GSTV

BUDGET 2020 : કીડીને કણ ને હાથીને મણ જેવું

નાણાં મંત્રી નીતિન પટેલે રૂા. ૨,૧૭,૨૮૭ કરોડના કદનું બજેટમાં ખેડૂતો, કોલ્ડ સ્ટોરેજના માલિકો, ૩૦ લાખથી વધુ દુકાનદારો અને પ્રોફેશનલ્સને અંદાજે રૂા. ૩૩૦ કરોડની વીજકરની રાહત આપતું અને રૂા. ૬૦૫ કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું છે. ૨૦૧૯-૨૦ના વર્ષના અંદાજપત્રની તુલનાએ ૨૦૨૦-૨૧ના વર્ષના બજેટના કદમાં રૂા.૧૨,૪૭૨ કરોડનો વધારો થયો છે. આજના બજેટના માધ્યમથી ખેડૂતો, પ્રોફેશનલ્સ, ધર્મગુરુઓને ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમ જ કોઈપણ નવા વેરા ન નાખીને આમજનતાને ખુશ રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. બીજીતરફ કોલ્ડસ્ટોરેજ, ધર્મસ્થાનકો અને દુકાનદારો તથા પ્રોફેશનલ્સને વીજબિલ પર લેવાતા વીજકરમાં કુલ મળીને અંદાજે રૂા. ૩૨૫ કરોડની રાહત આપવામાં આવી છે.

૫૩૮૮.૫૨ કરોડની પુરાંત રહેવાનો અંદાજ મૂકવામાં આવ્યો

૨૦૧૯-૨૦ના વર્ષના સુધારેલા અંદાજમાં રૂા.૨૮૫.૧૨ કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. પરંતુ વર્ષને અંતે રૂા.૫૩૮૮.૫૨ કરોડની પુરાંત રહેવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. લાંબા ગાળાના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરતાં આ બજેટમાં રૂા. ૧,૩૩,૨૮૩.૪૬ કરોડનો વિકાસલક્ષી ખર્ચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેની સામે બિનવિકાસલક્ષી ખર્ચ અંદાજે રૂા. ૮૦,૪૦૧.૪૫ કરોડનો રહેવાનો અંદાજ છે. ૨૦૨૦-૨૧ના નાણાંકીય વર્ષમાં મહેસૂલી આવક ૨૦૧૯-૨૦ની તુલનાએ ૮.૪૨ ટકાના વધારા સાથે રૂા. ૧,૬૨,૪૪૭.૪૬ કરોડની થવાનો અંદાજ છે. ૨૦૧૯-૨૦ના વર્ષમાં મહેસૂલી આવક રૂા. ૧,૪૯,૮૨૪.૪૫ કરોડની થઈ હતી.

ખેડૂતોને વ્યાજમુક્ત ધિરાણ મળશે

ખેડૂતોને વ્યાજ રહિત ધિરાણની વ્યવસ્થાને આગળ ધપાવવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાના ઇરાદા સાથે જ કોલ્ડસ્ટોરેજના વીજકરમા રાહત આપવામાં આવી છે. તેમ જ ખેડૂતોને વ્યાજ મુક્ત ધિરાણ મળે તે માટે નાણાં મંત્રીએ રૂા. ૧૦૦૦ કરોડની જોગવાઈ કરી છે. રાસાયણિક ખાતર વિનાની ખેતી એટલે કે કુદરતી કે ઓર્ગેનિક ખેતી કરનારા ખેડૂતોને ખાસ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

વિજદરમાં મસમોટી રાહત

ખેડૂતોનો ગોદામ બનાવવા માટે એકમદીઠ રૂા. ૩૦૦૦૦ની સહાય આપવાનું આયોજન કર્યું છે. ગોદામ બનાવવા માટે ખેડૂતોને એન.એ.ની પરવાનગી લેવામાંથી મુક્તિ પણ આપવામાં આવી છે. કોલ્ડસ્ટોરેજ માલિકોને વીજદરમાં રાહત આપી છે. આ જ રીતે દરેક પ્રોફેશનલ્સની ઑફિસના વીજબિલ પરના વીજકરમાં રાહત આપવામાં આવી છે. ધાર્મિક સ્થાનકોના વીજ બિલોમાં પણ ૧૦થી ૧૫ ટકાની રાહત આપવામાં આવી છે. ખેત પેદાશોની સાચવણી માટે બજાર સમિતિઓને ૫૦૦૦ મેટ્રિક ટન સુધીની ક્ષમતા ધરાવતા ગોદામો બનાવવા માટે સહાય આપવા રૂા. ૫૦ કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે. પશુપાલનને પ્રોત્સાહન આપવા માટે ગાય કે ભેંસ વિયાય તે પછીને મહિનામાં તેને માલિકને પશુદાણની ૧૫૦ કિલોની ખરીદીના ખર્ચમાં ૫૦ ટકા રહાત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શું મળ્યું શિક્ષણ અને મહિલા બાળ વિકાસને ?

કૃષિ સેક્ટર માટે રૂા.૭૪૨૩ કરોડની, શિક્ષણ વિભાગ માટે રૂા. ૩૧,૯૫૫ કરોડની, આરોગ્ય વિભાગમાં ૧૧,૨૪૩ કરોડની ફાળવણી કરીને સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ બજેટના માધ્યમથી જળસંપત્તિ, પશુપાલન, ગ્રામીણ અને શહેરી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓના પ્રવેશને મુદ્દે ચાલતો વિવાદ અઢી વર્ષથી ન શમતો હોવાથી ગુજરાત સરકારે ગુજરાત રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓમાં મળીને ૫૦૦થી વધુ ઉત્તમ શાળાઓ નિર્માણ કરવાનું બીડું ઝડપ્યું છે. આ માટે રૂા. ૨૫૦ કરોડની ફાળવણી પણ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ માટે રૂા. ૩૧૫૦ કરોડની ફાળવણી કરવા ઉપરાંત રણમાં કામ કરતાં લોકોના બાળકો માટે આંગણવાડી બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ રીતે શહેરી વિસ્તારના મતો કરતાં ગ્રામીણ વિસ્તારના મતો પર ફોકસ કરીને પગલાં લેવામાં આવી રહ્યા છે. અગરિયાઓના હિતમાં આ પગલાં લેવામાં આવી રહ્યા છે.

 • 2019-20માં 63,341 કરડોની જોગવાઈમાં વધારો કરી 2020-21ના બજેટમાં
 • મહિલા સશક્તિકરણની 833 યોજના સાથે 78,418 કરોડનું જેન્ડર બજેટ
 • 202 યોજના સંપૂર્ણ મહિલાલક્ષીઃકુંવરબાઈનુ મામેરૂં યોજનામાં સહાય 10 હજારથી વધારી 20 હજાર અને  વિધવા સહાય વધારી 1250 રૂપિયા કરાઈ
 • સરકારે મહિલાઓને આવરી લેતી વિવિધ યોજનાઓ સાથેના જેન્ડર બજેટમાં આ વર્ષે વધારો કર્યો છે. મહિલા સશક્તિ કરણની ૮૩૩ યોજનાઓ સાથે ૭૮,૪૧૮ કરોડનું જેન્ડર  બજેટ મંજૂર કરાયુ છે. જેમાં  ૨૦૨ યોજનાઓ સંપૂર્ણ મહિલાલક્ષી છે.

ગુજરાત સરકાર દ્વારા ૨૦૧૪-૧૫થી ઓવરઓલ બજેટમાં જેન્ડર બજેટનો પણ સમાવેશ કરાયો છે અને જેમાં મહિલા વિકાસલક્ષી નાણાકીય ફાળવણી કરવામા આવે છે. ૨૦૨૦-૨૧ના જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની ૮૩૩ યોજનાઓને આવરી લેવાઈ છે અને જેન્ડર બજેટ સ્ટેટમેન્ટમાં રૂ.૭૮,૪૧૮.૪૮ કરોડની જોગવાઈ કરવામા આવી છે. ગત વર્ષે રૂ.૬૩,૩૪૧.૦૭ કરોડની જોગવાઈ કરવા આવી હતી ત્યારે  આ વર્ષે સરકારે જેન્ડર બજેટમાં વધારો કર્યો છે.

મહિલાલક્ષી યોજનાઓ અને નાણાકીય જોગવાઈ 

 • કન્યા કેળવણી માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનામાં ૨૦.૯૯ કરોડ
 • ધો.૮ સુધીની આદિજાતી કન્યાનો ડ્રોપઆઉટ દર ઘટાડવા અને પ્રવેશ વધારવા અન્ન સંગમ યોજનામાં ૬૮ કરોડ
 • ધો.૧૦ અને ૧૨ની કન્યાઓને બોર્ડની પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવા ૪૧.૦૮ કરોડ
 • ધો.૯થી૧૨ની વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે શિક્ષણ માટે રૂ.૧૭.૩૫ કરોડની જોગવાઈ
 • ધો.૯ની વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજનામાં ૯૯.૫૦ કરોડ
 • સગર્ભા મહિલાઓ માટેની કસ્તુરબા પોષણ સહાય યોજનામાં ૮૪.૪૮ કરોડની જોગવાઈ
 • કિશોરીઓના પોષણ વિકાસ માટે સબળા યોજનામાં ૩૭.૩૦ કરોડ

શું કહ્યું મુખ્યમંત્રીએ ?

 • નાણામંત્રીએ રજૂ કરેલા બજેટને મુખ્યમંત્રીએ આવકાર્યુ
 • 2020 નું બજેટ ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવશે : મુખ્યમંત્રી રૂપાણી
 • – આ બજેટ કીડીને કણ ને હાથીને મણ જેવું સૌનો વિચાર કરીને બનાવવામાં આવ્યું

બજેટ ખેડૂતલક્ષી

રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને નાણામંત્રી નીતિન પટેલે રજૂ કરેલા વર્ષ ૨૦૨૦ના બજેટને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકાર્યુ હતું અને કહ્યું હતું કે આ બજેટ ગુજરાતને ઉત્તમમાંથી સર્વોત્તમ બનાવનારું છે. આ બજેટ કીડીને કણ ને હાથીને મણ જેવું અને સૌનો વિચાર કરીને બનાવવામાં આવ્યું છે.મુખ્યમંત્રીએ આ બજેટ કિસાન હિતલક્ષી બજેટ ગણાવતા કહ્યું કે ખેડૂતો માટે ફર્ટીલાઇઝરથી ખેડૂતો દૂર થાય પ્રાકૃતિક ખેતી કરે ગાય અને ગાય દ્વારા ખેતી જે ખેડૂત કરે તેને દર મહિને રૂ. ૯૦૦ ગાયના નિભાવ માટે આપવામાં આવશે. ખેડૂતો પોતાના માલની જાળવણી માટે ખેતરમાં પોતે ગોડાઉન બનાવે તેને રાજ્ય સરકાર રૂ. ૩૦ હજાર સહાય આપશે. એ.પી.એમ.સી.માં ખેડૂતોનો માલ-ઉત્પાદન બહાર પડયા ન રહે, બગડી ન જાય તે માટે એ.પી.એમ.સી.ને પ૦૦ મેટ્રિક ટન કેપેસિટીના ગોડાઉન બનાવવા રાજ્ય સરકાર સહાય આપશે તેમજ પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજ્યમાં કાર્યરત છે.

10 હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર

શહેરી ગરીબોને આરોગ્ય સુવિધા મળી રહે તે માટે ૧૦ હજારની વસ્તીએ એક અર્બન હેલ્થ સેન્ટર કાર્યરત કરીને આ અર્બન હેલ્થ  સેન્ટરમાં એમ.બી.બી.એસ. કે આયુષ ડોકટર દ્વારા વિવિધ આરોગ્યલક્ષી સેવાઓ પૂરી પાડવા આવા અર્બન હેલ્થ સેન્ટરની રચના માટે રૂ. ૮૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે તેમ જણાવ્યું હતું. ઇન્ફ્રાટ્રકચર ડેવલપમેન્ટમાં કઇ કચાશ ન રહે તે માટે સ્માર્ટ ટાઉન શહેરો વચ્ચે જનલક્ષી સુવિધાઓ વિકસાવવા માટે સ્પર્ધાત્મક વાતાવરણનું નિર્માણ થાય તે માટેની યોજનાની પણ સરાહના કરી હતી.  તેમણે સ્વચ્છ ગુજરાત-પ્લાસ્ટિક મુકત ગુજરાત બનાવવા સ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલ શહેરોમાં ફરીને પ્લાસ્ટિક વીણવાનું કામ કરનાર રેગપિકર્સ શ્રમજીવીઓને સહાય અને અન્ય કામો માટે રૂ. પ૬ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

બજેટમાં જાહેર થયેલી વ્યક્તિલક્ષી યોજનાઓ

લાભાર્થીયોજનાનો લાભ
ખેડૂતખેતરમાં ગોડાઉન બનાવવા રૂ. ૩૦ હજારની સહાય, બાંધકામ માટે એન.એ.થી મુક્તિ
ખેડૂતગાયદીઠ માસિક રૂ. ૯૦૦ની સહાય
ખેડૂતહળવા ભારવાહક વાહન માટે રૂ. ૫૦થી ૭૫ હજારની સહાય
ખેડૂતખેતઉત્પાદનો રેલવે સ્ટેશન કે એરપોર્ટ સુધી પહોંચાડવા સહાય
ખેડૂતબાગાયતી પાકના મૂલ્યવર્ધન માટે તાલીમ
ખેડૂતદિવસ દરમિયાન વીજપુરવઠો પૂરો પાડવા નવી દિનકર યોજના
ખેડૂતખેતપેદાશોના રક્ષણ માટે બજાર સમિતિઓને ગોડાઉન બનાવવા સહાય
પશુપાલકગાય-ભેંસદીઠ પશુના વિયાણ દરમિયાન એક કિલો પશુદાણની ખરીદી પર ૫૦ ટકાની સહાય
લારીવાળા-નાના વ્યવસાયકારલારીઓમાં રાખવામાં આવતી વસ્તુઓના રક્ષણ માટે મોટી છત્રી
નાના માછીમારબોટ સેફ્ટી સાધન વસાવવા સહાય
નાના માછીમારફીશીંગ બોટ, ૨ સ્ટ્રોક અનને ૪ સ્ટ્રોક એન્જીન ખરીદવા સહાય
ખાંડમંડળીના સભાસદનબળી કે બંધ સહકારી ખાંડ ફેક્ટરીઓનું સદ્ધર મિલો સાથે જોડાણ માટે સહાય
ખેડૂત જૂથના સભ્યકેનાલમાંથી માઇક્રો ઇરિગેશન કરનારા ખેડૂત જૂથોને પીયાવાના દરમાં ૫૦ ટકા રાહત
શહેરી નાગરિકોદર દસ હજારની વસતિએ એક અર્બન હેલ્થ સેન્ટરની રચના
અગરિયા કુટુંબના બાળકોસુરેન્દ્રનગર જિલ્લાના ૧૫૦૦ અગરિયા કુટુંબો માટે ત્રણ આંગણવાડી
અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૧થી ૮માં અભ્યાસ કરતા કુમારો અને ધોરણ ૧થી પમાં અભ્યાસ કરતી કન્યાઓને રૂ. ૭૫૦ની શિષ્યવૃત્તિ અને અને રૂ. ૬૦૦ની ગણવેશ સહાય
અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના યુગલસમૂહલગ્ન કરાવનારી સંસ્થાઓને યુગલદીઠ રૂ. ૩૦૦૦ અને યુગલોને રૂ. ૧૨,૦૦૦ની સહાય
નિરાધાર વૃદ્ધ૭૫થી વધુની વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂ. એક હજારનું પેન્શન
વૃદ્ધાશ્રમવાસીવૃદ્ધાશ્રમના માસિક નિભાવની ગ્રાન્ટ વધારી રૂ. ૨૧૬૦ કરાઇ
માનસિક દિવ્યાંગ૮૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને સહાયમાં વધારો કરી રૂ. ૧૦૦૦ કરાઇ
છાત્રાલયવાસી અનુ જાતિ અને  વિકસતિ જાતિના વિદ્યાર્થીઓભોજન બિલ પેટે માસિક રૂ. ૧૫૦૦ની સહાય
છાત્રાલયવાસી અનુ જનજાતિના વિદ્યાર્થીઓભોજનબિલ પેટે માસિક રૂ. ૧૫૦૦ની સહાય
છાત્રાલયવાસી બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓભોજનબિલ પેટે માસિક રૂ. ૧૫૦૦ની સહાય
ગ્રાન્ટેટ છાત્રાલયો અને આશ્રમશાળાના અનુ જનજાતિના વિદ્યાર્થીઓછાત્રાલયોને છાત્રદીઠ માસિક રૂ. ૨૧૬૦ની સહાય
આદિજાતિના ઉદ્યમીરોજગારના હેતુ માટે છ ટકાના વ્યાજદરે લોન
મહિલા ઉત્કર્ષ જૂથ સભ્યશૂન્ય ટકાના વ્યાજદરે રૂ. એક લાખ સુધીની લોન
ગ્રામીણ બહેનોઅનાજ-મસાલા દળવાની ઘંટી ખરીદવા સહાય
ગ્રામીણ કુટુંબબાથરૂમની સુવિધા ઉભી કરવા રૂ. પાંચ હજારની સહાય
શ્રમજીવીસ્વચ્છતાની કામગીરી સાથે જોડાયેલા રેગપિકર્સને સહાય
આર્થિક પછાત નાગરિકોશહેરી વિસ્તારમાં આવાસની ખરીદીમાં રૂ. એક લાખની સહાય
બાંધકામ શ્રમિકઅમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના શ્રમિકોને કામના સ્થળે સિટી બસ મારફતે જવામાં સહાય
બાંધકામ શ્રમિકયુ-વીન કાર્ડધારકોને રૂ, દસના દરે ભોજન
વન અધિકાર કાયદાના લાભાર્થીઆંબા, કાજુ અને માનવેલ બામ્બુના રોપ વિનામૂલ્યે આપવાની યોજના
રોજગાર વાંચ્છુક યુવાનોવિવિધ સંવર્ગની ૧૧ હજાર નવી યોજનાઓ
જાહેર વિતરણ વ્યવસ્થારાહતદરે અપાતા અનાજમાં ઉમેરો કરી પહેલીવાર તુવેરદાળનું વિતરણ
પત્રકારોમાન્યતા ધરાવતા પત્રકારોને કુદરતી અવસાનના કિસ્સામાં એક લાખ રૂપિયાનું વીમાકવચ
વકીલોબાર કાઉન્સિલ ઓફ ગુજરાતના વકીલોના વેલ્ફેર માટે અનુદાન
વિદેશના એન.આર.જી. યુવાનોએન.આર.જી. યુવાનો વતનની મુલાકાતે આવતા રહે તે  માટે અલગ-અલગ પ્રવૃત્તિઓનું આયોજન
 • સગર્ભા અને ધાત્રી માતાઓ માટે દુધ સંજીવની યોજનામાં ૨.૨૯ કરોડ
 • કિશોરીશક્તિ યોજના-પૂર્ણા યોજનામાં ૧૪૦.૩૭ કરોડ
 • મહિલા શ્રમિકોને પ્રસુતિ સમયે સહાય માટે ૧.૫૦ કરોડ
 • પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં મહિલા દીઠ રૂ.૫૦૦૦ની સહાય માટે ૨૦.૮૫ કરોડ 
 • સ્વ સહાય જુથની બહેનોને પગભર કરવા મિનિ રાઈસમીલ કમ ફ્લોર મિલ સહાય તરીકે આપવા ૭ કરોડ 
 • મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનામાં પ્રત્યેક જુથને એક લાખની લોન સહાય માટે ૧ કરોડ 
 • મહિલા બાંધકામ શ્રમિકોના મુસાફરી માટે વાર્ષિક પાસની રકમમાં સરકારી ફાળવો વધારી ૫૦ કરોડની જોગવાઈ
 • મહિલાઓને બાગાયતી તાલીમ માટે રૂ.૫૦૦ સ્ટાઈપેન્ડ આપવા ૨.૯૨ કરોડની જોગવાઈ
 • કુંવરબાઈ મામેરૂ યોજનામાં સહાય ૧૦ હજારથી વધારી ૨૦ હજાર કરાઈ
 • સાતફેરા સમુહ લગ્ન યોજનમાં સહાય ૧૦ હજારથી વધારી ૧૨ હજાર કરાઈ-૧૭.૧૩ કરોડની જોગવાઈ
 • દિકરી જન્મદરમા વધારો કરવા વ્હાલી દિકરી યોજનામાં ૫૦ કરોડ
 • જાહેર સ્થળે મહિલા ,બાળ અને વૃદ્ધોની સુરક્ષા માટે વિવિધ સુવિધા ઉભી કરવા  ૬૨.૭૪ કરોડની જોગવાઈ
 • આશા બહેનોને હવે યુનિફોર્મ તરીકે સાડી આપવા ૪.૦૯ કરોડની જોગવાઈ
 • વિધવા સહાય  યોજનાનું નામ  ગંગા સ્વરૂપા સહાય કરાયુ-સહાય વધારી ૧૨૫૦ કરાઈ, જોગવાઈ ૫૦૦ કરોડ
 • હિંસા પીડિત મહિલાની સુરક્ષા માટે અભયમ મહિલા હેલ્પલાઈન યોજનામાં ૧૨.૪૩ કરોડ 

યાત્રાધામોના વિકાસ માટે રૂા.147કરોડ ફાળવાયાં

સોમનાથ-દ્વારકાની એક દિવસમાં મુલાકાત લઇ શકાય તે માટે વિમાની સેવા શરૂ કરવા સરકારનો નિર્ણય

રાજ્ય સરકારે ગુજરાતના ધાર્મિક,ઐતિહાસિક અને પૈારાણિક યાત્રાધામોમાં પ્રવાસીઓને વિવિધ સુવિધા મળી રહે તે માટે બજેટમાં રૂા.૧૪૭ કરોડની જોગવાઇ કરી છે. રાજ્ય સરકારે બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદશ કરતું મ્યુઝિયમ બનાવવામાટે રૂા.૧ કરોડ ફાળવ્યા છે. આ ઉપરાંત યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તે માટે રૂા.૧૭કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

મંદિરો સહિતના યાત્રાધામના વિકાસ માટે 30 કરોડ રૂપિયા ફાળવાયા

ગુજરાતમાં છ મહત્વના યાત્રાધામો અને અન્ય મંદિરોના વિકાસ માટે સરકારે રૂા.૩૦ કરોડની જોગવાઇ કરી છે. હજારો શ્રધ્ધાળુઓ ઐતિહાસિક-પૌરાણિક મંદિરોએ જાય છે ત્યારે સરકારે આ યાત્રાધામોએ જતાં પ્રવાસીઓને વિવિધ સુવિધાઓ મળે તે માટે ખાસ ધ્યાન આપ્યુ છે. સુરત જિલ્લામાં મહુવા તાલુકામાં આદિવાસીઓના આસ્થાના સ્થાન અનાવલ,કાવેરો-કાવેરી અને સરસ્વતી નદીના ત્રિવેણી સંગમમાં વિવિધ સુવિધાઓના કામો માટે રૂા.૧૦ કરોડ ફાળવવામાં આવ્યાં છે.

બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદશ્ય કરતું ભવ્ય મ્યુઝિયમ બનાવાશે

બેટ દ્વારકા અને ઓખાને જોડતા અરબી સમુદ્ર પર ૪.૫ કિમી લાંબો ચાર માર્ગિય સિગ્નેચર બ્રિજની કામગીરી રૂા.૯૬૨ કરોડના ખર્ચે પ્રગતિમાં છે.રાજ્ય સરકારે બજેટ રજૂ કરી એવી જાહેરાત કરી છેકે, બેટ દ્વારકામાં કૃષ્ણલીલા તાદશ કરતું મ્યુઝિયમ બનાવવામાં આવશે તે માટે રૂા.૧ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.  ઉડાન યોજના હેઠળ નાના શહેરોને ય એર કનેક્ટીવીટીથી જોડવામાં આવશે. સોમનાથ અને દ્વારકાની એક જ દિવસમાં મુલાકાત કરી શકાય તે માટે વિમાની સેવા શરૂ કરવામાં આવનાર છે. આ કાર્ય માટે સરકારે રૂા.૧ કરોડની ફાળવણી કરી છે.

READ ALSO

Related posts

CORONAના ફફડાટ વચ્ચે સારા સમાચાર એ છે કે 102 દર્દીઓ સાજા થયા : દેશમાં ગુજરાતનો રેકોર્ડ ખરાબ, 6નાં મોત, 1 રિકવર અને 69 કેસ

Karan

ઓ બાપ રે… જો આ વ્યક્તિની ભવિષ્યવાણી અમેરિકા માટે સાચી પડી તો ટ્રમ્પની સત્તા હચમચી જશે, ભારત આવવાનો પણ નહીં થાય ફાયદો

Karan

અમદાવાદમાં ધાબા પર એકઠા થયેલાં શખ્સો સામે ગુનો દાખલ

Karan
Do NOT follow this link or you will be banned from the site!