ્સને આ મહિને ૧૫ વર્ષ પૂરાં થયાં છે અને કંપની મેપ્સનો નવો લોગો (જુઓ નીચે) અને કેટલાંક નવાં ફીચર્સ પણ લોન્ચ કર્યાં છે. ૨૦૦૭થી તેનું મોબાઇલ વર્ઝન પણ લોન્ચ થયું,એ સાથે નક્શાની

અને આપણી – બંનેની દુનિયા બદલાઈ ગઈ!

ગૂગલ મેપ્સ માટે વિવિધ દેશની સરકાર તથા જાહેર-ખાનગી કંપનીઓની મદદથી મેળવેલ કે ખરીદેલ નક્શા, માહિતી અને ઇમેજીસનો ઉપયોગ થાય છે. એ માટે સેટેલાઇટ, પ્લેન કે રસ્તા પરથી થયેલી ફોટોગ્રાફી પણ કામે લેવામાં આવે છે. તમામ ડેટા – નક્શાને ડિજિટલ સ્વરૂપમાં ફેરવી, એકમેક સાથે જોડીને આખા વિશ્વના ખૂણે ખૂણાનો વિરાટ ડિજિટલ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. સેટેલાઇટ ઇમેજીસ ગૂગલ સુધી પહોંચે તે પહેલાં સરકાર અમુક સંવેદનશીલ વિસ્તારોને ધૂંધળા કરી દઈ શકે છે. આ ડેટા સતત અપડેટ થાય છે, પણ અમુક વિસ્તારો માટે તે ઘણો જૂનો હોય એવું બની શકે છે.

ગૂગલે વિક્સાવેલાં વિવિધ વાહનોની મદદથી, વિશ્વનાં જુદાં જુદાં શહેરો અન્ય લોકેશન્સની સ્ટ્રીટ ફોટોગ્રાફી પણ થાય છે, જે મેપ્સમાં ‘સ્ટ્રીટ વ્યૂ’ તરીકે જોઈ શકાય છે. આ ઉપરાંત હવે આપણે યૂઝર્સ પોતે અને જુદા જુદા બિઝનેસ પણ મેપ્સમાં પોતાની વિગતો ઉમેરીને તેને વધુ સમૃદ્ધ બનાવે છે. આ બધી રીતે જે ફોટોગ્રાફ્સ મળે છે તેમાં શહેરોનાં વિવિધ સ્થળોનાં સાઇનબોર્ડ્સ પણ હોય છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી, ફોટોઝમાંના આ લખાણ આપોઆપ ‘સમજી’ને તેની માહિતી મેપ્સમાં ઉમેરી લેવામાં આવે છે!

મેપ્સમાં જુઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી

ગૂગલ મેપ્સમાં સામાન્ય નક્શા ઉપરાંત, સેટેલાઇટ વ્યૂ અને થ્રીડી વ્યૂમાં ઇમેજી પણ જોઈ શકાય છે. તેનો અનુભવ કરવા માટે તમારા મોબાઇલમાં ગૂગલ મેપ્સ ઓપન કરી, ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ સર્ચ કરો. જમણી તરફ લેયર્સને ક્લિક કરી, ‘સેટેલાઇટ’ વ્યૂ પસંદ કરો. હવે બે આંગળીથી ઝૂમ-ઇન કે ઝૂમ-આઉટ કરો. હવે બંને આંગળીને સાથે ઉપર કે નીચેની તરફ સરકાવીને તમે સરદારની પ્રતિમાને જોવાનો એંગલ પણ બદલી શકશો.

READ ALSO

Related posts

હોટલ માલિકને ફસાવવા તરકટ/ મહિલા PSIના નામે અભદ્ર મેસેજ બનાવ્યો પરંતુ પોતેજ ફસાયો

Pritesh Mehta

Technology News : Telegram વિડીયો કોલમાં હવે 1,000 લોકો જોડાઈ શકશે, જાણો અન્ય નવા ફીચર્સ

Vishvesh Dave

Skin Care / શું તમે પણ ઓઇલી સ્કિનથી પરેશાન છો? ફોલો કરો આ 5 ટિપ, સમસ્યાથી મળશે છૂટકારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!