ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બોલ્યા, ‘ભાજપમાં જોડાવા કરતા તો હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ’

gujarat rahul gandhi

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની કોંગ્રેસના કાર્યકર્તાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક વધી જાય છે. કોંગ્રેસમાંથી નેતાઓને પોતાના બેડામાં ખેંચી કેસરીયો ખેંસ પહેરાવવાની દોડ લાગવા માંડે છે. જો કે આ વાતનો ભાજપના કોઈ નેતા સ્વીકાર કરતા નથી. ભાજપ તરફથી કોઈ પણ નેતાને પરાણે કેસરીયો ખેંસ પહેરાવવામાં આવતો નથી. એવામાં કોંગ્રેસના ધારાસભ્યો દર બે મહિને ભાજપના સંપર્કમાં હોવાની અને ભાજપ સાથે જોડાવાની વાતો ફેલાતા ભાજપમાં હરખની અને કોંગ્રસમાં ચિંતાની લાગણી પ્રસરવા લાગે છે. આજે સવારે પણ કંઈક આવું જ થયું જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અલ્પેશ ઠાકોરની સાથોસાથ ભરત ઠાકોર અને ધવલ ઝાલા પણ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવવાના હોવાની વાતો મીડિયામાં ફેલાવા લાગી.

સુત્રો તરફથી મળતી માહિતી મુજબ કોંગ્રેસના 5થી વધારે ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની માહિતી મળી રહી છે. પણ કોંગ્રેસના આ પાંચમાંથી 4 ધારાસભ્યોએ વાતને નકારી કાઢી હતી. ઉપરથી અલ્પેશ ઠાકોર ને તો સંસદીય સચિવનું પદ મળવા હોવાની વાત પણ ફેલાઈ હતી, જેનો અલ્પેશે કડક શબ્દોમાં વિરોધ કરી આ વાત માત્ર અફવા હોવાનું કહ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ઘણી વાતો તો મને મીડિયાના મિત્રો પાસેથી જાણવા મળે છે. અલ્પેશે સાફ શબ્દોમાં શું કહ્યું તે નીચેના વીડિયોમાંથી જાણી શકાશે.

આ વચ્ચે લલિત વસોયાનું નામ પણ ભાજપમાં સમાવેશ થવાનું હોવાથી આવતા ગરમા ગરમીનો માહોલ થઈ ગયો હતો. કારણ કે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં મોટું નામ ધરાવતા લલિત વસોયા જોડાય તો કોંગ્રેસની કમર ભાંગી જાય. જો કે તેમણે વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, સૌરાષ્ટ્રનો કોઈ ધારાસભ્ય ભાજપમાં જોડાવાનો નથી. લલિત વસોયાએ જણાવ્યું કે, હાલ અમારા જે ધારાસભ્યો ભાજપમાં જોડાવવાની અફવાહ ફેલાઇ રહી છે તે ખોટી, અને જ્યાં સુધી વાત મારી છે તો હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવું. ભાજપમાં જોડાવા કરતા આત્મહત્યા પસંદ કરીશ.

તો અલ્પેશ ઠાકોર સાથે જે નેતાનું નામ સામે આવ્યું હતું તેમાંના ધવલ ઝાલાએ પણ પોતાનું નિવેદન આપ્યું હતું. ખબરો હતી કે ધવલ ઝાલાને સાબરકાંઠાની બેઠક પરથી ભાજપ લડાવશે. ત્યારે આ સંદર્ભે ધવલ ઝાલાએ કહ્યું હતું કે, હાલ મારા વિશે જે વાતો ફેલાઇ રહી છે તે અફવાહ છે. હું કોંગ્રેસમાં જ છું અને રહીશ. તો કિરીટ પટેલે પણ પોતાનું નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે કહ્યું કે, ભાજપમાં હું જોડાઈશ તે માત્ર અફવા છે. હું ક્યારેય પ્રજાનો વિશ્વાસ નહી તોડું. હું કોંગ્રેસમાં જોડાયેલો રહીશ. હું ભાજપની કોઇ ધાક ધમકીને વશ થઇશ નહીં.

કોંગ્રેસના 5થી વધુ ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસણાએ પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, અમારી પાર્ટીમાં સૌ કોઇનું સ્થાન છે. અમારી પાર્ટીમાં આવનારને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, પ્રાંતના પ્રમુખે પણ આવકાર્યા છે. આજે જ્યારે દેશમાં પાર્ટીનું વર્ચસ્વ વધી રહ્યું છે અને દેશનું માથું ઉંચુ થઈ રહ્યું છે ત્યારે તેને જોઈ કોઈ પણ આવી શકે છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter