VIDEO : રાત્રે બાર વાગ્યે ઉમેદવારના ચહેરા પર બંધાયુ કપડું અને વાહન મારફતે…

રાજ્યમાં લોક રક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થવાની સનસનીખેજ ઘટના સામે આવ્યા બાદ સરકારે એલઆરડીની પરીક્ષા રદ્દ કરી દેવાનો નિર્ણય કર્યો છે. જીએસટીવી આપને આ પેપર લીકની ઘટનાની મોડેસ ઓપરેન્ડી જણાવવા જઇ રહ્યું છે. કેવી રીતે લીક થયેલા પેપરને ઉમેદવાર સુધી અને ત્યારબાદ રાજ્યના અન્ય સેન્ટર સુધી પહોંચાડવામાં આવે છે. તેમજ આ ગેંગમાં કોણ કોણ સામેલ હોય છે.

રાજ્યમાં હથિયારધારી અને બિનહથિયારધારી લોકરક્ષકની ભરતી પરીક્ષામાં પેપર લીક થયા બાદ બોર્ડે પરીક્ષા તો મોકૂફ રાખી છે. પરંતુ સવાલ એ છે કે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રહેલા પેપરો આખરે કોણે અને કેવી રીતે લીક કર્યા.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લોકરક્ષક દળની પરીક્ષા માટેનું જે પેપર લીક થયું તે એક પેપરની 5 લાખ રૂપિયા જેટલી ઉંચી કિંમત ઉમેદવાર પાસેથી વસુલવામાં આવી છે. આ માટે રાત્રે 12 વાગ્યે ઉમેદવારને ચહેરા પર કપડું બાંધી વાહન મારફતે કોઇ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા. આ દરમ્યાન ઉમેદવારના મોબાઇલ કાં તો લઇ લેવામાં આવ્યા. અથવા તેમના મોબાઇલ સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યા.

રાત્રે 12-05 વાગ્યે ઉમેદવારને પ્રશ્નપેપરના જવાબની કોપી આપવામાં આવી. ઉત્તર ગુજરાતના અન્ય સેન્ટર સહિત અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લીથી સમગ્ર રેકેટ ચાલતુ હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે. પેપર લીકના આ સમગ્ર ષડયંત્રમાં 15થી 20 લોકોની ગેંગ સામેલ હોવાનું મનાઇ રહ્યું છે. જેમાં અનેક સરકારી અધિકારીઓ અને શિક્ષકો પણ સામેલ હોવાની વાત સામે આવી છે.

જે પ્રકારે પેપર લીક થયું છે તેને લઇને રાજ્યના પરીક્ષા વ્યવસ્થા તંત્ર પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. પરીક્ષા કેન્દ્ર પર સઘન સુરક્ષા હોય છે તો પણ શા માટે પેપર જ નથી રહેતા સુરક્ષિત. સ્ટ્રોંગરૂમમાં પેપર હોવા છતાં કેઇ રીતે પેપર લીક થયા. લાખો ઉમેદવારોની વર્ષોની તૈયારી પર કોણ પાણી ફેરવી રહ્યું છે. કોની બેદરકારીના કારણે પેપર લીક થયું. ક્યાંથી લીક થયું પરીક્ષાનું પેપર. અસામાજિક તત્વોની એવી તો કેવી પહોંચ કે પેપર લીક કરી શકે.

પેપર લીક કરનારા ગદ્દારો કોણ છે. શું ભરતી બોર્ડની અંદર જ ગદ્દારો રહેલા છે. શું પેપરલીક કરનારા મોટા માથાઓની ધરપકડ થશે. અગાઉ પણ પેપર લીકના બનાવો બનવા છતાં શા માટે તંત્ર ન જાગ્યું. પેપર લીક કેસમાં સરકાર તટસ્થ તપાસ કરશે કે પછી તપાસના નામે વધુ એક નાટક કરવામાં આવશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter