GSTV
Gandhinagar Trending ગુજરાત

રાજ્યમાં ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છિનવાયો, ભારે વરસાદથી પાકને મોટું નુકશાન

દેશમાં સપ્ટેમ્બરના છેલ્લા સપ્તાહમાં વરસેલા વરસાદે ખરીફ પાકોની ગુણવત્તા બગાડવાની સાથે શાકભાજી, કપાસ, મગફળી, તલ, મગ અને અડદના પાકના ઉત્પાદનના આંકને અસર પહોંચાડી છે. ઓક્ટોબર એ કાપણીની સિઝન છે પરંતુ હજુ પણ વરસાદ ચાલુ રહેતાં પાકને નુક્સાન થઈ રહ્યું છે. જેને પગલે રાજ્યમાં ખેડૂતોના મોંમા આવેલો કોળિયો છિનવાઈ ગયો છે. આ વર્ષે મેઘરાજાની અતિ કૃપા દ્રષ્ટી જોવા મળી હતી અને સીઝન દરમિયાન એકલા ગુજરાતમાં જ 140 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. મેઘરાજા મનમૂકીને વરસ્યા ત્યારે આ વર્ષે રવી સિઝનને ફાયદો થવાની પૂરી સંભાવના હતી. પરંતુ ચોમાસાની વિદાયનો સમય થયો હોવા છતાં હજુ તે વરસી રહ્યો છે. જેને પગલે ગુજરાતમાં લીલો દુકાળ જોવા મળી રહ્યો છે.

ખરીફ સિઝનમાં ૮૫.૮૭ લાખ હેક્ટરમાં થયેલા વાવેતર વચ્ચે સરકારે કૃષિ વિભાગના પ્રથમ અંદાજમાં ખેત ઉત્પાદનના આંક ઊંચા મૂકાયા છે, પણ અણધાર્યા, એકાએક અને સતત વરસી રહેલા વરસાદે ખરીફ સિઝનની હાલત ખરાબ કરી દીધી છે. રાજ્યમાં સરેરાશ ૧૫થી ૧૭ ટકા નુક્સાનીના અહેવાલો છે. વરસાદે રવી સિઝન માટે ઉજ્જવળ તક ઉભી કરવાની સાથે રાજ્યમાં ૨ વર્ષ સુધી પાણી ન ખૂટે તેવી સ્થિતિ ઉભી કરી છે. પણ ખરીફ ખેતીનો દાટ વાળી દીધો છે.

કપાસમાં ખેડૂતોએ આ વર્ષે આગોતરી વાવણી કરી છે. જેમાં તેઓ ભરાઈ ગયા છે. જૂનમાં કપાસની વાવણી ૧૪.૩૫ લાખ હેક્ટરમાં પહોંચી હતી. જેમાં ૫૦થી ૬૦ ટકા કપાસમાં જિંડવા ફાટી ચૂકયા છે. ત્યાં રૂની ગુણવત્તા બગાડવાની સાથે ફૂલ ચાંપવા ગરી જતાં કપાસની સિઝન ૨૦ દિવસ લેટ જઈ શકે છે. મગફળીમાં સરકારી તંત્ર નુક્સાનીના અહેવાલોને ફગાવી રહ્યું છે પણ આ વર્ષે જૂન સુધીમાં ૯.૯૦ લાખ હેક્ટરમાં મગફળીની વાવણી થઈ હતી. હાલમાં મગફળી પાકવાની અવસ્થાએ છે, સરકારે આ મગફળી ન ઉપાડવા આપેલી સલાહ છતાં સતત વરસાદને પગલે મગફળીના દાણામાં ઉગાવો થવાની સંભાવના કૃષિ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યાં છે.

રાજ્યમાં સૌથી વધારે અસર ખરીફ કઠોળ પાકને થઈ છે. મગ અને અડદ હાલમાં કાપણીના સ્ટેજે હોવાથી વરસી રહેલા વરસાદે આ પાકમાં ૨૫ ટકાનું નુક્સાન પહોંચાડ્યું છે. તેલીબિયાં પાક ગણાતા તલમાં મોટાભાગના તલની ગુણવત્તા બગડી છે. રાજ્યમાં આ પાકની વાવણી ૧.૧૬ લાખ હેક્ટરમાં થઈ હતી, જેમાં ૩૦થી ૪૦ ટકા નુકસાનીનો અંદાજ છે. ડાંગરના પાકમાં જ્યાં કંટી બંધાઈ હતી તેવા પાક પવનને લીધે આડા પડી જતાં નુકસાન પહોંચ્યું છે. બાજરીની ખરીફ સિઝનમાં ૧.૭૩ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે. આ પાક હાલમાં કાપણીની સ્ટેજ પર હોવાથી ડૂંડા બંધાવા સમયે જ વરસાદથી ઊભો પાક ઊગી જવાની સાથે ગુણવત્તા બગડવાની પૂરી સંભાવના છે. રાજ્યમાં બાજરીના પાકમાં ૧૦થી ૧૫ ટકા નુક્સાની થઈ શકે છે.

ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી વરસેલા વરસાદને પગલે ૧૩ જિલ્લામાં ૨.૮૪ લાખ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત બન્યો હોવાના સરકારી આંક હતા પણ સપ્ટેમ્બરમાં વરસાદે ખરીફ ખેતીની હાલત વધુ કફોડી કરી દીધી છે. રાજ્યમાં લીલા દુકાળ જેવી સ્થિતિ વચ્ચે સરકાર ભલે ન સ્વીકારે પણ સૌથી વધારે ખરાબ હાલત કપાસ, તેલીબિયાં, શાકભાજી અને કઠોળ પાકની છે.

READ ALSO

Related posts

સાઉથની વધુ એક ફિલ્મનો બોક્સ ઓફિસ પર તરખાટ, ‘પોન્નિયિન સેલ્વન’નુ બે દિવસનુ કલેક્શન 150 કરોડ

GSTV Web Desk

Ind Vs SA / ભારતે બીજી મેચમાં પણ આફ્રિકાને ચટાડી ધૂળ, ટી-20 સીરીઝ પર જમાવ્યો કબ્જો

Hardik Hingu

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda
GSTV