કુંવરજી બાવળિયાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું છે. કોંગ્રેસ મોવડીમંડળ ડેમેજ કંટ્રોલ કરે તે પહેલા તો બાવળિયાએ કેસરિયો ધારણ કરી દેતા કોંગ્રેસના નેતાઓના ધબકારા વધી ગયા છે. જોકે, કોંગ્રેસમાં નારાજ નેતાઓની લાંબી ફોજ છે. જામનગરના ખંભાળીયાના ધારાસભ્ય વિક્રમ માડમ પણ નારાજ છે. પક્ષમાં સ્વમાન નહીં જળવાય તો તેઓ પણ કોંગ્રેસ છોડવા તૈયાર છે.
જ્યારે કે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન તુષાર ચૌધરી પણ નારાજ હોવાની અટકળો છે. તેઓ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો સાથ લે તેવી ચર્ચા છે. જોકે હાલ તો તુષાર ચૌધરી ભાજપમાં જોડાવાની વાત પર ઠંડુ પાણી રેડી રહ્યા છે. જ્યારે કે મહેસાણામાં ગત વિધાનસભા ચૂંટણીમાં નીતિન પટેલ સામે લડનારા જીવા પટેલ પણ પક્ષથી નારાજ છે. અને કોંગ્રેસ છોડવાની ચીમકી આપી ચૂક્યા છે. જ્યારે કે વાંકાનેર કોંગ્રેસમાં પણ કકળાટ છે. વાંકાનેરના કોંગ્રેસના ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદાએ પણ કોંગ્રેસ છોડવાની ચીમકી આપી છે.
સ્થાનિક નેતાઓ અવગણના કરતા હોવાથી પીરજાદા નારાજ છે. જ્યારે કે રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ તો કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. પક્ષમાં અવગણના થતી હોવાથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ પક્ષ છોડી ચૂક્યા છે. જોકે વાત એવી પણ છે કે કુંવરજી બાવળિયાના ભાજપમાં જવાથી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસનો હાથ પકડી શકે છે.