ઘણી વખત કંપનીઓમાં મોટા પાયે છટણી થઈ જાય છે. આ દરમ્યાન ઘણાં લોકોની નોકરી છૂટી જાય છે. એવામાં જ્યાં સુધી નવી નોકરી મળે નહીં ત્યાં સુધી સંબંધિત વ્યક્તિ માટે ઘરનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ થઈ જાય છે.
આ સમસ્યાને જોઈને કેન્દ્ર સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે મંગળવારે એક પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જે પ્રમાણે જો કોઈ વ્યક્તિની નોકરી જતી રહે છે, તો તેને નવી નોકરી મળે નહીં ત્યાં સુધી સરકાર તરફથી રોકડ મળશે.
કર્મચારી રાજ્ય વીમા નિગમે (ESIC) મંગળવારે પોતાની 175મી બેઠક કરી હતી. જેમાં તેમણે ‘અટલ બીમિત વ્યક્તિ કલ્યાણ યોજના’ને મંજૂરી આપી દીધી છે. આ યોજના હેઠળ જો કોઈ કર્મચારી ઈએસઆઈસી યોજના હેઠળ રજીસ્ટર છે તો તેને આ યોજનાનો લાભ મળશે. મંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદન મુજબ, ભારતમાં રોજગારનું સ્વરૂપ સતત બદલાઈ રહ્યું છે. આ લાંબા ગાળાના રોજગારની સરખામણીએ નાના સમયગાળાનું થઈ ગયુ છે. એવામાં નોકરીમાંથી છૂટા કરાયેલા લોકોની મદદ સરકાર કરશે.
આવા લોકોને જ્યાં સુધી નવી નોકરી મળે નહીં ત્યાં સુધી સરકાર પૈસા આપશે. આ પૈસા સીધા તેમના ખાતામાં જમા થશે. મંત્રાલયે જણાવ્યું કે આ સુવિધાનો લાભ કોઈ પણ કર્મચારી કેવીરીતે ઉઠાવી શકશે. તેના માટે ટૂંક સમયમાં એપ્લિકેશન ફોર્મેટ અને યોગ્યતાના નિયમ જાહેર કરાશે.
બેરોજગારી દરમ્યાન રોકડ સહયોગ આપવાની સાથે જ ઈએસઆઈસીએ બીજા કેટલાંક નિર્ણયો પણ લીધા છે. જેમાં આધાર નંબરને ઈએસઆઈસી ડેટાબેઝ સાથે લિંક કરવાથી કંપનીને 10 રૂપિયા વ્યક્તિદીઠ રિઈમ્બર્શમેન્ટ આપવામાં આવશે.
વધારાના વિશેષ ઉપચારના નિયમ પણ ઈએસઆઈસીએ હળવા કરી દીધા છે. જેના માટે જ્યાં પહેલા બે વર્ષ રોજગારમાં હોવુ જરૂરી હતું. હવે તેને ફક્ત 6 મહિના કરી દીધા છે. તેમાં પણ યોગદાનની શરત 78 દિવસની કરી દેવામાં આવી છે. વીમાવાળા વ્યક્તિ પર નિર્ભર લોકોને વધારાની વિશેષ સારવાર માટેની યોગ્યતા પણ હળવી કરી દીધી છે. હવે 1 વર્ષનો વીમા રોજગાર કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ 156 દિવસનું યોગદાન હોવુ જોઈએ. આ સિવાય ઈએસઆઈસીએ વીમાધારક વ્યક્તિના મૃત્યુ થયા બાદ તેના અંતિમ સંસ્કારના ખર્ચપેટે 10 હજારથી 15 હજાર રૂપિયા કરી દીધા છે.