23,700 કરોડ ગુજરાતીઓના ખિસ્સામાંથી ખંખેરી લીધા સરકારે, એટલે નથી થતું સસ્તું

rupani rupani on alpesh

ગુજરાત સરકારે રાજ્યના વાહનચાલકો પાસેથી બે વર્ષમાં પેટ્રોલ અને ડીઝલના વેરા પેટે 23,700 કરોડ રૂપિયા ઉઘરાવી લીધા છે. રાજ્યની ટેક્સ આવકમાં સૌથી મોટો હિસ્સો પેટ્રોલિયમ પેદાશો પરના વેરાનો છે. ગુજરાત સરકાર પેટ્રોલ અને ડીઝલ પરનો વેલ્યું એડેડ ટેક્સ ઓછો કરવા તૈયાર નથી, કારણ કે હાલના વેરાના કારણે સરકારને અંદાજે પ્રતિ વર્ષ 9,000 કરોડ રૂપિયાની આવક થાય છે.

પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેટ અને 4 ટકા સેસ લગાવવામાં આવેલી છે

ગુજરાતમાં હાલની સ્થિતિએ પેટ્રોલ અને ડીઝલ પર 17 ટકા વેટ અને 4 ટકા સેસ લગાવવામાં આવેલી છે. આ બન્ને વેરાનો દર 21 ટકા થાય છે. એટલે કે 100 રૂપિયાના પેટ્રોલમાં ગુજરાત સરકારને 21 રૂપિયાનો ટેક્સ મળે છે. રાજ્યના મુખ્યમંત્રીએ વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે 2017-18ના નાણાંકીય વર્ષમાં પેટ્રોલ પર લગાવેલા વેટ અને સેસ ના કારણે સરકારને 3992.20 કરોડની તેમજ ડીઝલમાં 8883.63 કરોડ રૂપિયાની આવક થઇ છે. એવી જ રીતે 2018-19ના આઠ મહિનામાં પેટ્રોલ પર 3312.33 કરોડ રૂપિયા અને ડીઝલમાં 7558.59 કરોડ રૂપિયાની વેરા આવક થઇ છે. આ બન્ને વર્ષનો આંકડો પેટ્રોલમાં 7303.53 કરોડ અને ડીઝલમાં 16,442 કરોડ થવા જાય છે.

કેન્દ્ર સરકારના આદેશ પછી માત્ર 3% વેટ ઘટાડ્યો હતો

સરકારે બે વર્ષમાં કુલ 23,745 કરોડની આવક પ્રાપ્ત કરી છે. વૈશ્વિક બજારમાં જ્યારે પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં વધારો થયો ત્યારે કેન્દ્ર સરકારના આદેશ પછી માત્ર 3% વેટ ઘટાડ્યો હતો. પેટ્રોલ અને ડીઝલને વિવિધ સરકારો જીએસટીના દાયરામાં આવતા રોકી રહી છે તેનું મુખ્ય કારણ સરકારની વેરાની આવકોમાં મોટો ઘટાડો થઇ શકે તેમ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter