ગુજરાત વિધાનસભાના સત્રના હવે માંડ વીસ દિવસ રહ્યા છે છતાંય ગુજરાત કોંગ્રેસ વિધાનસભા વિપક્ષના નાયબ નેતા અને મુખ્યદંડકની હજી સુધી નિમણૂક કરવામાં આવી જ નથી. બીજી માર્ચે વિધાનસભાનું સત્ર ચાલુ થાય તે પૂર્વે વિપક્ષના નેતાઓ સાથે કામકાજ સલાહકાર સમિતિની મળનારી બેઠકમાં પણ કોન્ગ્રેસ વતીથી કોણ ઉપસ્થિત રહેશે તેના હજી કોઈ જ ઠેકાણા નથી. કોન્ગ્રેસના ગુજરાતના પ્રભારીએ ગુજરાત કોન્ગ્રેસના તમામ વિધાનસભ્યોની એક બેઠક રવિવારે મહેસાણા વૉટર પાર્કમાં યોજી છે ત્યારે આ મુદ્દો ચર્ચામાં આવવાની સંભાવના છે.

ગુજરાત વિધાનસભા વિપક્ષના નેતા તરીકે સુખરામ રાઠવાની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ ઉપનેતા અને મુખ્યદંડકની નિમણૂક થઈ જશે તેવી ગણતરી માંડવામાં આવતી હતી. પરંતુ આ વાતને પણ મહિનો થવા આવ્યો હોવા છતાંય કોઈની નિમણૂક કરવામાં આવી નથી. કોન્ગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા આગામી બે દિવસમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેથી તેમની આ મુલાકાત બાદ કે દરમિયાન ચીફ વ્હિવન-મુખ્યદંડક કે વિધાનસભા વિપક્ષના નાયબ નેતાની નિમણૂક થઈ જાય તેવી સંભાવના છે. ચીફ વ્હિપ તરીકે અત્યાર સુધી અશ્વિન કોટવાલ હતા, હવે તેમને હોદ્દા પર ચાલુ રાખે છે કે પછી તેમને રિપ્લેસ કરે છે તેની પણ ચર્ચા છે. શિડયુલ ટ્રાઈબના પ્રતિનિધિ તરીકે સુખરામ રાઠવાને લીધા હોવાથી ચીફ વ્હિપ બદલાવાની શક્યતા હોવાના નિર્દેશો આપવામાં આવી રહ્યા છે. વિપક્ષના નાયબ નેતા તરીકે શૈલેશ પરમારને ચાલુ રાખવામાં આવશે કે કેમ તે અંગે પણ ચર્ચા થવાની સંભાવના છે.

આ નિમણૂક ન થાય ત્યાં સુધી ભાજપ સમક્ષ આક્રમકતાથી કોન્ગ્રેસીઓ રજૂઆત કરી શકતા નથી. ગુજરાત કોન્ગ્રેસ અત્યારે સાવ જ નિષ્ક્રિય હાલતમાં હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ગુજરાતની પ્રજાના પ્રશ્નોને સરકાર સમક્ષ આક્રમકતાથી રજૂ કરવામાં આવતા ન હોવાનું જણાઈ રહ્યું છે. અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા આ મુદ્દે આક્રમક રજૂઆત કરતા હતા. પરંતુ છેલ્લા છ એક મહિનાથી કોન્ગ્રેસ તરફથી આક્રમક રજૂઆત કરવાનું લગભગ થંભી ગયું હોય તેવી સ્થિતિ છે. આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે કોન્ગ્રેસની આ નિષ્ક્રિયતા તેમને માટે નકારાત્મક સાબિત થાય તેવી સંભાવના છે.
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે