શ્રાવણ માસમાં ગાયને માતા ગણીને તેનું ભાવપૂર્વક પૂજન કરાય છે અને આગામી તા. 15 ઓગષ્ટના ‘બોળચોથ’નો દિવસ સદીઓથી ગાયોની ભક્તિ માટે મનાવાતો રહ્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં ગૌમાતાને લમ્પી સ્કીન ડીસીઝે જીવલેણ અજગર ભરડો લીધો છે અને ગાયોના ટપોટપ મોત નીપજી રહ્યા છે. આજે રાજકોટ જિલ્લામાં સત્તાવાર મૃત્યુ આંક પણ વધ્યો છે તો સૌરાષ્ટ્રમાં સરકારી ચોપડે નોંધાતા મૃત્યુ કરતા 15થી 20 ગણા મૃત્યુ ગૌમાતાના નીપજી ચૂક્યા છે.
રાજકોટ જિલ્લામાં પશુઓની સંખ્યા 3.70 લાખ છે જેમાં ગત તા. 29થી ગઈકાલ તા.4 સુધીમાં 14(દૈનિક સરેરાશ 2) મૃત્યુ અને આજે 11 સહિત 8 દિવસમાં 25 મૃત્યુ નોંધાયા હતા. આ સામે માત્ર રાજકોટ શહેરમાં, જ્યાં પશુઓની સખ્યા માત્ર 25,000 છે ત્યાં દૈનિક સરેરાશ 40થી 50 મૃત્યુ લેખે આ સમયમાં આશરે 350 મૃતદેહોને દાટવામાં આવ્યા છે. સામાન્ય દિવસોમાં આટલા સમયમાં 100થી ઓછા મૃત્યુ હોય છે.

જામનગરથી અહેવાલ મૂજબ આજે ગૌવંશના 58 મૃત્યુ નોંધાયા છે, તા. 1ના 57, તા. 2ના 40, તા. 3ના 4 અને તા. 4ના 58 સહિત માત્ર ચાર દિવસમાં જ 205 ગૌવંશ મોતને ભેટયા છે.આવતીકાલે મુખ્યમંત્રી જામનગરમાં મહાપાલિકા દ્વારા લમ્પી આઈસોલેશન અને વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લઈને આ સ્થિતિની સમીક્ષા કરશે.
ટંકારા તાલુકાના નાનકડા હરબટીયાળી ગામમાં અત્યાર સુધીમાં લમ્પી વાયરસના પગલે 45 ગૌમાતા સહિત 50 પશુઓના મોત નીપજ્યા છે. લોકોએ જણાવ્યા પ્રમાણે હજુ રોજ ચાર-પાંચ પશુઓ મોતને ભેટે છે. તો બાબરામાં 18,000 પશુઓને વેક્સીનની કામગીરી ચાલી રહી છે જ્યાં તાલુકામાં 11 પશુઓના મોત નીપજ્યાનું જાહેર થયું છે.

ગામેગામથી મળતા ગ્રાઉન્ડ રિપોર્ટ મૂજબ ગાયોના મોત સામાન્ય સંજોગો કરતા 10થી 20 ગણા વધી ગયા છે પરંતુ, સત્તાવાળાઓ તે માટે લમ્પી સ્કીન ડીસીઝને જવાબદાર ગણતા નથી અને શુ જવાબદાર તેનો ફોડ પણ પડાતો નથી. લોકોમાં અત્યંત ચિંતા અને અરેરાટી ઉપજાવતી લમ્પી સિવાયની કોઈ મહામારી કે રોગચાળા સરકારી તંત્રે જાહેર કર્યા નથી.
બીજી તરફ, સૌરાષ્ટ્રમાં પશુપાલન તંત્ર દ્વારા મોટાપાયે વેક્સીનેશન ઝૂંબેશ હાથ ધરાઈ છે પરંતુ, વેક્સીનેશનમાં મોડુ થતા ગાયોમાં ઈમ્યુનિટી આવે તે પહેલા મૃત્યુ થઈ રહ્યાનું લોકસૂત્રો જણાવે છે.
મોરબીના સંતે ગાયો માટે અન્ન છોડી એકપગે રહેવાની ટેક લીધી
સંતો અને શૂરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં લાખો ગૌપ્રેમીઓની આંતરડી હાલના લમ્પી રોગચાળાથી કકળી છે અને ગૌમાતાને બચાવવા અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે. મોરબીમાં મચ્છુ માતાજીની જગ્યામાં સંત રતનપુરી કેદારપુરી બાપુએ જ્યાં સુધી લમ્પી વાયરસથી ગૌમાતાને રાહત મળે ત્યાં સુધી એક પગ ઉપર ઉભા રહેવાની અને અનાજનો ત્યાગ કરવાની આકરી તપશ્ચર્યા શરૂ કરી છે.
READ ALSO
- મહિલાનો હાથ ટૂટવા પર બેશરમીથી હસવું પોલીસ કર્મીને ભારે પડી ગયું, કોર્ટે આપી એવી સજા કે વિચારતા રહી જશો
- અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટીના આદિત્ય બિરલા હેલ્થ ઇન્શ્યોરન્સનો 9.99% હિસ્સો ખરીદવાના પ્રસ્તાવને મળી મંજૂરી
- Viral Video : ઓ બાપ રે ગાયો પણ કન્ફ્યુંઝ, કૂતરું છે કે વાછરડું જોઈ લો આ વીડિયો
- Viral Video : બિલાડીએ ગરોળી સાથે કર્યું આવું કૃત્ય, 94 લાખથી વધુ વખત જોવાયો વીડિયો
- Viral Video : બાઇકસવારે કારને મારી જોરદાર ટક્કર, રૂવાડા ઉભા કરી દેતો Video થયો વાયરલ