GSTV
Home » News » EXCLUSIVE : મગફળી કૌભાંડ મુદ્દે GSTVનો સૌથી મોટો ખુલાસો, જુઅો વીડિયો

EXCLUSIVE : મગફળી કૌભાંડ મુદ્દે GSTVનો સૌથી મોટો ખુલાસો, જુઅો વીડિયો

આ 17 સેકન્ડનો વીડિયો આખેઆખા મગફળી કૌભાંડની પોલ ખોલે છે. મગફળીના ગોડાઉનો કેમ સળગે છે એ સવાલ ખેડૂતથી લઇને આમ જનતા સુધી બધાને પરેશાન કરી રહ્યો છે. સીઆઈડી ક્રાઇમને તેનું પગેરૂં મળતું નથી તો રાજ્ય સરકારને ગોડાઉનો બળવાનું કારણ સમજાતું નથી. પણ અમે તમને બતાવી રહ્યા છે એક એવો પુરાવો કે જે જોતા વેંત જ તમને બધુ જ સમજાઇ જશે. જી આ વીડિયો ખાય છે આખા મગફળી કૌભાંડની ચાડી.  કરોડો રૂપિયાના મગફળી કૌભાંડનો સાર આ વીડિયોમાં સમાયો છે. કૌભાંડને ઢાંકવા સળગાવાય છે હજારો ટન મગફળી. આ કૌભાંડમાં સહકારી મંડળીઓ, નાફેડના ભ્રષ્ટ અધિકારીઓ સહિત ઘણા બધાની સાંઠગાંઠ છે. આ વીડિયો આજે બપોરે જ લેવાયેલો છે. નાફેડ મગફળી ખરીદવા ટેન્ડરો બહાર પાડે છે અને વેપારીઓ તેને ખરીદવા માટે જોવા આવે છે, ત્યારે સેમ્પલ લે છે. પરંતુ આ શું. ધોરાજી જૂનાગઢ રોડ પર અંબિકા ઓઇલ મિલનું ગોડાઉન આવેલું છે, જે નાફેડે મગફળી મૂકવા ભાડે રાખેલું છે. આ ગોડાઉનમાં રખાયેલી મગફળી જુઓ. સારી મગફળી તો છે જ નહીં અને ઉપરથી તેમાં નર્યો કચરો અને માટી છે. આમ તો હજુ ય કાંઇ મોડું થયું નથી. જે મગફળી સળગી નથી તે ગોડાઉનોમાં ચેકિંગ થશે તો હજું પણ કૌંભાડીઓ પકડાઇ જશે. પણ આ ભ્રષ્ટાચાર રોકવા માટે સરકારની પણ ઇચ્છા શક્તિ જોઇએ. તો મગફળીમાં ભેળસેળનો વીડિયો સામે આવ્યા બાદ કોંગ્રેસના નેતા બાલેન્દુ વાઘેલાએ આ અંગે જીએસટીવી સાથે ટેલિફોનિક વાતચીતમાં આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો કર્યા છે.

કોંગ્રેસના આક્ષેપો

 • મગફળીની બોરીની અંદર ૧૦ થી ૩૭ ટકા સુધીની ભેળસેળ
 • પથ્થરો, માટી, રેતીની ભેળસેળ હોવાથી ગોડાઉનની તપાસ જરૂરી
 • અમુક મંડળીઓએ જૂની મગફળીઓને ભેળવી દીધી હોવાનો આક્ષેપ
 • લાભાર્થીઓ મૂળભુત ખેડૂતો નહીં પરંતુ વચેટીયા હોવાનો આક્ષેપ
 • મૂળભુત માલિકોને મગફળીના ૩૫૦ થી ૫૦૦ રૂ. ભાવ મળ્યો છે
 • વચેટિયાઓમાં મંડળીના હોદ્દેદારો, એપીએમસીના હોદેદારોએ ષડયંત્ર રચીને ખેડૂતો અને સરકાર બંનેને લૂંટયા હોવાનો આક્ષેપો
 • અધિકારીઓ સમગ્ર ઘટનાથી અજાણ ન હોઈ શકે
 • બંને ગોડાઉનમાં વેલ્ડિંગના તણખાથી આગ લાગવી વિચિત્ર
 • ગોડાઉન માલિક અને વેલ્ડિંગના કારીગરોને ફસાવીને બાકી બધા છૂટી જશે
 • ખેડૂતોને પૂરતો ભાવ મળ્યો નથી
 • ખેડૂતો અને લોકોએ આંદોલન ચલાવવું જોઇએ

