GSTV
Life Trending

શીલાના સ્પર્શથી પ્રેમનો હાથ ધ્રૂજતો હતો, એણે પ્રેમના હાથ પર હાથ ફેરવ્યો અને….

શીલાની સ્થિતિ જોતાં કોઇને પણ કંપારી છૂટી જાય. એના દાંત એકદમ ભીંસાઇ ગયા હતા અને દાંત વચ્ચે જીભ આવી જવાથી લોહી વહી રહ્યું હતું. કાન અને આંખો પણ લાલચોળ થઇ ગયાં હતાં. શીલાની સ્થિતિ જોઇને હોસ્પિટલના ડોકટરોને લાગ્યું કે પોલીસને જાણ કરવી જોઇએ.

થોડી વારમાં જ પોલીસે આવી પહોંચીને પોતાની કામગીરી શરૂ કરી દીધી. એક કાગળમાં બધાંનું વિગતવાર બ્યાન લખ્યું. દર્દીનું નામ શીલા, ઉંમર ૪૫ વર્ષ. દર્દીને હોસ્પિટલે લાવનાર પતિનું નામ અમર, ઉં. ૫૦ વર્ષ તથા પુત્ર અજય ઉં. ૨૩ વર્ષ. દર્દીને બેભાન હાલમાં રાતના સાડા દસ વાગ્યે નજીકની હોસ્પિટલમાં લાવ્યા. બાપ -દીકરાં અને બંનેમાંથી કોઇએ શીલા કયા કારણસર બેભાન થઇ, તે જણાવ્યું નથી. બંનેનું એટલું જ કહેવું છે  કે એ વાત  કરતાં – કરતાં  અચાનક જ બેભાન થઇ ગઇ હતી.

પ્રાથમિક તપાસ કર્યા બાદ ડોકટરે રિપોર્ટ આપ્યો કે, શીલા સાથે કોઇ પ્રકારની જબરદસ્તી કરવામાં આવી છે અથવા કોઇ ભયાનક વસ્તુ જોઇને એ બેભાન થઇ ગઇ છે. હા, કદાચ એના પર વાઇનો હુમલો થયો હોય અથવા એને ઝેર આપવામાં આવ્યું હોય કે પછી એણે આપઘાત કરવાની કોશિશ કરી હોય, એવી સંભાવના પણ છે. કદાચ કોઇ આઘાત  લાગ્યો હોય એવું પણ બને.

સબ ઇન્સ્પેકટરે અમર તથા અજયને નજીક પડેલા બાંકડા પર બેસવાનો ઇશારો કરતાં કહ્યું , ‘ડોકટર નિદાન કરી કોઇ ચોક્કસ જવાબ આપે અથવા તો દર્દી પોતે ભાનમાં આવીને શું બન્યું તે વિશે જણાવે નહીં, ત્યાં સુધી તમારે બંનેએ અહીં જ રહેવું પડશે.

‘અહીંથી બીજે ક્યાંય જવાની જરૂર જ ઉભી થતી નથી. અમે પોતે એ ભાનમાં આવી ઘેર જઇ શકે એટલી સારી થાય, ત્યાં સુધી અહીં જ રહેવાના છીએ.’ અજયે ધીમેથી કહ્યું.

અમર ઘડિયાળોની એક વિશાળ એરકંડીશન્ડ દુકાનનો માલિક છે. એને ત્યાં અનેક કર્મચારી કામ કરે છે. રિસ્ટ વોચથી લઇને મોટી વોલકલોક સુધીની દરેક પ્રકારની ઘડિયાળો તથા તેમના સ્પેરપાર્ટસ આ દુકાનમાંથી મળી શકે છે. એને બહારની દોડધામ એટલી બધી રહેતી હોય છે કે કાઉન્ટર પર બેસવાનો સમય જ મળતો નથી. શીલા એના બદલે કાઉન્ટર સંભાળતી એકવડિયા બાંધાની લાંબી અને ગૌર વર્ણની સ્વામિની શીલાને પ્રથમ વાર જોનારને કલ્પના પણ ન આવે કે એ બે યુવાન સંતાનોની માતા હશે. શીલાની જ દુકાનમાં કામ કરતી સપના ૧૬ વર્ષની  હતી ત્યારથી ત્યાં કામ કરતી હતી.

શીલા અને સપનાને સારું બનતું. બંને એકબીજીને પોતાના પતિ વિરૂધ્ધ ફરિયાદો અને નિંદા કરતી. કયારેય શીલાની દીકરી રીયા પણ ફુરસદ મળતાં દુકાને આવતી, એની મા એના પિતા વિરૂધ્ધ બીજાને કંઇ કહે, તે તેને બિલકુલ પસંદ નહોતું.

અજયને તો જાણે ઘડિયાળની દુકાન પ્રત્યે જ ઘૃણા હતી, એટલે એ તો ત્યાં નજર જ ન કરતો. આખી દુકાનમાં ચારે બાજુ લટકતી ઘડિયાળો આખો દિવસ ‘ટિક્-ટિક્’ કરતી હોય, એવા કંટાળાજનક વાતાવરણમાં રહેવાનું કોને ગમે ? અજયનો એક મિત્ર હતો. ઉમેશ એણે અજયને કમિશન લઇને ગાડીઓ વેચાવવાનું કામ અપાવ્યું હતું. અજયને દરેક ગાડીના સોદામાં હજારો રૂપિયા કમિશન પેટે મળતા. દોઢ વર્ષમાં એણે દસ – બાર સોદા કર્યા હતા, જેમાં તે ઘણા રૂપિયા કમાયો હતો.

એક દિવસ અજયે ઘેર આવીને જણાવ્યું કે રેમન્ડ શુટિંગ શર્ટિંગ કંપનીવાળા કંપનીના કામદારોને બોનસ સાથે એક – એક ઘડિયાળ આપવાનું વિચારી રહ્યાં છે. બે વર્ષ અગાઉ અમરે ટપાલ ખાતાના રાજકોટના કર્મચારીઓ માટે ૭૦૦ ઘડિયાળો વેચી હતી. એણે તરત જ  સુંદર શૂટિંગ શર્ટિંગના મેનેજરને મળવાની યોજના ઘડી. એણે શીલાને સાથે આવવાનું કહ્યું. અમર જાણતો હતો કે, પોતે સારી રીતે વાત કહી શકતો નહીં. આ કામમાં શીલા હોશિયાર હતી. એ એટલી સુંદર રીતે અંગ્રેજી ભાષામાં અસરકારક રીતે વાતચીત કરતી કે સામેવાળી વ્યક્તિ પ્રભાવિત થઇ જ જાય. આ સિવાય, તે સુંદર પણ હતી.

અમરની પાસે મારૂતિ ઝેન કાર હતી, તેમાં બંને પતિ – પત્ની મેનેજરને મળવા ગયાં તેમની કેબિનની બહાર સેક્રેટરીની કેબિન હતી. ત્યાં પ્રેમ નામનો આકર્ષક વ્યક્ત્વિ ધરાવતો યુવક બેઠો હતો. એનો સ્વભાવ મિલનસાર હોવાથી થોડી જ વારમાં તેઓ હળીમળી ગયા. એની પ્રામાણિકતાથી મેનેજર પ્રભાવિત હતા. વળી ભલામણ કરી એટલે અમરને ઘડિયાળ માટેનો ઓર્ડર મળી ગયો.

પ્રેમ આ ખુશખબર આપવા માટે અમરની દુકાને પહોંચ્યો, ત્યારે કાઉન્ટર પર શીલા બેઠી હતી. એણે ખૂબ ઉત્સાહપૂર્વક પ્રેમને આવકાર્યો. એની દ્રષ્ટિ વારંવાર પ્રેમના સુગઠિત શરીર પર અટકી જતી. વળી, એણે આટલો મોટો ઓર્ડર અપાવ્યો હોવાથી પણ એને મન એ વધારે આકર્ષક બની ગયો હતો. સપનાને બોલાવી એને કાઉન્ટર સંભાળવાની જવાબદારી સોંપી એ પ્રેમની સરભર કરવા લાગી.

શીલા પ્રેમને નજીકમાં આવેલી એક એરકંડિશન્ડ રેસ્ટોરન્ટમાં લઇ ગઇ. ત્યાં જઇ બંને એક ખાલી કેબિનમાં બેઠાં. શીલા પ્રેમની બરાબર સામે બેઠી. એણે પૂછયું, ‘અહીં બીયર ઉપરાંત શેમ્પેઇન, રમ, વ્હિસ્કી ઇત્યાદી બધી જાતના વાઇન મળે છે. બોલો તમે શું લેશો ?’

પ્રેમે સહેજ સંકોચ અનુભવતાં જવાબ આપ્યો, ‘હું તો આમાંથી ખાસ કંઇ પીતો જ નથી…. હા, તમે જે પીશો, તેમાં સાથ  જરૂર આપીશ.’

‘તો એમ કરો. આજે રમ પીઓ…’ કહીને વેઇટરને બોલાવવા માટે શીલાએ બેલનું બટન દબાવ્યું. વેઇટર આવતાં એણે ઓર્ડર આપ્યો, ‘થ્રી એકસ રમની અડધી બોટલ ૨ ગ્લાસ, ૨ સોડા  બરફ તથા ચીઝ પકોડા..’

વેઇટરના ગયા બાદ શીલાએ પ્રેમની આંખોમાં આંખો પરોવી મોહક અદાથી કહ્યું, ‘હું તમારાથી મોટી છું, એટલે જરાય સંકોચ વિના જે ઇચ્છા થાય તેનો ઓર્ડર કરજો.  તમારાં માતા – પિતા કયાં રહે છે ?’ ‘અમદાવાદમાં મારા પિતા સરકારી અધિકારી છે.’ ‘અને તમે અહીં એકલા જ રહો છો?’

‘હા, અત્યારે તો એકલો જ છું. હજી આ કંપનીમાં નોકરી મળ્યે ચાર મહિના જ થયા છે. હું ગેસ્ટ હાઉસમાં રહું છું.’

‘ઓહ, તો ઘેર ગયા બાદ તમારી પાસે નવરાશનો સારો એવો સમય રહેતો હશે. કયારેક આ તરફ આવતા રહેશો , તો અકલતા નહીં અનુભવો.’ એણે તોફાની સ્મિત કરતાં કહ્યું, ‘શું કોઇ સાથી મળી ગઇ છે ?’

આ સાંભળી પ્રેમના કાનની બૂટ પણ લાલચોળ થઇ ગઇ. એના ગોરા ચહેરા પર લાલી પ્રસરી ગઇ. પ્રેમના હાથ પર શીલાએ હળવેથી પોતાનો હાથ મૂકયો અને તે બોલી, ‘તમારા જેવો આકર્ષક યુવક હોય તો છોકરીઓ ગાંડી બનીને પાછળ – પાછળ ફરતી રહે.’

પ્રેમ કંઇ બોલી ન શકયો. એણે નીચી નજર રાખીને જ કહ્યું’આ બધી વાતો માત્ર કહેવા પૂરતી હોય છે. કોઇ પાછળ ફરતી નથી.’

‘તમે આમ શરમાતા રહેશો તો એવી કંઇ છોકરી હશે, જે સામે ચાલી ને તમારી સમક્ષ પ્રેમનો પ્રસ્તાવ મૂકે ? પહેલ તો છોકરાએ જ કરવાની હોય છે. જવા દો એ વાત. જો તમારી ઇચ્છા હોય, તો તમને નીડર તથા હોશિયાર બનાવવાનું કામ હું કરી શકું.’ કહી શીલાએ અત્યંત હળવેથી કોઇ ફૂલ ઊંચકતી હોય તેમ પ્રેમનો હાથ પોતાનાં હાથમાં લીધો.

શીલાના સ્પર્શથી પ્રેમનો હાથ ધૂ્રજતો હતો. એણે પ્રેમના હાથ પર હાથ ફેરવ્યો, તો પ્રેમના આખા શરીરમાં રોમાંચની ઝણઝણાટી પ્રસરી ગઇ. પોતાની ગભરામણ પર કાબૂ મેળવવા પ્રેમ એ ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ લઇ બે ઘૂંટડા પાણી પીધું.

એણે ગ્લાસ ટેબલ પર મૂકયો કે તરત જ શીલા એ ગ્લાસ ઉપાડતાં બોલી, ‘જુઓ, પ્રથમ પાઠની શરૂઆત કરું છું.’ પછી એને પ્રેમના હોઠ જયાં લાગ્યા હતા, ત્યાં પોતાના હોઠ અડાડી બે ઘૂંટડા પાણી પીધું. ત્યારબાદ આંખોમાં આંખો પરોવી પૂછયું,’આનો અર્થ સમજ્યા? આ ચુંબનનો જ એક પ્રકાર છે. તમે આ પ્રકારનું ચુંબન જાહેરમાં પણ કરી શકો અને કોઇને જાણ સુધ્ધાં ન થાય. વળી તમે શું ઇચ્છો છો, એ છોકરી પણ સમજી જશે. આમ, જે વાત કહેવામાં છોકરા – છોકરી મહિનાઓ વિતાવી દે છે, તે પળવારમાં કહી શકાય અને તે પણ મૌન ધારણ કરીને.’

‘પણ સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તો આમ કરવું હાનિકારક ગણાય.’ પ્રેમ બોલ્યો.

‘અરે, જ્યારે ચુંબન કરવાની તક મળે, ત્યારે કોઇને સ્વાસ્થ્ય યાદ આવે ખરૂ?’ કહી શીલા ઊભી થઇને પ્રેમ પાસે એકદમ અડોઅડ બેસી જઇને બોલી, ‘આ રીતે કેબિનમાં સામસામે બેસવા માટે કોઇ નથી આવતા.’ એ પ્રેમની વધુ નજીક સરકતાં પોતાનો ચહેરો એના ચહેરા પાસે લઇ જતાં બોલી, ‘ચાલો, તમને ચુંબન કરતા આવડે છે કે નહીં, તે પણ જોઇ લઉં.’

હવે પ્રેમ વધારે શરમાયો, ‘ તમે આ કેવી વાત કરો છો!’ ‘હું માત્ર વાત જ નથી કરતી. મને સમજાઇ ગયું કે તમને ખરેખર ચુંબન કરતાં નથી આવડતું. ‘કહેતાં એણે પ્રેમના હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા.

પ્રેમ પરસેવે રેબઝેબ થઇ ગયો, પણ પળવારમાં જ એણે જાત પર કાબૂ મેળવી લીધો. બંને વચ્ચે કોઇ અંતર નહોતું. વેઇટર આવીને ટેબલ પર ઓર્ડર મુજબની વસ્તુઓ મૂકી ગયો. બંને લાંબા સમય સુધી વાતો કરતાં – કરતાં ખાતાંપીતાં રહ્યાં.

રેસ્ટોરન્ટમાંથી બંને બરાબર અઢી કલાક પછી બહાર આવ્યાં. ત્યાં સુધીમાં પ્રેમ સંપૂર્ણપણે શીલાનાં વશમાં થઇ ગયો હતો. આ દરમિયાન ફરી ક્યારે મળવું, તે પણ નક્કી કરી લેવામાં આવ્યું. મુલાકાત પ્રેમના ગેસ્ટહાઉસમાં નક્કી કરવામાં આવી, કેમકે બપોર પછી ત્યાં ખાસ કોઇ રહેતું નહીં.

બીજી મુલાકાત વખતે પ્રેમની ઓફિસમાં અઠવાડિયે આવતી રજા હતી. શીલા પહોંચી ત્યારે લગભગ બપોરના બે વાગ્યા હતા. બંને સાંજના સાત વાગ્યા સુધી એકાંતમાં રહ્યાં. શીલા બસમાં આવી હતી, કેમકે કારમાં આવે તો કદાચ કાર જોઇને કોઇ જાણી લે. પાછા ફરતી વખતે બસમાં બેઠેલી શીલાની આંખોમાં સંતોષનો ભાવ તરવરતો હતો. પોતે આજે જે કંઇ મેળવ્યું હતું, તેનો નશો હજી એના મનોમસ્તિષ્ક પર છવાયેલો હતો. આ રીતે પોતાનાથી અડધી વયના  ખૂબસુરત  યુવાન આમ સહેલાઇથી કોઇને મળતા હશે ?

બસમાં આસપાસ બેઠેલા તમામ પુરૂષો અને અતૃપ્ત, જ્ઞાુધિત, તરસ્યા અને રડતા લાગતા હતા. એને થયું કે, તે પોતે ‘રોમન હોલીડે’ વાળી રાજકુમારી હતી, જે સાધારણ દુન્યવી આનંદપ્રાપ્તિ માટે મહેલનાં સુખ  છોડી સામાન્ય લોકો સાથે હરેફરે છે. એના હૈયામાં હરખ હિલોળે ચડયો હતો. એને થતું હતું કે પોતે જે દુર્લક્ષ પ્રાપ્તિ કરી છે, તે અંગે ઢંઢેરો પીટીને બધાંને જાણ કરે, જેથી બધાંને તેની ઇર્ષ્યા આવે અને તેઓ કહે કે , આ સુખ માટે કુદરતે માત્ર એની જ પસંદગી કરી છે.

બીજા દિવસે દુકાને ગઇ ત્યારે પણ શીલાનો નશો ઉતર્યો નહોતો. એણે સપનાને પોતાની પાસે બોલાવીને તેને પોતાના વિજયની બધી વાત કહી, ત્યારે જ એને શાંતિ થઇ. સપના એના તરફ તાકી રહેતાં બોલી,’વાહ, તેં તો ખરેખર કમાલ કરી નાખી, પણ અમર આવે ત્યારે તારો ચહેરો સંભાળજે, કેમકે તારા ચહેરા પર તારા મનોભાવ સ્પષ્ટ તરી આવે છે. એ સહેલાઇથી આ બધું જાણી શકશે. સાચું કહું, પ્રેમ એવી બાબત છે કે જેને જેટલી છુપાવવા જાવ એટલી વધારે પ્રકટ થાય . તારો ચહેરો તારા દિલનું દર્પણ બની ગયો છે.’

શીલાએ કહ્યું, ‘એ બધી વાતો તો શાયરોએ કહેલી છે. તું જ કહેને, તારૂં લફરું કેટલાં સમય સુધી ચાલ્યું હતું ? છતાં તારા પતિને ખબર પડી હતી? મેં પોતે અમર સાથે સતત ત્રણ વર્ષ સુધી આવી રમત ચાલુ રાખી હતી. પણ ન તો એના ઘરમાં કોઇને જાણ થઇ, કે ન – મારા ઘરમાં અરે, ઓફિસમાં કામ કરતી મહિલાઓનાં કેટલાય સાથે રોમાંસના લફરાં ચાલતાં હોય છે, તેની કોઇને જાણ સુધ્ધાં થાય છે ખરી ?’

કોઇને જાણ નથી થતી, એવો તારો ખ્યાલ સદંતર ખોટો છે. ખરેખર તો લોકો આંખ આડા કાન કરતા હોય છે. એમને તો દર મહિને જે રકમ મળે તેની સાથે લેવાદેવા હોય છે, પણ તારી બાબતમાં આવું નથી. અમરને તારી આવકની જરૂર નથી.’

