Last Updated on April 8, 2021 by Dhruv Brahmbhatt
ગુજરાતમાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે સુરત અને અમદાવાદની હાલત સૌથી વધારે ખરાબ છે. વાત કરીએ છેલ્લાં 24 કલાકની તો છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં નવાં ૩૫૭૫ કેસ અને ૨૨ મોત નોંધાયા છે. ૧૧ ઓગસ્ટ પછી પહેલીવાર ગુજરાતમાં ૨૨ મોત નોંધાયા છે. એમાંય સૌથી વધુ અમદાવાદમાં ૮૨૩, સુરતમાં ૮૧૯, રાજકોટમાં ૪૯૦ અને વડોદરામાં ૪૫૭ કેસ નોંધાયા છે. ત્યારે મહાનગરો ઉપરાંત નાના શહેરોમાં પણ હવે કોરોનાનું સંક્રમણ અનિયંત્રિત થયું છે જેને કારણે હવે લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.

શનિ-રવિ લોકડાઉન કરવાની ચેમ્બર ઓફ કોમર્સની માંગ
એવામાં કેટલાંક શહેરોમાં તો લોકો લોકડાઉનની માંગ કરી રહ્યાં છે તો કેટલાંક ગામડાંઓએ તો સ્વૈચ્છિક લોકડાઉન પણ જાહેર કરી દીધું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં વધી રહેલા કોરોનાના કેસ વચ્ચે ચેમ્બર ઓફ કોમર્સે શહેરમાં લોકડાઉન લાગુ કરવાની માંગ કરી છે. રાજકોટમાં કોરોનાના કેસની સંખ્યા સતત વધી રહી છે. જેથી શહેરમાં શનિ અને રવિવારે લોકડાઉન લાગુ કરવું જોઈએ. આ ઉપરાંત રાત્રીના 10થી સવારના 6 વાગ્યા સુધી લોકડાઉન કરવું જોઈએ. ચેમ્બર ઓફ કોમર્સે 20 વર્ષથી વધુ વયના લોકોને પણ રસી આપવાની માંગ કરી છે. એ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આવતી કાલે શુક્રવારના રોજ રાજકોટ જશે. જ્યાં તેઓ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.

રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ખૌફનાક મંઝર
ઉલ્લેખનીય છે કે, રાજ્યના રાજકોટમાં પણ ભયાનક સ્થિતિ સર્જાઈ હતી. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોરોનાનો ખૌફનાક મંઝર જોવા મળી રહ્યો છે. સિવિલમાં સરેરાશ દર કલાકે એક દર્દીનું મોત થઇ રહ્યું છે. ત્યારે એક પુત્રીએ મોતને ભેટેલા તેમના પિતાનું મોઢું છેલ્લી વખત જોવા માટે જિદ કરતા હોસ્પિટલમાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. પુત્રીની સામે જ તેમના પિતાનો મૃતદેહ હતો.
પરંતુ પુત્રીને ફક્ત એક મિનિટ માટે જ પિતાના છેલ્લી વખત દર્શન કરવા મળ્યા હતા. જેના કારણે પુત્રીએ એવું કલ્પાંત કર્યું કે ભલભલા કઠણ કાળજાના માનવી પણ પીગળી જાય. રાજકોટમાં કોરોનાની સ્થિતિ દિનપ્રતિદિન કાબુ બહાર જઈ રહી છે અને સંક્રમણ સ્ફોટક પરિસ્થિતિમાં ફેલાઈ રહ્યું છે.

૨૪ કલાકમાં કોરોના થવાથી ૨૪ વ્યક્તિઓનાં મોત નીપજ્યાનું સત્તાવાર ચોપડે નોંધાયું
૨૪ કલાકમાં કોરોના થવાથી ૨૪ વ્યક્તિઓના મોત નીપજ્યાનું સત્તાવાર ચોપડે નોંધાયું છે જ્યારે સ્મશાનોમાં અંતિમક્રિયા માટે મનપાએ કંટ્રોલરૂમ ખોલવો પડયો છે તો આ માટે પણ વેઈટીંગ છે. તો કોરોના પોઝિટિવ કેસો આજે બપોરે ૧૨ સુધીમાં ૧૮૦ અને સાંજ સુધીમાં ૩૯૫ નોંધાયા છે. ટેસ્ટ બુથ પર લાંબી કતારો આજે પણ જારી રહી હતી.

છેલ્લાં સપ્તાહથી મૃત્યુમાં અત્યંત ચિંતાજનક વધારો
હજુ એક માસ પહેલા માર્ચના આરંભે શહેરમાં કોરોના નિયંત્રણમાં હતો અને એક પણ મૃત્યુ નોંધાતા ન હોતા. પણ છેલ્લાં સપ્તાહથી મૃત્યુમાં અત્યંત ચિંતાજનક વધારો થયો છે. અર્થાત્ એક વર્ષની સારવારનો અનુભવ છતાં તબીબો જીવ બચાવી શકતા નથી. મૃત્યુ પામનારામાં યુવાનોની સંખ્યા પણ ચિંતાજનક છે. શહેરમાં ડેડબોડી લઈ જતી શબવાહિની અને દર્દીને હોસ્પિટલે લઈ જતી એમ્બ્યુલન્સના સતત આંટાફેરા જોઈને લોકોમાં ભયનું મોજુ ફરી વળ્યું છે અને કોરોના ફરી એક વાર ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.
READ ALSO :
- કોરોનાનો કહેર/ સ્મશાનો ફૂલ તો કોલોનીમાં કરાયા અગ્નિસંસ્કાર, વીડિયો વાયરલ થતાં બેસાડી તપાસ
- કામની વાત/ લૉકડાઉનમાં શરૂ કરો આ બિઝનેસ, અત્યારે છે શાનદાર સ્કોપ અને બંપર કમાણીનો મોકો
- હેલ્થ ટિપ્સ / કોરોનાની બીજી લહેરથી કેવી રીતે બચી શકાય છે? WHOએ જણાવ્યું શું ખાવાનું અને શું નહીં
- ઉપયોગી / વર્ક ફ્રોમ હોમ માટે બેસ્ટ છે આ 5 એપ્લિકેશન, જે તમારી પ્રોડક્ટિવિટી વધારવામાં કરશે મદદ
- રસીકરણ/ દુનિયાને વેક્સિનનું દાન કરનાર ભારતમાં વેક્સિનના ડોઝ ખૂટ્યા, વિદેશી આયાતને ક્લિનિકલ ટ્રાયલ વિના મંજૂરી આપવા મજબૂર
