GSTV

વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો ખતમ કરવાનો નિર્ણય, બિલને કેબિનેટની મંજૂરી

ટેક્સ

Last Updated on August 6, 2021 by Damini Patel

કેન્દ્ર સરકારે વિવાદાસ્પદ રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદો ખતમ કરવાનો નિર્ણય લીધો છે. વર્ષ ૨૦૧૨ના રેટ્રોસ્પેક્ટિવ ટેક્સ કાયદા (પાછલી અસરથી કર લાગુ થવો)ના કારણે કેર્ન અને વોડાફોન જેવી કંપનીઓએ સરકાર સામે કેસ કર્યો હતો. કેબિનેટે વર્ષ ૨૦૧૨ના વિવાદાસ્પદ કાયદાને ખતમ કરવા માટેના એક બિલને ગુરુવારે મંજૂરી આપી છે. એટલું જ નહીં કેન્દ્ર સરકાર આ કાયદા હેઠળ કંપનીઓ દ્વારા ચૂકવવામાં આવેલી રકમ વ્યાજ વિના સંબંધિત કંપનીઓને પાછી આપવા પણ તૈયાર છે. આ કાયદાના અમલના સંદર્ભમાં ભારત વોડાફોન અને બ્રિટિશ કંપની કેર્ન એનર્જી વિરુદ્ધ કેસ હારી ગઈ હતી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને રેટ્રોસ્પેક્ટિવ કાયદાને રદ કરવા અંગેનું બિલ ગુરુવારે લોકસભામાં રજૂ કર્યું હતું. આ બિલને અગાઉ કેબિનેટે મંજૂરી આપી દીધી છે. નવા સૂચિત બિલ હેઠળ મે ૨૦૧૨ પહેલાં ભારતીય એસેટ્સના કોઈપણ પરોક્ષ સોદાઓ પર રેટ્રોસ્પેક્ટિવ કાયદો લાગુ થઈ શકશે નહીં. જોકે, આ માટે સરકારે કેટલીક શરતો લાગુ કરી છે. નવું બિલ કાયદો બન્યા પછી કેન્દ્ર સરકારના વોડાફોન અને કેર્ન એનર્જી સાથેના કાયદાકીય વિવાદોનો અંત આવવાની શક્યતા છે.

સારું ઈન્વેસ્ટમેન્ટ સ્થળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું

પાછલી અસરથી કર લાગુ થવાનો કાયદો દૂર કરવા માટે નવું બિલ લાવવા અંગે મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું કે ટેક્સેશન લૉ અમેન્ડમેન્ટ બિલ ભારતને એક વધુ સારું ઈન્વેસ્ટમેન્ટ સ્થળ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. રેટ્રોસ્પેક્ટિવ (પાછલી અસરથી) ટેક્સ ન લગાવવા સંબંધિત આ નવું બિલ સંસદમાં પસાર થઈ ગયા પછી અમને ટેક્સ વિભાગ સાથે સંકળાયેલા ૧૭ ટેક્સ વિવાદ સંબંધિત કેસો ઉકેલવામાં મદદ મળશે. તેમાંથી ચાર ટેક્સ વિવાદના કેસમાં અત્યાર સુધીમાં અંદાજે ૮,૦૦૦ કરોડ રૂપિયા એકત્ર કરાયા છે. આ બિલ પસાર થયા પછી ભારત સરકારની ટોટલ ફાઈનાન્સિયલ લાયેબિલિટી અંદાજે ૮,૦૦૦ કરોડની થશે.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં હેગમાં એક આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા ઓથોરિટીએ ચૂકાદો સંભળાવ્યો હતો કે વોડાફોન પર ભારતની કર જવાબદારી, સાથે જ વ્યાજ અને દંડ, ભારત અને નેધરલેન્ડ વચ્ચે રોકાણ સંધી સમજૂતીનો ભંગ છે. સૂચિત કાયદો એ પણ બતાવે છે કે કેન્દ્ર સરકાર મે ૨૦૧૨ના રેટ્રોસ્પેક્ટિવ કાયદા હેઠળ ચૂકવાયેલી રકમ કોઈપણ વ્યાજ વિના પરત કરવા માટે તૈયાર છે. પાછલી અસરથી કર વસૂલાતના કારણે કેર્ન અને વોડાફોન જેવી કંપનીઓએ આંતરરાષ્ટ્રીય અદાલતોમાં કેસ દાખલ કર્યા હતા અને બધા જ કેસમાં ભારત સરકારે પરાજયનો સામનો કરવો પડયો હતો.

વોડાફોન કેસમાં ભારત સરકારનો પરાજય

કેર્ન અને વોડાફોન બંને કેસમાં નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા ઓથોરિટીએ કહ્યું કે ભારતે કથિત કર જવાબદારી અથવા કોઈ વ્યાજ અથવા દંડની વસૂલી માટે કોઈ વધુ પ્રયાસ ન કરવો જોઈએ. ભારત સરકાર ગયા સપ્ટેમ્બરમાં નેધરલેન્ડમાં આંતરરાષ્ટ્રીય મધ્યસ્થતા લવાદમાં વોડાફોન વિરુદ્ધ કેસ હારી ગઈ હતી.

કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૦૭માં હચિસન વ્હામપોઆ પાસેથી વોડાફોનની ૧૧ અબજ ડોલરની ભારતીય મોબાઈલ સંપત્તિના હસ્તાંતરણ સંબંધે રૂ. ૧૧,૦૦૦ કરોડના કરની માગણી કરી હતી. કંપનીએ તેનો વિરોધ કર્યો હતો અને કોર્ટમાં કેસ થયો હતો. ટ્રિબ્યુનલે ચૂકાદો સંભળાવ્યો હતો કે વોડાફોન પર કર જવાબદારીની સાથે વ્યાજ અને દંડ લગાવવાથી ભારત અને નેધરલેન્ડ વચ્ચે એક રોકાણ સંધિ સમજૂતીનો ભંગ થયો છે.

Read Also

Related posts

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન 150 દેશોની કરી મદદ

Zainul Ansari

વર્ચસ્વની લડાઈ / આ બિઝનેસમાં મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી સામ-સામે, અદાણીએ 1.5 લાખ કરોડનું કરશે રોકાણ

Zainul Ansari

મોટા સમાચાર / સોનુ સુદ ગુજરાતમાં એક્ટિવ, આપ નેતાઓ સાથે અમદાવાદની ખાનગી હોટેલમાં બંધ બારણે કરી બેઠક

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!