‘ઠીક છે, મારી આવકની જરૂર નથી, પણ ૨૫ વર્ષથી સાથ રહેતાં હોવાથી હવે અમારી વચ્ચે આકર્ષણ જેવી કોઇ ચીજ નથી રહી. અમર પણ તેનાથી વાકેફ છે. એ ઘણીવાર કહેતા હોય છે. ‘શીલા, તું હજી પણ ૨૪- ૨૫ વર્ષની યુવતી જેવી લાગે છે, એ બાબતનો તને ઘમંડ છે. હવે આપણાં બાળકો પણ મોટાં થઇ ગયાં છે…. તેઓ પોતાની સંભાળ જાતે લઇ શકે એમ છે. તને કોઇ સારો યુવક મળી જતો હોય, તો તું છૂટાછેડા લઇ લે.’

‘જા જા, કોઇ પુરૂષ હૃદયપૂર્વક આવી વાત ન જ કહે…. ખેર, પછી તેં જવાબમાં શું કહ્યું ?’ સપનાએ  પૂછયું.

‘બસ, જે જવાબ પ્રત્યેક સ્ત્રી આપતી હોય છે, એ જ …. ભારતીય સ્ત્રીનાં લગ્ન પછી સાસરેથી જ એની અર્થી નીકળે છે…. ભારતીય નારીના શબ્દકોશમાં ‘છૂટાછેડા’ શબ્દ જ નથી હોતો.’

‘ભલે, પણ તેમાં ‘પ્રેમ કે ‘લફરૂં’ શબ્દ મોટા અક્ષરે લખેલા હોય છે. ખરું ને !’ કહી સપના હસવા લાગી. શીલા પણ આ સાંભળી  ખડખડાટ હસી પડી.

આમ દિવસો, અઠવાડિયાં અને મહિનાઓ વીતવા લાગ્યા અને શીલા તથા પ્રેમ પ્રતિદિન કયાંક ને કયાંક મળતાં રહ્યાં. કયારેક સપનાનાં કુટુંબીજનો બહારગામ જાય ત્યારે તેઓ તેના ફલેટે પણ જઇ આવતા. ઘણીવાર શીલાનો વિચાર આવતો, પોતે કોઇ પણ પ્રકારે બાકીનું જીવન પ્રેમ સાથે રહી વિતાવી શકે. એ સંભવિત છે ખરું ?

એક દિવસ પ્રેમના ઉન્માદભરી પળો દરમિયાન એણે પ્રેમને કહ્યું, ‘મારી અને તારી વચ્ચે વયનો તફાવત  ન હોત તો …. કેવું સારું!’

પ્રેમ બોલ્યો, ‘મને તો આપણી બંનેની વય વચ્ચે કોઇ તફાવત હોય, એમ લાગતું જ નથી. જો તાંરા લગ્ન ન થયાં હોત, તો હું તારી સાથે જ લગ્ન કરી લેત. વાસ્તવમાં તેં જ મને પ્રેમ કરતાં શીખવ્યું છે… ‘ પછી એ ધીમેથી ગણગણવા લાગ્યો, ‘તુમ્હીને મુઝકો પ્રેમ શીખાયા….’

શીલા પ્રેમની આ અદા પર ન્યોચ્છાવર થઇ જતી. હજી એણે પ્રેમને જાણ થવા દીધી નહોતી કે, પોતે બે વયસ્ક સંતાનોની માતા હતી જોકે એ પણ જાણતી હતી કે એક દિવસ આ રહસ્ય પ્રકટ થશે અને શીલા એ દિવસે પ્રેમ પર કેવી માનસિક અસર થશે ! આજે જે યુવક પોતાની વયના તફાવતને સ્વીકારવા તૈયાર નથી, એને જ ત્યારે આ તફાવત ખૂબ વધારે લાગશે. એને શીલા વૃધ્ધા, કરચલીઓવાળી ડોશી જેવી દેખાશે. બધો જુસ્સો ઓસરી જશે. ના, પોતે આ રહસ્ય  છુપાવી રાખવા માટે દરેક શકય કોશિશ કરશે.

શીલા કયારેય પ્રેમને દુકાને બોલાવતી નહીં, કેમકે ત્યાં જ પોતાનું રહસ્ય ખુલ્લું પડી જવાનો ભય રહેતો હતો. પોતાની મુલાકાતો વચ્ચે એક દિવસની જુદાઇ પણ શીલા સહન કરી શકતી નહીં.એમાં એક વાર બે દિવસ પસાર થઇ ગયા. પ્રેમને મળવા માટે એના મનમાં તાલાવેલી હતી. એણે પ્રેમની ઓફિસે ફોન કર્યો તો ઓપરેટરે જણાવ્યું કે તે કેબિનમાં ન હતો. થોડી વાર  બાદ ફરી ફોન કરતાં પણ એનો એ જ જવાબ મળ્યો.

હવે શીલાના ધૈર્યનો અંત આવી ગયો. એ તરત પ્રેમની ઓફિસે જવા નીકળી પડી. સીડી ચડીને એ પ્રેમની કેબિન તરફ જતી હતી એટલામાં કેબિનમાં બારણાં વચ્ચેની તિરાડમાંથી તેને દેખાયું કે કોઇ સ્ત્રી બારણા તરફ પીઠ કરી અંદર બેઠી હતી. એણે આમતેમ આંટા મારીને જોયું તો કેબિનની ટયુબલાઇટના પ્રકાશમાં ટેબલ પર ચમકતા કાચમાં પ્રેમનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો. વાતચીત દરમિયાન એ વચ્ચે હસી લેતો હતો. એ એટલો મશગૂલ હતો કે એક વાર બહાર નજર કરવાનો પણ એને ખ્યાલ ન રહ્યો.

કેબિનથી દૂર એક સોફા ગોઠવેલો હતો. શીલા ત્યાં બેસી કેબિનનાં બારણાંની તિરાડમાં તાકતી રહી. ઓફિસનાં બાકી માણસો પોતપોતાનાં કામમાં મગ્ન હતાં. અને કયારેક એના તરફ ઊડતી નજર નાખી લેતાં હતાં. શીલાના મનમાં વારંવાર એવો વિચાર આવતો રહ્યો કે અંદર બેઠેલી યુવતી પ્રેમને એની પાસેથી છીનવી રહી હતી. એને એ યુવતીને મારી નાંખવાની ઇચ્છા થઇ આવી, પણ ભલે જે થાય તે જોઇ લેવાશે. એટલામાં કોઇ કામ અંગે પ્રેમ બહાર આવ્યો. તેણે શીલાને બહાર બેઠેલી જોતાં તરત એની પાસે આવી પૂછયું, ‘તું ? અચાનક…?’

‘પેલી છોકરી કોણ છે ?’ પ્રેમ હસતાં – હસતાં બોલ્યો, ‘એ છોકરી નથી, એને મારા જેવડા બે દીકરા છે.’ શીલા સ્તબ્ધ થઇ ગઇ. એને લાગ્યું કે કદાચ પ્રેમને પોતાની સચ્ચાઇની ખબર પડી ગઇ હોય. એટલે એને કટાક્ષમાં આવુ સંભળાવી રહ્યો હશે. એણે ધીમા સ્વરે પૂછયું, ‘શી વાતો કરતાં હતાં તમે લોકો ?’

‘એ મેનેજરની સ્ટેનો છે, એટલે સાહેબની ભૂલો બતાવી બતાવીને મજાક કરતી હતી .’ ચાલ, કયાંક બહાર જઇશું ?’ શીલાએ પૂછયું. હજી ઓફિસ છૂટવાને એક કલાકની વાર છે. છ વાગ્યે નીકળી જઇશું.

આ દરમિયાન તું આટલામાં કયાંક ફરી આવ, નહીંતર વેઇટિંગ રૂમમાં બેસીને કોઇ મેગેઝિન વાંચ એટલી વારમાં… અથવા…. કેન્ટીનમાં જઇને…’

શીલા અધવચ્ચે જ બોલી ઊઠી, ‘હું છ વાગ્યે દરવાજા પાસે ટેકસીમાં બેઠી હોઇશ, પણ મોડું ન કરીશ.’ ‘ભલે મંજૂર છે. ‘ પ્રેમ એ કહ્યું કે તરત એ ત્યાંથી ચાલી ગઇ. રાતે લગભગ સાડા નવ – દસ વાગ્યાની આસપાસ એ ઘેર પહોંચી, ત્યારે અમર ટીવી પરથી પ્રસારિત થતા સમાચાર સાંભળતો બેઠો હતો. એને જોઇને તે ધીમેથી  બોલ્યો.’આજકાલ ખૂબ હરવા ફરવા લાગી છો?’

શીલા બોલી, ‘મારી સાથે આ રીતે કટાક્ષમાં વાત ન કરો. તમે તો મને પણ તમારી માફક ચાર દીવાલો વચ્ચ કેદ કરી રાખવા ઇચ્છો છો. મારા હરવા ફરવા અંગે ટોકશો તો હું આ ઘર છોડીને જતી રહીશ. હું તમારી માફક ઘરડી નથી  થઇ  ગઇ. હજી પણ હું જીવન પ્રવાસનો આનંદ માણવા ઇચ્છું છું. અત્યારથી થાકીને બેસી જાઉં એવી નથી.’

અમરે શાંતિથી કહ્યું, ‘તારી વાત બરાબર છે, પણ એ યાદ રાખ કે તારા વર્તનની અસર બાળકો પર પણ પડે જ. રીયાને તું આ રીતે છૂટથી હરેફરે એ પસંદ નથી, પણ બિચારી કંઇ બોલતી નથી. એણે રસોઇનો સમય થતાં રસોઇ બનાવી લીધી અને અત્યારે અજય સાથે બેલાને ઘેર વીડિયો પર પાકિસ્તાની નાટક જોવા ગઇ છે…. એની છોકરી પણ અજયને પોતાની પ્રેમજાળમાં ફસાવવાની કોશિશ કરી રહી છે. અજય માટે કોઇ સારી છોકરી શોધવી પડશે નહીં તો પેલી નાલાયક છોકરી આ ઘરમાં આવીને આપણને  બંનેને ઘરની બહાર કાઢી મૂકશે.’

શીલા કપડાં બદલતાં બદલતાં બોલી ‘અજ્યની ચિંતા કરવાની જરૂર નથી. એ મારી વાત ચોક્કસ માનશે. તમે રીયાની ચિંતા કરો સાવ ભોળી છોકરી છે…. પોતાની જાતે કોઇ છોકરો શોધી નહીં લાવી શકે…’

‘તારૂં આ અનુમાન પણ સાવ ખોટું છે. અજય કહેતો હતો કે રીયા એ કોઇ છોકરો પસંદ કરી લીધો છે…’ અમરે કહ્યું.

‘અને મને ખબર પણ પડવા ન દીધી ? એટલે જ હું કહું છું કે પહેલાં રીયાનાં લગ્નની ચિતાં કરો. અત્યારે સમય ખરાબ છે. કોઇ એને ફોસલાવી જશે તો….’

સમાચાર પૂરા થયા, એટલામાં બંને  ભાઇ – બહેન આવી પહોંચ્યા. રીયા બોલી, ‘આપણા હિન્દી નાટકો કરતાં પાકિસ્તાની નાટક વધારે સારાં હોય છે.’ શીલાને બીજાની વાત અધવચ્ચે જ અટકાવી દેવાની આદત હતી. એણે પૂછયું. ‘રીયા, તેં કોઇ છોકરો પસંદ કરી લીધો છે ?’ આ પ્રશ્ન સાંભળી રીયા ચૂપચાપ ભાઇ તરફ એક નજર કરી રસોડાંમાં જતી રહી.

અજયે કહ્યું, ‘હા, મમ્મી’.

આ દરમિયાન રીયા અંદર રસોઇ ગરમ કરવા મૂકી પાછી બહાર આવી. શીલાએ ફરી પૂછયું., ‘કોણ છે એ છોકરો ? તું જવાબ કેમ નથી આપતી ?’

આ સવાલનો જવાબ પણ અજયે જ આપ્યો.’આપણી જ્ઞાાતિનો જ છે. થોડા મહિના અગાઉ  જ નોકરી મળી છે. મહિને ૧૭,૦૦૦ રૂપિયા કમાય છે…’

શીલા આશ્ચર્યભર્યા સ્વરે બોલી, ‘અરે, મારા સિવાય તમને સૌને બધી વાતોની ખબર છે અને તેં મારાથી છુપાવી ? અને તને કયાં મળ્યો એ તો કહે.’

છેવટે રીયા બોલી, ‘આપણી દુકાનમાં જ મળ્યો હતો. પહેલાં દિવસે આવીને ચૂપચાપ બે ત્રણ ઘડિયાળો જોઇ જતો રહ્યો. પછી ફરી એક દિવસ આવ્યો ત્યારે હું કાઉન્ટર પર બેઠી હતી. એણે મારી પાસે આવીને કહ્યું, મારે એક લેડીઝ ઘડિયાળ ખરીદવી છે. તમે એ પસંદ કરવામાં  મદદ  કરશો?’

મેં કહ્યું કે, ‘તમારે જેના માટે લેવી હોય, એને પોતાને જ કેમ સાથે સાથે લઇ આવતા ?’ ત્યારે એણે જવાબ આપ્યો, ‘એને જ કહું છું. તમે આમાંથી તમારી મનપસંદ ઘડિયાળ લઇ લો.’ મેં કહ્યું, ‘તમે બહુ હોશિયાર માણસ છો. તમને ગમતી હોય એ ઘડિયાળ પસંદ કરી લો.’

ત્યારે એણે જણાવ્યું કે, મારી એક પ્રેમ વિશેષજ્ઞાા શિક્ષિકાએ જ મને હોશિયાર બનાવ્યો છે.’

આ સાંભળી હું  હસવા લાગી કે, આવી કોઇ શિક્ષિકા હોતી હશે … ?

એ બોલ્યો, ‘હોય છે… એણે જે શીખવ્યું છે, તેના પર જ અમલ કરી રહ્યો છું. જોવાનું એ છે કે પાસ થાઉં છે કે નપાસ’ રીયાએ તેની વાત આગળ વધારી.

‘મને એની વાતો સાંભળીને હસવું આવતું હતું. આથી મેં બાજુમાં મૂકેલો પાણીનો ગ્લાસ લઇ પાણી પીધું . હજી મેં ઘૂંટડો ભરીને ગ્લાસ નીચે મૂકયો કે તરત જ એણે ગ્લાસ ઉપાડી લીધો. ગ્લાસ પર મારી લિપસ્ટિકનું નિશાન પડી ગયું હતું. એણે પણ બરાબર ત્યાં જ હોઠ અડાડીને બે ઘૂંટડા પાણી પીધું….’

હું એને કહેવા લાગી કે, ‘એક મિનિટ , હું તમારા માટે બીજો ગ્લાસ મંગાવું છું.’ પણ એ સાવ નફટાઇથી બોલ્યો, ‘બીજા ગ્લાસ પર તમારા હોઠનાં નિશાન નહીં હોય.’

આ જવાબ સાંભળી હું એટલી શરમાઇ કે કંઇ જ બોલી ન શકી. સાચું કહું મમ્મી, અગાઉ કયારેય આવો હાજર જવાબી યુવક મેં નહોતો જોયો. એ ખૂબ આકર્ષક  પણ છે. તું જોઇશ તો પહેલી  જ વારમાં પાસ કરી દઇશ.’

શીલાને લાગ્યું કે જાણે એનો જીવ ઊંડો ઉતરતો જતો હતો. એને ગૂંગળામણ થવા લાગી. મહામહેનતે  એણે પૂછયું, ‘શું નામ છે એ છોકરાનું ?’  ‘પ્રેમ …. અને મમ્મી એ….’

શીલાને થયું કે રીયાનો સ્વર જાણે કોઇ ઊંડા કૂવામાંથી આવતો હોય… પછી એ જાતે જ જાણે કોઇ કૂવામાં ફંગોળાઇ ગઇ હોય, એમ એને  લાગ્યું…. હવે એને રીયાનો સ્વર સંભળાતો નહોતો. એ પાસે પડેલી ખુરશીનો ટેકો લેવા ગઇ, પણ એકદમ  ખુરશી ખસી ગઇ અને એ નીચે પડી ગઇ.

પળવારમાં એટલી ઝડપથી આ બંધું બની ગયું કે કોઇને કંઇ સમજાયું જ નહીં, પછી બધા એક સાથે શીલા પાસે ગયાં અને એને ઊંચકીને પલંગ પર સુવડાવી અમરે એની નાડી તપાસી જોઇ, તો એ બરાબર ચાલતી હતી. રીયાએ રસોડામાંથી પાણીનો ગ્લાસ ભરી લાવીને શીલાના મોં પર થોડું પાણી છાંટયું. એકાએક શીલાને આ શું થઇ ગયું. તે કોઇને સમજાયું નહી. અજયે ગભરાઇને એ જ કોલોનીમાં રહેતા એક ડોકટરને ફોન કર્યો. રાતના દસ વાગ્યા હતા. ડોકટર ઘેર જ હોવાથી તરત આવી પહોંચ્યા.

એમણે શીલાની સ્થિતિ જોઇ. એના દાંત ભીંસાઇ ગયા હતા અને દાંત વચ્ચે જીભ આવી જવાથી કપાઇ ગઇ હતી. ત્યાંથી લોહી વહેતું હતું આંખો અને કાન એકદમ લાલચોળ થઇ ગયાં હતાં.

ડોકટરે તાત્કાલિક શીલાને હોસ્પિટલે લઇ જવા સૂચવ્યું. અજય અને અમરે સીલાને ઊંચકી બહાર કારમાં પાછળની સીટ પર સુવડાવી. રીયાને ઘેર રહેવાનું કહી બંને તરત જ  હોસ્પિટલ  તરફ રવાના થઇ ગયા.

રીયા ઘેર હજી ગુમસુમ બેઠી હતી. લગભગ બે કલાક પછી ફોનની ઘંટડી રણકી ઉઠી. એણે ઝડપથી રિસીવર ઉઠાવ્યું. સામેથી અજયને સ્વર સંભળાયો. ‘રીયા, અહીં અમને કદાચ મોડું થાય, તું પણ અહીં આવી જા. અમે આઇ. સી. યુ.ની બહાર બેઠાં છીએ.’

રીયા તુરંત જ હોસ્પિટલ જવા નીકળી ગઇ, હજી શીલા ભાનમા આવી નહોતી. કદાચ તેને યુવાન પ્રેમી ગુમાવ્યાનો આઘાત લાગ્યો હતો કે પછી પોતાના પ્રેમીન  જમાઇ તરીકે  સ્વીકારવાની વાતનો સદમો પહોંચ્યો હતો.

READ ALSO

Related posts

ક્રિકેટર બનવા માંગતો હતો કરણ વાહી, આ કારણે બનવું પડ્યું એક્ટર

Siddhi Sheth

45 લાખમાં છૂટાછેડાનું નક્કી થયું છતા લાલચી સસરાએ 50 લાખ અને ફ્લેટની માંગ કરી, ના પાડી તો જમાઈનું ઘર સળગાવ્યું

Kaushal Pancholi

OMG 2 Release Date/ ભગવાન શિવના અવતારમાં જોવા મળ્યા અક્ષય કુમાર, જાણો ક્યાં દિવસે રિલીઝ થશે ‘ઓહ માય ગોડ 2’

Siddhi Sheth
GSTV