GSTV
Home » News » ગુજ્જુ રંગાયા હોળીના રંગે: ક્લબનો કિલકિલાટ, ટોમેટીનો, રેઈન ડાન્સ તો ક્યાંક ડીજેનો ધમધમાટ

ગુજ્જુ રંગાયા હોળીના રંગે: ક્લબનો કિલકિલાટ, ટોમેટીનો, રેઈન ડાન્સ તો ક્યાંક ડીજેનો ધમધમાટ

આજે છે રંગોનો તહેવાર ધૂળેટી. બાળકોથી લઈને મોટેરાઓ સુધી સૌ કોઈ ધૂળેટીના રંગમાં રંગાઈ રહ્યા છે. અબીલ ગુલાલની છોડો ઉડશે અને એક બીજાને ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. તો ક્લબોમાં, પાર્ટી પ્લોટોમાં અને સોસાયટીમાં ધૂળેટીને લઈને વિશેષ આયોજનો કરાયા છે. મોજ મજા અને મસ્તી સાથે યુવા હૈયાઓ પણ એક બીજાને રંગીને ધૂળેટી મનાવી રહ્યા છે. તો મંદિરોમાં કેસુડાના રંગો સાથે ધૂળેટી મનાવાશે. ગુજરાતના અલગ અલગ શહેરોમાં કઈ રીતે ઉજવવામાં આવી રહ્યો છે રંગોનો આ પર્વ આવો જોઈએ…

અમદાવાદ

અમદાવાદના પાર્ટી પ્લોટમાં પણ હોળીની ધૂમ છે. અહીં ભેગા થયેલા યંગસ્ટર્સ રંગોના તહેવારની મજા માણી છે. ડીજેના તાલે ઝૂમી યુવાનોએ ધૂળેટી ઉજવી છે. અહીં કૃત્રિમ સ્વીમિંગ પૂલ બનાવી લોકો ધૂળેટી ઉજવી રહ્યા છે. નાના બાળકોની સાથે યુવાનોએ સ્વીમીંગ પૂલમાં ધુબાકા મારી ધૂળેટી ઉજવી.

અમદાવાદમાં પણ ભારે ઉત્સાહથી ધૂળેટીના પર્વની ઉજણી થઈ રહી છે. ખાસ કરીને અમદાવાદની વાયએમસીએ ક્લબમાં ડીજેના તાલ અને કુદરતી રંગોની સાથે ધૂળેટીના પર્વની ઉજવણી થઈ.

અમદાવાદમાં ઉજવાઈ ઈકો ફ્રેન્ડલી હોળી. કૃત્રિમ રંગોને બદલે અમદાવાદીઓએ કુદરતી રીતે હોળી રમવાનું નક્કી કર્યું અને અડાલજમાં ભેગા થઈ ઈકો ફ્રેન્ડલી હોળી ઉજવી. કેમિકલવાળા રંગોને બદલે ખુલ્લા ખેતરમાં ધુળેટીનો તહેવાર ઉજવવામાં આવ્યો. ખેતરમાં ચીકણી માટી, હળદરનું પાણી, બીટનું પાણી, કેસુડાનું પાણી અને ગૌ ઔષધનો કાદવ બનાવી ધૂળેટી ઉજવવામાં આવી.

આજે રંગો અને પાણીની સાથે જ વિવિધ રીતે ધૂળેટીની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં યુવાનો ટામેટાના માધમય્થી પણ ધૂળેટી રમ્યા હતા. જર્મનીના જાણીતા ટોમેટીનો ફેસ્ટિવલની જેમ અમદાવાદના યુવાનોએ એકબીજા પર ટામેટા ફેંકીને ધૂળેટીની ઉજવણી કરી હતી. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો રંગો થી ધૂળેટી ઉજવવાની પરંપરા છે. પરંતુ હવે ધૂળેટી જેવા ભારતીય પરંપરાના તહેવારોમાં વિદેશી કલ્ચર જોવા મળી રહ્યુ છે અને તે માટે જ ટોમેટીનો ફેસ્ટિવલની જેમ અણદાવાદમાં ટામેટાથી ધૂળેટીની ઉજવણી થઈ.

દેશ ભરના કૃષ્ણ મંદિરોમાં રંગોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર પણ ધૂળેટીના પર્વની ઉજવણી થઈ રહી છે. ભક્તો ફુલોના માધ્યમથી ધૂળેટી રમ્યા છે. તો ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા અને ભાઈ બલરામને વિશેષ વાઘા પહેરાવાવમાં આવ્યા છે. તેમની પાસે કેસૂડાના રંગે ભરેલી પીચકારીઓ અને અબીલ-ગુલાલ જેવા કુદરતી રંગો મુકવામાં આવ્યા છે.

સાબરકાંઠા

સાબરકાંઠાના પ્રાંતિજના મજરા ગામે 500 વર્ષ જૂની પરંપરા પ્રમાણે આજે પણ હોળીના પર્વની ઉજવણી થઈ. મજરા ગામે ભૈરવનાથ મંદિરના ચોકમાં બે હોળી પ્રગટાવવામાં આવે છે. જેમાં એક હોળીમાં લાકડા અને બીજી હોળીમાં છાણા મુકવામાં આવે છે. આ લાકડા અને છાણાને ખરીદવામાં આવતા નથી. પરંતુ ઘરે ઘરે જઈને ઉઘરાવવામાં આવે છે. જે બાદ સાંજના સમયે લાકડાની જે હોળી સળગે છે. તેના અંગારા પરથી યુવાનો, વૃદ્ધો ખુલ્લા પગે ચાલે છે. તેમ છતાં કોઈના પગ દાઢતા નથી.

ગીર સોમનાથ

ગીર સોમનાથમાં વેરાવળ ખાતે ભોઈ સમાજ દ્વારા હોળીની અનોખી રીતે ઉજવણી કરાઈ. વર્ષો જૂની પરંપરા મુજબ ભૈરવનાથની 20 ફૂટ ઉંચી ઈકોફ્રેન્ડલી પ્રતિમા બનાવાઈ. જેમાં ઘાસ, માટી, અને લાકડા સહિતની સામગ્રીઓનો ઉપયોગ કરાયો. રાત્રીના સમયે વિવિધ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો તેમજ વેરાવળ અને તેની આસપાસના લોકોએ દર્શનનો લ્હાવો લીધો. લોકવાયકા પ્રમાણે નિસંતાન દંપતીઓ પોતાની માનતા પુરી કરવા દૂર દૂરથી અહી આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.

જુનાગઢ

હોળી એટલે દુષણો પર વિજયનું પ્રતિક. જુનાગઢમાં નવાબી કાળથી વ્યસનમુક્તિ માટે હોળીના દિવસે નનામી કાઢવાની પરંપરા છે. કોણ મરી ગયો વાલમબાપા. કેમ મરી ગયો બીડી પીતા. આવા  શબ્દો જૂનાગઢના ગલીયારામા ગૂંજતા જોવા મળે છે. વ્યસન મુક્તિ માટે હોળીની અનોખી ઉજવણી કરાઈ. વાલમની નનામી શહેરના વિવિધ વિસ્તારમાં ફેરવી અંતે હોલીકાના હવાલે કરવામાં આવે છે. તો આ તરફ જામનગરના ભોઈવાડા વિસ્તારમાં 30 ફૂટ ઉંચી હોલિકાના પૂતળાનું દહન કરાયુ.63 વર્ષ જૂની આ પરંપરાને જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે.

જૂનાગઢના યુવાઓ ધુળેટીની પોતાની રીતે ઉજવણીમાં મસ્ત છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં યુવાનો કલર પિચકારી ફૂગ્ગા વગેરે લઇને મિત્રો પાસે પહોંચીને હોળીનો આનંદ ઉઠાવી રહ્યા છે. આ સાથે પરિવારજનો આડોશી પાડોશી કુંટુંબીજનો સાથે પણ હોળી રમતા ચા નાસ્તાની જયાફત પણ ઉડાવી રહ્યા છે. શહેરના તમામ વિસ્તારો હોળી રમવામાં મસ્ત છે.

રાજકોટ

રંગીલા રાજકોટવાસીઓ પણ ધૂળેટીની ઉજવણીમાં મગ્ન થઈ ગયા છે. રાજકોટની કડવીબાઈ સ્કૂલમાં હોળીની ધમાકેદાર ઉજવણી કરવામાં આવી. અહીં વિદ્યાર્થીઓએ દાંડિયારાસ રમી ધુળેટીના રંગે રંગાઈ તહેવારની ઉજવણી કરી.

ગાંધીનગર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ રંગોના તહેવારની ધૂમ છે. ગાંધીનગરના નારાયણી ફાર્મમાં યુવાનો રંગબેરંગી કલર્સ સાથે હોળી રમ્યાં. સાથે જ તેમણે રેઈન ડાન્સની પણ મજા માણી.

સુરત

સમગ્ર દેશમાં આજે ધુળેટીના પર્વની ઉજવણી કરાઇ રહી છે ત્યારે સુરતમાં પણ ધૂળેટીની ભારે રંગત જામી છે. સુરતીલાલાઓ સહ- પરિવાર મળી અવનવા રંગમાં રંગાઈ જાય ધુળેટીના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે. ધુળેટીના પર્વ દરમિયાન પાણીનો વેડફાટ ન થાય તેને ધ્યાનમાં લઈ લોકો ફક્ત ગુલાલના રંગોમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા છે.

સુરતના વેસુ વિસ્તારમાં ધૂળેટીની અનોખી ઉજવણી કરવામાં આવી છે. વેસુ વિસ્તારના પાર્ટી પ્લોટમાં મડ ફેસ્ટીવલ અને ફોમ ફેસ્ટીવલ સાથે ધૂળેટીના પર્વની ઉજવણી થઈ. લોકો પોતાના મિત્રો અને પરિવારજનો સાથે મડ ફેસ્ટીવલ ઉજવવવા પહોંચ્યા હતા. જ્યારે અન્ય પાર્ટી પ્લોટમાં પાણીની ફુવારા વચ્ચે ધુળેટી ની રંગત જામેલી જોવા મળી.

જામનગર

જામનગરમાં આજે હધૂળેટીના પર્વે સવારથી જ ઉજવણી થતી જોવા મળી. ધૂળેટી ઉજવણી કરવા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. સ્કૂલોમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષકો રંગે રમ્યા હતા. ધૂળેટીના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

જામનગરના શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના મુખ્ય મથક નવતનપુરી ધામ  ખાતે શાસ્ત્રોક્ત વિધિથી ધૂળેટીની ઉજવણી થઈ હતી. ખીજળા મંદિરમાં શ્રદ્ધાળુઓ સવારથી જ મંદિરે પહોંચ્યા હતા અને પરંપરાગત વાજિંત્રો અને ભક્તિ સંગીત સાથે ધોળ પદ ગાતા ગાતા ધૂળેટીના રંગે રંગાયા હતા.

વડોદરા

તો વડોદરામાં કલેકટર અને પોલીસ કમીશનર સહિત સૌ  અધિકારીઓ ધૂળેટીના રંગે રંગાયા હતા.

ભાવનગર

સમગ્ર ભાવનગરમાં યુવા હૈયાઓ સહીત વડીલો દ્વારા મન મુકીને ડીજેના તાલે ઝૂમી અને એકબીજાને રંગો થી રંગી ધુળેટીની ઉજવણી કરવામાં આવી. શહેરમાં વિવિધ સંસ્થાઓ પોલીસ તેમજ રેલ્વે પરિવાર દ્વારા અને રાજસ્થાની સમાજ દ્વારા હોળીની ઉજવણી કરવામાં આવી. યુવા હૈયાઓ તો જાણે હરખની હેલી ઉપાડી હોય તેમાં શહેરના માર્ગો ગલીઓ સોસાયટીઓમાં ટોળા સાથે જોવા મળ્યા હતા. લોકો તમામ પ્રકારના દુખ દર્દ ટેન્શનને ભૂલી મન મુકીને હોળીનાં રંગે રંગાયા હતા.

વિરમગામ

વિરમગામ શહેરમાં હોળી ધુળેટીનો રંગોત્સવ ઉત્સાહ ઉમંગ સાથે ઉજવાયો. સમગ્ર શહેર સહિત પંથકમાં ધુળેટી પર્વ નિમિત્તે લોકો આપસી મતભેદ મિટાવી એકબીજાને ગુલાલ-રંગ છાંટી ઉત્સવમાં મશરૂફ થયા છે. ત્યારે વિરમગામ માથુર વૈશ્ય સમાજ દ્વારા રામજી મંદિર ખાતે ભવ્ય ઉત્સવનું આયોજન કરાયું. માથુર વૈશ્ય સમાજ દ્વારા વર્ષ દરમ્યાન સમાજમાં જે ઘરમાં અવસાન થયું હોય તેના ઘેર સમાજના લોકો  ઢોલ શરણાઇ સાથે જઇને રંગોત્સવ મનાવી પરિવારનો શોક દૂર કરે છે

Read Also

Related posts

નિલામ થયા પહેલા Air India એ કર્યુ આ કામ કે, ખુદ વડાપ્રધાને પત્ર લખી કહ્યુ…

Ankita Trada

સરકારે પ્લાષ્ટિક પાર્ક બનાવવાની કરેલી જાહેરાત દોઢ વર્ષ બાદ પણ કાગળ પર

Nilesh Jethva

vodafoen-Idea જો નાદારી નોંધાવી તો, ભારતની અર્થવ્યવસ્થા પર થશે આ અસર

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!