વેપારીઓનું કહેવું છે કે, આ સાવ હલકી કક્ષાની મગફળી છે. જે ખોળમાં જ કામ આવે, ઓઇલ કાઢવાના કામમાં નહીં. ખેડૂતોનું કહેવું છે કે, નાફેડના અધિકારીઓ ને પણ ખુશ ન કરો તો તેઓ ગમે તેવો સારો માલ રિજેક્ટ કરી દે છે અને જો તેમને પણ નૈવેધ ચડાવો તો કચરો માલ પણ ઊંચા દામે લઇ લે છે. આથી જે ગોડાઉનોમાં માલ પડ્યો છે તેની ખરીદીમાં ક્યા અધિકારીની સહી છે અને તેની ગુણવત્તા અને ખરીદ કિંમતમાં તાલમેળ છે કે નહીં તેનું ઓડિટ કરાવે તો આખું કૌભાંડ બહાર આવે છે. મગફળી કૌભાંડમાં માત્ર સહકારી મંડળીઓ જ નહીં પણ સરકારી અધિકારીઓ અને નાફેડના ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ થાય એમ છે.

3,735 કરોડ રૂપિયા સરકારે ચૂંટણીને પગલે ફક્ત મગફળીની ખરીદી પાછળ ખર્ચ કર્યા : પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 1,500ની ખોટ : ટ્રાન્સપોર્ટેશન, એજન્સીનું કમિશન, ગોડાઉનનું ભાડું તો સરકાર ગાંઠના પૈસે ભરશે : પ્રજાના ટેક્સના પૈસા સરકારે વેડફી નાખ્યા : નાફેડના પણ પગતળે રેલો આવે તેવી આશંકા : ગોડાઉનો ધરાર ઉભા કરાયા

સીસીટીવી કેમેરા લાગતાં 30 હજાર ટન ખરીદાઈ

ગુજરાતમાં આઠ લાખ ટનની મગફળીની ખરીદી બાદ પણ ખેડૂતોએ ભાવની બુમરાણ પાડતાં સરકારે 2થી 3 લાખ ટનની ખરીદી માટે કેન્દ્ર પાસે પરમીશન માગી હતી. આ દરમિયાન જ ગોંડલમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાની અને નબળી ક્વોલિટીની મગફળી હોવાની બુમરાણો પડતાં કેન્દ્રએ શરૂઆતમાં ખરીદીની પરમીશન આપી ન હતી. આખરે એક લાખ ટન ખરીદીની મંજૂરી આપી હતી. જેમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવાના અને દરેક વાહનના નંબર, ખેડૂતના આધાર પૂરાવા સાથે ખરીદી કરવાનો નિર્ણય લેવાતાં એક લાખ ટનની મંજૂરી છતાં નાફેડે 30 હજાર ટનની જ ખરીદી કરી હતી. સીસીટીવી લાગતાં જ 70 હજાર ટનની મંજૂરી છતાં ખરીદી કરાઈ ન હતી. આમ ખેડૂતોની ભાવની બુમરાણ છતાં કેમ ખરીદી અટકી એ સૌથી મોટો સવાલ છે.

 આગ લાગવાનું મુખ્ય કારણ નબળી ક્વોલિટી તો નથી ને?

સરકાર આગ લાગવા અંગેના કારણોની તપાસ હાથ ધરી રહી છે. સરકારે ગોંડલની આગની ઘટનામાં સીઆઈડી ક્રાઇમને તપાસ સોંપી આગ કેવી રીતે લાગી તેની વિગતોની ચકાસણી કરાવી હતી. ખરેખર આગ કેવી રીતે લાગી કરતાં આગ લાગવાના કારણની તપાસ કરવાની જરૂર છે. ગોડાઉનમાં નબળી ક્વોલિટીની મગફળી ભરાયેલી તો નથી ને?. હવે નાફેડ આ મગફળીના વેચાણ માટે તૈયારી કરે તો પોલ ખુલે તેવી સંભાવનાને પગલે આગ લાગી રહી હોવાના ખેડૂતો સહિત કોંગ્રેસ પણ આક્ષેપો કરી રહી છે. સરકારને પણ હવે આશંકા છે. આગ લાગવાની ઘટનામાં કંઇક રંધાઈ રહ્યું હોવાની બૂ આવી રહી છે. કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ પણ આ ઘટનામાં તપાસના આદેશો કરી દીધા છે. આમ છતાં  આ તપાસ કાગળ પર રહી જવાની સંભાવના ખેડૂતોમાં ચર્ચાઈ રહી છે.

નાફેડ ગોડાઉનનો સરવે કેમ નથી કરતું

નાફેડ દ્વારા ગુજરાતમાં પાંચ એજન્સીઓ સાથે કોન્ટ્રાક્ટ કરી મગફળીની ખરીદી કરાઈ છે. આ વર્ષે સરકારે ચૂંટણીલક્ષી નિર્ણય લઇ મગફળીની ખરીદી કરાવતાં નાફેડ પાસે સંગ્રહ કરવા માટે ગોડાઉન જ ન હતા. આમ છતાં એજન્સીઓ દ્વારા ગોડાઉનો મેનેજ કરાયા છે. જેમાં સરકારે પણ રોલ ભજવી કલેક્ટરોને આ બાબતે ગોડાઉનો શોધવા લેખિતમાં આદેશો કર્યા હતા. આખરે ગોડાઉનો ધરાર ઊભા કરાયા છે. આ ખાનગી ગોડાઉનોમાં સરકારી મગફળી પડી છે. 3 ગોડાઉનમાં આગની ઘટનામાં રૂપિયા 23 કરોડની મગફળી ખાખ થઈ ગઈ હોવા છતાં નાફેડ દ્વારા અન્ય ગોડાઉનની કેમ ચકાસણી થતી નથી. મગફળીનું ખરેખર ક્વોલિટી રિવોલ્યૂશન કરવાની જરૂર છે. નાફેડે ખેડૂતો પાસેથી હવા- ભેજ અને કાંકરા અંગે નિયમોનુંસાર ખરીદી કરી છે. હવે ગોડાઉનોમાં મગફળીની સ્થિતિ શું છે તેની ખરેખર ચકાસણી કરવાની જરૂર છે. આગ લાગવાની ઘટનમાં મગફળીમાં માટી, કાંકરાના આક્ષેપો હોવા છતાં નાફેડ હાથ પર હાથ ધરીને કેમ બેઠી છે એક ચર્ચાતો સવાલ છે. મગફળીની સારી ક્વોલિટી ધરાવતી મગફળીને બદલે નબળી ક્વોલિટીની મગફળી ઘૂસાડાઈ હોવાના આક્ષેપો વચ્ચે નાફેડની ચૂપકીદી મોટા કૌભાંડની આશંકા તરફ આંગળી ચીંધી રહી છે. નાફેડે પણ આ બાબતે તાત્કાલિક એક્શન લેવાની જરૂર છે.

Related posts

આણંદની શ્રી ક્રૃષ્ણ હોસ્પીટલે બંગાળમા ડોક્ટરો સાથે થયેલી હિંસાનો અનોખી રીતે કર્યો વિરોધ

Nilesh Jethva

જેપી નડ્ડા 16 વર્ષની વયે રાજનીતિમાં પ્રવેશ્યા, વિદ્યાર્થી સંઘનાં નેતાથી લઇ ભાજપ કાર્યકારી પ્રમુખ સુધીની સફર…

Riyaz Parmar

કમલમ્ ખાતે ધમધમાટ: આવતીકાલે ગુજરાત પ્રદેશ ભાજપની બે પ્રકારની બેઠકો યોજાશે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!