GSTV
Ahmedabad Banaskantha Baroda Bhavnagar Chhota Udaipur Dahod North Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

જુઓ, ગુજરાતની દિવસભરની મહત્વની ખબરો એક ક્લિક પર (10/02/2018)

 • દહેગામના કપડવંજ ખાતે યોજાયેલી કોંગ્રેસની ચિંતન શિબિરનો ફિયાસ્કો થયો. રાહુલ ગાંધીએ આપેલા શિસ્ત અને સંગઠનના આદેશને ગુજરાત કોંગ્રેસ ઘોળીને પી ગઈ હોય તેમ અડધોઅડધ ધારાસભ્યો શિબિરમાં ગેરહાજર રહ્યા હતા. શિબિરની શરૂઆતમાં 77માંથી 35 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. જોકે વિધાનસભામાં વિરોધપક્ષની રણનીતિની ચર્ચા દરમિયાન કેટલાક ધારાસભ્યો કંટાળો અનુભવી ઝોકા ખાતા પણ નજરે પડ્યા હતા.
 • બનાસકાંઠાના જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. વડગામ તાલુકા પંચાયતની બેઠકની ટિકિટ અપાવવા લીધેલા રૂપિયા 25 હજાર પરત ન આપતા ઝાકીર ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે.
 • બનાસકાંઠામાં કોંગ્રેસને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વધુ એક ફટકો પડ્યો છે. પાંથાવાડા સીટ પર ભાજપ બિન હરીફ ચૂંટાયું છે. કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ભાજપ વિજેતા થયું હતુ. પાંથાવાડા બેઠકના ભાજપના ઉમેદવાર રામુબેન પટેલ વિજેતા થયા હતા. ખોટી રીતે ટિકિટ ફાળવતાં કોંગ્રેસને વધુ એક ઝટકો મળ્યો છે.
 • તો બનાસકાંઠા કોંગ્રેસના પ્રમુખ વિરૂદ્ધ થયેલી ફરિયાદ બાદ ભાજપે કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે ફક્ત સ્થાનિક સ્વરાજ્ય નહીં પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસે નાણાં લઇને જ ટિકીટોની વહેંચણી કરી છે. આથી જ પ્રજા દર વખતે કોંગ્રેસને જાકારો આપે છે.
 • અબુધાબીમાં નિર્માણ પામનાર મંદિરના શિલાન્યાસ વિધીને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. દુબઈ-અબુધાબી હાઈવે પર આવેલી આ વિશાળ જગ્યામાં પ્રથમ ત્રી શિખરીય હિંદુ મંદિરનું નિર્માણ થશે. ભારતીય રાજદૂતાવાસ અને દુબઈ કોન્સોલટ જનરલ ઓફ ઈન્ડિયા તથા બીએપીએસ સંસ્થાની યજમાનીમાં આ શિલાન્યાસ મહોત્સવ ઉજવાશે. દુબઈના ઓપેરા હાઉસ ખાતે વડાપ્રધાન મોદીની હાજરીમાં શિલાન્યાસનો મુખ્ય સમારોહ યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી જમીન અને શિલાન્યાસ વિધીમાં વીડિયોના માધ્યમથી સામેલ થશે.
 • ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ મુદ્દે કોંગ્રેસે ભાજપને વધુ ભીંસમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું છે કે મગફળીમાં ભ્રષ્ટાચાર અને આગ મામલે ભાજપના જ આગેવાનોની સંડોવણી છે. હર્ષદ રિબડીયાએ સીઆઇડી ક્રાઇમની તપાસ પર સવાલો ઉઠાવ્યા છે.
 • રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ગેરરીતિ થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. આ મામલે ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વઘાણીએ નિવેદન આપ્યું. જિતુ વાઘાણીએ કહ્યું કે, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં થતી ગેરરીતીમાં કોઈને છોડવામાં નહીં આવે. તેની તપાસ ચાલી રહી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ મગફળીની ખરીદીમાં થતી ગેરરીતિઓ સામે લાલ આંખ કરી છે.
 • નસવાડીના લીંડા ગામની સ્કુલના વિદ્યાર્થીઓને મુસાફરી માટે પડતી હાલાકી મામલે જીએસટીવીએ રજૂ કરેલા અહેવાલનો પડઘો પડ્યો છે. 30 કિલોમીટર સુધીના અંતર સુધી વિદ્યાર્થીઓને બસમાં ઉભા  ઉભા મુસાફરી કરવી પડતી હતી. ત્યારે આ અંગે જીએસટીવીએ અહેવાલ રજૂ કરતા જિલ્લા કલેક્ટરે બોડેલી ડેપો મેનેજર અને છોટા ઉદેપુર આદિજાતિ વિભાગના અધિકારી સાથે બેઠક કરી હતી. તેમજ ચાર બસ ફાળવવા માટે હુકમ કર્યો.
 • સાબરકાંઠાના વડાલી કેળવણી મંડળે આમંત્રણ પત્રિકામાં છબરડો વાળ્યો છે અને તે આમંત્રણ પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. આર્ટસ કોલેજના નવીન ભવનના આમંત્રણ પત્રિકામાં વિધાનસભાના અધ્યક્ષ પદે રમણલાલ વોરાનું નામ લખાયેલુ છે. જોકે હાલ તો 14મી વિધાનસભાના અધ્યક્ષ પદે કોઈની નિમણૂક થઈ નથી. કાર્યકારી અધ્યક્ષ તરીકે નીમાબહેન આચાર્ય છે.
 • બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસેચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે. બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 101 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાંથી  ફોર્મ ચકાસણી દરમિયાન 48 ફોર્મ રદ થયા હતા. તો ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 9 ફોર્મ પરત ખેંચાતા 22 બેઠકો પર 45 ઉમેદવારો ચૂંટણી લડશે.
 • અમદાવાદની મુલાકાતે આવેલા ગૃહપ્રધાન રાજનાથસિંહે આતંકી હુમલા પર મહત્વપૂર્ણ નિવેદન આપ્યુ હતુ. અને જણાવ્યું હતું કે ભારતવાસીઓનું મસ્તક ઝૂકવા નહિ દહીએ. સેના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હુમલામાં બે જવાન શહીદ થયા છે. જ્યારે અન્ય 2 ઘાયલ થયા છે. સેનાના જવાનો મુંહતોડ જવાબ આપવા તૈયાર છે અને ઓપેરશન પૂર્ણ ન થાય ત્યાં સુધી કંઇ પણ કહેવું અયોગ્ય છે.
 • કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાએ સુરતમાં દક્ષિણ ગુજરાતના સ્ટેક હોલ્ડર્સ સાથે સીધો સંવાદ સાધ્યો હતો. ગુજરાતમાં જળમાર્ગોના વિકાસ માટે હિસ્સેદાર કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ  જણાવ્યું હતું કે, દેશમાં 111 ઇનલેન્ડ વોટર વે સ્થાપવામાં આવશે. જે પૈકી ગુજરાતમાં પણ તાપી, મહી અને નર્મદા એમ ત્રણ નદીઓ પર વોટર વે સ્થપાશે.
 • ઉનાળો હજૂ તો શરૂ પણ નથી થયો ત્યાં સુરતમાં લોકોને પાણી કાપની મુસીબતનો સામનો કરવો પડશે. દૈનિક 250 એમએલડી પાણીનો કાપ મુકવાની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરાઈ છે. ઉનાળામાં પાણીની સંભવિત તંગીનો સામનો કરવા અત્યારથી અપાતો પુરવઠો ઓછો કરી દેવાની વિચારણા હાથ ધરાઈ છે.
 • ઔદ્યોગિક નગર વાપીના ઉદ્યોગકારોએ ગુજરત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન સાથે મુલાકાત કરી. વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએસન અને બેસ્ટ પેપર ગ્રુપ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ. આ સમયે ખેતીવાડી અને વન પર્યાવરણના રાજ્ય કક્ષાના પ્રધાન જયદ્રથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા. તેમણે કે વડાપ્રધાને ઉદ્યોગકારોને વધુ મહત્વ આપ્યુ છે.
