સ્વાઇન ફ્લુમાં નિષ્ફળ રૂપાણી સરકારને હાઈકોર્ટે ઝાટકી, કર્યો આ આદેશ

રાજ્યભરમાં વકરી રહેલા સ્વાઇન ફ્લૂને ડામવા માટે યુદ્ધના ધોરણે પગલાં લેવા માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે આદેશ કર્યો છે. સ્વાઇન ફ્લૂને ખાળવા માટે રાજ્ય સરકાર પાસે પૂરતા સંસાધનો ન હોવાનો આક્ષેપ કરતી જાહેર હિતની રિટમાં આજે હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી હતી. હાઇકોર્ટે એ.એમ.સી.ને વેધક પ્રશ્ન કરતા કહ્યું હતું કે શું તમારી ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ ગણાતી વી.એસ. હોસ્ટિપટલ પાસે સ્વાઇન ફ્લૂનો આઇસોલેશન વોર્ડ પણ નથી ? સ્વાઇન ફ્લૂ  પ્રત્યેના સરકારના સાધારણ વલણ પ્રત્યે સરકારે નારાજગી વ્યક્ત કરી ૧૮મી ફેબુ્રઆરીની આગામી સુનાવણીમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાની તાકીદ કરી હતી.

એમ.એમ.સી.એ માત્ર એક પાનાંનો જવાબ રજૂ કર્યો હતો

 ગત સુનાવણીમાં સ્વાઇન ફ્લૂની પરિસ્થિતિ વિશે રાજ્ય સરકાર અને એ.એમ.સી.ને વિગતવાર અહેવાલ રજૂ કરવાનો આદેશ અપાયો હતો છતાં આજની સુનાવણી રાજ્ય સરકારે કોઇ જવાબ રજૂ કર્યો નહોતો અને એમ.એમ.સી.એ માત્ર એક પાનાંનો જવાબ રજૂ કર્યો હતો. જેનાથી નારાજ થઇ કોર્ટે કહ્યું હતું કે અમે સરકાર આવાં કાગળો નહીં પરંતુ સોગંદનામા પર વિગતવાર સ્પષ્ટતા અને જવાબો રજૂ કરે. અત્યારે સરકારને યુદ્ધની પરિસ્થિતિની જેમ કામગીરી કરવાની જરૃર છે. હાઇકોર્ટે નોંધ્યુ છે કે સરકાર સંચાલિત દવાખાનાઓની પરિસ્થિતિ કંગાળ છે અને તે વાતમાં કોઇ શંકા નથી.

વી.એસ. હોસ્ટિપલ પાસે સ્વાઇન ફ્લૂનો આઇસોલેશન વોર્ડ પણ નથી

 એ.એમ.સી. સંચાલિત અને નવનિર્મિત વી.એસ. હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ ન હોવાની પરિસ્થતિ અંગે હાઇકોર્ટે કોર્પોરેશનને વેધક પ્રશ્ન પણ કર્યો છે કે શું તમારી  ‘સ્ટેટ ઓફ ધ આર્ટ’ ગણાતી વી.એસ. હોસ્ટિપલ પાસે સ્વાઇન ફ્લૂનો આઇસોલેશન વોર્ડ પણ નથી ? એ.એમ.સી.ના કમિશનરને સોમવારની સુનાવણીમાં વિગતવાર અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે. કોર્પોરેશનને તાકીદ કરવામાં આવી છે કે સ્વાઇન ફ્લૂના દર્દીઓ અને તેના પરિવારને ધક્કા ન થાય તે માટે કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો વચ્ચે સંકલન સ્થાપિત કરવામાં આવે. ઉપરાંત દર્દીઓ અને તેના પરિવારજનો પાસેથ પેપરવર્ક ન કરાવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી છે કે બે અઠવાડિયા પછી સ્વાઇન ફ્લૂના કેસોમાં ઘટાડો નોંધાશે. જેની સામે કોર્ટે ટકોર કરી છે કે આગામી ચોમાસાની ઋતું પછી આ વાયરસ ન ફેલાય તે માટે સરકાર તકેદારી રાખે. સ્વાઇન ફ્લૂ દર વર્ષે ફેલાય છે તેથી સરકાર અગાઉથી જ આ પ્રકારની પરિસ્થિતિ માટે તૈયાર રહે તે જરૂરી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter