GSTV
Home » News » રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

CM Vijay Rupani

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સંપન્ન થયા બાદ હવે સચિવાલયમાં અને રાજકીય વર્તુળોમાં સરકાર અને સંગઠનને લઈને વિવિધ અટકળો અને ચર્ચા થઈ રહી છે. આધારભૂત સૂત્રો જણાવે છે કે હાલમાં ગુજરાત સરકાર અને સંગઠનમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતાઓ રહેલી છે. જોકે અત્યારે પણ જો અને તોની સ્થિતિ છે એટલે કે જો ભાજપ ગુજરાતની 26માંથી સાત કે તેથી વધુ બેઠકો ગુમાવે તો સરકાર અને સંગઠનમાં મોટા ફેરફાર થશે. લોકસભાના પરિણામો બાદ ગુજરાતમાં સરકાર અને સંગઠનમાં ફેરફારો કરવાનું મન ભાજપ હાઇકમાન્ડે બનાવી લીધું છે. આ સાથે કેટલાક મંત્રીઓના પત્તાં પણ કપાય તેવી સંભાવના છે. જે મંત્રીના વિસ્તારમાં ભાજપ હારશે અે મંત્રીનું કદ આપોઆપ ઘટાડી દેવાશે. ગાંધીનગરમાં છેલ્લાં દિવસ સુધી અમિત શાહે જાતે દોડાદોડી કરવી પડી હતી. એ રંજ તેઓ ભૂલે તેવી સંભાવના ઓછી છે. ગાંધીનગરની બેઠકની સ્થિતિ જોઈ ભાજપ આકરા મૂડમાં છે પણ ચૂંટણીના પરિણામની રાહ જોવાઈ રહી છે.

આ મંત્રીઓનું કપાઈ શકે છે પત્તું

  • ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાઃ ચૂડાસમા જ્યાંથી ચૂંટણી જીત્યા તે ધોળકા બેઠકની મતગણતરીને લઇને ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટનો આદેશ ચૂડાસમાની અપેક્ષાથી વિપરિત આવે તો રાજીનામું આપવું પડે. આ સ્થિતિ વચ્ચે ભાજપ પાણી પહેલાં પાળ બાંધવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપ
  • દિલીપ ઠાકોરઃ પાટણ બેઠક પરથી પાર્ટીના આગ્રહ છતાં લોકસભાની ચૂંટણી લડવા નનૈયો ભણનારા દિલીપ ઠાકોરની એક્ઝિટ લગભગ પાક્કી મનાઇ રહી છે. ઠાકોર સમાજમાં ઘટતો દબદબો કારણ બની શકી છે. દિલીપ ઠાકોરનું ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ઘટ્યું હોવાનું આ ચૂંટણીએ સાબિત કરી દીધું છે.
  • પરબત પટેલઃ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાથી પટેલ જીતી જ જશે તેવો વિશ્વાસ ભાજપને છે. આવાં સંજોગોમાં તેમણે મંત્રીપદ જતું કરી રાજીનામું આપવું જ રહ્યું. આ બેઠક પર શંકર ચૌધરીને સ્થાન મળે તેવી સંભાવના છે.
  • પરસોત્તમ સોલંકીઃ ભાજપ પાસે હવે કુંવરજી બાવળિયાનો મજબૂત વિકલ્પ મળી જતાં લગભગ નિષ્ક્રિય રહેતા પરસોત્તમ સોલંકીને હવે ભાજપ પડતાં મૂકશે. ભાજપ હવે કોળીના નામે કોઈ પણ બ્લેકમેઇલિંગ સહન કરવાના મૂડમાં નથી. બાવળિયાએ આ ચૂંટણીમાં કોળી સમાજના સર્વ સામાન્ય નેતા હોવાનું સાબિત કરી દીધું છે.
  • વાસણ આહિરઃ કચ્છના આ નેતાનું નામ કથિત રીતે મહિલા સાથેના સંબંધોમાં ઉછળતાં ભાજપે કે સરકારે અત્યાર સુધી મૌન સાધી રાખ્યું છે. પરંતુ આગામી મંત્રીમંડળના બદલાવ દરમિયાન પડતા મુકાવાની વકી છે. કારણ કે ભાજપ બદનામીનો કોઈ ડાગ સંગઠન પર કે સરકાર પર પડવા માગતી નથી.

