GSTV
Business ટોપ સ્ટોરી

તહેવારોમાં ઝટકો : સીંગતેલના ડબાનો ભાવ 3000એ પહોંચશે, મગફળીના ભાવ 10 ટકા પણ ડબાના ભાવ 30 ટકા વધ્યા

સીંગતેલ

રાજ્યના માર્કેટયાર્ડો પર આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી સરકારે શરૂ કરી હતી પરંતુ, એક તરફ ટેકાના ભાવે મગફળી ખરીદતા સરકારી તંત્ર પાસે ખેડૂતોની સંખ્યા નહીવત્ હતી, લેશમાત્ર ધસારો ન્હોતો તો બીજી તરફ ખરીદ કેન્દ્ર નજીક આવેલા યાર્ડમાં મગફળી વેચવા બેબે કિલોમીટર લાંબી કતારો અને ભારે ધસારો જોવા મળ્યો હતો. બજારમાં મગફળીનો ભાવ ઊંચકાઈ રહ્યો છે. હાલમાં સિંગતેલની ચીનમાં માગ વધી છે. જેના કારણે ભાવ વધીને 1000ની ઉપરના થઈ ગયા છે. આજ સ્થિતિ રહી તો સીંગતેલના ડબ્બાનો ભાવ 2500નો ભાવ વટાવશે. આ મામલે સરકારે હવે ડુંગળીની જેમ મગફળીમાં પણ પ્રતિબંધો લગાવવા પડશે નહીં તો આગામી દિવસોમાં ડબાનો ભાવ 3000એ પહોંચી શકે છે.

સરકારની આ ખરીદી એક તો મોડી શરૂ થવા ઉપરાંત સરકારે નક્કી કરેલા પ્રતિ મણના રૂ।.૧૦૫૫ ટેકાના ભાવ સામે એની આસપાસના ભાવ અને સારી ક્વોલિટીની મગફળીના તો રૂ।.૧૨૦૦-૧૩૦૦ સુધીના ભાવ ખુલ્લા બજારમાં જ મળવા લાગતા ખેડૂતો સરકારી ટેકાનો ભરોસો છોડીને યાર્ડ તરફ વળી ગયાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

સૌથી વધુ મગફળી જ્યાં આવે છે તેવા સૌરાષ્ટ્રના રાજકોટ યાર્ડમાં આજે ૩૭.૫૦ લાખ કિલો અર્થાત્ ૧.૨૫ લાખ ગુણી મગફળીની આવક થઈ હતી અને રાત્રિથી મોરબી રોડ, બેડી આસપાસ વાહનોના થપ્પા લાગ્યા હતા. તો બીજી તરફ રાજકોટના જુના યાર્ડ કે જ્યાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ હતી ત્યાં યાર્ડના સૂત્રો અનુસાર રાજકોટ સહિત ચાર તાલુકામાંથી માંડ ૨૦ ખેડૂતો મગફળી વેચવા આવ્યા હતા.

સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો

ગત વર્ષે આ સમયે મગફળીના ભાવ મણદીઠ 850થી 950 હતા. પરંતુ આ વર્ષે રૂ.1 હજારથી 1150 સુધી બોલાઈ રહ્યા છે. આમ મગફળીના ભાવમાં માત્ર 10 ટકા વધારો થયો છે પરંતુ તેની સામે સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો થયો છે. મગફળીની આવક પણ ગત વર્ષની સરખામણીએ 20થી 25 ટકા ઓછી છે. રાજ્યમાં અત્યારે દૈનિક અંદાજે 4 લાખ બોરી મગફળીની આવક થઈ રહી છે.

  • ભારે વરસાદથી પાકને અસર, મગફળીનું ઓછું ઉત્પાદન અને જંગી નિકાસને લીધે મોટા ભાગની બ્રાન્ડના ડબાનો ભાવ 2500ને પાર
  • ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવ 10 ટકા વધ્યા, સિંગતેલના ભાવમાં 25થી 30 ટકાનો વધારો
  • રેકોર્ડ 21 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું પરંતુ વરસાદથી ઉત્પાદન 35 લાખ ટન રહેવા ધારણા
  • સરકાર ઝડપથી પગલાં નહીં લે તો સિંગતેલના ડબાનો ભાવ 3 હજાર સુધી પહોંચી જવાની ઓઈલ મિલરોની દહેશત

ચીનને સિંગતેલની નિકાસ 1 લાખ ટને પહોંચવાનો અંદાજ

સૌથી વધુ સિંગતેલનું ઉત્પાદન ગુજરાતમાં છતાં ભાવ સતત વધી રહ્યાં છે જેનું કારણ ચીનમાં મોટાપાયે નિકાસ છે. ગત વર્ષે ચીનમાં સિંગતેલની નિકાસ 50-55 હજાર ટનની રહી હતી જે આ વર્ષે વધીને એક લાખ ટને પહોંચવાનો અંદાજ છે. અત્યાર સુધીમાં ફોરવર્ડમાં 30-35 હજાર ટનના વેપાર થયા છે.

ગોંડલ યાર્ડમાં પણ રાજકોટ જેટલી મગફળીની ધૂમ આવક થઈ હતી અને વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ગોંડલમાં ટેકાના ભાવે મગફળી વેચવા ગયેલા ખેડૂતોને પ્રથમ દિવસે જ નારાજગી જોવા મળી હતી. નિયમોનુસાર સરકારમાં ૧૩૦ અને ૧૪૦ના ઉતારા ગણીને મગફળી ખરીદીના આદેશોના પગલે અનેક ખેડૂતોની મગફળી રિજેક્ટ થઈ હતી. રાજકોટ યાર્ડમાં તો મગફળી રિજેક્ટ થાય એટલે એ માલ લઈને ખેડૂતો યાર્ડમાં જઈને વેચી આવવા લાગ્યા હતા. રાજકોટમાં મગફળીના ન્યુનત્તમ રૂ।.૯૦૦થી મહત્તમ રૂ।.૧૧૬૦ સુધીના ભાવે સોદા થયા હતા.

ઉલ્લેખનીય છે કે મગફળીનો માલ (ઉતારો) નબળો જણાય તો યાર્ડના વેપારી પચાસ-સો-બસ્સો ઓછા ભાવ આપીને પણ મગફળી ખરીદી લેતા હોય છે પણ સરકારની ટેકાની ખરીદીમાં આવી છૂટછાટ હોતી નથી. વળી યાર્ડમાં વેપારીઓ ત્વરિત નાણાંની ચુકવણી કરતા હોય અને લાંબી સરકારી પ્રક્રિયામાંથી પસાર થવું ન પડતું હોય તેને કારણે ખેડૂતો તેને પસંદ કરવા લાગ્યા છે.

ગુજરાતમાં અંદાજે ૩૫ લાખ ટન મગફળીનો પાક થવાની ધારણાં છે પણ તેમાં ખારી સિંગ તરીકે, બિયારણ તરીકે, ચીન અને દક્ષિણ ભારતમાં નિકાસ માટે તથા સરકારી ખરીદી વગેરેને બાદ કરતા ૧૦થી ૧૨ ટન મગફળી માર્કેટયાર્ડમાં વેચાવાનો અંદાજ યાર્ડના સૂત્રો આપી રહ્યા છે.

Read Also

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

ધારીવાલનો અજય માકન પર જોરદાર હુમલો, તેઓ પક્ષપાત કરવા આવ્યા હતા; પાયલટને ગણાવી દીધા ગદ્દાર

Hemal Vegda
GSTV