 • ગુજરાત લઘુ ઉદ્યોગ મહામંડળ દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશમાં એસ.ઈ.એમ.ઈ.ની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં લઘુ ઉદ્યોગો વિકસાવવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે જણાવ્યું હતું કે, લઘુ ઉદ્યોગોનો વ્યવસાય સારી રીતે ચાલે તે માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે.
 • રાજપીપળા પોલીસની દબંગાઇનો એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં  રાજપીપળા પોલીસના પીઆઇ એક ડ્રાઇવરને ધમકાવતા નજરે પડે છે. આ અંગે કલેકટર અને પોલીસ વડાને પણ રજૂઆત કરાઇ છે. આ રજૂઆત મુજબ ટાઉન પીઆઇએ આદિવાસી રીક્ષા ડ્રાઇવર યુવકને બેફામ ગાળો મારી માર માર્યો હતો. આ ઘટના બાદ ટાઉન પીઆઇ સામે સાત દિવસમાં પગલા લેવાની માંગ કરાઇ છે.
 • અમરેલીની ખાનગી કોલેજ આગળ એનએસયુઆઇના કાર્યકરોએ ભજીયા અને પકોડા વેચીને વિરોધ કર્યો હતો. શિક્ષિત બેરોજગાર યુવાનોની મજાક ઉડાડતા નિવેદનનો ભારે સુત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એનએસયુઆઇના કાર્યકરો એકત્રિત થયા હતા.
 • પાલનપુરમાં સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં વડનગરથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી જોડાયા છે. તેમજ તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. સિવિલ હોસ્પિટલનો વહીવટ બનાસડેરીના ખાનગી ટ્રસ્ટને અપાયો છે. તેમજ સરકારે તેમની એક પણ માંગ સ્વીકારી નથી તેવો આક્ષેપ છે.
 • આણંદ જિલ્લાના ધર્મજમાં ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા અને રોડ પર ચક્કાજામ કર્યા. ધર્મજ ગામમાં પંચાયતના કર્મચારીને અચાનક છૂટો કરી દેવાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો. કર્મચારીનો આક્ષેપ છે કે તેને કોઈપણ કારણ દર્શાવ્યા વિના એકાએક છૂટો કરી દેવાયો. અને ડીડીઓએ પણ કોઈ કાર્યવાહી કરી નહીં.
 • સાબરકાંઠાના પ્રાંતિજના નવાપુરા ખાતે ગટરો ઉભરાતા રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. સ્થાનિકોએ પાલીકામાં અનેકવાર રજૂઆત કરી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. કોન્ટ્રાક્ટર દ્વારા ગટરની કુંડીઓના કામમાં વેઠ ઉતારી હોવાનો આરોપ લગાવી રહ્યાં છે.
 • સુરતના હજીરા- કવાસ ગામના લોકોએ સ્થાનિક કેમિકલ ફેક્ટરી અને કંપનીઓ સામે લડત શરૂ કરી છે. યુવાઓને રોજગારી અને કેમિકલ ફેક્ટરીના કારણે થતાં પ્રદુષણને મુદ્દે કાંઠા વિસ્તારના લોકો આગામી 12 તારીખના રોજ વિશાળ રેલી કાઢી કલેકટરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરશે. હજારોની સંખ્યામાં લોકો રેલી યોજીને કલેકટર કચેરીએ રજુઆત કરશે.
 • પંચમહાલ કાલોલના વેજલપુરા ગામે મોટા તળાવ કિનારે અજાણ્યા શખ્સો કેમિકલના પીપ ભરેલો જથ્થો નાખી ફરાર થઇ ગયા હતા. ગ્રામજનોએ કાલોલ ટીડીઓને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યા હતા. સાથો-સાથ આરોગ્ય વિભાગની ટીમે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. કેમિકલના જથ્થાના કારણે દુર્ગધ આવતાં સ્થાનિકો રોષે ભરાયા હતા.
 • પાટણ જિલ્લાના રાધનપુરમાં સરકારી કુમાર છાત્રાલયની આસપાસ ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. આસપાસના વિસ્તારોમાં અતિશય દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ ફેલાયો છે. જેને કારણે રોગચાળો ફાટી નીકળવાનો ભય તોળાયો છે. ગંદકી ફેલાવા પાછળ છાત્રાલય સંચાલકોની બેદરકારીના પણ આક્ષેપો થઈ રહ્યા છે.
 • પાટણ જિલ્લાના રાધનપુરમાં વિચરતી વિમુક્ત જાતીને મત આપવાનો અધિકાર મળ્યો છે. વિચરતી જાતિના 1500 મતદારોએ ભાજપને સમર્થન આપ્યું છે. પાલિકાના વોર્ડ નંબર-6માં ભાજપની બોડીને જીતાડવા વાદી સમાજે સમર્થન જાહેર કર્યું છે. વાદી સમાજના લોકોની ગણતરી વિચરતી જાતિમાં થાય છે અને તેમણે ભાજપના ડોક્ટર દેવજીભાઈને સમર્થન આપતું કોંગ્રેસના ઉમેદવારો મુંઝવણમાં મુકાયા છે.
 • અમરેલીના રાજુલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. બપોરે 3:15 વાગ્યાની આસપાસ રાજુલા શહેર, ટીંબી, જાફરાબાદ તાલુકાના 10થી વધુ ગામોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપને પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. તો કેટલીક ઇમારતોમાં તિરાડો પડ્યાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ આ ધરતીકંપનો આંચકો 3.4ની તિવ્રતાનો હોવાનું જાણવા મળ્યુ છે.
 • વડોદરાના પાદરાના વડુ ગામ ચોકડી પાસે મીઠા પીવાના પાણીની લાઈનમાં લીકેજ થવાથી હજ્જારો ક્યુકેસ પાણી વેડફાઈ રહ્યુ છે. આજુ બાજુના વિસ્તારમાં પણ પાણી ફરી વળતા આસપાસની દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. એક તરફ પાણીની તંગી છે તો બીજી તરફ આવી રીતે પાણીનો વેડફાટથી સ્થાનિકો તંત્ર સામ ફિટકાર વરસાવી રહ્યા છે.
 • જામનગર દરેડ જીઆઈડીસીમાં આવેલી ધી નવાનગર કો-ઓપરેટિવ બેંકના કેશિયરે રૂપિયા 43 લાખ 54 હજાર 986ની ઉચાપત કર્યાની ફરિયાદ નોંધાઇ છે. કેશિયર તરીકે ફરજ બજાવતા તેજશ સંધવીએ સતત ત્રણ દિવસ સુધી બેંકમાંથી પૈસા ઉપાડી લીધા હતા. જોકે કેશિયર તેજસ સંધવી સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે રોકડ રીકવર કરી વધુ તપાસ હાથ ધરી છે.
 • છોટાઉદેપુરના બોડેલી તાલુકાના ડુમા ગામેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં પ્રેમી યુગલે ઝંપલાવ્યું હતુ. યુવકના સગાને ઘટનાની જાણ થતા દોડી આવ્યા હતા. યુવતીના લગ્ન આઠ દિવસ પહેલા અન્ય યુવક સાથે થયા હતાં. જોકે બોડેલીના સ્થાનિક તરવૈયાઓએ યુવક યુવતીની શોધખોળ આદરી છે પણ હજુ સુધી તેમનો કોઇ પતો મળ્યો નથી.
 • રાજકોટના રૈયાધાર પાસે યુવકની પથ્થરના ઘા મારી હત્યા કરવાના મામલે પોલીસે બે આરોપીઓને સકંજામાં લીધા છે. મૃતકના પરિવારના જણાવ્યા મુજબ બંને આરોપી સાથે સામાન્ય બાબતે બોલાચાલી બાદ આરોપીઓએ રવિની પથ્થરના ઘા મારી હત્યા કરી નાખી હતી.
 • અમદાવાદના પીરાણા પાસે સુએજ ફાર્મ રોડ પર મળી આવેલ યુવતીના મૃતદેહ મામલે પોલીસે ગણતરીના સમયમાં હત્યાના આરોપી મુનિર મિર્ઝાની ધરપકડ કરી છે. મૃતક અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હતો. પરંતુ બંને વચ્ચે સર્જાયેલા ખટરાગને લઇને આરોપીએ રેશ્માની હત્યા કરીને ત્યારબાદ ફરાર થઇ ગયો હતો.
 • મની ટ્રાન્સ્ફરની ઓફીસ ચલાવનારાને લૂંટી લેવાના ઇરાદે હથિયાર સાથે ફરતા બે આરોપીને સુરત ક્રાઇમબ્રાંચે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા બંને આરોપી એમ્બ્રોઇડરી મશીન ઉપર કામ કરતા હતા. શોટકર્ટથી રૂપિયા કમાવવાની લાલચે તેઓએ આવો પ્લાન બનાવ્યો હતો.
 • કાલોલના દેવચોટીયા ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરી છે. પત્ની પોતાના તાબા હેઠળ નથી. તેવો વહેમ રાખીને પતિની હત્યા કરવામાં આવી છે. પત્નીને ખેતરમાં ઘસેડીને નિર્વસ્ત્ર કરી લાકડાના મારીને હત્યા કરવામાં આવી છે. કોલોલ પોલીસે હત્યારા પતિને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
 • બનાસકાંઠાના પાલનપુરના ચંડીસર પાસે બાઇક પર જઇ રહેલા પિતાપુત્રીને કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં પુત્રીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જ્યારે ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે સિવિલમાં ખસેડાયા હતા. કારની ટક્કર બાદ બાઇક ડમ્પર સાથે અથડાયું હતુ.
 • ભાવનગરના નિલમબાગ સર્કલ પાસે એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ  મોત નિપજ્યું હતુ. ઘટના બાદ ટોળાએ એસટી બસ પર પથ્થર મારો કર્યો હતો. પોલીસને ઘટનાની જાણ થતા અકસ્માત સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
 • વાપીના પારનેરા ડુંગર પર કાલિકા માતાના મંદિર પાસે અચાનક આગ લાગવાની ઘટના બની છે. મંદિરના પૂર્વ દિશામાં આગ લાગવાની ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડને ઘટના સ્થળે આવીને આગ કાબુમાં લીધી હતી. સૂકા ઘાસમાં આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડે લીલાઝાડની ડાળીઓ વડે આગ પર કાબુ મેળવ્યો હતો.
 • ઉમરગામમાં આવેલી ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગી છે. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા છ ફાયર ફાઇટર્સ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ થઇ રહ્યો છે.
 • ભાવનગરના અલંગ પ્લોટ નંબર 22 સામે રહેતા મજૂરોની ચાલીમાં આગ લાગી હતી. 10થી 12 મજૂરોના કાચા મકાનમાં આગથી ભારે નાસભાગ મચી હતી. પ્રાથમિક તપાસમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી હતી. સદ્દનસીબે કોઈજાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો.
 • નર્મદા જિલ્લામાં સાધુબેટ ખાતે બની રહેલી સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કામદારનું મોત થયુ છે. સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા બની રહી છે ત્યાં કામ કરતા એક કર્મચારી નીચે પટકાયો હતો. તેમજ તેનુ મોત થયુ હતું. આ ઘટના બાદ નર્મદા નિગમ અને પોલીસ કામદારો સાથે બોલાચાલી થઈ હતી અને કામદારોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કામ બંધ કર્યુ.
 • બનાસકાંઠાના લાખણીના વજેગઢ અને ગેળા ગામમાં જંગલી જાનવરોનો આતંક છે. તેને પગલે શાળામાં બાળકોની સંખ્યા નહિવત જોવા મળી છે. જંગલી જાનવરના પગના નિશાન ઉપરથી વન વિભાગે દીપડો હોવાનું અનુમાન લગાવ્યું છે. તેમજ પાંજરુ ગોઠવી તેને ઝડપી પાડવા પ્રયાસ શરૂ કર્યા છે.
 • સુરતવાસીઓને એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે તકલીફોનો સામનો કરવો પડે તેવી સંભાવના છે. સુરતમાં આગામી ગુરુવાર સુધી મોટા ભાગના એટીએમ બંધ રહે તેવી સંભાવના છે. સોફ્ટવેર અપગ્રડેશનના કારણે શહેરના મોટાભાગના એટીએમ બંધ રહેશે.
 • અમરેલીના જાફરાબાદના નાગેશ્રી ગામ પાસે ટેન્કરે પલટી ખાધી છે. નાગેશ્રી ગામ પાસેના બ્રિજની કામગીરી ચાલી રહી છે. ત્યાં ટેન્કરે પલટી ખાધી હતી. સદનસીબે મજૂરોનો આબાદ બચાવ થયો છે. ભાવનગર-સોમનાથ હાઈવે અતિ ખરાબ હોવાના કારણે લોકોએ પરેશાની વેઠવી પડી રહી છે.
 • અમરેલી જીલ્લાના બગસરામાં  જલારામ બાપાની 137મી પૂણ્યતીથિની  ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે તમામ શાળાના બાળકો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સાધુ સંતો માટે ભોજનની વ્યવસ્થા કરાઇ હતી. બીજી તરફ દાતાઓના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહિલાઓ દ્વારા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતુ.
 • વડોદરામા ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને અધૂરી સારવાર કરીને છોડી દેવાયાનો આરોપ લાગ્યો છે. ઘાયલ પક્ષીઓ પૈકી સમડી અને કબૂતરો ઉડી ન શકે એવી સ્થિતિમાં હતા. જે શ્વાન અને બિલાડીના શિકારનો ભોગ બન્યા. બીજી તરફ ઘાયલ પક્ષીઓને મીની નાડી નજીક કોણ છોડી ગયું તે પણ એક સવાલ છે. જીવદયા પ્રેમીઓને ઘટનાની જાણ થતા દોડી ગયા હતા અને ઘાયલ પક્ષીઓની સારવાર કરવાની તજવીજ હાથ ધરી હતી.
 • નળસરોવર ખાતે બે દિવસ  પક્ષીઓ ગણતરી કરવામાં આવી. અહીં વર્ષ 1992થી પક્ષીઓની ગણતરી કરવામાં આવે છે. દર બે વર્ષે હાથ ધરાયેલી પક્ષી ગણતરીમાં આ વખતે પણ નળસરોવર આસપાસના સરપંચો અને પક્ષીવિદો હાજર રહ્યા હતા. ખાસ કરીને પક્ષીઓના રક્ષણ માટે આસપાસના સરપંચો દ્વારા આખા વર્ષ દરમિયાન સહયોગ અપાયો હતો. તો પક્ષીનો શિકાર કરનારને 11 હજાર રૂપિયાના દંડની સરપંચ દ્વારા જાહેરાત કરાઇ છે.
 • અમરેલીની સાવરકુંડલાના નાવલી કાંઠે રિદ્ધિ-સિધ્ધીનું મંદિર આવેલું છે. જ્યાં મહાદેવ  મંદિર ખાતે મરચામાંથી બનાવેલા ગણપતી મુકવામાં આવ્યા હતા. આ ગણપતિના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.
 • દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા સ્પર્ધામાં જુડો ગેમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર સલીમ સુથારને રાષ્ટ્રીય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત થયો. મોડાસાની રેડીયંસ સ્કૂલના ધોરણ ૧૦માં અભ્યાસ કરતા સલીમસુથારે ૯૦ કિલો ગ્રામની જુડો સ્પર્ધામાં ભાગ લીધો હતો.

Related posts

ફરી વિવાદમાં સ્મીમેર હોસ્પિટલ: પરિસરમાંથી મળી આવી દારૂની ખાલી બોટલો, AAPના કોર્પોરેટરોએ ભાજપ શાસકો સામે ઉઠાવ્યા સવાલો

Zainul Ansari

અહીં સ્થાનિક ઉમેદવારને ટિકિટ નહીં આપો તો આપ જીતી જશે, ભાજપના નેતાએ બધાની બોલતી કરી બંધ

Zainul Ansari

નીતિશ ફરી બનશે સીએમ / આરજેડી અને કોંગ્રેસને મળશે ડેપ્યુટી સીએમનું પદ, આ છે સત્તાની નવી ફોર્મ્યુંલા

Hardik Hingu
GSTV