GSTV

સુઓમોટો/ ટેસ્ટિંગની સુવિધા વધી છે તો ટેસ્ટિંગની સંખ્યા શા માટે ઘટાડી ? : હાઇકોર્ટે રૂપાણી સરકારને ફરી ઝાટકી

ટેસ્ટિંગ

Last Updated on May 5, 2021 by Bansari

કોરોના અંગે હાઇકોર્ટે હાથ ધરેલા સુઓમોટોમાં ચીફ જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિવ ભાર્ગવ ડી. કારિયા ખંડપીઠે કહ્યું હતું કે સરકાર એફ તરફ એવુ કહી રહી છે કે ટેસ્ટિંગની સુવિધાઓ વધારવામાં આવી છે પરંતુ ૨૩મી એપ્રિલથી બીજી મે દરમિયાન ટેસ્ટિંગની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો છે. જેના જવાબમાં એડવોકેટ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ત્યારે ટેસ્ટિંગ માટે કોઇને ના કહેવામાં આવતી નથી. જો કોઇ ટેસ્ટિંગ માટે આગળ ન આવતું હોય તો અમે તેમને ટેસ્ટિંગ માટે પ્રોત્સાહિત પણ કરવામાં આવી છે. જિલ્લા સ્તરે જો કોઇ સત્તાધિશો લોકોને ટેસ્ટિંગની ના કહેતા હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

રેમડેસિવિરની વહેંચણીની પોલિસી વિશે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ગત દિવસોમાં રાજ્ય સરકારને મળેલા રેમડેસિવિરમાંથી ૨૫.૪૪ અમદાવાદ જિલ્લાને અને બાકીના ૭૪.૫૬ રેમડેસિવિર અન્ય જિલ્લાઓમાં આપવામાં આવ્યા હતા. જેથી ખંડપીઠે ટકોર કરી હતી કે અમે સમગ્ર રાજ્યની વાત કરી રહ્યા છીએ અને અમદાવાદ એ રાજ્યનો એક હિસ્સો છે. અમદાવાદ રાજ્યનું સૌથી મોટું શહેર, સૌથી મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન છે સૌથી વધુ વસતિ પણ અહીં છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં રેમડેસિવિરના વિતરણની શું પોલિસી છે તેની વધુ માહિતી જરુરી છે. અમને પ્રતિભાવો મળી રહ્યા છે કે અન્ય જિલ્લાઓમાં માગણી પ્રમાણે રેમડેસિવિર મળી રહ્યા નથી અને ખૂબ ઓછો જથ્થો આપવામાં આવે છે. કોર્ટે સરકારને  જિલ્લાવાર ચાર્ટ સ્વરુપે એવી વિગતો આપવાનો આદેશ કર્યો છે જેમાં દરેક જિલ્લા અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી રેમડેસિવિર વાયલની માગણી અને તેની સામે પૂરાં પાડવામાં આવેલાં વાયલની માહિતી હોય.

ટેસ્ટિંગ

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોર્પોરેશન હેઠળના બેડમાં દાખલ થવા માટે ૧૦૮ ફરજીયાત હોવાના નિયમ રાજ્ય સરકારની પોલિસીથી વિપરિત હોવાનો મુ્દ્દો આવ્યો હતો. જેથી કોર્પોરેશન અને સરકાર તરફથી રજૂઆત કરાઇ હતી કે અમદાવાદની પરિસ્થિતિને ધ્યાને રાખી અલગ પોલિસી અમલમાં મૂકવામાં આવી હતી. જો કે હવે આ નિર્ણય હવે પરત ખેંચવામાં આવ્યો છે. જેથી હાઇકોર્ટે ટકોર કરી હતી કે હવે સરકાર એવું સ્વીકારશે કે તે કોર્પોરેશન પર દેખરેખ-નિયંત્રણ રાખવામાં નિષ્ફળ ગઇ છે ? કારણ કે તેની રાજ્ય સરકારની પોલિસીથી વિપરિત પોલિસી બનાવે છે.

અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં કોર્પોરેશનના ખર્ચે સારવાર માટેના બેડનો ક્વોટા ઘટાડાયો હોવાનો મુદ્દો કોર્ટ સામે આવ્યો હતો. જેના જવાબમાં કોર્પોરેશન તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ગત વર્ષે ખાનગી કોવિડ હોસ્પિટલમાં ૫૦ ટકા બેડને કોર્પોરેશન ક્વોટામાં રાખી આ તમામ બેડ પર સરકારી ખર્ચે સારવાર આપવામાં આવતી હતી પરંતુ આ વર્ષે માત્ર ૨૦ ટકા બેડનો ક્વોટા જ રાખવામાં આવ્યો છે. જેના જવાબમાં કોર્પોરેશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે આ વર્ષે ખાનગી કોવિડ હોસ્પિટલોની સંખ્યા વધી છે, તેથી ૨૦ ટકા બેડ સરકારી ખર્ચે સારવાર થઇ શકે તેવા ક્વોટામાં રાખવામાં આવ્યા છે. તેથી ગત વર્ષની સરખામણીએ કોર્પોરેશ ક્વોટાના બેડ વધુ છે.

ઓક્સિજન

ઓક્સિજન ઉત્પાદનમાં ગુજરાત આગળ પરંતુ કેન્દ્રની નીતિના કારણે અછત : કમલ ત્રિવેદી

ગુજરાતમાં ઓક્સિજનની અછતનો મુદ્દા વિશે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ ફરી કેન્દ્ર સરકાર જવાબદારી ઢોળતા કહ્યું હતું કે ઓક્સિજનના ઉત્પાદનમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં આગળ છે, પરંતુ ઓક્સિજનનો સપ્લાય હવે કેન્દ્ર સરકાર તરફથી નિયંત્રિત કરાતો હોવાથી રાજ્યમાં મુશ્કેલી સર્જાઇ છે અને અછત ઉભી થઇ છે.

AMCએ રાજ્ય સરકારનું ગેરશિસ્ત ધરાવતું બાળક છે : કોર્ટ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી સીનિયર એડવોકેટ મિહિર જોશીએ રજૂઆત કરી હતી કે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં કોર્પોરેશન હેઠળના બેડમાં દાખલ થવા માટે ૧૦૮ ફરજીયાત હોવાનો નિર્ણય કોર્ટના આદેશ બાદ પરત ખેંચવામાં આવ્યો છે પરંતુ આ નિર્ણય તાર્કિક હતો. કારણ કે પોતાના વાહનમાં કે આવનારા લોકોને ખ્યાલ નથી હોતો કે કઇ હોસ્પિટલમાં જગ્યા ખાલી હશે. તેથી બહોળા જાહેર હિતમાં સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ ઉભી કરવામાં આવી હતી. જેથી કોર્ટે કહ્યું હતું કે પરંતુ આ નિર્ણય નિષ્ફળ હતો. હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાઇનો લાગી રહી હતી અને ૧૦૮માં ૪૮ કલાકનું વેઇટિંગ ચાલી રહ્યું હતું. ૧૦૮ એ રાજ્ય સરકારની પોલિસી અને વ્યવસ્થા છે. કોર્પોરેશનનું કામ માત્ર આ વ્યવસ્થાના અમલીકરણનું છે. કોર્પોરેશન રાજ્ય સરકારનું ગેરશિસ્ત ધરાવતું બાળક હોય તેવું વર્તન કરી રહ્યું છે અને વિપરિત પોલિસી ઘડી રહ્યું છે.

સોગંદનામા માટે ઘણી જગ્યાએથી વિગતો આવે છે, તેથી અમુક જગ્યાએ ભૂલ રહી જાય છે : કમલ ત્રિવેદી

રાજ્યમાં આર.ટી.-પી.સી.આર. મશીનની સંખ્યા વિશે સોગંદનામામાં અસ્પષ્ટ આંકડાઓ હોવાથી ખંડપીઠે એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીને ટકોર કરી હતી આ આંકડાઓ સાચા અને સ્પષ્ટ કેમ નથી. જેના જવાબમાં કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે ઘણી જગ્યાઓ અને વિભાગોમાંથી માહિતી આવતી હોય છે તેથી આવું થયું હશે. જેથી ખંડપીઠે હતું કે આ હાઇકોર્ટ સમક્ષ સોગંદનામા પર આપેલી વિગતો છે. જવાબમાં કમલ ત્રિવેદીએ કહ્યું હતું કે સામાન્ય રીતે સોગંદનામું વાંચવા માટે અને તેને ફરી વાંચવા માટે અમને ઘણો સમય મળતો હોય છે પરંતુ આ સમયે ખૂણે-ખૂણેથી વિગતો આવે છે.  સરકારમાં વિવિધ સ્તરેથી આ માહિતી પસાર થઇ અમારી પાસે આવે છે. જેમાં અમે અમુક સુધારો કરીએ છીએ ક્યારેક અધિકારીઓ અમુક વિગતો ઉમેરવાનું સૂચન પણ કરે છે. તેનાં કારણે ક્યાંક ભૂલ કરી જાય છે. અમે કોઇ વિગત છૂપાવવાનો પ્રયત્ન કરી રહ્યા નથી.

વિવિધ અરજદારોએ આજે રજૂ કરેલા મુદ્દા

– ધન્વંતરિ હોસ્પિટલમાં હાઉસકીપિંગ માટે સ્ટાફ નથી અને  અન્ય સ્ટાફને પણ યોગ્ય વેતન ન અપાતું હોવાથી તેઓ નોકરી છોડી દે છે.

– સુપ્રીમ કોર્ટમાં ગુજરાતના મુખ્ય સચિવ સોગંદનામું કરી એવું કહી રહ્યા છે કે જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડમાં ૯૦૦ બેડની હોસ્પિટલ કાર્યરત છે પરંતુ અહીં ૬૦૦થી પણ ઓછાં બેડ જ કાર્યરત છે. જેથી સરકારે એવું જાહેર કરવું જોઇએ કે અહીં વાસ્તવમાં કેટલાં બેડ પર દર્દીઓને સારવાર આપવાની ક્ષમતા છે. ૯૦૦ બેડના ભ્રામક પ્રચારથી દર્દીઓ અહીં દોડી જાય છે અને વધુ હાલાકી ભોગવે છે.

– રાજ્યના જુવેનાઇલ જસ્ટિસ હોમ, બાળ સંરક્ષણ ગૃહ તેમજ નારી સંરક્ષણગૃહમાં સંખ્યાબંધ નિરાધાર બાળકો અને  મહિલાઓ છે. આ જગ્યાઓ પર પણ ટેસ્ટિંગ થાય અને મહામારીના સમયે તેમની યોગ્ય સારસંભાળ લેવાય તે જરુરી છે.

હાઇકોર્ટ અને એડવોકેટ જનરલ વચ્ચેના સંવાદના કેટલાક અંશ

કમલ ત્રિવેદી : અમે એવું નથી કહેતા ખાલી બેડનો ડેટા ડિસ્પ્લે કરવા માટે કોઇ નોંધપાત્ર કામગીરી કરી છે પણ થોડી કામગીરી તો થઇ છે.

હાઇકોર્ટ : નોંઘપાત્ર ?, આ બાબતમાં તમે કશું નથી કર્યું

કમલ ત્રિવેદી : સાવ એવું નથી, થોડી કામગીરી તો થઇ છે. સરકારના સંબંધિત વેબપોર્ટલ પર વિવિધ માહિતી અપલોડ કરવામાં આવે છે.

હાઇકોર્ટ : આ બધુ અગાઉની વાતોનું જ પુનરાવર્તન છે.

Read Also

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

Ganesh Chaturthi: ગણેશ વિસર્જનને લઈને મનપા તૈયાર, 170 ફાયરના જવાનો રહેશે ફરજ પર

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!