હવામાન વિભાગે ફરી કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજસ્થાનમાં સાઈક્લોનિક સિસ્ટમ સક્રિય થતા 11 અને 12 માર્ચે ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 માર્ચે બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, દ્વારકા અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પહેલાં પણ પડ્યો હતો વરસાદ
ઉનાળાના પ્રારંભે ગુજરાત રાજ્યમાં હવામાન પલટાતાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ હતી. આ કારણે જ કેટલાક પંથકોમાં છૂટોછવાયો વરસાદ થયો હતો. જેના કારણે ખેડૂતોને મસમોટુ નુકસાન પહોંચ્યું હતું. જોકે ત્યારબાદ હવામાન સામાન્ય થઈ ગયું હતું. અને તાપમાનમાં વધારો થયો હતો. જેથી ઉનાળો આકરો બની રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. પણ આજે ફરી એકવાર મેઘરાજાની બે દિવસની આગાહીથી ખેડૂતો ચિંતામાં ગરકાવ થઈ ગયા છે. હવે પાક વાવવો કે નહીં તેની દુવિધા તેમના લલાટે આવી ગઈ છે.

ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા
આમ તો રાજ્યમાંથી શિયાળાએ વિદાય લઈ લીધી છે અને આકરી ગરમીની પણ શરૂઆત થઈ ચૂકી છે. પરંતુ ફરી એક વખત કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા છે. હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીથી માર્ચ મહિનામાં મેઘરાજા જ્યારે કમોસમી રીતે કોપાયમાન થયા હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારમાં હવામાનમાં પલટો આવ્યો છે. ઉનાળાની શરૂઆત પહેલા જ વરસાદ આવતા શહેરીજનોએ ડબલ ઋુતુનો અનુંભવ થયો હતો.

સૌરાષ્ટ્રમાં જીરૂના પાકને થયું હતું નુકસાન
ઉનાળાના આરંભ પહેલા સૌરાષ્ટ્રમાં મિશ્રઋતુ વચ્ચે આજે હવામાનમાં પલટો આવ્યો હતો. સવારે લો પ્રેસર અને સમુદ્ર સપાટીથી ૧.૫ કિ.મી.ની ઉંચાઈએ હવાના સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર તળે આજે છૂટાછવાયા વરસાદની આગાહી વચ્ચે દ્વારકામાં કમોસમી વરસાદનું ઝાપટું વરસી ગયું હતું. આકાશમાં વાદળોની સાથે કૃષિપાકને નુક્શાનની ભીતિએ ખેડૂતો પર પણ ચિંતાના વાદળો છવાયા હતા. યાત્રાધામ દ્વારકામાં વાદળો ધસી આવ્યા બાદ જોરદાર પવન ફૂંકાયો હતો અને કમોસમી વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. દ્વારકાધીશ જગતમંદિરના પરિસરમાં બાંધેલ મંડપો પણ પલળી ગયા હતા. તેમજ હોળી-ફૂલડોલ ઉત્સવ નિમિત્તે સુદામા સેતુ પાસે , નવા ગોમતી ઘાટ પાસે બહારથી આવેલ વેપારીઓના સ્ટોલમાં માલ પલળી ગયો હતો.
READ ALSO
- અતિ મહત્વનું! ૬૩૨ કરોડના ખર્ચે બનનારા ઈન્ટરનેશનલ સ્પોર્ટસ કોમ્પલેક્ષનું અમિત શાહ દ્વારા થશે ખાતમૂહુર્ત, અધ્યત્ન સુવિધાથી સજ્જ હશે આ કોમ્પલેક્ષ
- વીમા રત્ન યોજના/ LIC એ અત્યાર સુધીનો સૌથી અદભુત પ્લાન લોન્ચ કર્યો! 5,000 ના રોકાણ પર તમને મળશે બમ્પર વળતર
- વિચિત્ર બીમારી/ વ્યક્તિએ પત્ની સાથે સબંધ બનાવ્યાના 10 મિનિટ પછી ગુમાવી દીધી યાદ શક્તિ, ડોકટરે જણાવ્યું આનું કારણ
- દેશમાં ડ્રગ્સના દાણચોરો પર કેન્દ્રીય એજન્સીઓની તવાઈ, NCBએ 500 કરોડના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે પાંચને દબોચ્યા
- RBI નો અહેવાલ/ ડિજીટલ ઈન્ડિયાના યુગમાં પણ 100 રૂપિયાની નોટ લોકોની ફેવરિટ, આ પાછળ મહત્વનું કારણ છે જવાબદાર!