2017ની ચૂંટણીમાં પણ ભાજપને પાતળી બહુમતી છતાં ચાલુ રખાયા

2014ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની તમામ 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. એ વખતના મુખ્યમંત્રી મોદી વડાપ્રધાન થતા તેઓના ગયા બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ત્યારબાદ પાટીદારોનું આંદોલન થતાં તેમને ખસેડીને વિજય રૂપાણી અને મુખ્યમંત્રી બનાવ્યા હતા. 2017ની ચૂંટણીમાં પણ ભાજપને પાતળી બહુમતી મળવા છતાં તેમને જ મુખ્યમંત્રી તરીકે ચાલુ રખાયા હતા.પરંતુ હવે જો લોકસભાની ચૂંટણીમાં પણ ભાજપનું ધોવાણ ચાલુ રહેશે તો ભાજપ હાઈકમાન્ડ ગુજરાતના તેના ટોચના ત્રણેય નેતાઓની હકાલપટ્ટી કરી શકે છે. કારણ કે ઓછી બેઠક મળવા પાછળ આ ત્રણેયની જવાબદારી આવે છે. હવે પાટીદાર અનામત આંદોલન અંશત પૂર્ણ થવાની જાહેરાત થતાં સરકારે મોટો રાહતનો શ્વાસ લીધો છે. ચૂંટણી બાદ રાજ્યસરકાર મંત્રીમંડળમાં ફેરફાર કરે તો પોતાના મંત્રીમંડળમાં વધુમાં વધુ સત્યાવીસ સભ્યોને સમાવી શકે છે.

સરકારની સાથે સંકલન અને તાલમેલ રાખવામાં વાઘાણી નિષ્ફળ

ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વચ્ચે પણ છેલ્લા બે વર્ષથી ઠંડું યુદ્ધ ચાલી રહ્યું છે. નીતિન પટેલ અનેક ફાઈલો દબાવીને બેઠા હોવાની પણ ફરિયાદો અવારનવાર થતી હોય છે. તેઓ કોઈનું માનતા નથી અને વિજય રૂપાણીએ હજુ પણ વહીવટી તંત્ર ઉપર જોઈએ એવો કાબુ મેળવ્યો નથી જ્યારે સંગઠન મજબૂત કરવાની તેમજ સરકારની સાથે સંકલન અને તાલમેલ રાખવાની જવાબદારી ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની છે જેમાં તેઓ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. આમ છતાં વાઘાણીની કામગીરી અને જવાબદારી જોઈને તેમને મંત્રીપદ મળી શકે છે. પ્રદિપસિંહ જાડેજાને પણ કેબિનેટ પ્રધાનનો દરજ્જો અપાય તેવી સંભાવના છે.

jitu vaghani comments

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીતુ વાઘાણીને પણ ખખડાવ્યા હતા

નાના-મોટા કાર્યકરો અને આગેવાનો પક્ષમાં હોવા છતાં નિષ્ક્રિય રહે છે. બેઠકોની ફાળવણી બાદ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં અને અસંતુષ્ટો બહાર આવ્યા હતા. તેઓએ પણ ભાજપના ઉમેદવારને હરાવવા માટે કાર્યવાહી કરી હતી. જીતુ વાઘાણીની નીતિ અને સ્વભાવને કારણે પણ સિનિયર આગેવાનો પક્ષથી દૂર થઈ રહ્યા છે. તેવી ચર્ચા પણ છે કે ચૂંટણી પહેલા જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જીતુ વાઘાણીને પણ ખખડાવ્યા હતા. આવી સ્થિતિમાં જો ભાજપની બેઠકો ઘટે તો હાઈકમાન્ડને ગુજરાતમાં ધરખમ ફેરફારો કરવાની ફરજ પડશે કારણ કે જો આ જ ટીમ ચાલુ રાખશે તો વિધાનસભાની 2022માં યોજાનારી ચૂંટણીમાં ભાજપને ત્રણ દાયકા પછી સત્તા ગુમાવવાનો વારો આવે એવી ભીતિ છે.

ધરખમ ફેરફાર ઉપરાંત મંત્રીમંડળમાં પણ ફેરબદલ કરાશે.

આથી પાણી પહેલા પાળ બાંધવા માટે ભાજપ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાતની નેતાગીરી માટે આકરા નિર્ણયો લઈ શકે છે. ધરખમ ફેરફાર ઉપરાંત મંત્રીમંડળમાં પણ ફેરબદલ કરાશે. કેટલાક મંત્રીઓને હાંકી કાઢવામાં આવશે તો અમુક નવા ધારાસભ્યને મંત્રીમંડળમાં સ્થાન મળશે. આ જ રીતે સંગઠનમાં પણ મોટા ફેરફારો કરાશે. ગુજરાતના રાજકારણમાં આગામી દિવસોમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

Related posts

ધોરણ 10 બોર્ડના પરિણામમાં શાશ્વત ઉપાધ્યાય રાજ્યમાં પ્રથમ ક્રમે, પરિવારમાં પણ બધા છે ટોપર

Arohi

100% VVPATની તપાસની અરજી સુપ્રીમે ફગાવી, કહ્યુ- લોકતંત્રને પહોંચી શકે છે નુકશાન

Arohi

રાજ્યભરમાં ઉઠેલા પાણીના પોકાર વચ્ચે ગુજરાત માટે ખુશખબર, સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો આટલો વધારો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!