Last Updated on April 7, 2021 by Dhruv Brahmbhatt
ગુજરાતમાં દિન પ્રતિદિન સતત કોરોનાના કેસો વધતા જ જઇ રહ્યાં છે. ત્યારે આજે અધધ 3500થી વધુ કેસો નોંધાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. આ ઉપરાંત મોતના આંકડા પણ ચોંકાવનારા આવ્યા છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 3575 કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 22 લોકોનું મૃત્યુ નિપજ્યું છે. તેની સાથે જ કુલ મૃત્યુઆંક 4620એ પહોંચ્યું છે.

જ્યારે રિકવરી રેટમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. આજ રોજ છેલ્લા 24 કલાકમાં 2217 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે જ અત્યાર સુધી 3,05,149 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.90 ટકાએ પહોંચ્યો છે.

અત્યાર સુધીમાં કુલ 71,86,613 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનુ અને 8,74,677 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થઇ ચૂક્યું છે. આમ કુલ 80,61,290 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધારે વયના અને 45-60 વર્ષનાં કુલ 1,48,111 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 20,656 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની વાત કરીએ તો કુલ 18,684 એક્ટિવ દર્દીઓ છે, જે પૈકી 175 લોકો વેન્ટિલેટર પર છે અને 18,509 લોકો સ્ટેબલ છે. 3,51,149 લોકો ડિસ્ચાર્જ થઇ ચૂક્યાં છે. કુલ 4620 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 22 લોકોનાં દુ:ખદ નિધન થયા છે. જેમાં વાત કરીએ મોતના આંકડાની તો સુરત કોર્પોરેશનમાં 8, અમદાવાદ કોર્પોરેશનમાં 6, સુરત2, બનાસકાંઠા 1, ભાવનગર કોર્પોરેશન 1, મહીસાગર 1, મહેસાણા 1, પંચમહાલ 1, વડોદરા કોર્પોરેશન 1 આ પ્રકારે રાજ્યમાં આજે કોરોનાને કારણે કુલ 22 લોકોનાં મોત નિપજ્યાં છે.

અમદાવાદમાં કેસો વધતા 1200 બેડની હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે
અમદાવાદમાં કોરોનાના કેસો વધતા હવે ફરી એક વખત બારસો બેડની હોસ્પિટલ ફૂલ કેપેસિટી સાથે ચાલુ કરાશે. થોડા સમય પહેલાં 920 બેડ સાથે હોસ્પિટલ ચાલુ કરવામાં આવી હતી પરંતુ તેના તમામ બેડ ફૂલ થવાની તૈયારીમાં છે. આથી હવે ફુલ કેપેસિટી સાથે હોસ્પિટલ ચાલુ કરાશે. સિવિલ હોસ્પિટલમાં મળેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો છે. જે બાદ મહિલા અને બાળકોના વિભાગનો સામાન જૂની બિલ્ડિંગમાં ફેરવવામાં આવ્યો છે.

અમદાવાદ સિવિલની ઓપીડી પણ સાંજે બંધ કરાઈ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સાંજની ઓપીડી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં કૈ કૈલાસનાથની અધ્યક્ષતામાં કોર કમિટી બેઠક મળી હતી. આ બેઠકમાં મહત્વના નિર્ણય લેવાયા હતાં. જેમાં સાંજની ઓપીડી બંધ કરી તમામ સ્ટાફને કોવિડમાં મદદમાં લેવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત કેટલાંક કેસોમાં હોમ આઇસોલેશનમાં દર્દીને જરૂર પડે છે તો ઘરે જ રેમડેસીવીર આપવાનું સૂચન પણ બેઠકમાં રજૂ થયું હતું. જો આ સૂચન અમલમાં મૂકાય તો ગંભીર દર્દીઓ હોસ્પિટલમાં આવે તેનો આંક ઘટી શકે છે.

ચૂંટણી પછી કોરોના બોમ્બનો વિસ્ફોટ થયા બાદ ચેઈન રિએક્શન શરુ
ચૂંટણી પછી કોરોના બોમ્બનો વિસ્ફોટ થયા પછી ચેઈન રિએક્શન શરુ થયું છે અને હવે શહેરભરમાં કોરોનાના કેસો નવા નવા નહીં જોઈતા એવા વધુ સંખ્યાના રેકોર્ડ સ્થાપી રહ્યો છે. આજે રેકોર્ડબ્રેક એક દિવસમાં જ સત્તાવાર ચોપડે ૩૨૧ પોઝીટીવ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુ આંક સતત વધતો જાય છે, દર કલાકે એક દર્દી અંતિમ શ્વાસ લે છે અને આજે સરકારી સૂત્રો અનુસાર કોરોના સારવાર લેતા ૧૯ દર્દીઓએ દમ તોડી દીધો છે. આજે પણ 24 લોકોના મોત થયા હોવાના અહેવાલો છે. આ મામલે હવે કમિટી કેટલા મૃત્યુનો આંક બતાવે છે એ તો સાંજે જ ખબર પડશે પણ હાલમાં સ્થિતિ ગંભીર બની રહી છે. ગઈ કાલે પણ સ્થિતિ વધુ ગંભીર બની હતી. કોરોનામાં સપડાયેલા હોવા છતાં સરકાર મોતના આંકડાઓમાં પણ ગોલમાલ કરી રહી હોવાની ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ માત્ર રાજકોટની જ નહીં ગુજરાત ભરની સ્થિતિ છે. દરેક શહેરોમાં કોરોના ગાઈડલાઈનથી થતા અંતિમ સંસ્કાર અને સરકારે જાહેર કરે છે એ આંકમાં જમીન આસમાનનો તફાવત છે.

રાજકોટના સ્મશાનોમાં અંતિમક્રિયા માટે વેઈટીંગ
રાજકોટ શહેરના રહેવાસીઓ ઉપરાંત બહારગામના લોકો રાજકોટમાં સારવાર કારગત ન નિવડે અને મોતને ભેટે ત્યારે સ્થાનિક સ્મશાનોમાં કોરોના પ્રોટોકોલ પ્રમાણે અંતિમવિધિ કરાતી હોય છે અને આ માટે માત્ર ચાર સ્મશાનોમાં જ ઈલેક્ટ્રીક ભઠ્ઠીની સગવડ હોય અંતિમક્રિયામાં પણ વેઈટીંગ થયું છે. અગાઉ મનપાએ આ માટે કંટ્રોલરૂમ શરુ કર્યો હતો, કોરોના હવે જ્યારે ટોચ ઉપરપહોંચ્યો છે ત્યારે મહાપાલિકાએ હવે રોજના ૨૦ જેટલા શહેરના તેમજ બહારગામના થઈ દર કલાકે એકનું મૃત્યુ થતું હોય કંટ્રોલ રૂમ ફરી શરૂ કર્યો છે તેમ કમિશ્નરે જણાવી શહેરમાં હાલ પાંચ બુથ ઉપર તથા આરોગ્ય કેન્દ્ર પર યથાવત રીતે ટેસ્ટીંગ કરાતું હોવાનું જણાવ્યું હતું.
READ ALSO :
- કાર્યવાહી / અમદાવાદમાં 50 ટકા સ્ટાફ બોલાવવાના આદેશનું ઉલ્લંઘન કરનાર 4 ઓફિસ સીલ
- ચોંકાવનારી ઘટના / આ રાજ્યના એરપોર્ટ પર 300 મુસાફરો કોરોના ટેસ્ટ વિના જ થઇ ગયા રફુચક્કર
- એલર્ટ / દેશમાં સર્જાઇ શકે ઇટલી જેવી સ્થિતિ, આ તારીખથી રોજના નોંધાઇ શકે છે કોરોનાના 33થી 35 લાખ કેસ
- હેલ્થ ટિપ્સ / શું તમે દરરોજ રોમાન્સનો લાભ ઉઠાવી રહ્યાં છો, તો જાણો શું છે તેના અદભુત ફાયદાઓ
- આણંદમાં કોરોના સંક્રમણ બેકાબુ / વધુ એક MLA કોરોના પોઝિટિવ આવતા થયા હોમ આઇસોલેટ
