રાજ્યમાં હાલ અસહ્ય ગરમી પડી રહી છે એવામાં અમદાવાદ સહીત રાજ્યના અમુક ભાગોમાં એકાએક વાતાવરણ બદલાયું છે અને વરસાદ પડ્યો છે. વરસાદ પડવાથી ગરમીના ઉકળાટ સામે રાહત મળી છે, પણ ક્રિકેટ રસિકોમાં ચિંતા વ્યાપી છે. કારણ કે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે ટાટા IPL અંતર્ગત ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે બીજી ક્વોલિફાય મેચ છે. જો વરસાદ વધુ જામ્યો તો આ મેચ બંધ રહેશે.

અમદાવાદમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ તૂટી પડયો..અમદાવાદના એસ.જી.હાઇવે, થલતેજ, ઇસ્કોન, બોપલ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ગોતા, પાલડી, પકવાન સહિતના વિસ્તારમાં વરસાદી ઝાપટાં પડયા હતા. પાંજરાપોળ, સરખેજ, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારમાં વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ વરસ્યો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ(2023)માં આજે શુક્રવારે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે બીજો ક્વોલિફાયર મુકાબલો ખેલાવાનો છે ત્યારે આ મહત્વપૂર્ણ મેચ પહેલા અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. જેના પગલે ક્રિકેટ રસિયાઓમાં એવી ચર્ચા થવા લાગી છે કે, ગુજરાત અને મુંબઈ મેચમાં વરસાદ વિલન બનશે.