GSTV

અમદાવાદમાં આજનું વાયોલન્સ સત્તા, કાયદો અને નેતાઓની મૂકસંમતિનું પરિણામ, જમ ઘર ભાળી ગયો

આ ગાંધીનો જમાનો નથી. એનો મતલબ એવો નથી કે હિંસા કરીને કાયદો હાથમાં લઇ લેવાનો. ભલે ગાંધીનો જમાનો ન હોય પણ આ ગાંધીની કર્મભૂમિ તો છે જ. અહીં નવનિર્માણ આંદોલન પણ થયું છે અને શાંતિપૂર્ણ રીતે દાંડી યાત્રા પણ પરંતુ આ તો રાજનીતિના રંગ છે અને રાજનીતિનો રંગ લોહીના રંગની જેમ જ લાલ હોય છે અને ગુજરાતના રાજકારણમાં હવે આ રંગ ભળી ચૂક્યો છે. જે ગુજરાતના ભવિષ્ય માટે સારો નથી કેમકે વિદ્યાર્થી સંગઠનોના નામે થતી આવી હિંસા ગુજરાતને અધોગતિ તરફ લઇ જશે તેમાં કોઇ શંકા નથી. આજે ગુજરાતમાં એકબીજાની ચડસાચડસીમાં ગુજરાતમાં હિંસાનો નગ્ન નાચ ખેલાયો છે અને પોલીસ મૂકપ્રેક્ષક બનીને ઉભી રહી છે. ભલે સામસામે આક્ષેપો થતા હોય, વાંક બંનેનો હશે પણ ગુજરાતની શાંત ધરાએ આજે એક નવા પ્રકારનું રાજકારણ ખેલાતા જોયું છે એ કયારેય જોવા મળ્યું નથી. યુપી અને બિહારમાં આ સામાન્ય બાબત હશે પણ ગુજરાતમાં આ પ્રકારની ટોળાબંધી કરી હાથમાં લાકડીઓ લઇ હુમલો કરવાની તાસીર જ નથી. આ ગાંધીનું ગુજરાત છે. અમદાવાદમાં આજનું વાયોલન્સ સત્તા, કાયદો અને નેતાઓની મૂકસંમતિનું પરિણામ હતું. ભલે એકબીજા પર દોષારોપણ થતું હોય પણ કાયદો અને વ્યવસ્થા સંભાળવાની જેની જવાબદારી છે એ પોલીસ રાજનેતાઓનો હાથો ન બને એ પણ અતિ જરૂરી છે. આજે પદ, મલાઈદાર પોસ્ટ અને ગુડબુકમાં રહેવાની હોડમાં પોલીસતંત્રમાં પણ હાજી હા કરવાની ટેવ પડી છે. જેમાં નિષ્ઠાવાન પોલીસ અધિકારી કામગીરી કરવા માગે તો પણ કરી શકતા નથી એ હકિકત છે.

પોલીસે રીતસરનું પ્રોટેક્શન પૂરૂ પાડ્યું

આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા તમામ વીડિયોમાં સ્પષ્ટ થઈ રહ્યું છે કે પોલીસે એબીવીપીને પ્રોટક્શન આપ્યું હોય તેમ હાથમાં લાકડીઓ લઇને ફરતા યુવકોને કોઈ ના ફટકારે એની ભરપૂર કાળજી લીધી હતી. હુમલા બાદ છેક એબીવીપીના કાર્યાલય સુધી સહિ સલામત મૂકી આવી હતી. વાંક માત્ર એબીવીપીનો નથી એનએસયુ આઈએ પણ જેએનયુ વિરોધમાં એબીવીપીના કાર્યાલય સમક્ષ વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરી ઘણા સમયથી એબીવીપી અને એનએસયુઆઈ વચ્ચે ચાલી રહેલા વિરોધને ચિનગારી આપી હતી. જેનો પડઘો આજે પડ્યો છે. એનએસયુઆઈએ સ્પષ્ટ કર્યું હતું કે, કોઈ ઘર સુધી ઘૂસી આવે ત્યાં સુધી રાહ જોવીએ કાયરતા છે. આ નવુ હિન્દુસ્તાન છે, જેવી રીતે સર્જિકલ સ્ટ્રાઇક થઇ તેવી રીતે જડબાતોડ જવાબ આપવામાં આવશે.’ એમનો તર્ક એબીવીપીની કામગીરીને આધારે સાચો હશે પણ જે પણ ઘટના ઘટી અને કાયદો હાથમાં લેવાયો છે એ બાબતે ગુજરાત પોલીસે હવે તો સબક મળે તેવી કામગીરી કરવાની જરૂર છે. ભલે કોઇ પણ ચમરબંધી એનએસયુઆઈ કે એબીવીપીનો હોય પણ પોલીસે એ સાબિત કરવાની જરૂર છે કે અમે છીએ. ગૃહમંત્રીએ આ બાબતે તપાસના આદેશો તો કરી દીધા પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો આધારે પોલીસ કાર્યવાહી નહીં કરી શકે એ સૌ કોઈ જાણે છે. જે પોલીસે લાકડીઓ લઇને ફરતા યુવકોને પ્રોટેક્શન આપ્યું હોય તેવી કામગીરી કરી છે એ પોલીસની આગળની કાર્યવાહીમાં શું વળશે એ ગુજરાતની પ્રજા સારી રીતે જાણે છે.

સામસામે થઈ ફરિયાદો

ભાજપના યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને પૂર્વ પ્રમુખ પ્રદીપસિંહ વાઘેલાની હાજરીમાં જ મારામારી થઈ હતી. એબીવીપીના એક પણ આક્ષેપમાં એ તથ્ય નથી કે એબીવીપીના કાર્યાલય પર પથ્થરમારો થયો હતો. એબીવીપીનું કાર્યાલય એ એ ગલીમાં આવેલું છે જ્યાં એનએસયુઆઈના કાર્યકરો પહોંચ્યા પણ ન હતા. પોલીસ પણ આ બાબતે સમર્થન આપી રહી છે કારણ કે પોલીસનો અહીં બંદોબસ્ત હતો. એબીવીપીના કાર્યાલય પર મીડિયા સાથે પણ બદસલૂકી થઈ હતી. આજે સામસામે ફરિયાદો બાદ પોલીસ આ બાબતે કાર્યવાહી કરશે પણ આ જમ ઘર ભાળી ગયો હોય તેવી ઘટના છે. ગુજરાતમાં ભાગ્યે જ આ પ્રકારની ઘટના ઘટે છે પણ આજની ઘટના બાદ જે પ્રકારે છૂટછાટો મળી છે એ જોતાં આગામી દિવસોમાં પણ ઘર્ષણના બનાવો વધે તો નવાઈ નહીં. હાથમાં દંડાઓ લઇને ફરતી અમદાવાદની પોલીસને આજે એ તાકાત ક્યાં ગઈ હતી જે સમયે કેટલાક તત્વો દ્વારા એકબીજા પર રીતસરનો હુમલો કરી રહ્યાં હતા. આ અમે નહીં પણ આજે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો સ્પષ્ટ ચાડી ખાય છે કે પોલીસે રીતસરના આંખ આડા કાન કર્યા છે. આખરે વધુ સ્થિતિ ના બગડે એટલે લાઠીચાર્જ કરી ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.

પોલીસની સામે જ હુમલો થયો

NSUIના રાષ્ટ્રીય મહામંત્રી નિખિલ સવાણીને પોલીસની હાજરીમાં જ માથામાં પાઇપ મારવામાં આવી છતાં પોલીસે પાઇપ મારનાર ABVPના કાર્યકરની ધરપકડ કરી નથી. તેમજ પોલીસ મારા મારી કરી લીધા પછી ABVPના કાર્યકરોને પોલીસ જ બચાવીને લઈ ગઈ હતી. જો સામાન્ય માણસ રોડ પર કોઈને મારે તો તાત્કાલિક પકડીને ગુનો નોંધી ધરપકડ કરે છે. આ તેમની સામે જ ઘટના બની છતાં કોઈની ધરપકડ કરી નથી.

રાજકારણી બનવાનું પ્રથમ પગથિયું

એબીવીપી હોય કે એનએસયુઆઇ ભવિષ્યના નેતા અને રાજકારણી બનવાનું જાણે આ પ્રથમ પગથિયું ગણાય છે. ત્યારે પ્રથમ પગથિયામાં જ રાજકારણના દરેક રંગ જોવા માટે જાણે બંને સંગઠનોના કાર્યકરો આતુર હોય તેવી રીતે તેમાં રાજકારણ પણ આવે અને હિંસા પણ આવે આવા જ દ્રશ્યો જોવા મળ્યા અહિંસાની ભૂમિ ગણાતા ગુજરાતના અમદાવાદમાં જોવા મળ્યા હતા. હાથમાં દંડા અને ઘાતક હથિયારો સાથે હુમલો કરવામાં આવ્યો હતો. હવે આગામી દિવસો ગુજરાતે કેવા જોવા પડશે એ તો આગામી સમય જ બતાવશે પણ હવે રાજનીતિએ જુદા રંગે રંગાઈ છે એ હકિકત છે.

Related posts

મુંબઈમાં કોરોના પોઝીટીવ કેસ વધુ હોવા બાબતે MCGM એ કર્યો આ ખુલાસો

Nilesh Jethva

યુપીમાં કોરોના સંક્રમિત 410 દરદીઓમાંથી અડધે અડધા તબલીગી જમાતના, 39,857 લોકો વિરૂદ્ધ FIR કરાઈ

Mayur

અમે તો રાહુલ ગાંધીની સલાહ પર થઈ ગયા હતા એલર્ટ : કરી દીધા વખાણ, આ રાજ્યમાં છે માત્ર 18 કેસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!