ફેશન ઘણાં વર્ષોથી આપણા જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગઇ છે. એવું નથી કે ફિલ્મોની અસર આપણાં જીવન પર પડી છે તેથી આપણે ફેશનનું અનુસરણ કરતાં થયાં છીએ. આદિકાળથી લોકો સુંદર દેખાવા માટે અવનવી તરકીબો અજમાવતા આવ્યાં છે. ફેશન ઉદ્યોગ પણ સમયની સાથે વિકસિત થતો ગયો છે. એક રીતે કહી શકાય કે ફેશન સમયની માંગ છે. ફેશન ઇન્ડસ્ટ્રીમાં ક્લોથ્સ, હેર સ્ટાઇલ, મેકઅપ કંઇ જ જૂનું નથી થતું. ફક્ત તેમાં થોડા ઘણાં ફેરફાર કરીને તેને નવો ઓપ આપવામાં આવે છે. અને આ તમામ બાબતો પાછળ મુખ્ય ફાળો હોય છે એક ફેશન ડિઝાઇનરનો.
આપણે એક એવા ફેશન ડિઝાઇનર વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ જે ન્યૂયોર્ક બેઝ્ડ છે પરંતુ તેમના મૂળ ગુજરાત સાથે જોડાયેલા છે. ઋષભ મનોચાનો ઉછેર ગુજરાતમાં થયો છે અને તે પછી તેઓ મિડલ-ઇસ્ટમાં આવીને વસ્યાં. તેમણે ન્યુયોર્ક સિટીની પાર્સન્સ સ્કૂલ ઑફ ડિઝાઇન અને લંડનની સેન્ટ્રલ સેન્ટ માર્ટિન્સ ખાતેથી અભ્યાસ કર્યો છે. તેમના ડિઝાઇન સ્ટુડિયોમાં રહેલી વિભિન્ન લાક્ષણિકતાઓ પોત વિવિધ સંસ્કૃતિમાંથી મેળવેલા શિક્ષણને આભારી છે.
રિષભ કહે છે કે “ આદર શબ્દ મારા માટે ખૂબ જ મહત્વનો શબ્દ છે. ફક્ત એટલા માટે જ નહી કે તે આપણને આપણી ફરજનું ભાન કરાવે છે પરંતુ તે આપણને આપણા વારસા, સંસ્કૃતિ અને તહેવારોનો પણ અહેસાસ કરાવે છે. અને આ જ મારી પ્રેરણાનો મૂળ સ્ત્રોત રહ્યો છે.” નિકી મિનાજ, GQ મેગેઝિન, જ્હોન વર્વાટોઝ, વેરા વાંગ અને અન્ય ઘણી હસ્તીઓ માટે કામ કર્યા બાદ તેમને ‘બેસ્પૉક મૅન્સવૅર’ માટેની પ્રેરણા મળી. પોતાની ડિઝાઈન અને દરેક બનાવટ મૂળથી પોતાની જ હોય તેવા ડિઝાઈનરને બેસ્પોક ડિઝાઈનર કહે છે.
મનોચાનું માનવું છે કે “શીખવાની પ્રક્રિયા સતત ચાલુ રહેવી જોઈએ અને આજે હું સદનસીબ છું કે મે રિયલ વર્લ્ડમાં કામ કર્યુ છે, ફેશનની ડિગ્રીની મર્યાદામાં બંધાઇ ન રહેતાં મારામાં શીખવાની અને મારા કૌશલ્યનો વિસ્તાર કરવાની ક્ષમતા છે.” હાલ તેઓ બેસ્પોક ટેલરિંગ ફર્મ ચલાવવાની સાથે માસ્ટરસેવિલ રૉ ટેઇલર રૉરી ડફી ખાતે અભ્યાસ પણ કરી રહ્યાં છે. સાથે જ તેઓ અનેક ડિઝાઇન કંપનીઓ માટે ફ્રિલાન્સીંગ પણ કરે છે.
એક ડિઝાઇનરે પોતાની મર્યાદાઓમાં બંધાઇને ન રહેવું જોઇએ તે અંગે તેઓ જણાવે છે કે ‘હું અનેકવાર હૅટ પહેરું છું ને ઘણી વખત તે મુશ્કેલ બની રહે છે પરંતુ તે હંમેશા લાભદાયી નીવડે છે.’
ગુજરાતે મૂળ સમજ આપી
મનોચા જણાવે છે કે, ગુજરાતમાં મારા શરૂઆતના વર્ષોએ મને રંગોનું મહત્વ અને કાપડની સમજ આપી. મહાત્મા ગાંધીના આત્મસંયમ અને ખાદીની પસંદગીના પ્રશંસક મનોચાએ એક શક્તિશાળી સંસ્કૃતિ સાથે જોડાયેલા હોવાનું કેટલું મહત્વ હોય છે તેવી દ્રષ્ટિસાથે ભારત છોડ્યું.
મિડલ-ઇસ્ટ પાસેથી પણ જાણવા મળ્યું
મધ્ય-પૂર્વએ તેમને વિવિધ સંસ્કૃતિઓની શ્રદ્ધા લોકોના પહેરવેશની પસંદગી પર કેવી અસર કરે છે તેની સમજ આપી.
સેન્ટ માર્ટિન્સ અને પાર્સન્સે તેમને અભિવ્યક્તિની ક્ષમતા તથા પ્રેરણા આપી. રિષભ કહે છે કે’હું લોકોનું દૈનિક ધોરણે પહેરાતા વસ્ત્રો અંગેની સમજશક્તિનું સ્તર ઊંચુ લાવવા માંગુ છું.’ મનોચા અંતમાં કહે છે કે “વ્યક્તિની મનની આંતરિક શક્તિ તેની બાહ્ય દેખાવ થકી વ્યક્ત થવી જોઈએ”.