GSTV
GSTV લેખમાળા Trending

Great Indian bustard / એક પક્ષીને બચાવવા ગામલોકોએ 60 કિલોમીટર ચાલીને આવેદનપત્ર આપ્યું

વૃક્ષોની કિંમત રણપ્રદેશના લોકોને વધારે હોય છે. રાજસ્થાનના જેસલમેરમાં પર્યાવરણ લોકજીવનનો અભિન્ન ભાગ છે. પ્રકૃતિ સાથે અંદાજો ત્યાંના લોકોની પરંપરાઓથી પણ લગાવી શકાય છે. રાજસ્થાનમાં મંદિર અને દેવસ્થાનોની નજીકની જમીનને ખેતી માટે આરક્ષિત ઘોષિત કરવામાં આવી છે જેને ત્યાં ‘ઓરણ’ કહે છે. ઓરણ સંસ્કૃત શબ્દ અરણ્યમાંથી બન્યો છે, જેનો અર્થ થાય વનક્ષેત્ર. ચરાણ કે ગોચર જમીન.

ઓરણમાં જુદા જુદા પ્રકારની ઔષધિ ઉત્પન્ન થાય છે, એ તો ખરું જ. ઉપરાંત, કવિ દીપ સિંહ ભાટીએ ઓરણનું મહત્વ દર્શાવતા વર્ષો પહેલા 31 દોહા લખ્યા હતા જે ત્યાં સ્થાનિક લોકોમાં ખાસા જાણીતા છે. આનાથી પણ ખ્યાલ આવે કે ત્યાંના લોકો માટે ઓરણ જમીન કેટલી મહત્વની છે. 

વાત એમ છે કે

અત્યારે આ જ ઘાસચારાવાળી (ઓરણ) જમીન માટે થઈને ગ્રીન એનર્જી કંપનીઓ અને સ્થાનિક લોકો સામસામે આવી ગયા છે. એક બાજુ આ કંપનીઓ આ વિસ્તારમાં જોવા મળતા ગ્રેડ ઇન્ડિયન બસ્ટર્ડ (ગોડાવણ, સોન ચીડિયા: વૈજ્ઞાનિક નામ Ardeotis nigriceps)ને સ્વચ્છ ઊર્જાના ડેવલોપમેન્ટમાં નડતરરૂપ માની રહી છે, તો બીજી બાજુ ગ્રામવાસીઓનો આરોપ છે કે છેલ્લા દોઢ વર્ષમાં આ કંપનીઓ દ્વારા અમારી આ ફળદ્રુપ જમીન પર જોખમ ઊભું કરાયું છે.

પોતાની જમીન માટે રાજસ્થાનના સાંવતા, ભીમસર, દવાડા, રાસલા, અચલા અને આસપાસ 10-12 ગામના લોકોએ તાજેતરમાં જ 60 કિલોમીટર પગપાળા યાત્રા કરીને કંપનીઓ વિરુદ્ધ આવેદનપત્ર કલેક્ટરને આપ્યું. ગ્રામવાસીઓનો આરોપ છે કે કંપનીઓ સોલાર પ્લાન્ટ માટે ખેતીની વચ્ચોવચ હાઈટેન્શન પાવર લાઈન નાખી રહી છે.

અમારા ઊંટના જીવ જોખમમાં છે

 દેગરાય જંગલ (ઓરણ)માંથી પસાર થઈ રહેલી પાવર લાઇનના જોખમ વિશે જણાવતા જેસલમેર જિલ્લાના સાંવતા ગામના રહેવાસી સુમેર સિંહ ભાટી મીડિયા સાથેની વાતચીતમાં કહે છે કે, ઓરણમાં સોલર કંપનીએ પાવર લાઈનની ઊંચાઈ માત્ર 20 ફિટ રાખી છે. અમારા ઊંટની ઊંચાઈ 10 ફિટ અને તેના પર બેઠેલા માણસની ઊંચાઈ ત્રણ ફિટ થાય. આવામાં હાઈટેન્શન પાવર લાઈન અને તેના વચ્ચેનું અંતર માત્ર 7 ફિટ રહે છે. આ ઊંટ અને તેના પાલકના જીવ માટે અત્યંત જોખમ છે. રાજસ્થાનમાં સૌથી વધારે ઊંટ આ વિસ્તારમાં છે. મારી પાસે જ 400 ઊંટ છે. અમારી આજીવિકા તેમના પર જ નભે છે.

વિરોધનો મુદ્દો ક્યો છે?

અગાઉ વાત કરી તેમ ઓરણ સાથે રાજસ્થાનના લોકોની લાગણી જોડાયેલી છે. ત્યાંના સ્થાનિક રહેવાસી અને પર્યાવરણ પ્રેમી પારથ જગાણી અનુસાર દેગરાય ઓરણનો ઇતિહાસ 602 વર્ષ જૂનો છે. તે સમયના તામ્રપત્ર અનુસાર સવંત 1476 એટલે કે 1419ની સાલમાં જેસલમેરના રાજા વિક્રમદેવ અજમેરના પુષ્કરમાં સ્નાન કરવા આવ્યા હતા. અહીં તેમણે ચંદ્રને સાક્ષી માનીને પોતાના દેશી રાજ્ય જેસલમેરમાં દેગરાય મંદિરની ચારે બાજુની જમીનમાંથી 12 કોસ (એક કોસ એટલે આશરે 3 કિમી) જેટલી જમીનને ઓરણ તરીકે દાન કરી દીધી. દાનની આ જમીન 60 હજાર વીઘા નક્કી થઈ. જાહેરાત કરવામાં આવી કે ઓરણ જમીન ઉપર કોઈ હળ નહીં ચલાવે. તેના પરના છોડ-વૃક્ષ નહીં કાપે અને જાનવરોનો શિકાર પણ નહીં કરવામાં આવે. આ જગ્યાનો ઉપયોગ માત્ર પ્રાણીઓને ચરાવવા માટે કરવામાં આવશે.

ગ્રામવાસીઓ આ પરંપરાને 602 વર્ષની નિભાવી રહ્યા છે. તેમની ઓરણ સાથે ધાર્મિક અને સામાજિક માન્યાતા  જોડાયેલી છે. આજે દેગરાય ઓરણ, રણની વચ્ચોવચ આવેલું એક જંગલ છે. આ જંગલ વચ્ચે મેદાનો પણ છે. જ્યાં સાંવતા, ભીમસર, દવાડા, રાસલા, અચલા સહિતના આસપાસના 12 ગામના ગાય, બળદ, ઘોડા વગેરે પ્રાણીઓ ચરે છે. છેલ્લા એક દાયકામાં આ વિસ્તારમાં બહારની કંપનો અને સરકારની દખલ વધી છે. કંપની અહીં સોલરના મોટા મોટા પ્લાન્ટ નાખી રહી છે. આ રીતે એક પ્લાન્ટ અત્યારે દેગરાય જંગલમાંથી ઇલેક્ટ્રિકસીટીની એક મોટી લાઈન કાઢી રહ્યું છે. ગ્રામજનો આ જ પાવર લાઈનનો વિરોધ કરી રહ્યા છે.

સમસ્યાનું મૂળ આ છે

દેગરાય મંદિર ટ્ર્સ્ટ અને ઓરણ બચાવો સમિતિના સચિવ દુર્જન સિંહે એક મીડિયા સાથેની વાતચીતમાં આ પ્રશ્નના મૂળ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે, આઝાદી બાદ જ્યારે જમીનની માપણી થઈ ત્યારે ઓરણની આ જમીન સરકાર હસ્તક ગઈ. ગ્રામવાસીઓએ પણ આના પર કોઈ ધ્યાન ન આપ્યું. 1999ની સાલમાં એક પ્રાઈવેટ સોલાર કંપની જ્યારે અહીં કામ કરવા આવી ત્યારે ઓરણની જમીન પરના વૃક્ષો કાપવાના શરૂ થયા. ત્યારે ગ્રામવાસીઓએ જૂના રેકૉર્ડ શોધવાના શરૂ કર્યા. પ્રશાસને લોકોના વિરોધ બાદ 60 હજારમાંથી 24 હજાર વીઘા જમીન ઓરણ તરીકે સ્વીકારી. બાકી બચી 36 હજાર વીઘા જમીન, જેને ઓરણ તરીકે દાખલ કરવાની માંગણી ગામ કરી રહ્યું છે.

દુર્જન સિંહ કહે છે કે, પહેલા તો આ 36 હજાર વીઘા જમીન પર સરકારે પાવર કંપનીઓને કામ કરવાની છૂટ આપી, પરંતુ હવે તો બાકીની 24 હજાર વીઘા જમીન, જે ઓરણ તરીકે ઑફિશિયલ ફાળેવલી છે, એના પર પણ કંપનીઓ મોટા મોટા ટાવર લગાવી રહી છે. હાઈટેન્શન પાવર લાઈન કાઢવામાં આવી રહી છે. આના કારણે ઓરણમાં રહેતા સેંકડો પ્રકારના પક્ષી અને પ્રાણીઓ ઉપર પણ ખતરો તોળાઈ રહ્યો છે.

 ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ સોન ચિરૈયા ઉપર પણ જોખમ

રાજસ્થાનનું ‘રાજ્ય પક્ષી’ ગ્રેટ ઈન્ડિયન બસ્ટર્ડ છે જેને રાજસ્થાનમાં લોકો ગોડાવણ નામથી ઓળખે છે. આ ઉપરાંત તેને સોન ચિડિયા, સોન ચિરૈયા અને હુકના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પક્ષી શિયાળાની સિઝનમાં ઓરણમાં જોવા મળે છે. પારથ જણાવે છે કે, 2020ના સપ્ટેમ્બર મહિનામાં હાઈટેન્શન લાઈનથી એક ગોડાવણનું મૃત્યુ થઈ ગયું. 2021ના માર્ચમાં અહીં છેલ્લી વખત ગોડાવણ જોવા મળ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગોડવણ વન્યજીવ સુરક્ષા કાયદા 1972ના શેડ્યૂલ એક હેઠળ સુરક્ષિત પક્ષી છે. આ ઉપરાંત ગયા વર્ષે (2020માં) જગંલી પ્રાણીઓની સ્થંળાતર કરતી પ્રજાતિઓની સુરક્ષા માટે થયેલા કન્વેશનમાં પણ ગોડાવણને અત્યંત દુર્લભ પક્ષી ગણવામાં આવ્યો હતો. દુનિયામાં માત્ર રાજસ્થાનમાં જ આ પક્ષી જોવા મળે છે અને તેની સંખ્યા આશરે 120-130 જેટલી જ છે. ભારતની વન્યજીવની સંસ્થાઓ અને કેટલાક વૈજ્ઞાનિકો ગોડાવણને લુપ્ત ન થઈ જાય એ માટેની જદ્દોજહદમાં લાગેલા છે.

હાઈટેન્શન પાવર લાઈનથી અન્ય પક્ષી અને પ્રાણીઓ પર પણ જોખમ રહે છે. ભારતીય વન્યજીવ સંસ્થા (ડબ્લ્યૂઆઈઆઈ)એ 2020ની સાલમાં પોતાના રિપોર્ટમાં આ લાઈનોના કારણે પક્ષીઓના થયેલા મૃત્યુના ચોંકાવનારા આંકડાઓ આપ્યા હતા. તે અનુસાર જેસલમેર જિલ્લામાં ડેઝર્ટ નેશનલ પાર્ક અને આસપાસના વિસ્તારમાં હાઈટેન્શન પાવર લાઈનથી વર્ષમાં આશરે 83 હજાર જેટલા પક્ષીઓ મરી જાય છે. રિપોર્ટના તારણ મુજબ પ્રતિ હજાર વર્ગ કિલોમીટરમાં 20 હજાર પક્ષીઓ વીજળીના વાયર સાથે ભટકાઈને જીવ ગૂમાવે છે.

ગુરુ ગોવિંદ સિંહ ઇન્દ્રપ્રસ્થ યૂનિવર્સિટી સ્કૂલ ઑફ એનવાયર્મેન્ટ મેનેજમેન્ટ વિભાગના અસિસ્ટન્ટ પ્રોફેસર સુમિત ડૂકિયા છે. તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, થોડા દિવસો પહેલા એક એવો રિપોર્ટ આવ્યો હતો કે ભારતમાં ગ્રીન એનર્જીના સપનાની વચ્ચે ગોડાવણ અવરોધરૂપ બની રહ્યું છે. દેગરાય (ઓરણ) રાસલા ગામને અડીને આવેલું જંગલ છે જે ડેઝર્ટ નેશનલ પાર્કનું સેટેલાઈટ એનક્લોઝર પણ છે. દેગરાય જંગલમાં પણ ગોડાવણ પક્ષીઓએ પોતાનું ઘર બનાવ્યું છે. આ વર્ષના પહેલા બે મહિનામાં (જાન્યુઆરી – ફેબ્રુઆરી) અમારી તપાસમાં ખબર પડી કે, ઓરણમાં 45 મોટા પક્ષી હાઈટેન્શન પાવર લાઈનની ચપેટમાં આવવાના કારણે મરી ગયા છે.

શું કહે છે સર્વોચ્ય અદાલત અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ?

આ સમસ્યાથી છૂટકારો મેળવવા પર્યાવરણ પ્રેમી ગ્રામવાસીઓએ સર્વોચ્ય અદાલત અને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલમાં કેસ કર્યા છે. એવો એક 2019થી 2021 સુધી ચાલ્યો. સુપ્રિમ કોર્ટે ચાલી રહેલા કામ અટકાવવાનો અને થાંભલાઓ તથા તાર ઉપર રિફ્લેક્ટર લગાવવાનો આદેશ આપ્યો, પરંતુ કંપનીઓ તે આદેશનો ઉલ્લંઘન કરે છે. અમુક જગ્યાએ સામાન્ય રેડિયમ લગાવવામાં આવ્યા છે જેના પર પ્રકાશ પડતા ચમકે છે. જેમણે કેસ કર્યો હતો તે રણજીતસિંહ ઝાલાએ મીડિયા સાથેની વાચતીમાં કહ્યું કે, પક્ષી ટોર્ચ લઈને તો ન ઉડે ને! ગોડાવણ તો ઉડતી વખતે પણ આજુ-બાજુ જુએ છે માટે  તેમની વીજળીના તારો સાથે ભટકાવવાની ઘટના વધારે થાય છે. તેની ઉડાન પણ વધારે હોય છે.

સુપ્રીમ

સુમિત ડૂકિયાએ જણાવ્યું હતું કે, સુપ્રિમ કોર્ટે કંપનીઓને લો-લેવલ પાવર લાઇનને ભૂગર્મમાં સેટ કરવાનું કહ્યું છે. હાઇટેન્શન પાવર લાઇન ભૂગર્ભમાં ફિટ કરવા માટેની શક્યતા ચકાસવા માટે ત્રણ સભ્યની કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે. પરંતુ કંપનીની પ્રતિનિધિ હજુ તેમની સામ હાજર નથી થયા. કંપની અન્ડરગ્રાઉન્ડ વાયરિંગ કરવામાં આનાકાની કરી રહી છે કારણ કે કંપનીનો ખર્ચો તેમાં વધી જાય છે.

આ સમસ્યાનું કાયદાકીય સોલ્યુશન સર્વોચ્ય અદાલત અને એનજીટીની આગામી સુનાવણીમાં કદાચ મળશે.

Read Also

Related posts

શેરબજારમાં કરોડો રૂપિયા કેવી રીતે કમાઈ શકાય? Warren Buffettની સલાહથી થશે જોરદાર કમાણી

Damini Patel

હટકે અંદાજ/ બૉસથી પરેશાન થઇને એમ્પ્લોયીએ બોલીવુડ સૉન્ગ લખીને આપ્યું રાજીનામું, વાંચીને લોકોની ઉડી ગઇ ઉંઘ

Karan

Bedroom Secret/ મિલિંદ સોમને ખોલ્યા બેડરૂમના રહસ્ય, કહ્યું- હજુ પણ 26 વર્ષ નાની પત્નીથી વધુ…

Damini Patel
GSTV