મોરવા હડફ પેટા ચૂંટણી પ્રચારના અંતિમ ચરણમાં ભાજપ દ્વારા મત વિસ્તારમાં ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી. ત્યારે અહીં શરમજનક વાત એ હતી કે ભાજપની આ બાઇક રેલીમાં કોરોનાની વિકટ સ્થિતી હોવા છતાં કેટલાંક કાર્યકરો માસ્ક વિના નજરે પડ્યાં હતાં. ભાજપની રેલીમાં કોરોનાની તમામ ગાઈડલાઈનને નેવે મૂકીને અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર કરાયો હતો. ત્યારે અહીં સવાલ એ થાય છે કે જો આ પ્રકારે કદાચ કોઈના લગ્નપ્રસંગનો વરઘોડો હોત તો તંત્ર કેટલી કડકાઇપૂર્વક પગલાં ભરે. પરંતુ ભાજપની રેલી હોવાથી તંત્ર દ્વારા કોઇ જ પગલાં ભરવામાં આવ્યાં ન હોતાં.

સુરતમાં સી.આર પાટીલની હાજરીમાં જ કોવિડ ગાઇડલાઇનનો ભંગ
સુરતમાં કોરોનાની સ્ફોટક સ્થિતી છે સૌથી વધુ મૃત્યુઆંક સુરતમાં નોંધાઇ રહ્યો છે પરંતુ તેમ છતાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને ન તો ભાજપના કાર્યકરોની ચિંતા છે ન તો અન્ય લોકોની. તેમના માટે તો બસ ફોટો સેશન થવું જોઇએ. બસ આવું જ જોવા મળ્યું સુરતના રિંગ રોડ પર.

આંબેડકર જયંતિના પ્રસંગે સી.આર.પાટીલે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. હવે સી.આર.પાટીલ હાજર રહેવાના હોય એટલે સ્થાનિક ભાજપ નેતા મેયર અને ધારાસભ્યો હાજર રહે જ. આવાં કોરોનાના કપરા કાળમાં તમામે ફોટો સેશન કરાવ્યું. આ સમયે મોટા ભાગના લોકોએ માસ્ક તો પહેર્યાં હતાં પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ તો ક્યાંય જોવા ન મળ્યું.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખુદ હાઇકોર્ટના નિર્દેશ બાદ રાજકીય મેળાવડાં જાહેર કાર્યક્રમ પર પ્રતિબંધ મૂકેલો છે પરંતુ સીએમના આદેશને પણ ઘોળીને પી જનારા ભાજપ સંગઠનના આ નેતાઓ કોઇને ગાંઠતા જ નથી. પોલીસ પણ હાજર હતી પરંતુ પોલીસની હિંમત છે કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પોતે ખુદ કોરોનાની ગાઇડલાઇન અને સરકારના પ્રતિબંધોનો ભંગ કરતા હોય તો કોઇ કાર્યવાહી કરે. પોલીસ તો માત્ર સામાન્ય જનતા પર દંડો ઉગામે છે. બાકી રાજ્ય પક્ષો સામે પોલીસ કર્મચારીઓ જાણે મુજરો કરતા હોય તેવાં દ્રશ્યો જોવા મળે છે.

મહેસાણામાં ભાજપે આંબેડકર જયંતીની ઉજવણી કરી કોવિડ ગાઇડલાઇનનો ભંગ કર્યો
ભાજપના નેતાઓ ફરી વાર કોવિડ ગાઈડલાઈનનું ભાન ભૂલી ગયા છે. આ બાજુ મહેસાણામાં પણ કોરોના સંક્રમણની ગંભીર સ્થિતિ હોવા છતાં અને હાઈકોર્ટની ટકોર બાદ પણ ભાજપના નેતાઓએ બેફામ બનીને બાબાસાહેબ આંબેડકર જયંતીની ઉજવણી કરી. હાઈકોર્ટેની ટકોર બાદ રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારના જાહેર કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ આપ્યો છે. તેમ છતાં મહેસાણા ભાજપે તેનાથી ઉપર જઈને આંબેડકર જયંતીની ઉજવણી કરી અને કોવિડ નિયમના ધજાગરા ઉડાડ્યાં. જો કે, પોલીસ પણ મૂકપ્રેક્ષક બનીને આ બધું જોઇ રહી હતી.

ડભોઈમાં પણ કાર્યક્રમ યોજી ભાજપે રીતસરના કોવિડ નિયમોના ધજાગરા ઉડાડ્યાં
રાજ્યમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર છે છતાં હજુ પણ ભાજપના નેતાઓ બેફામ બની રહ્યાં છે. જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ હોવા છતાં સરકારના આદેશોને અવગણીને ભાજપના નેતાઓએ લાજ-શરમ નેવે જાહેરમાં ઉજવણી કરી રહ્યાં છે. ડભોઈમાં ખેતીવાડી બજાર સમિતિ પાસે આવેલા બાબાસાહેબની પ્રતિમા પાસે ભાજપ જિલ્લાના હોદ્દેદારોએ કાર્યક્રમ યોજી રીતસરના કોવિડ નિયમોના ધજાગરા ઉડાડ્યાં છે.

જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલ, ડૉ. બી.જે.બ્રહ્મભટ્ટ, જિલ્લા મહામંત્રી શશીકાંત પટેલ સહિતના હોદ્દેદારોએ ભીડ ભેગી કરીને આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરીને કેક કાપી હતી. માત્ર એટલું જ નહીં લોકોને સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું. જાણે નિયમો પાળતા હોય તેવો ડોળ કરીને માસ્ક-સેનેટાઈઝરનું વિતરણ કરીને બીજાને નિયમો પાળવાનું શિખવડવાના તાયફા કર્યાં.

જાહેરમાં આવું આયોજન ન થવું જોઇએ : કિરીટ સોલંકી
જેથી વડોદરા ભાજપના નેતા દ્વારા જાહેરમાં જન્મ દિવસ ઉજવવા તેમજ મોરવા હડફમાં ભાજપના નેતાઓ દ્વારા બાઇક રેલી યોજી કોરોનાની ગાઇડલાઇન્સનું ઉલ્લંઘન કરવા મુદ્દે કિરીટ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે, ‘મારી ૫૦ વર્ષની તબીબી કારકિર્દીમાં કોરોના જેવી ભયંકર મહામારી મે જોઇ નથી. આ અસામાન્ય મહામારીમાં સરકાર દ્વારા જે કોઇ નિર્દેશ આપવામાં આવે તેનું યોગ્ય પાલન કરવું જોઇએ. કોઇ એક વ્યક્તિએ શું કર્યું તેના બદલે કરોડો લોકોએ શું કર્યું તેનું ધ્યાન લેવું જોઇએ.’ કિરિટ સિંહે કહ્યું કે, ‘જાહેરમાં આવું આયોજન ન થવું જોઇએ. કોરોનાની ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઇએ.’
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- જાણો બાફેલા દેશી ચણા ખાવાના ફાયદા, દિવસમાં એક વખત ભોજનમાં કરો સામેલ
- તમાલપત્રની મદદથી દરેક મનોકામના પૂર્ણ થશે, આજે જ કરો આ ઉપાયો
- ઓડિશા રેલવે અકસ્માત / રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ ઘટનાસ્થળે પહોંચીને માહિતી લીધી, જાણો વિપક્ષના સવાલ પર શું કહ્યું
- BSF / બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં ભરતી માટે કઈ લાયકાત છે જરૂરી? ઉમેદવારની પસંદગી કેવી રીતે થાય છે?
- ઓડિશામાં રેલવે દુર્ઘટનાના પગલે મુખ્યમંત્રીએ એક દિવસનો રાજકીય શોકની કરી જાહેરાત, ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદ્ઘાટન સમારોહ રદ