GSTV
ELECTION BREAKING -2022 Gujarat Election 2022 ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાત 2022/ વર્તમાન 11 મંત્રીઓ સાથે કુલ 788 ઉમેદવારોના ભાવિ ઇવીએમમાં સીલ, સૌરાષ્ટ્ર અને દક્ષિણના કેટલાક ગામોએ મતદાનનો બહિષ્કાર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાના નિરસ મતદાનના આંકડા સામે આવ્યા છે. આ તબક્કામાં સરેરાશ ૫૯ થી ૬૧ ટકા મતદાન થયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિત કુલ ૭૮૮ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ થયું છે. આ તબક્કામાં ૬૯ મહિલાઓ ચૂંટણી મેદાનમાં હતી. કેટલીક અનિચ્છનિય ઘટનાઓને બાદ કરતાં એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકો પર લોકોએ મત આપ્યાં છે. આ તબક્કામાં વર્તમાન સરકારના ૧૧ મંત્રીઓનું ભાવિ સીલ થયું છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી પી ભારતીએ કહ્યું હતું કે આ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું છે. મતદાન દરમ્યાન ૧૯ જિલ્લાઓમાં ૮૯ બેલેટ યુનિટ ૮૨ કંટ્રોલ યુનિટ અને ૨૩૮ વીવીપેટ રિપ્લેસ કરવામાં આવ્યા છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ૩૩ એલર્ટ્સ, મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે ૧૦૪ અને  c-VIGILથી ૨૨૧ ફરિયાદો મળી છે. મતદાનના આખરી આંકડાઓ મોડી રાત્રી સુધી આવી રહ્યાં છે.

પ્રાથમિક માહિતી પ્રમાણે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં જામનગરના ધ્રાફા, નર્મદા જિલ્લાના સામોટ તથા ભરૂચ જિલ્લાના કેસર ગામમાં ગ્રામજનોએ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કર્યો હોવાની જાણકારી મળી છે. જામનગર જિલ્લાના ધ્રાફા ગામમાં પુરુષો અને મહિલાઓ માટેના અલગ મતદાન મથકની માંગણી હતી. આ કારણોસર ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ભરૂચ જિલ્લાના કેસર ગામ ખાતે પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો.

મતદાનની વધતી ટકાવારી…

સવારે ૯ કલાક૪.૯૪ ટકા
સવારે ૧૧ કલાકે૧૯.૨૪ ટકા
બપોરે ૧ કલાક૩૪.૬૫ ટકા
બપોરે ૩ કલાકે૪૮.૪૮ ટકા
સાંજે ૫ કલાકેસરેરાશ ૫૯ થી ૬૧ ટકા

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મતવિસ્તારના સામોટ ગામમાં કુલ ૧૬૨૫ મતદારો છે. સમોટ ગામની એક કૃષિ જમીનમાં દબાણને નિયમિત કરવા સંદર્ભે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હોવાની પ્રાથમિક માહિતી છે. આ બાબત નીતિવિષયક હોઈ વહીવટી તંત્ર દ્વારા ગ્રામજનોને વારંવાર સમજાવવામાં આવ્યા હતા અને મતદાન કરવા માટે અનુરોધ પણ કરવામાં આવ્યો હતો, છતાં ગ્રામજનો મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે.

પ્રથમ તબક્કામાં 10 મુખ્ય ઉમેદવારોનું ભાવિ કેદ

૧.હર્ષ સંઘવી (ભાજપ)મજૂરા
૨.કુંવરજી બાવળિયા (ભાજપ)જસદણ
૩.ગીતાબા જાડેજા (ભાજપ)ગોંડલ
૪.રીવાબા જાડેજા (ભાજપ)જામનગર નોર્થ
૫.ઇન્દ્રનિલ રાજગુરૂ (કોંગ્રેસ)રાજકોટ વેસ્ટ
૬.કાંધલ જાડેજા (એસપી)કુતિયાણા
૭.અર્જુન મોઢવાડિયા (કોંગ્રેસ)પોરબંદર
૮.પરેશ ધાનાણી (કોંગ્રેસ)અમરેલી
૯.લલીત વસોયા (કોંગ્રેસ)ધોરાજી
૧૦.ઇશુદાન ગઢવી (આપ)ખંભાળિયા

રાજ્યમાં ૨૦૧૭માં જ્યારે ચૂંટણી યોજાઇ હતી ત્યારે પ્રથમ તબક્કામાં ૬૮.૩૩ ટકા મતદાન થયું હતું. આ વખતે ચૂંટણી પંચના વધુ મતદાન કરવાના અભિયાન છતાં મોંઘવારી, લગ્ન સિઝન અને અન્ય કારણોસર મતદારોમાં જોઇએ તેટલો ઉત્સાહ જોવા મળ્યો નથી. બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો હતો ત્યારે પ્રથમ તબક્કાની બેઠકોમાં મતદાન ચાલી રહ્યું હતું. અહેવાલ પ્રમાણે શહેરી વિસ્તાર કરતાં ગામડામાં મતદાન વધુ  થયું હોવાનું માનવામાં આવે છે. અંદાજ પ્રમાણે તાપી જિલ્લામાં સૌથી વધુ ૭૦ ટકા કરતાં વધુ મતદાન થયું હોવાના અહેવાલ છે.

વોટ

સવારે આઠ કલાકે શરૂ થયેલા મતદાન પછી એક કલાકમાં નવ વાગ્યા સુધી ૪.૯૪ ટકા અને ૧૧ વાગ્યા સુધી ૧૯.૨૪ ટકા મતદાન નોંધાયું હતું. રાજ્ય ચૂંટણી પંચના આંકડા પ્રમાણે બપોરના એક વાગ્યા સુધીમાં સરેરાશ ૩૪.૬૫ ટકા મતદાન થયું હતું. મતદાનના દિવસે ઘણાં પોલિંગ સ્ટેશન એવાં હતા કે જ્યાં મતદારોની લાઇન લાગી હતી. બપોરના ત્રણ કલાકે મતદાનની ટકાવારી ૪૨.૨૬ ટકા પહોંચી હતી જેમાં સૌથી વધુ ૬૪.૨૭ ટકા તાપી જિલ્લાની બેઠકોમાં મત પડયા હતા. જો કે સાંજે પાંચ કલાકના આંકડા પ્રમાણે ૧૯ જિલ્લામાં સરેરાશ ૫૯ થી ૬૧ ટકા મતદાન થયું છે.

જિલ્લા પ્રમાણે મતદાન (અંદાજીત) 

જિલ્લામતદાન (ટકા)
અમરેલી૫૭.૦૬
ભરૂચ૬૩.૦૮
ભાવનગર૫૭.૬૧
બોટાદ૫૭.૧૫
ડાંગ૬૪.૮૪
દેવભૂમિ દ્વારકા૫૯.૧૧
ગીર સોમનાથ૬૦.૪૬
જામનગર૫૬.૦૯
જુનાગઢ૫૬.૯૫
કચ્છ૫૫.૫૪
જિલ્લામતદાન (ટકા)
મોરબી૬૭.૬૫
નર્મદા૭૩.૦૨
નવસારી૬૫.૯૧
પોરબંદર૫૩.૮૪
રાજકોટ૫૭.૬૮
સુરત૫૯.૫૫
સુરેન્દ્રનગર૬૦.૭૧
તાપી૭૨.૩૨
વલસાડ૬૫.૨૯
કુલ સરેરાશ૬૦ (અંદાજીત)

રાજ્યની ૮૯ બેઠકો માટે ૨.૩૯ કરોડ મતદારોને મતાધિકારનો ઉપયોગ કરવાની તક મળી હતી. આ માટે ચૂંટણી પંચે ૨૫૪૩૦ મતદાન મથકો તૈયાર કર્યા હતા. આ મથકો પૈકી ૯૦૧૪ શહેરી વિસ્તારમાં અને ૧૬૪૧૬ ગ્રામીણ વિસ્તારમાં હતા. પ્રથમ તબક્કામાં કુલ ૧૩૦૬૫ વેબકાસ્ટિંગ મતદાન મથકો હતા.

મહત્વની બાબત એવી છે કે ઉના મતવિસ્તારના બાણેજ ગામના મતદાન મથકે ચાર કલાકમાં ૧૦૦ ટકા મતદાન થયું હતું, જો કે અહીંયા માત્ર મહંત હરિદાસ બાપુનો એક જ મત છે. ગીરના જંગલમાં મહાદેવના મંદિર પાસે પોલિંગ બુથ ઉભું કરવામાં આવ્યું હતું, જ્યાં મહંતે મત આપ્યો હતો. તાપીમાં મતદાન કરવા માટે એક યુવકે મહારાષ્ટ્રમાં થનારા લગ્નનો સમય બદલી નાંખ્યો હતો. જૂનાગઢમાં વોટીંગની તસવીરો વાયરલ થતાં જિલ્લા ચૂંટણી અધિકારીએ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના આપી છે.

કોંગ્રેસના અમરેલીના ઉમેદવાર પરેશ ધાનાની મતદાન કરવા માટે સાયકલ પર ગયા હતા અને પાછળની સાઇડે ગેસનું સિલિન્ડર બાંધ્યું હતું. તેમણે મોંઘવારીના પ્રતિક વિરોધ સાથે મત આપ્યો હતો. રાજકોટના ગોંડલની બેઠક પર દિવસભર અજંપાભરી સ્થિતિ જોવા મળી હતી. આ બેઠકમાં રિબડા જૂથને ટિકીટ આપવામાં આવી ન હતી તેથી આ જૂથ આક્રમક બન્યું હતું. પોલીસ સાથે ઘર્ષણ થયાની ઘટના સામે આવી હતી. ચોર્યાસીના ભાજપના ઉમેદવારને ઇવીએમમાં મત આપ્યો હતો તેવો વિડીયો વાયરલ થયો હતો. ગોંડલના જામવાડી ગામના એક કેન્દ્રમાં કોંગ્રેસના પોલિંગ એજન્ટને માર મારવામાં આવ્યો હતો.

જૂનાગઢના શાપુરમાં ફરજ બજાવી રહેલા પ્રિસાઇડીંગ ઓફિસરની તબિયત ખરાબ થતાં તેમને સારવાર માટે ખસેડવા પડયા હતા. હળવદના અજીતગઢમાં મહિલા સરપંચની પતિ સાથે ઝપાઝપી થઇ હતી. ગીર સોમનાથમાં એક તબક્કે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો સામસામે આવી ગયા હતા. દ્વારકાના ખંભાળિયામાં લગ્ન બાદ એક કપલ સીધું મતદાન કરવા પહોંચી ગયું હતું, જ્યારે લોકગાયક કિર્તીદાન ગઢવી આધાર કાર્ડ ભૂલી ગયા હોવાથી તેમને મતદાન કરવા જતા અટકાવાયા હતા. પાલીતાણામાં આપ અને ભાજપના કાર્યકરો વચ્ચે મારામારી થઇ હતી. જામનગર ઉત્તરના ઉમેદવાર રિવાબા જાડેજાએ રાજકોટ પશ્ચિમ બેઠક પર મતદાન કર્યું હતું, કારણ કે મતદાન યાદીમાં તેમનું નામ આ બેઠકમાં દર્જ થયેલું છે.

Related posts

કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે

Nakulsinh Gohil

હત્યાનો ચોંકાવનારો કેસ / પત્નીએ પ્રેમી સાથે મળી પતિને જીવતો સળગાવી દીધો

Nakulsinh Gohil

બનાસકાંઠા / ડિસામાં વધુ એક શૌચાલય કૌભાંડ,  8.76 લાખની ગેરરીતિ આચરી હોવાની ફરિયાદ નોંધાઇ

Nakulsinh Gohil
GSTV