જસદણ : નાકિયા અને વાઘાણી બન્યા કાર્યકરોની તુમાખીનો ભોગ, આ કારણે થઈ બબાલ

ભાજપ અને કોંગ્રેસ માટે ખૂબ જ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી સૌરાષ્ટ્રની જસદણ વિધાનસભાની 20મી ડિસેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટેના પ્રચાર પડઘમ 18મી ડિસેમ્બરે સાંજે પાંચ વાગ્યે શાંત થયા છે. પ્રચાર અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના મોટા નેતાઓ જસદણમાં ઉતરી પડ્યા હતા. બંને પક્ષ તરફથી વિશાળ રેલી કાઢવામાં આવી હતી તેમજ જાહેર સભા કરાઈ હતી. આજે ભાજપના પ્રદેશ પ્રમુખ અને કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયા કાર્યકરોની તુમાખીનો ભોગ બન્યા હતા. જેઓની સાથે અપમાનિત જેવું વર્તન કરાયું હતું.

જેમાં ભાજપ અને કોંગ્રેસના જુદાજુદા નેતાઓએ પોતાના પક્ષના ઉમેદવારની જીત અંગે સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમજ જસદણની બેઠક જીતી જવા માટેના સામસામા દાવાઓ વ્યક્ત કર્યા છે. ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવારોને જીતાડવા અને નાક બચાવવા મતદારોને પોતાના તરફ આકર્ષી રહ્યાં છે. અને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આ એક બેઠક જીતવા બંને પક્ષે દિગ્ગજ નેતાઓની ફોજ જસદણમાં ઉતરી આવી છે.

પ્રચારનાં પડઘમ શાંત થયા બાદ 18મીની સાંજથી જ બંને પક્ષના ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ કરાયું છે. આવતીકાલે પણ ડોર ટુ ડોર પ્રચાર ચાલુ રખાશે મંગળવારે ભાજપ અને કોંગ્રેસની જાહેર રેલી સામસામે આવી ગઈ હતી.  ભાજપના પ્રમુખ જીતુ વાઘાણી સાથે કોંગ્રેસના કાર્યકરોને બોલાચાલી અને મગજમારી થઈ હતી. બીજી બાજુ પ્રચાર કરવા માટે જઇ રહેલા કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકિયાને ભાજપના કાર્યકરોએ રોક્યા હતા. આ દરમિયાન અવસર નાકિયા અને ભાજપના કાર્યકરો વચ્ચે તુંતું મેંમેં થયુ હતુ. આમ જસદણ બેઠક માટે પ્રચારના અંતિમ દિવસે વાતાવરણ ખૂબ જ ગંભીર અને તંગ બની ગયું હતું.

રાજ્યસરકારમાં પ્રધાન એવા કુંવરજી બાવળિયાને ફરી જસદણની સીટ પર જીતાડવા ભાજપ માટે નાકનો સવાલ બની ગયુ છે. ત્યારે પ્રદેશ ભાજપ પ્રમુખ ખુદ કુંવરજીને જીતાડવા રસ્તા પર જોવા મળ્યા હતા. વિંછીયાથી નીકળેલી કુંવરજીની મહારેલીમાં જીતુ વાઘાણી બાઈક પર સવાર  થઈને જોડાયા. તેઓએ કુંવરજી બાવળિયાની જીત માટે પાર્ટીને પૂરો વિશ્વાસ છે.

આવી સ્થિતિને પગલે મતદાન દરમિયાન કોઈ ગરબડ કે મારા મારી ન થાય તેવી વ્યવસ્થા કરવાનો પડકાર પોલીસ અને વહીવટી તંત્ર સમક્ષ ઊભો થયો છે જેને પગલે ટોચના પોલીસ અને વહીવટી તંત્રે નવેસરથી જસદણ અને સમગ્ર સ્થિતિ ની સમીક્ષા હાથ ધરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter