પુલવામા હુમલા બાદ ગુજરાતના દિકરાએ ફોન ન ઉપાડ્યો અને અચાનક રાતના નવ વાગે સમાચાર મળ્યા કે….

દાહોદના નવાગામના ખજુરી ફળિયાનો પુલવામાં ફરજ બજાવતો જવાન જીવિત હોવાની જાણ થતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો. 28 વર્ષીય પર્વત મોરી 2013થી CRPFમાં જોડાયા બાદ તેનું પુલવામાં જ પોસ્ટિંગ છે. પુલવામાં આતંકવાદી હુમલો થયો હોવાની જાણ થતા પિતા સેવાભાઇએ જવાનો શહીદ થયાની ખબર પડતા ચિંતીત થયા હતા. જો કે તેમના પુત્ર ફોન ન ઉપાડતા પરિવાર ચિંતામાં ગરકાવ થઇ ગયો હતો. જો કે રાતના નવ વાગ્યે પુત્રનો ફોન આવતાં પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

પુત્રએ જણાવ્યું હતું કે, ઘટના બની તેનાથી 15 કિમી દૂર જ તેનું બેરેક છે. બનાવની જાણ થતાં જ ત્યાં ધસી ગયો હતો અને ઉતાવળમાં ફોન બેરેકમાં જ રહી ગયો હતો. ઉલ્લેખનીય છે કે સમગ્ર ગુજરાતમાંથી બે જ જવાનો પુલવામાં ફરજ બજાવે છે. જેમાંથી રાજુલા ગામનો એક જવાન શહીદ થયો હોવાનું જાણવા મળ્યું છે.

પર્વતના પિતાએ આવા જ ઘન્ય કૃત્ય કરનાર લોકોને ઇંટનો જવાબ પથ્થરથી આપવાની વાત કરી હતી અને કહ્યું હતુ કે મારો બીજો પુત્રો હોત તો પણ હું તેને દેશ સેવા માટે ન્યોછાવર કરી દેત.

મહત્વનું છે કે પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ શરીર તેમના ઘરે પહોંચી ગયા છે. જ્યાં લોકોએ તેમનું સ્વાગત ત્રિરંગો લહેરાવીને કર્યું છે. શનિવારે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

પીએમ મોદીએ કાર્યવાહીની આપી છે ખાતરી

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરના પ્રજાજનોમાં પાકિસ્તાન સામે બદલો લેવાની માંગણી પ્રબળ બની રહી છે. ત્યારે વડાપ્રધાન મોદીએ ફરી એક વખત આતંકવાદીઓને કડક સજા આપવાની ખાતરી આપી છે. મહારાષ્ટ્રના યવતમાલમાં જાહેર સભાને સંબોધવા પીએમ મોદીએ પુલવામાના આતંકવાદી હુમલા અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે શહીદોનું બલિદાન એળે નહીં જાય.

આતંકીઓ ભલે ગમે ત્યાં છૂપાઇને બેઠા હોય. તેમને સજા ચોક્કસ મળશે. સાથે જ મોદીએ પાકિસ્તાનનું નામ લીધા વગર કહ્યું કે આજે પડોશી દેશ આતંકનો બીજો પર્યાય બની ગયો છે અને આતંકીઓને રક્ષણ આપી રહ્યો છે. પરંતુ ભારતીય સેનાને સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે. પુલવામાના હુમલાખોરોને સજા કેમ, કેવી રીતે અને ક્યારે આપવી તે આપણા જવાનો નક્કી કરશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter