રૂપાણી સરકારની ખેડૂતો માટેની આ જાહેરાત દૂરથી ‘રૂપાળી’

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના ધમપછાડા વચ્ચે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે સરકાર 2 દિવસમાં મોટી જાહેરાત કરશે તેવો દાવો કરતાં ખેડૂતોને સરકાર દેવાં માફીની યોજના જાહેર કરશે તેવી અાશા હતી. પંજાબ, કર્ણાટક, ઉત્તર પ્રદેશની જેમ ગુજરાતના  ખેડૂતોનાં પણ દેવાં માફ થશે તેવાં વહેતા થયેલા અહેવાલો વચ્ચે અાજે નીતિનભાઈઅે પ્રેસ કોન્ફરન્સ કરી ખેડૂતોને ઘૂંટણીયે ગોળ લગાવ્યો છે. ખેડૂતો માટે તો ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર જેવો ઘાટ છે પણ ખેડૂતો અે ભૂલી ગયા છે કે, રૂપાણી સરકાર ગુજરાતમાં ખેડૂતોનાં માથે દેવું ન હોવાનું સોય ઝાટકીને કહે છે તો દેવું માફ ક્યાંથી કરે?  જો કે આ તમામ જાહેરાતોમાં સૌથી મહત્વની વાત એ હતી કે ખેડૂતોને સીધા લાભ થાય તેવી એક પણ જાહેરાત ન હતી.

રાજ્યમાં 20 કરોડ રૂપિયાના ધિરાણ વચ્ચે સરકાર દર વર્ષે 95 ટકા ખેડૂતો ધિરાણ ભરી દેતાં હોવાના સરકાર દાવાઅો કરી રહી છે. જો રૂપાણી સરકાર ખેડૂતોનાં દેવાં માફીની યોજના જાહેર કરે તો દેવાદાર ખેડૂતોનાં અાંક જાહેર કરવા પડે. લોકસભાની ચૂંટણી સમયે કૃષિ વિકાસનો પરપોટો ફૂટે તેવું ન ઇચ્છતી રૂપાણી સરકાર ખેડૂતોનું દેવું માફ કરે તેવી કોઈ શક્યતા નથી. ગુજરાતના કૃષિ વિકાસના નામે ચૂંટણી જીતવા ઇચ્છતી સરકાર અા મૂર્ખામી કરે તેવી કોઈ સંભાવના ન હોવાથી રાજ્યમાં ખેડૂતોનાં દેવાં માફ કરવાનાં સપનાં જોવાનું ખેડૂતો છોડી દે અે તેમના હિતમાં છે અને કોંગ્રેસમાં અેટલી ત્રેવડ નથી કે ખેડૂતોનાં દેવાં માફ કરાવી શકે. ખેડૂતોનાં દેવાં માફ કરવા ગુજરાતમાં અાક્રોશ રેલી કાઢનાર કોંગ્રેસ 73 લાખ ખેડૂતોમાંથી 5,000 ખેડૂતો ભેગા કરી શકી ન હતી. જેથી કોંગ્રેસ માફ કરાવે કે ભાજપ સરકાર ખેડૂતોનાં દેવાં માફ કરશે તેવાં સપનાં જોવાં બેકાર છે.

 • ખેડૂતોના નામે વીમા કંપનીઓને થશે બખ્ખાં
 • વિધાનસભા બાદ વીમા કંપનીઓને વિધ્નહર્તા ફળ્યા
 • 73,25,559 ખેડૂત ખાતેદારો અકસ્માત વિમાના લાભાર્થી
 • 2.50 કરોડ લાભાર્થીને હવે મળશે લાભ
 • 30થી 35 કરોડનું પ્રીમિયમ ભરાતું હતું. હવે 70 કરોડ ભરવા પડશે સરકારે
 • 6 કરોડની વસતીમાં 2.49 નાગરિકો ખેતી સાથે જોડાયેલા છે.

લોકસભાની ચૂંટણીને અાડે ગણતરીના મહિનાઅો વચ્ચે ગામડાઅોમાં પક્કડ ગુમાવી બેઠેલી સરકાર ખેડૂતોના માટે નીત નવી યોજનાઅોની લ્હાણી કરે છે. અાજે પણ સરકારે વધુ અેક યોજનામાં ખેડૂતોને લોલિપોપ અાપવાનો પ્રયત્ન કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોના લાભાર્થે ખાતેદાર ખેડૂત આકસ્મિક મૃત્યુ કે કાયમી અપંગતતા માટે સહાય યોજના ૨૬મી જાન્યુઆરી ૧૯૯૬ ના શુભ દિવસથી આરંભ કર્યો  છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખાતેદાર ખેડૂતનું અકસ્માતે મૃત્યુ થાય કે કાયમી અપંગતતા આવે તો તેના વારસદારને આર્થિક સહાય આપવાનો છે. આ યોજના ૧૦૦ % રાજ્ય સરકારના સહાયની યોજના છે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતો વતી રાજ્ય સરકાર દ્વારા વીમા પ્રીમીયમ ચૂકવવામાં આવે છે. અા યોજના હેઠળ અપાયેલી સહાય યોજના અંગેની સરકારી વિગતો અનુસાર ૨૬મી જાન્યુઆરી, ૧૯૯૬ થી વર્ષ ૨૦૧૨-૧૩ સુધીમાં કુલ ૧૫,૨૩૭ દાવાઓ મંજૂર કર્યા અને રૂ. ૧૩૧૩૫.૦૦ લાખ વીમા સહાય ખાતેદાર ખેડૂતના વારસદારોને ચૂકવવામાં આવી છે. અેટલે કે 16 વર્ષમાં સરકારે 15 હજાર ખેડૂતોને 131 કરોડ રૂપિયાની રાહત અાપી છે. અામ સરેરાશ દર વર્ષે અા વીમા યોજનાઅો લાભ 952 ખેડૂતોઅે લીધો છે.

બજેટમાં અા યોજના માટે અા વર્ષે 27.82 કરોડ ફાળવાયા

હવે નીતિનભાઈઅે અાજની યોજના સમયે જાહેર કરેલા અાંક અનુસાર સવા 6 કરોડ ગુજરાતની પ્રજામાંથી 2.49 કરોડ લોકો ખેતી સાથે સંકળાયેલા છે. જેમાં અત્યારસુધીમાં 73,25,559 ખેડૂત ખાતેદારો અા અકસ્માત વીમા યોજનાનો લાભ લેતા હતા. જે પેટે સરકાર વીમા કંપનીઅોને 32થી 35 કરોડ રૂપિયાનું પ્રીમિયમ ભરે છે. અામ ગુજરાતના તમામ ખેડૂત ખાતેદાર વતી પ્રીમિયમ સરકાર દ્વારા ભરાય છે. હવે સરકારે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઇ ગ્રામીણ ખેડૂતોને લાભ અાપવાના ઉદાત્ત હેતુસર અા વીમા પ્રીમિયમનો લાભ ખેડૂતના પરિવાર સુધી અાપવાનો નિર્ણય લીધો છે. અેટલે કે  ખેડૂત, દિકરો અને પત્ની સુધી લાભ પહોંચાડતાં કુલ 2.40 કરોડ લોકો અા અકસ્માત પ્રીમિયમ હેઠળ અાવરી લેવાશે. જે પેટે સરકારે હવે 70 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી કરવી પડશે. અત્રે નોંધવું ઘટે કે, અા વર્ષે બજેટમાં અા યોજના હેઠળ 27.82 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી થઈ છે.

દર વર્ષે અેક હજાર ખેડૂતોને મળ્યો લાભ

વર્ષ 1996થી વર્ષ 2012-13 સુધીના 16 વર્ષમાં માત્ર વર્ષનો માત્ર અેક હજાર ખેડૂત ખાતેદારને અા યોજનાનો લાભ મળ્યો છે. હવે અા સંખ્યા ડબલ થઈ હોય તો પણ 2,000 ખેડૂત ખાતેદારોને હવે લાભ મળતો હશે. અત્યારસુધી સરકાર દર વર્ષે 35 કરોડ રૂપિયા પ્રીમિયમ પેટે ભરે છે. અામ વીમા કંપનીઅો ન્યાલ થઈ રહી છે. ગુજરાતની પ્રજાના પૈસાઅે વીમા કંપનીઅોને બખ્ખાં થઈ રહ્યાં છે. હવે સરકાર 2.40 કરોડ લાભાર્થીઅો માટે પ્રીમિયમ વધારશે. જીવતા ખેડૂતોનાં દેવાં માફ ન કરી શકતી કે ખેડૂતોને પાકવીમાનો લાભ ન અપાવી શકતી સરકાર મૃતક ખેડૂતોના પરિવારને લાભ અાપવાનો દાવો કરી રહી છે. અા યોજનામાં ખેડૂતોને લોલીપોપ વધુ અને વીમાકંપનીઅોને ફાયદો વધુ છે. પાકવીમાના ગુજરાતમાં ખેડૂતોને હજુ લાભ મળ્યો નથી. જે માટે ખેડૂતો ટળવળી રહ્યાં છે. અા બાબતે સરકાર પાસે જવાબ નથી. અા યોજનામાં પણ વીમાકંપનીઅો કમાશે અને અામ અાદમીના નામે વીમાકંપનીઅો ન્યાલ થશે. લોકસભાની ચૂંટણીને પગલે ગામડાઅોમાં ફરી જનાધાર ઉભો કરવા માગતી ભાજપ સરકારે અાજે જાહેર કરેલી યોજના અે ચૂંટણીલક્ષી જાહેરાતથી વધુ કંઇ નથી.

અકસ્માત વીમા યોજના હેઠળ બજેટની ફાળવણી

વર્ષ                          બજેટ

2016-17                  26.42 કરોડ

2017-18                    30.00 કરોડ

2018-19                     27.82 કરોડ

શા માટે ખેડૂતો કરે છે આંદોલન

 • એક પણ ખેતપેદાશોના ભાવ ખેડૂતોને નથી મળતા.
 • ખેડૂત ને જ્યારે જરૂર હોય તયારે ખેતીમાં પુરતી વીજળી મળતી નથી, માત્ર આઠ કલાક અને તે પણ રાત્રે મળે છે.
 • રોઝ-નીલગાય અને ભુંડ ખેડૂતોનો ઉભો પાક નાશ કરે છે, જંગલી પ્રાણીઓ આસપાસના ખેતરોમાં નુકસાન કરે છે અને જંગલ ખાતાવાળા કેસ કરે છે.
 • ખાતર, બિયારણ,જંતુ-દવા, મંજૂરીના ભાવો છેલ્લા 20 વર્ષમાં ત્રણ ગણા થયા છે, સામે ખેતપેદાશોના ભાવ વધવાને બદલે ઘટી ગયા.
 • સરકારના ટેકાના ખેતપેદાશોની ખરીદીમાં કરોડો રૂપિયાનો ભષ્ટ્રાચાર થાય છે. ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીનો લાભ નહિવત્ મળે છે.
 • ખેડૂતોના 80 ટકા દીકરા-દીકરીઓ ગરીબ હોવા છતાં શિક્ષણ અને નોકરીઓના લાભોથી વંચિત રહેવું પડે છે.
 • ખેડૂતોના પાકની કિંમત વેપારીઓ નક્કી કરે છે, જ્યારે બાકીના બધા પોતાની વસ્તુની કિંમત જાતે નક્કી કરે છે.
 • ખેડૂતોના ગામડાની સ્થિતિ સુઘરવાને બદલે વધુ બગડેલ છે.
 • ખેડૂતોના ખેત ઓજારો, ટ્રેક્ટર, મોનોબલોક પંપો માટે ડીઝલ મોંઘુ થયું છે.
 • ગુજરાતનું ગામડું વઘુ ગરીબ બની ગયું અને હાલ ભાંગીને ભુક્કો થઈ જાય તેમ થયું છે.
 • નકલી બિયારણ તથા બનાવટી જંતુનાશક દવાના ખુલ્લેઆમ વેચાણથી ખેડૂતો સાથે છેતરપિંડી થઇ રહી છે.
 • GSTની આવક વધી છતાં ડીએપી ખાતરના ભાવમાં છેલ્લા બે મહિનામાં રુ.210નો વધારો થયો છે.
 • ગુજરાતમાં ખેતીમાં પિયતની અપુરતી સગવડ છે. 48 ટકા ખેતી રામભરોસે
 • ખેત ઓજારો ટ્રેક્ટર ઉપર સરકારે GSTના ખેડૂતો ઉપર આર્થિક બોજથી માર પડ્યો છે.
 • અનિયમિત વરસાદ અને દુષ્કાળથી ખેડૂતો દેવાના ડુંગરમા દટાય ગયા છે. વ્યાજખોરોનાં ઊંચા વ્યાજમાં ફસાયેલા છે.
 • ખેડૂતોને પુરતી વીજળી મળતી નથી અને વીજ કનેકશનમાં ઉઘાડી લૂંટ થાય છે.
 • ખેડૂતોના દીકરા અને દીકરી ઓને શિક્ષણની ગ્રામ્ય કક્ષાએ કોઇ સુવિધા નથી

કૃષિમાં ગુજરાતની અા છે વાસ્તવિકતા

 1. કેન્દ્ર સરકારના એગ્રિકલ્ચર સ્ટેટિસ્ટિક-૨૦૧૬ના આંકડા મુજબ ગુજરાતમાં ખેડૂતની માસિક આવક ૭,૯૨૬ છે. જે પંજાબના ખેડૂતની ૧૮,૦૪૯ કરતા ૪૦% ઓછી અથવા હરિયાણાના ખેડૂત કરતા ૫૪% જેટલી ઓછી છે. ગુજરાતમાં ખેડૂતની એક દિવસની આવક ૨૬૪ છે જયારે ખેત મજૂરોની સ્થિતિ તો તેનાથી પણ વધુ દયનીય છે તેમની દૈનિક આવક માત્ર રૂ ૧૭૮ જેટલી જ છે.
 2. ગુજરાતમાં ૩૯.૩૦ લાખ કરતા વધુ ખેડૂતો એવા છે જેમની વાર્ષિક આવક રૂપિયા ૧ લાખ કરતા ઓછી છે.
 3.  ખેડૂતોની ઓછી આવક પાછળ કારણ એ છે કે રાજયના ૮૫% ખેડૂતો નાના ખેડૂતો છે જેમની પાસે ૨ હેકટરથી ઓછી ખેતીની જમીન છે. જેના કારણે તેમની આવક ઓછી રહે છે.
 4.  દેશમાં સૌથી સમૃદ્ધ રાજ્ય ગુજરાતના ખેડૂતો માસિક ૭,૯૨૬ રૂપિયા અને વાર્ષિક ૯૫,૧૧૨ રૂપિયાની આવક મેળવે છે.
 5.  કુલ ખેડૂતોમાંથી ૪૨.૬ ટકા ખેડૂતો દેવાગ્રસ્ત છે. આ તમામ ખેડૂતોનું સરેરાશ દેવું ૩૮,૧૦૦ રૂપિયા છે.
 6.  દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની આવક ૧૨મા ક્રમે છે
 7. દેવામાં ગુજરાતનો નંબર ૧૪મો છે.
 8.  ખેડૂતો માટે લાખ સુવિધાઓ અને સહાયની સરકારની જાહેરાતો વચ્ચે પણ દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ સારી તો નથી જ.
 9.  ગુજરાતની કુલ વસતિના ૪૮ ટકા લોકો એટલે કે, ૫૮.૭૧ લાખ કુંટુંબો ગામડામાં વસે છે. એમાંથી ૩૯.૩૦ લાખ કુંટુંબો ખેતીના વ્યવસાયની સાથે સંકળાયેલા છે. એમાંથી પણ ૧૦.૩૦ લાખ ખેડૂતો આદિજાતિના છે. ૧.૫૨ લાખ કુંટુંબો અનુસૂચિત જાતિના છે. ૧૯.૫૬ લાખ કુંટુંબો પછાત વર્ગોના છે. જ્યારે ૭.૯૧ લાખ કુટુંબો અન્ય સામાજિક વર્ગોના છે.
 10. ગુજરાતમાં છેલ્લા ૧૯૯૫થી ભાજપ સરકાર શાસનમાં છે ત્યારે તેમના ૨૨ વર્ષથી રાજ્યમાં અપાતા સુશાસનના દાવા છતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ૭,૯૨૬ રૂપિયા અને વાર્ષિક આવક ૯૫,૧૧૨ રૂપિયા છે. હવે, ખેડૂતો જે માસિક રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાં પણ તેઓ મહિને ૨૯૩૩ રૂપિયા ખેતીમાં મેળવે છે. જ્યારે બાકીના ૨૬૮૩ રૂપિયા તેઓ મજૂરીમાંથી મેળવે છે.
 11. ૧૯૩૦ રૂપિયા પશુપાલનમાંથી ૩૮૦ રૂપિયા બિનખેતીની પ્રવૃત્તિમાંથી મેળવે છે. આમ, ગુજરાતનો ખેડૂત, માસિક જે સરેરાશ રૂપિયા ૭૯૨૬ની આવક મેળવે છે. એમાંથી તે માસિક ૭૬૭૨ રૂપિયાનો જ ખર્ચ કરી શકે છે.
 12.  ગુજરાત કંઈ એકલું નર્મદા પર નિર્ભર નથી. ગુજરાતની બધી ખેતી નર્મદા યોજના પર નભતી નથી. આ યોજના હેઠળ માત્ર ૧૮ ટકા ખેતીની જમીનને સિંચાઈનો લાભ આપી શકાય છે ત્યારે સવાલ એ છે કે બાકીની ૮૨ ટકા જમીન માટે પણ કેમ સિંચાઈની વ્યવસ્થા થઈ નથી?
 13.  ગુજરાત ના ખેડૂતોની વાસ્તવિકતા જોઈએ તો, દરેક ખેડૂતને ખેતીનું પાક લેવા માટે માસિક રૂપિયા ૨૨૫૦નો ખર્ચ કરવો પડે છે. એમાંથી તેમને માસિક રૂપિયા ૫૭૭૩ની ઉપજ થાય છે. એવી જ રીતે તેમને પશુપાલન માટે માસિક રૂપિયા ૨૩૯૯નો ખર્ચ કરવો પડે છે. તેની સામે તેમને પશુપાલનમાંથી માસિક રૂપિયા ૪૮૭૪ની આવક મળે છે.
 14.  ગુજરાતમાં ખેતી ક્ષેત્રે સંકળાયેલા કુલ ખેડૂતો પૈકી ૪૨.૬ ટકા એટલે કે, ૧૬.૭૪ લાખ ખેડૂતોએ તેમના વિવિધ ખેતીના પાકો માટે જે તે સહકારી બેંકો કે મંડળીઓમાં કૃષિ વિષયક લોનો લીધેલી છે. આવા ખેડૂતોને માથે સરેરાશ ૩૮,૧૦૦નું દેવું છે.
 15.  એક જાણકારી મુજબ ૧ હેકટરથી વધુ ખેતીની જમીન હોય તેવા ખેડૂતોને માથે સરેરાશ ૨૪,૭૦૦ રૂપિયાનું દેવું છે. એવી જ રીતે ૧થી ૨ હેકટર જમીન હોય તેવા ખેડૂતોના માથે ૩૧,૧૦૦ રૂપિયા, ૨થી ૪ હેકટર સુધી જમીન ધરાવનાર ખેડૂતને માથે ૮૨,૬૦૦ રૂપિયા, ૪થી ૧૦ હેકટર સુધી જમીન હોય તેવા ખેડૂતને માથે ૧.૧૪ લાખ રૂપિયાનું દેવું છે.
ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter